લોકસભા 2019 : નોટબંધીમાં સામેલ અધિકારી સુશીલ ચંદ્રાની ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુક

1980ની બૅચના રેવન્યૂ સનદી અધિકારી સુશીલ ચંદ્રાની ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુક કરવામાં આવી છે.

સમાચાર સંસ્થા એએનઆઇએ આ અંગે ટ્ટીટ કરી માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચૅરમેન તરીકે સુશીલ ચંદ્રાને બે વખત એક્સટેન્શન આપવામાં આવેલું હતું.

પંજાબ નેશનલ બૅન્કના કૌભાંડને છાવરવાના આરોપમાં ગત વર્ષે સુશીલ ચંદ્રા સીબીઆઇના રડારમાં આવ્યા હતા. એ વખતે વિજિલન્સ ડિપાર્ટમેન્ટે પ્રમાણપત્ર આપ્યા બાદ તેમને ફરીવાર એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી સરકારે નોટબંધી લાગુ કરી તેનાં અઠવાડિયા અગાઉ તેમણે સીબીડીટી જોઇન કર્યુ હતું અને તેમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી.

લોકસભાની ચૂંટણીને ઐતિહાસિક ગણાવાઈ રહી છે અને વિપક્ષો એકજૂથ થઈ રહ્યાં છે ત્યારે સુશીલ ચંદ્રાની નિયુક્તી થતાં આ સમાચાર ટ્ટિટર પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે અને અનેક લોકો આના પર કમેન્ટ્સ કરી રહ્યા છે.

રાજસ્થાનમાં ગુર્જરોને પાંચ ટકા અનામત

રાજસ્થાનમાં છેલ્લા પાંચ દિવસથી પ્રદર્શનો કરી રહેલા ગુર્જર સમુદાયની માગ સ્વીકારતા રાજ્યની કૉંગ્રેસ સરકારે પાંચ ટકા અનામત આપવા માટેનું બિલ પાસ કર્યું છે.

આ બિલ અનુસાર ગુજર્ર સહિત પાંચ સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીમાં પાંચ ટકા અનામત આપવાની જોગવાઈ કરાઈ છે.

આ માટે વિધાનસભામાં પછાત વર્ગ અનામત બિલ 2019 રજૂ કરવામાં આવ્યું અને સર્વસંમતિથી પાસ કરી દેવાયું.

જોકે, આ બિલને કારણે પહેલાંથી જ 49 ટકા અનાતની જોગવાઈ ધરાવતા રાજસ્થાનમાં અનામતની મર્યાદા 50 ટકાને પાર કરી જશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અનામત 50 ટકાથી વધવી ના જોઈએ.

ઈરાનમાં આત્મઘાતી હુમલો, 20 રિવૉલ્યુશનરી ગાર્ડ્સનાં મૃત્યુ

ઈરાનના સરકારી મીડિયા અનુસાર દેશના દક્ષિણ અને પૂર્વના વિસ્તારમાં થયેલા આત્મઘાતી બૉમ્બ હુમલામાં ઓછામાં ઓછા 20 રિવૉલ્યુશરી ગાર્ડ્સનાં મૃત્યુ નીપજ્યાં છે.

આ ઘટનામાં સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં ખાશ-ઝહેદાન માર્ગ પર રિવૉલ્યુશનરી ગાર્ડ્સને લઈ જઈ રહેલી બસને નિશાન બનાનાઈ હતી.

સમાચાર સંસ્થા 'ઈરના'એ સુત્રોને ટાંકીને જણાવ્યું છે કે હુમલામાં અન્ય 20 ગાર્ડ્સને ઈજા પહોંચી છે.

સુન્ની મુસ્લિમ ઉગ્રવાદી સંગઠન 'જૈશ અલ-અદલ'(ન્યાયનું સૈન્ય)એ આ હુમલાની જવાબાદારી લીધી છે.

સગંઠને વર્ષ 2012માં ઈરાનમાં સુન્ની સમુદાયના હકની લડાઈ લડવાનો દાવો કરીને હથિયાર ઉઠાવ્યાં હતાં.

દેશનું શિયા શાસન સુન્ની સમુદાય સાથે ભેદભાવ કરતું હોવાનો પણ સંગઠનનો દાવો છે.

સંગઠને તાજેતરમાં જ સુન્ની બલુચી સમુદાયની બહુમતી ધરાવતા સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં કેટલાય હુમલાઓ કર્યા છે.

પુડુચેરીમાં ઉપરાજ્યપાલના નિવાસ બહાર મુખ્ય મંત્રીનાં ધરણાં

પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસામીએ ઉપરાજ્યપાલ કિરણ બેદી વિરુદ્ધ વિરોધ દર્શાવવા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના રસ્તે ચાલતા ધરણાં શરૂ કર્યાં છે.

નારાયણસામીનું કહેવું છે કે બેદીએ પુડુચેરીની ચૂંટાયેલી સરકારના કેટલાય પ્રસ્તાવ રોકી રાખ્યા છે, જેમાં મફતમાં ચોખા આફવાની યોજના પણ સામેલ છે.

આ પહેલાં મુખ્ય મંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચે પત્રોનું આદાનપ્રદાન થયું હતું. જોકે, એમાં સમાધાન સાધી ના શકાયું અને મુખ્ય મંત્રી ઉપરાંત સમગ્ર મંત્રીમંડળ રાજનિવાસ સામે ધરણાં પર બેસી ગયું હતું.

મુખ્ય મંત્રી દ્વારા 39 મુદ્દાનો ઉકેલની માગ કરાઈ છે.

જોકે, મફતમાં ચોખાની યોજના, વેતનનો મુદ્દો અને ખેડૂતોને વળતર જેવા મુદ્દાઓનો તત્કાલ ઉકેલ લાવવા પર ભાર દેવાઈ રહ્યું છે.

જયપુરમાં રૉબર્ટ વાડ્રા અને તેમનાં માતાની ઈડી દ્વારા પૂછપરછ

જયપુરમાં પ્રવર્તન નિદેશાલયના કાર્યાલયમાં બુધવારે બીજા દિવસે રૉબર્ટ વાડ્રાની પૂછપરછ કરાઈ.

બિકાનેરમાં જમીનની છેતરપિંડી મામલે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંબંધી વાડ્રાને મંગળવારે ઈડીએ આ મામલે પ્રશ્નો પૂછ્યા.

રૉબર્ટ સાથે તેમનાં માતા મૉરિનની પણ પૂછપરછ કરાઈ છે. આ પહેલાં દિલ્હીમાં ઈડીના કાર્યાલયમાં વાડ્રાને વિદેશોમાં સંપત્તિ ખરીદવા મામલે પણ પૂછપરછ કરાઈ હતી.

નોંધનીય છે કે ઈડીએ બિકાનેરમાં જમીનની છેતરપિંડી મામલે વાડ્રાને કેટલીય વખત સમન્સ પાઠવ્યા હતા. જોકે, તેઓ પૂછપરછ માટે રજૂ નહોતા થયા.

આ મામલે કોર્ટમાંથી પણ કોઈ રાહત ના મળતા વાડ્રાને ઈડી સમક્ષ જયપુરમાં રજૂ થવું પડ્યું હતું.

ગુજરાતથી કૉંગ્રેસના ચૂંટણી અભિયાનની શરૂઆત, રાહુલની વલસાડમાં રેલી

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં એક જનસભાને સંબોધીને રાહુલ કૉંગ્રેસના ચૂંટણી અભિયાનનું રણશિંગુ ફૂંકશે.

કૉંગ્રેસના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લાના લાલડુંગરી ગામમાં ગુરુવાર બપોરે 'જન આક્રોશ રેલી'ને રાહુલ ગાંધી સબોધન કરશે.

નોંધનીય છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ રાહુલની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે.

વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલે ગુજરાતમાં ભારે પ્રચાર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો