લોકસભા ચૂંટણી 2019 : બીબીસી ન્યૂઝ કરશે રિયાલિટી ચેક

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, નવી દિલ્હી

2019ની લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય દાવાઓને ચકાસવા માટે બીબીસી ન્યૂઝ રિયાલિટી ચેક સેવા શરૂ કરી રહ્યું છે.

સોમવાર 25 ફેબ્રુઆરીથી, અમે રાજકીય પક્ષોના દાવાઓ પર અઠવાડિયામાં પાંચ દિવસ અંગ્રેજી ઉપરાંત છ ભારતીય ભાષાઓમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે, માહિતી અને ડેટાનો ઉપયોગ કરીને દાવાઓ પાછળની હકીકત વાંચકો સુધી પહોંચાડવામાં આવશે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બીબીસી વર્લ્ડ સર્વિસના ડિરેક્ટર જૅમી ઍન્ગસે ભારતીય પ્રેક્ષકોને ચૂંટણી માટે વિશેષ રિયાલિટી ચેક આપવાનો વાયદો કર્યો હતો.

બીબીસી રિયાલિટી ચેક સંસ્થાઓ અને પ્રસિદ્ધ વ્યક્તિઓના નિવેદનને ચૅલેન્જ કરશે અને એની તપાસ કરશે કે તેમનો દાવો સાચો છે કે પછી ખોટો છે.

જૅમી ઍન્ગસે એ વખતે કહ્યું હતું, "જ્યારે ચૂંટણીના માહોલ વખતે ભાગલાવાદી મુદ્દાઓ પર લડાઈ ચાલતી હોય છે, ત્યારે વાંચકો અમારા નિષ્પક્ષ વિશ્લેષણને આવકારે છે."

"ફેક સ્ટોરીને જવાબ આપવાની પ્રક્રિયામાં પૂર્વ સજ્જતા અને ઘટનાઓનાં વિશ્લેષણ માટે સ્રોતોની પૂર્વ ગોઠવણ ચાવીરૂપ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

આ સેવા બીબીસીના નવેમ્બરમાં યોજાયેલા કાર્યક્રમ 'બિયૉન્ડ ફેક ન્યૂઝ' બાદ શરૂ થઈ રહી છે, જેમાં ફેક ન્યૂઝ અને ડિજિટલ સાક્ષરતા અંગે શાળા-કૉલેજનાં વિદ્યાર્થીઓ સાથે દેશભરમાં વર્કશોપ યોજવામાં આવ્યા હતા.

બીબીસીની ભારતીય ભાષાઓના હેડ રુપા ઝાએ જણાવ્યું, "ચૂંટણી દરમિયાન રાજકીય ચર્ચાનું કેન્દ્ર રહેલી સમસ્યાઓને સમાજાવવાનો રિયાલિટી ચેક થકી અમારો પ્રયાસ રહેશે."

"ચૂંટણી દરમિયાન વિશ્વાસપાત્ર માહિતીનો સ્રોત બનવાનો પ્રયાસ રહેશે."

બીબીસી રિયાલિટી ચેકના અહેવાલ દ્વારા ભારતના લોકોને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરાશે.

આંકડાકીય માહિતી થકી રાજકીય પક્ષોના દાવાઓને ચકાસવામાં આવશે, જેમાં મોંઘવારી, સુરક્ષાથી માંડીને સ્વચ્છતા અને પરિવહન માળખા સુધીના મુદ્દાનો સમાવિષ્ટ હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો