દુનિયાનો સૌથી જોખમી હાઈવે, જ્યાં ડગલે ને પગલે જિંદગીનું જોખમ છે

    • લેેખક, ડેવ સ્ટેમબોલિસ
    • પદ, બીબીસી ટ્રાવેલ

તમને જોખમો ખેડવાં ગમે છે? મુશ્કેલ યાત્રા કરવી તમને ગમે છે?

ખતરનાક રસ્તાઓ ઉપરથી પસાર થવામાં તમને મજા પડે છે?

જો આ સવાલોનો જવાબ હા છે, તો તમને એક અન્ય સવાલ કરીએ. શું તમે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા પર યાત્રા કરી છે?

જો ના, તો ચાલો તમને લઈ જઈએ દુનિયાના સૌથી મુશ્કેલ રસ્તાની યાત્રાએ.

મધ્ય એશિયાનો પામીર હાઈવે દુનિયાના સૌથી મુશ્કેલ હાઈવે તરીકે ઓળખાય છે.

આ હાઈવે કિર્ગિજિસ્તાનના ઓશ શહેરથી તાઝિકિસ્તાનના દુશામ્બે સુધી જાય છે.

1200 કિલોમીટર લાંબો આ હાઈવે દુનિયાનો સૌથી દુર્ગમ રસ્તો માનવામાં આવે છે.

આ રસ્તો ખૂબ જ સૂમસામ, જંગલી અને વેરાન ડુંગરોમાંથી પસાર થાય છે.

આ દરમિયાન ઘણીવાર આ રસ્તો રણમાંથી પણ પસાર થાય છે અને ઘણીવાર ભયંકર ખાડીને ભેટતો આગળ વધે છે.

ઘણી જગ્યાએ આ રસ્તો લગભગ ચાર હજાર મીટરની ઊંચાઈ પરથી જાય છે.

કહેવાય છે કે આ રસ્તે સ્નો લેપર્ડ અને માર્કો-પોલો નસલના જાનવરોની વસતી માણસો કરતાં વધુ છે.

બામ-એ-દુનિયાનો પ્રવાસ

પામીરના ડુંગરાને બામ-એ-દુનિયા અથવા દુનિયાની છત કહેવામાં આવે છે.

કારણકે આ પહાડ સાત હજાર મીટર ઊંચા છે. ઊંચાઈની વાત કરીએ તો ફક્ત હિમાલય, હિંદુકશ અને કરાકોરમના પહાડ જ પામીરથી ઊંચા છે.

આ જ વેરાન, બર્ફીલા અને જંગલી પહાડોમાંથી પસાર થાય છે પામીર હાઈવે.

આ રસ્તો ભૂકંપ, ખડકોના ખસવા અને અન્ય કુદરતી આપદાઓથી ગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થાય છે.

કહેવાય છે કે કોઈ પણ ડ્રાઇવર માટે આ સૌથી પડકારજનક યાત્રાનો રસ્તો છે અને આ જ આ રસ્તામાં રસ પડવાનું સૌથી મોટું કારણ છે.

જોખમો ખેડવાના શોખીન બાઇકર્સ, કાર રેસર્સ અને જોખમ ખેડનારા તમામ લોકો પામીર હાઈવે ઉપરથી પસાર થવાનું પસંદ કરે છે.

ધ ગ્રેટ ગેમનો ભાગ

પહાડોની વચ્ચેથી આ રસ્તો રશિયન સામ્રાજ્યના વિસ્તાર દરમિયાન બનાવવામાં આવ્યો હતો.

એ વખતે બ્રિટન અને રશિયાની રાજાશાહી વચ્ચે ધ ગ્રેટ ગેમ છેડાયેલી હતી. જે અંતર્ગત મધ્ય એશિયા ઉપર કબજાની રેસ ચાલી રહી હતી.

આ રસ્તો ઘણી જગ્યાએ ઐતિહાસિક સિલ્ક રોડ રસ્તાનો પણ ભાગ છે.

તમે આ હાઈવે ઉપરથી પસાર થતા ખડકાળ પહાડો પર બનેલા કિલ્લાઓના ખંડેર હજુ પણ જોઈ શકો છો.

આ કિલ્લાઓને એ સમયમાં વ્યવસાયને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યાં હતાં.

ખડકો, માટી અને ધૂળથી ભરેલા આ રસ્તા પર ઘણી જગ્યાએ રસ્તો સંપૂર્ણપણે અલોપ થઈ જાય છે અને ફક્ત કાચો રસ્તો જ રહે છે.

સમારકામના અભાવને લીધે આ યાત્રામાં ખાડા અને ખાડી તમને વધુ મળશે.

અફઘાનિસ્તાનની દેખરેખ

પામીર હાઈવેનો એક મોટો હિસ્સો પંજ નદીની સાથે-સાથે વખાન કૉરિડૉરમાંથી પસાર થાય છે. ધસમસતી પંજ નદી ડરાવે પણ છે અને રસ્તો પણ બતાવે છે.

પંજ નદી અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાન વચ્ચેની સીમા બનાવે છે. તેના કિનારે ઇસ્માઇલીય મુસલમાનોના કબીલા વસે છે.

પંજ નદીની સાથે ચાલતા બાઇકર્સ અને કાર સવાર લોકોને ઘણીવાર મુશ્કેલ પગદંડીઓ, વેરાન ડુંગરો અને ડરામણી લહેરોના ઓછાયામાં મુસાફરી કરવી પડે છે.

ઘણીવાર તો નદીના કિનારા અને ગાડીના ટાયરની વચ્ચે ફક્ત કેટલીક ઇંચ જેટલું જ અંતર રહે છે.

ઝરણાં અને ઊંટ

આ મુશ્કેલ યાત્રા ઉપર નીકળવાનું ઇનામ પણ કુદરત આપે છે. એકથી એક સુંદર દૃશ્યો કુદરતના કૅનવાસ ઉપર જોવા મળે છે.

ક્યાંક ભૂરા પહાડ નારાજ ઊભેલા દેખાય છે, તો ક્યાંક ધસમસતી નદી ડરાવે છે.

તો, ક્યાંક, બરફાચ્છાદિત ડુંગરો જાણે સન્યાસીની જેમ ધૂણી ધખાવીને બેઠેલા હોય એવું લાગે છે.

ડુંગરાળ રેગિસ્તાન, ઊંડી ખીણો અને નદીની રેતીથી ભરેલા કિનારા બૈક્ટ્રિયાના ખાસ ઊંટોની વસતી ધરાવે છે.

આ હાઈવેની બરાબર મધ્યમાં યાશિકુલ નામનું મીઠાં પાણીનું ઝરણું વહે છે.

આમાં જાત-જાતની માછલીઓ અને પક્ષીઓ જોવા મળે છે.

આ ઝરણાંને કિનારે વિરામ લઈને તમે વન્ય જીવનની મજા માણી શકો છો, એ પણ કોઈ પ્રકારના અવરોધ વગર. કારણકે અહીં સહેલાણીઓ નહિવત્ પ્રમાણમાં આવે છે.

દૂર દૂર સુધી ફેલાયેલા પહાડ

પામીર હાઈવે ઉપરથી પસાર થતાં તમને એવું લાગશે કે ડુંગરાઓની અનંત હારમાળા તમારી સાથે ચાલી રહી છે.

પામીરના ડુંગરોનાં મેદાનો તો છે જ, આ હાઈવે હિંદુકુશ પર્વતના દર્શન પણ કરાવે છે, જે અફઘાનિસ્તાનમાં છે.

અહીંના ઘણા ડુંગરોનાં રસપ્રદ નામો છે. જેમકે-એકૅડેમી ઑફ સાયન્સ રેન્જ.

ઘણા પર્વતો તો એવા પણ છે, જેની ઉપર કોઈ ચઢ્યું જ નથી. ના કોઈએ આ બંજર પહાડો ઉપર પોતાનો દાવો નોંધાવ્યો છે.

પામીર હાઈવે એટલા મુશ્કેલ રસ્તાઓ ઉપરથી પસાર થાય છે કે એ બહુ જ ડરામણો લાગે છે.

ક્યાંક ધસમસતી નદી, ક્યાંક વેરાન પહાડ, તો ક્યાંક સેંકડો મીટર ઊંડી ખીણની બાજુમાંથી પસાર થતા હાઈવે ઉપર સુરક્ષા માટે કોઈ રેલિંગ જ નથી.

એટલે કે જો તમે સહેજ પણ ચૂકી જાવ, તો સીધા જ ઊંડી ખીણમાં જશો. આ રોમાંચ જ જોખમોના ખેડનારાઓને પામીર હાઈવેની નજીક લઈ આવે છે.

આ રસ્તા પર ચાલવા હિંમતની જરુર

આ હાઈવે ઉપરથી પસાર થતાં તમારો સામનો ખરાબ રસ્તા સાથે તો થાય જ છે.

રોમાંચના શોખીનોને 1200 કિલોમીટર લાંબી આ મનોરંજક યાત્રા દરમિયાન ભૂકંપ, પૂર, હિમસ્ખલન અને ઊંડી ખીણમાં પડવાના જોખમો સામે ઝઝૂમવું પડે છે.

દરેક પગલે મોં ફાડીને ઊભેલી મુશ્કેલીઓ, યાત્રાનો રોમાંચ ક્યાંય ઓછો થવા દેતી નથી.

આ ઉપરાંત દૂર-દૂર સુધી વિસ્તરેલી વેરાન જગ્યાઓ, રસ્તામાં પાયાની સુવિધાઓનો અત્યંત અભાવ, વસતીઓની વચ્ચે લાંબા અંતરો ધબકારા વધારી દે છે.

પામીર હાઈવે ઉપરથી પસાર થવાનો મતલબ છે, વાસ્તવિક જીવનમાં એક્શન, થ્રિલરને સાક્ષાત્ જીવવું.

જેને પણ આ રોમાંચનો આનંદ ઉઠાવવો છે, એ મજબૂત હૃદયવાળું પણ હોવું જોઈએ અને ગાડીનું સમારકામ કરતા આવડવું જોઈએ.

ખતરોના ખેલાડીઓનું સપનું

તમામ મુશ્કેલીઓ છતાં, ધૂળ, માટીના ઢગલા, વેરાન ડુંગરા અને સુંદર ઘાટીઓમાંથી પસાર થતી આ યાત્રા જોખમોથી ભરેલી છે.

આવા રોમાંચ જીવનમાં નવા રંગ ભરે છે. લાંબા અંતરો છે, ખતરનાક વિસ્તારો છે. અને વસતીઓ એટલી દૂર-દૂર છે કે બની શકે છે કે આખીય યાત્રા દરમિયાન તમને બીજો કોઈ મુસાફર પણ જોવા ના મળે.

પરંતુ, પામીર હાઈવે ઉપરથી પસાર થતાં તમને કુદરતના કૅનવાસનાં અદ્દભુત દૃશ્યો જોવા મળશે.

ઉપરવાળાની ચિત્રકળાની મનભાવન તસવીરો હાથ ફેલાવીને તમને ભેટી પડવા આતુર દેખાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો