You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રાઉન્ડ રિપોર્ટ: ગુજરાતમાં દલિતોની મૂછ અને જીન્સ ખટકે છે
ગુજરાતની રાજધાની ગાંધીનગરથી માત્ર 20 કિલોમીટર દૂર રહેતા કુણાલ મહેરિયા આ ચૂંટણીને મહત્ત્વની માનતા નથી.
લિંબોદરા ગામના દલિત વિસ્તારમાં રહેતા કુણાલનું કહેવું છે કે રાજ્યમાં ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની, તેમના જેવા દલિતોના જીવનમાં કોઈ સુધારો થતો નથી.
તેમના આમ કહેવા પાછળ કોઈ ઘટના છે.
"એ રાત્રે હું મારા મિત્રને મળવા મારા ઘરેથી નીકળ્યો હતો. ત્યાં જ મને થોડે દૂર દરબારોની વસતીમાં રહેતા ભરત વાઘેલાની મોટરબાઇકનો અવાજ સંભળાયો હતો."
તમને આ પણ વાંચવું ગમશે
"હું ચાલીને જઈ રહ્યો હતો. અવાજ સાંભળીને હું પહેલા ચૂપચાપ એકબાજુએ ચાલવા લાગ્યો. તેમ છતાં તે મારી તરફ આવ્યો અને બાઇક મારા પર ચઢાવી દીધી હતી."
"હું દૂર હટી ગયો તો મને ગાળો આપવા લાગ્યો કે હું નાની જાતિનો હોવા છતાં મારી હિંમત કેવી રીતે થઈ તેની સામે બોલવાની."
આટલું કહેતાં જ બે રૂમનાં પાક્કા મકાનમાં પોતાના પિતા સાથે બેઠેલો કુણાલ ચૂપ થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઊંચી જાતિઓ સાથે અણબનાવ
થોડીવારમાં ધ્રૂજતા અવાજ સાથે તેઓ કહે છે, "મેં પછી કહ્યું કે મારે કોઈ ઝઘડો નથી કરવો અને હું મારા રસ્તા પર આગળ વધવા પ્રયાસ કરતો રહ્યો."
"પરંતુ તેઓ ન માન્યા અને તેમની બાઇક મારી સામે ઊભી કરી દીધી."
"મને તેની વાતો ખૂંચી રહી હતી પરંતુ હું લડવા માગતો ન હતો. તેમણે બાઇકમાં બાંધેલો ડંડો કાઢ્યો અને ગાળો આપતા જોર જોરથી મને મારવા લાગ્યા."
"ત્યાં આસપાસ ઊભેલા લોકોએ મને બચાવવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ મને મારતા મારતા વારંવાર મને મારી જાતિ વિશે જાહેર ટીકા કરતા રહ્યા અને આગળ જોઈ લેવાની ધમકીઓ આપતા રહ્યા."
કુણાલ પર થયેલો હુમલો ગત સપ્ટેમ્બર અને ઑક્ટોબર દરમિયાન દલિત યુવકો પર થયેલા ત્રણ હુમલાઓમાંનો એક છે.
આ મામલે કલોલ (ઉત્તર ગુજરાતનું શહેર) પોલીસ સ્ટેશનમાં ભરત વાઘેલા વિરૂદ્ધ IPCની ધારા 323 અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કુણાલ કહે છે કે પોલીસે એક દિવસ આવીને ભરત અને તેમના મિત્રોને સમજાવ્યા કે તેમણે જે કર્યું તે ખોટું કર્યું. તેની આગળ કંઈ જ ન થયું.
"ઘટના બાદ જ્યારે હું ઘરે આવ્યો તો મારા પિતા મને હૉસ્પિટલ લઈ ગયા. સરકારી હૉસ્પિટલ હતી તો ડોક્ટરે પણ મારી પીઠ પર લાગેલા ઘા જોઈને કહ્યું કે પોલીસ કેસ કરવો પડશે."
"અમે કેસ પણ દાખલ કરાવ્યો પણ કંઈ ન થયું. પોલીસ તપાસ હજુ પણ ચાલી રહી છે."
કુણાલ પર થયેલા આ હુમલા સાથે જોડાયેલા ઘટનાક્રમની શરૂઆત 25 સપ્ટેમ્બરનાં રોજ લિંબોદરામાં જ પીયુષ પરમાર અને દિગન મહેરિયા પર થયેલા હુમલાથી થઈ હતી.
21 વર્ષીય પીયુષ અને 17 વર્ષીય દિગન ગામમાં ગરબા જોવા ગયા હતા.
"તે લોકો ગરબા જોઈ રહ્યા હતા, એ ગામના દરબારોને પસંદ ન આવ્યું."
"દરબાર જ્ઞાતિના કેટલાક યુવકોએ પીયૂષ અને દિગનને દલિત થઈને મૂછ રાખવા, શર્ટ અને જીન્સ પહેરીને ગરબા જોવા આવવાને લઇને કટાક્ષ કર્યો હતો."
"તેમની વચ્ચે બોલાચાલી થઈ ગઈ પરંતુ તે મામલાનો ત્યાં અંત ન આવ્યો. આગામી દિવસે દરબારના બે યુવાનોએ આવીને પીયૂષ અને દિગનને ધમકાવતાં કહ્યું કે દલિત હોવા છતાં તેમની હિંમત કેવી રીતે થઈ તેમને જવાબ આપવાની."
કુણાલ જણાવે છે, "દિગન અને પીયૂષે ગામનાં પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી પણ કંઈ ન થયું."
"દરબાર પરિવારોનાં યુવકો દિગનને સ્કૂલ જતાં સમયે હેરાન કરતા અને પીયૂષને નોકરી પર જતા સમયે."
"દિગન તો પોતાની અગિયારમાં ધોરણની પરીક્ષા પણ સારી રીતે આપી શક્યા ન હતા."
"મારી સાથે મારપીટ થઈ અને તેના થોડા દિવસ બાદ, 3 ઑક્ટોબરના રોજ, દિગનની પીઠ પર બ્લેડથી હુમલો થયો. ત્યારે મને લાગ્યું કે હવે પછી મારો નંબર છે."
આરોપ પરત ખેંચવા પ્રયાસ
દિગનની પીઠ પર થયેલા હુમલા બાદ પોલીસે કેસ દાખલ કર્યો પરંતુ ઘટનાના થોડા દિવસ બાદ જ દિગન અને તેમના પરિવારે હુમલાની જવાબદારી પોતાના પર લેતા ફરિયાદ પરત ખેંચી લીધી હતી.
કુણાલના પિતા રમેશભાઈનું કહેવું છે કે દિગન અને પીયૂષ પર બધા આરોપ પરત ખેંચવાનો દબાવ હતો.
"બ્લેડ વાળા હુમલા બાદ બધા ખૂબ ડરી ગયા હતા. તેમના પરિવારે હવે સમજૂતી કરી લીધી છે એ કારણોસર તેઓ હવે મીડિયા સાથે પણ વાત નથી કરતા."
લિંબોદરામાં દલિતો પર થઈ રહેલા હુમલાનું કારણ પૂછતા કુણાલ કહે છે, "પહેલા અમારો પરિવાર ગામના દરબારોનાં ઘરે મજૂરી કરતો હતો પણ હવે અમારા ઘરમાં બધા જ નોકરી કરે છે."
"તેના માટે અમે શ્રમિકનું કામ નથી કરતા. બસ તેમને એ જ વાત નથી ગમતી."
કુણાલના પિતા રમેશ ગાંધીનગરમાં ઑટોરિક્ષા ચલાવે છે જ્યારે કુણાલ ટેલિકોમ કંપની રિલાયન્સ-જિયોમાં કર્મચારી છે.
"દરબાર લોકોને અમે મૂછ રાખીએ છીએ તે પસંદ નથી. અમે જીન્સ અને શર્ટ પહેરીએ છીએ તે પણ પસંદ નથી."
"અમે શાંતિથી કમાણી કરીને અમારું પેટ ભરીએ છીએ અને આ નાનાં મકાનમાં શાંતિથી રહીએ છીએ."
"તે તેમને નથી ગમતું. તેમને એ વાત નથી ગમતી કે અમે તેમની ગુલામી છોડી દીધી છે."
લિંબોદરાના દલિત યુવાનો પર થયેલા હુમલાઓના વિરોધમાં સોશિઅલ મીડિયા પર 'જાતિવાદના વિરોધમાં અને પીડિતોના સમર્થનમાં' જેવા હેશટેગની સાથે 'હું પણ દલિત' અભિયાન પણ શરૂ થયું હતું.
આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશના દલિત યુવાનોએ મૂછની સાથે સોશિઅલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.
સોશિઅલ મીડિયા
સોશિઅલ મીડિયા વિશે કુણાલ કહે છે, "સોશિઅલ મીડિયા પર જે સમર્થન મને મળ્યું છે કે તે ખૂબ મહત્વપૂર્ણ છે અને તેનાથી મને તાકાત પણ મળી."
"પણ તે છતાં મારે જીવન રોજ એકલા જ જીવવું પડે છે. સોશિઅલ મીડિયા પર કોઈ પણ આવીને મને એ નથી પૂછતું કે આજે હું એકલો ઑફિસ કેવી રીતે જઈશ? ક્યાંક રસ્તામાં મને કોઈ મારી તો નહીં નાખે?"
"કોઈ મળવા પણ નથી આવતું કે ખબરઅંતર પણ પૂછતા નથી. હું રોજ ડરતાં ડરતાં ઑફિસ જાઉં છું."
29 સપ્ટેમ્બરની ઘટનાએ કુણાલને અંદરથી તોડી દીધા છે. ઘટના બાદનો સમય યાદ કરતા તેઓ જણાવે છે, "હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. હંમેશા ઉદાસ રહેતો હતો. મેં મારો આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો."
"તે સમયે મારી પરિક્ષા પણ હતી. પરંતુ તેની તૈયારી હું સારી રીતે ન કરી શક્યો. આગામી મહિને દિવાળી હતી પણ અમે દિપ પણ પ્રગટાવ્યા ન હતા. આખા ઘરમાં ઉદાસી ફેલાયેલી હતી. લાગ્યું કે જાણે કોઈ મરી ગયું છે."
તેઓ જણાવે છે કે તેમનું જીવન બદલાઈ ગયું.
"પહેલા હું રોજ સવારે પાંચ કિલોમીટર દોડવા જતો હતો. પણ હવે ક્યાંય નથી જતો. રાત્રે પણ જો નવ વાગ્યાથી વધુ મોડું થઈ જાય તો મારા માતાપિતાનો શ્વાસ રોકાઈ જાય છે."
"ઑફિસ જવાથી પણ મને ડર લાગે છે. પોતાના જ ગામમાં મારે ડરી ડરીને કેદીની જેમ રહેવું પડે છે."
ગુજરાતની ચૂંટણીમાં આ દલિત યુવાનની કોઈ સરકાર નથી.
પણ જિગ્નેશ મેવાણીનું નામ લેતા જ તેઓ પોતાની નજર ઉપર કરીને કહે છે, "જિગ્નેશ ભાઈએ અમારી ખૂબ મદદ કરી છે. તેમનો મને ફોન આવ્યો હતો. તેમણે ફોન પર કહ્યું કે મારે ડરવાની જરૂર નથી અને તેઓ મારી સાથે છે."
"તેમની પાસેથી અમને હિંમત મળી પણ રાજકારણ અને ચૂંટણીથી અમને કોઈ આશા નથી."
પ્રદેશમાં ભાજપની સરકાર છે અને અમારા ગામમા જે ધારાસભ્ય છે, તેઓ કોંગ્રેસની ટિકિટ જીતીને આવ્યા હતા.
પણ બેમાંથી એક પણ અમારી મદદે ન આવ્યા. મને ખાતરી થઈ ગઈ છે કે આ દેશમાં દલિતોનું સાંભળનાર કોઈ નથી.
ગુજરાતમાં દલિતોની આબાદી સાત ટકા છે પણ તેઓ હજુ સુધી કોઈ રાજકીય જૂથ બનાવી શક્યા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો