You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાઇનીઝ ન્યૂ યર : ‘યર ઑફ પિગ’ વિશે તમે કેટલું જાણો છો?
ચીનમાં લાખો લોકો 5 ફેબ્રુઆરીથી લુનર ન્યૂ યર (ચંદ્ર નવવર્ષ)ની ઉજવણી કરી રહ્યા છે. ચાઇનીઝ સંસ્કૃતિમાં આ તહેવારનું ખૂબ મહત્ત્વ છે.
આ તહેવાર એ માટે પણ ખાસ છે કેમ કે ચીની જ્યોતિષ અનુસાર આ વર્ષનું પશુ ડુક્કર છે.
ચીની રાશિ ચક્રના અનુસાર દર વર્ષ એક પશુ સાથે સંબંધિત હોય છે.
ચીની જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જન્મના વર્ષનું પ્રતિનિધિત્વ એક પશુ કરે છે કે જે તમારી પર્સનાલિટી અને જીવન વિશે ઘણું બધું કહે છે.
અન્ય લોકો માટે ચાઇનીઝ ન્યૂ યર પરિવાર સાથે મિલનનો સમય છે.
આ દરમિયાન વયસ્કો દ્વારા બાળકોને લાલ પૅકેટ આપવામાં આવે છે જેમાં પૈસા હોય છે.
આ તહેવાર દરમિયાન મોટી સંખ્યાં લોકો દેશ-વિદેશથી પરત ઘરે ફરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાઇનીઝ કેલેન્ડર સિસ્ટમ શું છે?
ચીનના નવા વર્ષની શરૂઆત ચંદ્ર પર આધારિત કેલેન્ડરના છેલ્લા મહિનાના અંતિમ દિવસ (5 ફેબ્રુઆરી 2019)થી થાય છે.
આ નવા વર્ષનું સમાપન પહેલા મહિનાના 15મા દિવસે (19 ફેબ્રુઆરી 2019) લાલટેન ઉત્સવ સાથે થાય છે.
લુનાર કેલેન્ડર ચંદ્રના ચક્ર પર આધારિત હોય છે. એ કારણોસર દર વર્ષે રજાઓની તારીખમાં ફેરફાર નોંધાય છે.
સામાન્ય પશ્ચિમી કેલેન્ડર પ્રમાણે ચાઇનીઝ ન્યૂ યર 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે આવે છે.
પશુ આધારિત રાશિની સિસ્ટમ શું છે?
ચાઇનીઝ રાશિમાં 12 અલગઅલગ પશુઓ હોય છે : ઉંદર, બળદ, વાઘ, સસલું, ડ્રેગન, સાપ, ઘોડો, ઘેટું, વાનર, કૂકડો, શ્વાન અને ડુક્કર.
દરેક પ્રાણીની રાશિની અલગ અલગ ખૂબીઓ હોય છે.
ચાઇનીઝ દંતકથા અનુસાર ભગવાન બુદ્ધે પૃથ્વી છોડ્યા પૂર્વે બધાં જ પ્રાણીઓને પોતાની પાસે બોલાવ્યાં હતાં. જોકે, તેમની પાસે માત્ર 12 પ્રાણીઓ આવ્યા હતા. એટલે ઇનામ સ્વરૂપે તેમણે જે ક્રમ સાથે પ્રાણીઓ આવ્યાં, તે ક્રમ અનુસાર વર્ષનું નામકરણ કર્યું.
'યર ઑફ પિગ' દરમિયાન કોનો જન્મ થયો હતો?
ચિયાંગ કેઈ-શેક (પૂર્વ ચાઇનીઝ નેતા)થી માંડીને હિલેરી ક્લિંટન, જર્મન લેખક થૉમસ મૅનથી માંડીને હૅનરી કિસિંગર, અર્નેસ્ટ હૅમિંગવેથી ઝેંગ હી (ચીનના પ્રખ્યાત પ્રવાસી) જેવાં ઇતિહાસકારો, રાજનેતાઓ અને સાહિત્યકારોનો આ રાશિ અંતર્ગત જન્મ થયો હતો.
તેનો એ મતલબ નથી કે આ બધાંનો જન્મ એક જ વર્ષમાં થયો હતો.
યર ઑફ પિગ દર 12 વર્ષે આવે છે. આ પહેલાં યર ઑફ પિગ 2007, 1995, 1983... પ્રમાણે આવ્યું હતું.
પ્રવાસ માટે ખૂબ વ્યસ્ત સમય
કુંભ મેળામાં 12 કરોડ જેટલા લોકો એકઠા થાય છે. તેની સરખામણીએ ચાઇનીઝ ન્યૂ યરમાં આ આંકડો ખૂબ મોટો છે.
ચાઇનીઝ ન્યૂ યર દરમિયાન કરોડો લોકો દેશમાં ફરે છે.
આ સમયે વાહનવ્યવ્હારની માગ વધી જાય છે કેમ કે મોટાભાગના યુવાનો મોટા શહેરોમાં જઈને ભણે છે અને તેમનાં માતાપિતા ગામડાંમાં રહે છે.
ઘણા લોકો માટે ચાઇનીઝ ન્યૂ યર જ એ અવસર હોય છે કે જ્યારે તેઓ પોતાના પરિવારજનોને મળી શકે છે.
સરકારી આંકડા અનુસાર આ વર્ષે ચાઇનીઝ ન્યૂ યર પર આશરે 300 કરોડ જેટલા લોકો મુસાફરી કરશે.
આ આંકડો ગત વર્ષ કરતા 0.6% વધારે છે.
ચીન કેવી રીતે સંભાળે છે પરિસ્થિતિ?
ચીનના રેલવે ઑપરેટર્સની માહિતી પ્રમાણે આ ન્યૂ યરની રજાઓ દરમિયાન 41.3 કરોડ ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આંકડો ગત વર્ષની સરખામણીએ 8.3% વધારે છે.
પરિસ્થિતિને સંભાળવા માટે રેલવેની ક્ષમતામાં 5%નો વધારો કરવામાં આવ્યો છે. બેઇજિંગ- શાંઘાઈ માટે 17 ડબ્બા વાળી હાઈ સ્પીડ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવી છે.
ઍર ચાઇનાનાં 423 વિમાનો ઉડાન ભરશે. 2018 કરતાં આ આંકડો 4.4% વધારે છે. કુલ 7.3 કરોડ લોકો પોતાના ઘરે આવશે.
લોકોની મદદ માટે ચાઇનીઝ સરકાર, ટ્રાન્સપોર્ટ સર્વિસ અને ટ્રાવેલ એજન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરે છે.
જેની પાસે પૈસા છે તે દરેક વ્યક્તિ પ્રવાસ કરી શકે છે?
આ સવાલનો જવાબ છે ના. ચીનના અધિકારીઓ સોશિયલ ક્રૅડિટ સિસ્ટમનો પ્રયોગ કરી રહ્યા છે.
વર્ષ 2018માં સુપ્રીમ પીપલ્સ કોર્ટ ઑફ ચાઇનાએ કહ્યું હતું કે 61.5 લાખ ચાઇનીઝ લોકોને સામાજિક દુષ્કર્મ કરવા બદલ પ્રવાસ કરવાની પરવાનગી મળી નથી.
1 મે 2018થી જે લોકોએ સામાજિક દુષ્કર્મ જેમ કે વિમાનમાં ખરાબ વર્તન, ટ્રેનમાં ધુમ્રપાન કર્યું હશે, તેમનું નામ પ્રતિબંધિત લોકોની યાદીમાં સામેલ થયું છે.
તે લોકો એક વર્ષ સુધી વિમાન કે ટ્રેનની મુસાફરી કરી શકતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો