You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ : મોદીનાં ભાષણોમાં આત્મનિરીક્ષણ ઓછું, આપવડાઈ વધારે
- લેેખક, શિવ વિશ્વનાથન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ખાસ કરીને વક્તૃત્વ કળાના સંદર્ભમાં નરેન્દ્ર મોદી મોટાભાગના રાજકીય ચળવળકર્તાઓની માફક નવા પાઠ તરત આત્મસાત કરી લે છે. કાર્યરીતિની શક્તિને તેઓ જાણે છે અને વક્તૃત્વની વિસ્ફોટક અસરને તેઓ સમજે છે.
પોતાની શક્તિનું મૂળ કાર્યરીતિમાં છે એ મોદી જાણે છે. તેમના ભાષણો નીતિવિષયક કામમાં પરિવર્તિત થશે કે તેમણે આપેલા વચનોનું પાલન થશે એ વાતની ખાતરી તેમની ભાષાને કારણે લોકોને થઈ જાય છે.
નરેન્દ્ર મોદીના ભાષણોના મોટા ભાગના વિશ્લેષકો તેને ત્રણ તબક્કામાં વહેંચે છે.
પહેલો તબક્કો દિલ્હી સર કરવા ઇચ્છતા પક્ષના મહત્વાકાંક્ષી નેતાનો હતો. બીજો તબક્કો તેઓ દિલ્હી પહોંચ્યા અને દેશ, દેશદાઝ તથા વિકાસની એક ચોક્કસ ભાષા વિકસાવી તેનો હતો.
ત્રીજો તબક્કો સત્તા, વહીવટ તથા ક્ષમતાની ઊંડી અનુભૂતિનો અને મોદીના ભાષણ શાસનની ભાષા બન્યાં તેનો છે. ત્રણેય તબક્કામાં જબરદસ્ત અહમ જોવા મળે છે, જેનો લોકો પર ભારે પ્રભાવ પડ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
પહેલો તબક્કો
પહેલો તબક્કો વધારે આક્રમક અને બોડી લૅંન્ગ્વેજ તીવ્ર તથા ઘણીવાર ધમકીભરી છે. તેમણે સવાલો પૂછીને, વ્યંગ કરીને મનમોહન સિંહ અને રાહુલ ગાંધી જેવા નેતાઓને ચૂપ કરી દીધા.
આ તબક્કો ચર્ચાનો ન હતો, એ તો કિલ્લેબંધી તોડીને નિરંકુશ ધસી જવાનો તબક્કો હતો. ચોક્કસ ઉદાહરણોનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મીડિયા માટે એક શાસ્ત્ર તૈયાર કરવામાં આવ્યું છે તથા તેનો ઉપયોગ કોંગ્રેસને હરાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
આ કામ કોફિનમાં ખીલો ઠોકવા જેવું છે. આ વિજયનો સમય આવી પહોંચ્યો હોવાનો આત્મવિશ્વાસ છે.
લગભગ સંપૂર્ણ સત્તા મેળવી ચૂકેલી વ્યક્તિનો મજબૂત અવાજ અને બોડી લૅંન્ગ્વેજ છે. દરેક ખૂણામાં વિજય મેળવવાની ઉત્કટ ઇચ્છા,તેમાં વળગણ પણ અનુભવી શકાય છે.
બીજો તબક્કો
બીજો તબક્કો વધારે મજબૂત બનવાનો રહ્યો. તેમાં સૌથી પહેલાં વેશ બદલાયો. તેમાં વિખ્યાત વ્યક્તિત્વ દેખાઈ. ભાષા નરમ બની.
ભાષા રાજકારણીમાંથી ઉદ્દાત રાજદ્વારી વ્યક્તિની થઈ. ટીકાત્મકને બદલે સ્વસ્થ વહીવટની ભાષા બની છે. વિકાસ અને વહીવટની નવી શબ્દાવલી બની રહી છે. હવે તેમાં પ્રતિક્ષાના વર્ષોની વાત નથી.
બીજેપીએ પહેલા જ દિવસથી ઝડપભેર વહીવટ કરીને કોંગ્રેસને કઈ રીતે પાછળ છોડી દીધો તેની વાત છે.
તેને બિનનિવાસી ભારતીયો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ તથા વિશ્વ બેન્કના અમલદારો પાસેથી સારા કામના સર્ટિફિકેટ્સ મેળવવાનું આજે પણ પસંદ છે.
વર્તમાન શાસનને અનુકૂળતા થાય એ મુજબ ઇતિહાસ ઘડવામાં આવી રહ્યો છે. મહાત્મા ગાંધીને જૂનવાણી પ્રચારક જેવા બનાવી દેવામાં આવ્યા છે અને સરદાર પટેલ વિવેકપૂર્ણ વહીવટનું નવું મોડેલ બન્યા છે.
મીડિયા મોદીના ભાષણોને તેમની સત્તાવાર મોદી નીતિનું સ્વરૂપ આપી રહ્યું છે. વિકાસ, દેશદાઝ, લોકોના ભલા માટે ત્યાગ અને સલામતી નવી સત્તાવાર શબ્દાવલીનો હિસ્સો બની ગયાં છે.
વેશ વધારે સૌમ્ય બન્યો છે, પણ વાઘાંમાં સત્તા જોવા મળે છે.
ત્રીજો તબક્કો
ત્રીજા તબક્કાની પશ્ચાદભૂમાં 2019ની ચૂંટણી, પ્રચાર અને વહીવટનું ત્રેખડ છે. વકૃત્વ યોગી આદિત્યનાથ, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ઇમેજમાં વહેંચાયેલું છે.
રાજનાથ સિંહ અને અરુણ જેટલી પશ્ચાદભૂમાંના નાના ખેલાડીઓથી વિશેષ રહ્યા નથી. આદિત્યનાથ લડાયક મિજાજના છે અને તેઓ આ નવી ત્રિપુટીના કટ્ટરતાવાદી મિજાજનું પ્રતિનિધિત્વ કરે છે.
પક્ષના બોસ અમિત શાહ બહુમતીની કળા સિદ્ધ કરવામાં વ્યસ્ત છે અને નરેન્દ્ર મોદી દબડાવવાનું ઘટાડીને ટેક્નોલૉજી ભણી વળ્યા છે.
તેમની સિદ્ધિઓ તેમના વ્યક્તિત્વનું બયાન કરે એવું તેઓ ઇચ્છે છે. તેમની ભાષા નીતિની એકસૂત્રતા પર ભાર મૂકી રહી છે. જોકે, દિલ્હીની ભાષા ગુજરાતની ચૂંટણીની ભાષાથી અલગ છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાનને બદલે પક્ષના નેતા જેવા વધુ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીની સોમનાથ યાત્રાને જે રંગ આપવામાં આવ્યો હતો, તેમાં એ બાબતનું પ્રતિબિંબ જોવા મળે છે.
બધા બિન-હિન્દુઓ અચાનક બિન-ભારતીય અને રાષ્ટ્રવિરોધી બની ગયા હતા. આર્ચબિશપ મેકવાન પરનું શાબ્દિક આક્રમણ વધારે ડરાવનારું હતું.
તેમણે ખ્રિસ્તીઓને કરેલી અપીલને દેશપ્રેમીઓ પરના હુમલા સમાન ગણાવવામાં આવી હતી.
મોદીનો આત્મવિશ્વાસ અચાનક ઘટી ગયાનું જણાય છે અને ગુજરાતની ચૂંટણીને અકારણ મહત્વ મળી રહ્યું છે.
એક અન્ય હિસ્સો
નરેન્દ્ર મોદીના ભાષણોમાં એક બીજો હિસ્સો પણ છે, જે તેમના પશ્ચિમ માટેના પ્રતિસાદમાં, ડોનલ્ડ અને ઇવાન્કા ટ્રમ્પને વફાદાર સારા અમેરિકન તરીકે રજૂ થવાની તેમની અભીપ્સામાં જોવા મળે છે.
નરેન્દ્ર મોદીના તેમના ઍટિટ્યૂડ માટે વિકસીત રાષ્ટ્રો તરફથી વખાણની આશા રાખતા હોય તેવું તેમનાં ભાષણોમાં અનુભવાતું રહે છે.
વિદેશયાત્રા વખતના ભાષણોમાં નરેન્દ્ર મોદી ઇન્ટર્વ્યૂ આપતા ઉમેદવારની માફક પોતાના મુદ્દા રજૂ કરે છે, પણ ભારતમાં ભિન્નમત માટે તેમને આદર નથી.
તેઓ પોતાની સિદ્ધિઓ ગણાવતા રહે છે અને ભિન્નમતને રાષ્ટ્રવિરોધી ગણે છે. ચૂંટણી પ્રચારના ભાષણો વહીવટની પરિભાષા બની ગયાં છે.
તેમાં આત્મનિરિક્ષણ ઓછું અને ખુદની પ્રશંસાના ભવ્ય પ્રયાસ વધારે છે. નીતિ જાણે ક્ષતિરહિત હોય એ રીતે દરેક વાતની રજૂઆત કરવામાં આવે છે.
હું બોડી લૅંન્ગ્વેજ અને ભાષણો પર વર્ષોથી નજર રાખતો રહ્યો છું. આત્મવિશ્વાસસભર અને ધાર્યું કરતી વ્યક્તિ ખુદની ધર્મનિષ્ઠા તથા ઉદ્દંડતાને ત્યાગ તથા દેશદાઝની ભાષામાં યોગ્ય ઠરાવી રહી હોય એવું લાગે છે.
નવા આઇડિયા વિશે કંઈ સાંભળવા મળતું નથી અને કૃષિ તથા શિક્ષણ વિશે તો લગભગ કંઈ સાંભળવા જ મળતું નથી. 2019 બાબતે થોડી શંકા છે. પક્ષ અને તેનો આડંબર ચિંતાજનક રીતે અનિવાર્ય જણાય છે.
ચૂંટણી આગામી દાયકા માટે બીજેપીની સત્તાના કાયદેસરતા આપવાનો ખેલ માત્ર બની ગઈ છે.
(લેખક શિક્ષણશાસ્ત્રીઓ અને કર્મશીલોના કોમ્પોસ્ટ હીપ નામના એક જૂથના સભ્ય છે.)
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો