You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રથમ તબક્કાની ચૂંટણીની દિવસભરની હાઇલાઇટ્સ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતાં મતદાન સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રહ્યું હતું.
પહેલા તબક્કામાં કુલ 19 જિલ્લામાં 89 સીટો પર મતદાન થયું, જેમાં કુલ 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે.
પ્રથમ તબક્કામાં સરેરાશ 68% મતદાન થયું છે. મોરબી અને નવસારીમાં સૌથી વધુ 75 ટકા મતદાન અને પોરબંદર અને બોટાદમાં સૌથી ઓછું 60 ટકા મતદાન થયું છે.
જાણો દિવસભરમાં શું થયું?
- સવારે 8 વાગ્યે પહેલા તબક્કાનું મતદાન શરૂ થયું હતું.
- મતદાન શરૂ થવાની સાથે જ ઈવીએમમાં ખામીની ફરિયાદો શરૂ થઈ હતી. સુરતમાં 70 ઈવીએમ ખરાબ થયાની ફરિયાદો નોંધાઈ હતી.
- તો રાજકોટ, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ ઈવીએમમાં ખામીઓની ફરિયાદો આવી હતી.
- સવારે 10 વાગ્યા સુધીમાં 100થી વધારે ઈવીએમમાં ખામીની ફરીયાદો થતા ચૂંટણી પંચે આ મામલે ખુલાસો કરવો પડ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું હતું કે તમામ ઈવીએમને બદલી દેવાયાં હતાં.
- કોંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બ્લૂ-ટુથ ટેક્નોલૉજીના માધ્યમથી ચેડાં થઈ રહ્યા હોવાનું નિવેદન કર્યું હતું. આખરે અધિકારીઓએ તપાસ કરતાં એ બ્લૂ-ટૂથ કોઈ પોલિંગ એજન્ટના ફોનમાં ચાલુ હોવાનું જણાયું, જેને ઈવીએમ સાથે કોઈ જ સંબંધ ન હોવાની પણ સ્પષ્ટતા થઈ.
- મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગજેડી ગામે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ગામમાં વર્ષો જૂની પાણીની સમસ્યા અને રસ્તાનો પ્રશ્ન હલ ન થતા ગ્રામજનોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો.
- પ્રથમ તબક્કાના મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે.
- રાજકોટ ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠિયાના મતદાન સમયે મોબાઇલ ફોનથી વીડિયોગ્રાફી કરવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ ઝોનલ ચૂંટણી અધિકારીને તપાસ કરીને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
- રાજકોટમાં જ કોંગ્રેસ દ્વારા ઈવીએમમાં ખામીની ફરિયાદ કરવામાં આવી હતી. રાજકોટ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે કહ્યું હતું કે, ઈવીએમમાં કોંગ્રેસનું બટન દબાવો તો ભાજપના બટનમાં લાલ લાઇટ થાય છે. તેમના કહેવા પ્રમાણે, આ મામલે ઓબ્ઝર્વરને લેખિતમાં ફરીયાદ કરવામાં આવી છે.
- મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણીને લઈને માહિતી આપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો