You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં રાજકીય પક્ષો માટે ખ્રિસ્તી મતો મહત્ત્વના નથી?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
ગાંધીનગરના રોમન કેથલિક આર્ચબિશપ એટલે કે વડા પાદરી થોમસ મેકવાને લખેલા પત્રને પગલે ગુજરાતના ખ્રિસ્તી સમુદાયના માનવાધિકારો અને અન્ય સમસ્યાઓની વાત સપાટી પર આવી હતી.
2002ના મુસ્લિમવિરોધી રમખાણ અને ટોચના રાજકીય નેતાઓની હિંદુ ઓળખ ચૂંટણીનો મુદ્દો બન્યાં છે, ત્યારે ગુજરાતના નાનકડા ખ્રિસ્તી સમુદાયને લાગે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં અવગણના થઈ રહી છે.
ગુજરાતની કુલ વસતીમાં ખ્રિસ્તીઓનો હિસ્સો એક ટકાથી પણ ઓછો છે. કોઈ પણ રાજકીય પક્ષ ખ્રિસ્તીઓના મત મેળવવાના પ્રયાસ પણ કરતો નથી.
તમને આ વાંચવું પણ ગમશે:
ફાધર થોમસ મેક્વાને બંધારણને આદર આપતા હોય તેવા માનવતાવાદી ઉમેદવારને ચૂંટી કાઢવાની હાકલ કરતો પત્ર બીજા પાદરીઓને લખ્યો હતો.
ચૂંટણી પંચની નોટીસ
રાજ્યના ચૂંટણી પંચે આ પત્ર સંબંધે ફાધર થોમસ મેક્વાનને નોટિસ મોકલીને તેમની પાસેથી ખુલાસો માગ્યો હતો કે તેમની અપીલને નિયમનું ઉલ્લંઘન શા માટે ગણવી ન જોઈએ?
જોકે, પત્ર લખવાનો હેતુ નિયમનું ઉલ્લંઘન ન કરવાનો હોવાનું ફાધર થોમસ મેકવાને જણાવ્યું હતું.
બીબીસીએ સંપર્ક સાધ્યો ત્યારે ફાધર થોમસ મેક્વાને આ બાબતે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો.
ગુજરાતમાં ખ્રિસ્તીઓની સ્થિતિ કેવી છે?
રાજકીય વિશ્લેષક અને સમાજવિજ્ઞાની ઘનશ્યામ શાહ કહે છે, “ખ્રિસ્તીઓ સહિતની ઘણી લઘુમતી કોમ ગુજરાતમાં ભયનો શિકાર છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે દાવો કર્યો હતો કે ''તેમના માટે આ અસ્તિત્વનો સવાલ છે અને એમના પૈકીના કેટલાક મુસ્લિમોની માફક ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની તરફેણ કરી રહ્યા છે.''
જોકે, કોંગ્રેસને છોડીને બીજેપીની નજીક સરકેલા ખ્રિસ્તીઓનું પ્રમાણ ઘણું ઓછું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ખ્રિસ્તી સમુદાયના કર્મશીલ અને ગુજરાતના રાજકારણ પર ઝીણી નજર રાખતા પ્રસાદ ચાકોએ બીબીસી કહ્યું કે, ફાધર થોમસ મેકવાને તેમના પત્રમાં વ્યક્ત કરેલા વિચાર સાથે તે સહમત છે.
પ્રસાદ ચાકોએ કહ્યું, ''ફાધર થોમસ મેક્વાને જે લખ્યું હતું એ સાચું છે, પણ પત્રમાં તેમણે લખેલા કેટલાક શબ્દોને કારણ ગેરસમજ થઈ છે અને વિવાદ સર્જાયો છે.''
વિખ્યાત માનવાધિકાર કાર્યકર ફાધર સેડ્રિક પ્રકાશે બીબીસીને અલગ મુદ્દો જણાવ્યો હતો.
ફાધર સેડ્રિક પ્રકાશે જણાવ્યું હતું કે દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ ગુજરાતમાં ખ્રિસ્તી સમુદાયને રાજકારણનો જોરદાર રંગ લાગ્યો નથી.
તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતના ખ્રિસ્તીઓ સ્થાનિક ગુજરાતી સંસ્કૃતિ સાથે એકદમ ભળી ગયા છે.
તેમણે દાવો કર્યો હતો કે ''ગુજરાતમાં તો દિવાળી અને ઈદની ઉજવણી કરતા ખ્રિસ્તીઓ પણ જોવા મળશે.''
ફાધર સેડ્રિક પ્રકાશે એવો દાવો પણ કર્યો હતો કે ગુજરાતમાંના કેટલાક ખ્રિસ્તીઓએ ક્રિસમસ વખતે તેમના ઘરની બહાર પ્રતિકાત્મક 'સ્ટાર' લગાવવાનું બંધ કરી દીધું છે.
જોકે, સામાજિક કાર્યકર માર્ટિન મેકવાન ફાધર સેડ્રિક પ્રકાશના દાવા સાથે સહમત નથી.
બીબીસી સાથે વાત કરતા માર્ટિન મેકવાને જણાવ્યું કે રાજ્યના અન્ય વિસ્તારોની જેમ અમદાવાદના ખ્રિસ્તીઓએ આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
માર્ટિન મેકવાને કહ્યું, ''હું અમદાવાદમાં મારા ઘરની બહાર વર્ષોથી સ્ટાર લગાવું છું અને મારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.''
ખ્રિસ્તીઓ રાજકીય પક્ષો વિશે શું માને છે?
50 વર્ષના સ્ટેન્લી કિયાઘે જણાવ્યું હતું કે તે રાજકારણમાં બિનસાંપ્રદાયિકતાના સમર્થક છે.
તેમણે કહ્યું, ''કોંગ્રેસ જે બિનસાંપ્રદાયિકતાને અનુસરે એ મને પસંદ છે. તેથી હું હંમેશા કોંગ્રેસની સાથે રહ્યો છું.''
બીજી તરફ શહેરની એક કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત 47 વર્ષનાં જીન ડિસોઝાએ અલગ વાત કરી હતી.
જીન ડિસોઝાએ જણાવ્યું હતું કે તેમને નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને મજબૂત વ્યક્તિત્વ પસંદ છે.
સાવ સામાન્ય માણસમાંથી સિદ્ધિના શિખરે પહોંચવાની નરેન્દ્ર મોદીની કથા તેમને ઘણી આકર્ષક લાગે છે.
બીબીસીએ ઘણા યુવા ખ્રિસ્તી મતદારો સાથે પણ વાત કરી હતી. યુવા ખ્રિસ્તી મતદારો કોંગ્રેસથી દૂર જઈ રહ્યા હોય એવું એ વાતચીતમાં લાગ્યું હતું.
અમદાવાદમાં કાર્યરત આઈટી એક્ઝિક્યુટિવ સુનોજ થમ્પીએ જણાવ્યું હતું કે કેટલીક સમસ્યાઓ જરૂર છે, પણ ગુજરાતમાં બીજેપીએ વિકાસનાં ઘણાં કામ કર્યાં છે.
ખ્રિસ્તીઓ માટે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત વધુ સલામત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સુનોજ થમ્પીએ કહ્યું હતું કે ''અન્ય રાજ્યોમાં વસતા ખ્રિસ્તીઓની સરખામણીએ ગુજરાતમાં ખ્રિસ્તીઓ માટે સલામત નોકરી અને સારી આવક મેળવવાનું હંમેશા આસાન રહ્યું છે.''
અમદાવાદમાં મોટાભાગના ખ્રિસ્તીઓ રાયખડ, મણિનગર, ગોમતીપુર અને વટવા તેમજ ગાંધીનગરના પશ્ચિમી વિસ્તારમાં રહે છે.
ફાધર સેડ્રિક પ્રકાશના જણાવ્યા અનુસાર, મોટાભાગના ખ્રિસ્તીઓ મુખ્યત્વે આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરે છે, જ્યારે યુવા પ્રોફેશનલ્સ સારી કંપનીઓમાં કામ કરી રહ્યાં છે.
અલબત, સરકારી નોકરીઓમાં બહુ ઓછાં ખ્રિસ્તીઓ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો