લોકસભા ચૂંટણી 2019 : શું વડા પ્રધાન મોદીની ધર્મની રાજનીતિ પૂર્વોત્તરમાં ચાલશે?

    • લેેખક, દિલીપ કુમાર શર્મા
    • પદ, ગુવાહાટીથી, બીબીસી ગુજરાતી માટે

આસામ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં નાગરિકતા સંશોધન બિલ 2016નો વિવાદ શમવાનું નામ જ નથી લેતો.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે આસામના ચાંગસારીમાં અંદાજિત 1,123 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો.

સાથે જ 2,187 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડતાં બ્રહ્મપુત્ર નદી પરના સિક્સ લૅન બ્રિજ નિર્માણનું પણ ઉદ્દઘાટન કર્યું.

બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાને આસામ સહીત અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં પણ કેટલીક મોટી યોજનાઓનું ખાત મુહૂર્ત કર્યું.

લોકસભા ચૂંટણીઓ પહેલાં જ આટલી બધી યોજનાઓના ઉદ્દઘાટનને લોકોમાં રહેલા વિરોધને ઓછો કરવાનો ઉપાય માનવામાં આવે છે.

પરંતુ પૂર્વોત્તરના રાજ્યો માટે આટલા વિકાસ કાર્યો લઈને આવ્યા છતાં આસામ સ્ટૂડન્ટ્સ યુનિયન(આસૂ)ના સભ્યોએ વડા પ્રધાનનો કાળા વાવટા દર્શાવીને વિરોધ કર્યો.

વડા પ્રધાનના આસામ પ્રવાસ મુદ્દે નાગરિકતા સંશોધન બિલ પર પોતાનો વિરોધ પ્રગટ કરતા તાઈ આહોમ યુવા પરિષદે શનિવારે 12 કલાકના આસામ બંધનું એલાન કર્યું હતું.

જેની ઉત્તર આસામના ઘણા જિલ્લાઓમાં વ્યાપક અસર જોવા મળી.

વિરોધી સંગઠનોએ બીજા દિવસે શનિવારે પણ ગુવાહાટીમાં વડા પ્રધાન મોદીને કાળા વાવટા બતાવ્યા અને ઘણી જગ્યાએ તેમનું પૂતળા દહન કરવામાં આવ્યું.

અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં શનિવારે ગ્રીનફિલ્ડ હોલોંગી ઍરપોર્ટ અને એફટીઆઈઆઈના પરિસરનું ખાત મુહૂર્ત કર્યા પછી મોદીએ એક સભાનું સંબોધન કર્યું.

તેમણે કહ્યું, "મને અહીં ચાર હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરવાની તક મળી. પ્રદેશમાં અન્ય 13 હજાર કરોડની યોજનાઓ ચાલી રહી છે."

મોદીનું ભાષણ

"પહેલાંની સરકારોએ દસકાઓથી આસામની ઉપેક્ષા કરી છે. અમે તેને બદલવા માટે અહીં છીએ."

"ન્યૂ ઇન્ડિયા ત્યારે જ શક્ય છે, જ્યારે નૉર્થ-ઇસ્ટનો યોગ્ય વિકાસ થાય."

ત્યારબાદ આસામમાં એક જાહેરસભાને સંબોધિત કરતા વડા પ્રધાને આખું ભાષણ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપ સરકારની વિકાસ યોજનાઓ પર આપ્યું.

નાગરિકતા સંશોધન બિલ પર પોતાનો મત રજૂ કરતા તેમણે કહ્યું, "નાગરિકતા સંબંધિત કાયદા મુદ્દે ઘણી ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે."

"આ અફવાઓ ફેલવનારા એ જ લોકો છે જેમણે ઘૂસણખોરી રોકવા માટે નેશનલ સિટિઝન રજિસ્ટરને 36 વર્ષ વીતી ગયાં છતાં અમલમાં નથી મૂક્યું."

"પણ અમારી સરકાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ એનઆરસીનું કામ ઝડપથી પૂરું કરી રહી છે."

વડા પ્રધાને એમ પણ કહ્યું, "વિરોધીઓ આપણી જાહેરસભામાં આવેલા લોકોને જુએ, એમને આસામના મિજાજનો અંદાજ આવી જશે."

વડા પ્રધાને આસામ અને પૂર્વોત્તરના રાજ્યોમાં પોતાની સરકારની સિદ્ધીઓ ગણાવવાની સાથે નામ લીધા વિના બાંગ્લાદેશી ઘૂસણખોરો અને ધાર્મિક અત્યાચાર મુદ્દે ભારતમાં શરણ પામેલા લઘુમતી સમુદાયનો ઉલ્લેખ કરીને હિંદુ મતદારોને એક સ્પષ્ટ સંદેશ આપી દીધો.

તેમણે પોતાના ભાષણમાં આસામના સંત, ધર્મગુરુઓ અને લોકનાયકોને આસામની ભાષામાં પ્રણામ કરીને લોકોને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરવાના પ્રયત્ન કર્યા.

શું નરેન્દ્ર મોદી આટલી મોટી સંખ્યામાં યોજનાઓનો શિલાન્યાસ કરીને અથવા લોકોની ભાવનાત્મક સંવેદનાઓને સ્પર્શવાના પ્રયત્નોથી આસામની 25 લોકસભા બેઠકો પર અસર કરી શકશે?

આ સવાલનો જવાબ આપતા આસામના જાતિવાદી યુવા વિદ્યાર્થી પરિષદના પૂર્વ નેતા મનોજ કુમાર દત્તાએ બીબીસી સાથે વાત કરી.

તેમણે જણાવ્યું, "હકીકતમાં મોદીજી વારંવાર અહી આવી રહ્યા છે અને એ દર્શાવવા પ્રયત્ન કરે છે કે એમની સરકાર આ વિસ્તારના વિકાસ માટે કેટલી ગંભીર છે."

"પરંતુ તેઓ હાલમાં અહી થઈ રહેલા વિરોધને સમજવાના પ્રયત્નો નથી કરતા. મોદીજીને લાગે છે કે તેમના અહીં આવવાથી લોકોની તેમના માટેની નારાજગી ઓછી થશે, પણ એવું નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

લોકોની નારાજગી

દત્તા કહે છે, "નાગરિકતા સંશોધન બિલ મુદ્દે લોકોમાં નારાજગી છે. મોદીજી અને તેમની પાર્ટીએ એ સમજવું પડશે કે એ બિલ મુદ્દે માત્ર આસામ જ નહીં પણ પૂર્વોત્તરના દરેક રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે."

"ભાજપ અને તેમના સાથી પક્ષોના લોકોએ આ બિલની શરતોમાંથી પૂર્વોત્તરના લોકોને અલગ રાખવાની વાત કરી છે."

શું વડા પ્રધાન મોદીના ભાષણથી આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે?

આ સવાલના જવાબમાં દત્તા જણાવે છે, "વડા પ્રધાને 2016માં પણ આવું જ ભાષણ આપ્યું હતું અને લોકોએ તેમના પર વિશ્વાસ મૂકેલો. "

"અહીં પહેલી વખત ભાજપની સરકાર બની, પણ હવે એમના ભાષણથી પાર્ટીને અહીં ફાયદો નહીં થાય."

શું ભાજપને ફાયદો થશે?

"જો ભાજપ આ બિલ પર લોકોની નારાજગીને આ જ રીતે અવગણતો રહેશે તો આવનારી ચૂંટણીમાં તેમને એક પણ બેઠકો નહીં મળે."

આસામમાં નાગરિકતા સંશોધન ઉપરાંત છ જાતિઓને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો આપવા મુદ્દે ભાજપથી આ સમાજના લોકો નારાજ છે.

વર્ષ 2016ની આસામ ચૂંટણીમાં ભાજપે આ છ જનજાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનું વચન આપ્યુ હતું.

જોકે, વડા પ્રધાન મોદીએ શનિવારે પોતાના ભાષણમાં કહ્યું કે તેમની પાર્ટી આ છ જનજાતિઓ એસટીનો દરજ્જો આપવાની દીશામાં કામ કરી રહી છે.

તેમજ જે જનજાતિઓને પહેલાંથી એસટીનો દરજ્જો મળ્યો છે, તેમને સરકાર કોઈ નુકસાન થવા દેશે નહીં.

શું વડા પ્રધાનના આવા ભાષણથી ભવિષ્યમાં વિરોધ ઘટશે અને આ જનજાતિઓના લોકો તેમની વાત માની લેશે?

પૂર્વોત્તર રાજ્યોના રાજકારણને ઊંડાણપૂર્વક સમજનારા રૂપક ભટ્ટાચાર્ય કહે છે, "ભાજપ અને તેમના સાથી પક્ષો આસામ અને પૂર્વોત્તરના રાજ્યોમાં હિંદુત્વના ઍજન્ડા પર ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યા છે."

"હિંદુત્વનો ઍજેન્ડા માત્ર હિંદી પટ્ટાના રાજ્યોમાં જ સફળ થઈ શકે છે. પૂર્વોત્તરના લોકોના વિચારો બિલકુલ અલગ છે."

"તેઓ ધર્મના નામે કોઈ નિર્ણય નથી લેતા, અહીં પ્રશ્ન જાતીય સંકટનો છે."

તેઓ કહે છે, "આસામમાં ઘૂસણખોરીનો પ્રશ્ન વર્ષોથી છે. ભાજપને અહીં પોતાની રાજકીય રણનીતિ બદલવી પડશે."

"અહીંના લોકોની ભાવનાઓને સમજવી પડશે. જેટલી સહજતાથી ભાજપ તેમને આ બિલ વિશે સમજાવે છે એટલી સરળ વાત હોત તો પૂર્વોત્તરના લોકોએ તેનો વિરોધ કર્યો જ ન હોત."

"અહીં સવાલ જાતિ, ભાષા અને તેમની સંસ્કૃતિ પર આવી રહેલા સંકટનો છે. અહીં ધર્મના નામે રાજકારણ નહીં ચાલે."

"અહીં માત્ર જાતીયતાના આધારે જ ગતિ લાવી શકાય એમ છે."

વડા પ્રધાનના પ્રવાસનો વિરોધ, ઉત્તર આસામ બંધનું એલાન છતાં આસામ પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગુપ્તા આવી કોઈ પણ નારાજગીની વાત સ્વીકારતા નથી.

તેઓ કહે છે, "મોદીની સભામાં ઊમટેલી ભીડ જોઈને પણ તમે કહેશો કે લોકો તેમનાથી નારાજ છે. કોઈના આંઠ-દસ વાવટા દેખાડવાથી કંઈ જ થતું નથી."

"જનતામાં કોઈ જ નારાજગી નથી. આસૂના લોકો પોતાની કાર્યાલયમાંથી થોડાક વાવટા બતાવે તેનાથી કોઈ ફરક પડતો નથી."

"પ્રદેશમાં અમારા માટે ઘણો હકારાત્મક માહોલ છે."

જો માહોલ હકારાત્મક છે તો ચૂંટણી પહેલાં આટલી બધી યોજનાઓનો શિલાન્યાસ અને રેલીઓમાં વડા પ્રધાન મોદીનું ભાષણ શું સંકેત આપે છે?

આનો જવાબ આપતા વિજય ગુપ્તા જણાવે છે, "પૂર્વોત્તરના રાજ્યોમાં આ પહેલા કોઈ સરકારે આટલું ધ્યાન નથી આપ્યું."

"અમારી સરકારના આવ્યા પછી અહીં ઘણા કામ થયા છે. પછી તે રેલ-રોડ કનેક્ટિવિટી હોય કે મૂળભૂત વિકાસની બાબતો હોય."

"અહીંના લોકો આ વાત અનુભવી શકે છે. અમારી પાર્ટી ધર્મનું રાજકારણ કરતી નથી. કેટલાક આ બાબતો અંગે અફવા ફેલાવી રહ્યા છે."

"અમારી પાર્ટી એક ધર્મ નિરપેક્ષ પાર્ટી છે અને 'સબકા સાથ સબકા વિકાસ' અમારો મંત્ર છે. તેમાં દરેક ધર્મના લોકો આવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો