પુલવામા હુમલાથી ચૂંટણીમાં કોને ફાયદો-કોને નુકસાન : પરિપ્રેક્ષ્ય

    • લેેખક, રંજીત કુમાર
    • પદ, સંરક્ષણ બાબતોના પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

પુલવામામાં 14 ફેબ્રુઆરીએ ભારતીય અર્ધ-સૈનિક બળ સીઆરપીએફ (કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળ)ના કાફલા પર ઉગ્રવાદી હુમલા બાદ સમગ્ર ભારતમાં પાકિસ્તાન વિરોધ ભાવનાઓ ફરીથી ભડકી ઉઠી છે.

ભારત અત્યારે આઘાતમાં છે અને દેશના રાજકીય સમુદાય એક સ્વરમાં પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સંકલ્પ જાહેર કરી રહ્યો છે.

સત્તાધારી નેતાઓના નિવેદનો એવા જ છે, જે અગાઉ પણ આપણે મોટા ઉગ્રવાદી હુમલાઓ બાદ જોયા છે.

પાકિસ્તાનને પાઠ ભણાવવા અને લોહીના એકએક ટીપાંનો હિસાબ કરવાની વાતો થઈ રહી છે.

વિપક્ષી નેતા પણ દેશની ભાવનાઓ અને રાજકીય એકતા દાખવી રહ્યા છે અને સરકાર સાથે ઊભા હોય તેમ જણાય છે.

સર્વપક્ષીય બેઠકમાં બધા દળોએ એકમત થઈને સરકાર ને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે જે જરૂરી પગલાં લેવા પડે તે લેવાની છૂટ આપીને કહ્યું કે વિપક્ષ તેમને ટેકો આપે છે.

સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ જઘન્ય હુમલો ત્યારે થયો છે જ્યારે સંસદીય ચૂંટણીમાં માત્ર અમુક મહિના રહી ગયા છે.

વર્તમાન એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સરકારના શાસન કાળમાં બે મોટા હુમલા 18 સપ્ટેમ્બર 2016ના ઉરી અને 2 જાન્યુઆરી 2016ના પઠાણકોટમાં થઈ ચુક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉરી સૈન્ય છાવણી પર ઉગ્રવાદી હુમલામાં 19 સૈનિકો મૃત્યુ પામ્યાં હતાં.

11 દિવસ બાદ જ નિયંત્રણ રેખાની અંદર ઘૂસીને પાકિસ્તાની ઉગ્રવાદી કૅમ્પોને નષ્ટ કર્યાં, જેને સર્જિકલ સ્ટ્રાઇક કહેવામાં આવી.

નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાનને કડકાઈથી જવાબ આપવાનો વાયદો પૂરો કર્યો હતો.

ત્યારે આ હુમલા બાદ દેશના રાજકીય સમુદાયે ભારે વિવાદ ઊભો કર્યો અને સરકારને આનો શ્રેય લઈને રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉરીના લશ્કરી કૅમ્પ ઉપર હુમલા માટે જૈશ-એ-મોહમ્મદને જવાબદાર ઠેરવ્યું હતું.

આ વખતે પણ પુલવામા હુમલા પછી જૈશ-એ-મોહમ્મદએ જવાબદારી લઈને કોઈ ઠોસ પુરવઠા એકઠાં કરવા માટે કોઈ તક છોડી નથી.

જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર એ જ છે કે જેને સરકારે મજબૂર થઈને 1999માં અપહરણ કરીને અફઘાનિસ્તાનના કંધાર લઈ જવાયેલા ઇન્ડિયન ઍરરલાઇન્સના વિમાનના યાત્રીઓને મુક્ત કરવા બદલ કાશ્મીરની જેલમાંથી છોડ્યો હતો.

આ જ મસૂદ અઝહર પાકિસ્તાની સૈન્ય સંરક્ષણમાં હવે દૈત્યાકાર રૂપ લઈ ચૂક્યા છે અને તેમણે સિદ્ધ કર્યું છે કે તેમના ઉગ્રવાદી ભારતની અંદર ઘૂસીને સફળતાપૂર્વક હુમલા કરી શકે છે.

આ જ મસૂદ અઝહરની વિરુદ્ધ આખા દેશમાં લોહી ઉકડી રહ્યું છે પરંતુ નિંદા કરવા અને પાઠ શીખવવાની ધમકીથી આગળ સરકાર શું પગલાં લેશે તેના પર દેશ વિદેશના રાજકીય વર્તુળની નજર રહેશે.

હવે દેશ ચૂંટણીલક્ષી રાજનીતિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

એટલે પુલવામા હુમલા બાદ મોદી સરકાર પોતાની ઘોષિત સંકલ્પના અનુરૂપ પાકિસ્તાન સામે કેવા પગલાં લે છે એ ચૂંટણીલક્ષી રાજકીય લાભ લેવાના સંદર્ભમાં નક્કી કરવામાં આવી શકે છે.

પાકિસ્તાન વિરોધ ભાવનાઓનો રાજકીય લાભ કોને?

દેશના જે 18 શહેરોમાં પુલવામાથી 40 જવાનોના શવ પહોંચાડવામાં આવ્યા અને પાકિસ્તાન વિરોધી ભાવનાઓ જે રીતે પૂર્ણ દેશમાં બહાર આવી તેનો રાજકીય લાભ સત્તાધારી ભાજપ ન લઈ શકે તેના માટે વિપક્ષી દળો પણ ચિંતિત હશે.

પણ સવાલ એ છે કે મોદી સરકાર શું પગલાં લેશે કે દેશના મતદાતાઓને લાગે કે પાકિસ્તાનને પાઠ શીખવવામાં આવ્યો છે.

2016માં ઉરી હુમલા બાદ જેવી રીતે ભારતીય સેનાએ સફળ સર્જિકલ સ્ટ્રાઇક કરી જેનો પાકિસ્તાન જવાબ આપી શક્યું નહીં.

પાકિસ્તાનની એટલું અપમાનિત થયું કે તેણે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકને જ નકારી દીધી પણ ત્યાર બાદ પાકિસ્તાની સેનાના લક્ષણો જોઈને લાગ્યું નહીં કે પાકિસ્તાની સેના ડરી ગઈ.

પાકિસ્તાન સમર્થિત સંગઠન ભારત પ્રશાસિત કાશ્મીરમાં ઉગ્રવાદીઓને મોકલતા રહ્યા અને તેના કારણે ભારતીય સંરક્ષણ દળોએ હાલના વર્ષોમાં સૌથી વધુ નુકસાન જોયું હતું.

ઉરી હુમલા બાદ તો મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇકની વાહવાહી લીધી પણ પુલવામા બાદ શું પગલા લે કે સાપ મરી જાય અને લાકડી પણ ન તૂટે.

મોદી સરકારના આ ભાવિ પગલાં પર આગામી ચૂંટણીના સંદર્ભમાં દેશનું રાજકારણ નક્કી થશે.

પુલવામા પર મોદી સરકાર શું પગલાં લેશે?

મોદી સરકાર પાકિસ્તાની ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને પાઠ શીખવવા માટે બહાવલપુરમાં તેના મુખ્યાલય પર અચૂક વાર કરે છે કે પછી નિયંત્રણ રેખા પાર ઉગ્રવાદી કેમ્પોને નષ્ટ કરવા માટે ફરી સર્જિકલ સ્ટ્રાઇકને રસ્તે જશે, એ જોવું રહ્યું.

મોદી સરકાર માટે આમાંથી કોઈ પણ પગલું ભારે જોખમ ભરેલું નિવડી શકે છે.

એટલા માટે સરકારે આની જવાબદારી સૈન્ય નેતૃત્વ પર છોડી છે, જેઓ જાણે છે કે હથિયારોની ભારે અછતને કારણે સર્જાયેલા સંકટ દરમ્યાન પાકિસ્તાન સાથે યુદ્ધ લડવાની શું કિંમત હોઈ શકે છે.

આમ તો પાકિસ્તાનની વર્તમાન હાલત પણ એવી નથી કે ભારત સાથે ચેડાં કરે એટલે બહુ વિચારી સમજીને જો સીમિત હુમલો કરવામાં આવે અને પાકિસ્તાની સેના ફરી જવાબ ન આપે તો એનો રાજકીય ફાયદો ભાજપના નેતૃત્વ વાળી સરકારને આવનારી લોકસભા ચૂંટણીમાં જરૂર મળી શકે છે.

સૈન્ય વિકલ્પો પર વિચાર કરવાની સાથે મોદી સરકાર રાજકીય અને આર્થિક પગલાં પર વધારે ભાર મૂકી રહી છે અને એટલે પાકિસ્તાનને મોસ્ટ ફૅવર્ડ નેશન (એમઍફએન)નો દરજ્જો પાછો ખેંચી લીધો છે.

આવું કરીને સરકારે પાકિસ્તાની ઉત્પાદોના આયાત પર 200 ટકા કસ્ટમ ડ્યૂટી લગાડીને પાકિસ્તાને આર્થિક ઝાટકો આપવાનું પગલું ભર્યું છે.

આ સિવાય પાકિસ્તાનને સિંધુ જળ સંધિ હેઠળ આપવામાં આવતા અધિકાર અનુરૂપ જો પાણી આપવા પર કોઈ પગલું ભરવામાં આવે તો તે પણ કામગાર નિપજી શકે છે.

આ બધા વિકલ્પો વચ્ચે સત્તાધારી દળોનો પ્રયાસ હશે કે પાકિસ્તાન વિરોધી પવનની ગતિ ચૂંટણીના માહોલમાં વધે, જેથી લોકોને લાગે કે પાકિસ્તાનના ખતરાનો ઉકેલ માત્ર મોદી સરકાર જ લાવી શકે.

2016માં સર્જિકલ સ્ટ્રાઇકના રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ થયો, એ કહેવામાં કંઈ ખોટું નથી.

2019ની ચૂંટણીમાં પાકિસ્તાનનો દૈત્ય મોટો કરવામાં આવે એની સંભાવના છે.

એને આ પુલવામા હુમલાના થોડાંક કલાક પછી વડા પ્રધાન મોદીએ ઝાંસીમાં જે રીતે ભાષણ આપ્યું તેનાથી સ્પષ્ટ છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો