You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામા હુમલો: પાક. વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કઈ હદ સુધી જઈ શકે છે ભારત - દૃષ્ટિકોણ
- લેેખક, અજય શુક્લા
- પદ, વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત, બીબીસી ગુજરાતી માટે
ભારત પ્રશાસિત કશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા બાદ વડા પ્રધાન નરેદ્ર મોદીએ કહ્યું છે કે પ્રતિકાર કરવા માટે સેનાને પૂરી છૂટ આપવામાં આવી છે.
આ હુમલો છેલ્લા ત્રણ દાયકામાં ભારત પર થયેલો સૌથી ખતરનાક ઉગ્રવાદી હુમલો છે.
આ હુમલા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ઉગ્રવાદી સંગઠન અને તેમની આકાઓએ મોટી કિંમત ચૂકવવી પડશે.
ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવતા 'સણસણતો જવાબ' આપવાની ધમકી આપી છે. મીડિયામાં પણ આક્રમકતાનો સૂર છે અને કેટલીક જાણીતી ટીવી ચૅનલ તો બદલો લેવા માટે ઉતાવળી થઈ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આત્મઘાતી ગાડીથી હુમલો કરવાની જવાબદારી પાકિસ્તાની ભૂમિ પરથી ચાલતા સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'એ લીધી છે.
સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા દેશોએ આ સંગઠનને ઉગ્રવાદી સંગઠન તરીકે માન્યતા આપી છે.
તેના સંસ્થાપક નેતા મૌલાના મસૂદ અઝહરની ભારતીય સુરક્ષા દળોએ 1990ના દાયકામાં ધરપકડ કરીને જેલમાં રાખ્યા હતા. 1999માં દિલ્હી આવતા વિમાનનું અપહરણ કરીને કંધાર લઈ જવાયા હતા અને યાત્રીઓને મુક્ત કરવા માટે જે ઉગ્રવાદીઓને ભારતે છોડ્યા હતા, અઝહર તેમાંના એક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય પ્રશાસન હંમેશાં એ વિમાનના અપહરણ કાંડ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવતું આવ્યું છે.
જૈશના કારણે તણાવ
છેલ્લાં ઘણાં વર્ષોથી અઝહરને 'વૈશ્વિક ઉગ્રવાદી' જાહેર કરવા માટે ભારત સંયુક્ત રાષ્ટ્ર પર દબાણ કરતું રહ્યું છે.
જ્યારે પાકિસ્તાનના સહયોગી દેશ તરીકે ચીન હંમેશાં આ વાતનો વિરોધ કરતું રહ્યું છે.
આ રીતે પુલવામા હુમલામાં 'જૈશ-એ-મહોમ્મદ'ની સંડોવણીથી તેમાં પાકિસ્તાનનો સીધો સંબંધ જાહેર થાય છે.
2001માં, ભારતીય સંસદ પર હુમલા માટે જૈશને જવાબદાર ઠેરવાયું હતું, આ ઘટનામાં નવ સુરક્ષાકર્મીઓનાં મૃત્યુ થયાં હતાં.
ત્યારબાદ બંને દેશો વચ્ચે સ્થિતિ એટલી તણાવપૂર્ણ રહી કે ઘણા મહિનાઓ સુધી યુદ્ધ જેવી સ્થિતિ રહી.
2016માં ભારતીય સેનાના પઠાણકોટ અને ઉરી સ્થિત કેન્દ્રો પર હુમલો કર્યો. ત્યારબાદ ભારતીય સેનાએ દાવો કર્યો કે તેમણે લાઇન ઑફ કંટ્રોલ પર હાજર ઉગ્રવાદી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.
આઈએસઆઈને 'જૈશ'થી મુશ્કેલીછે
આ વખતે દક્ષિણપંથી ભાજપના નેતૃત્વવાળી સરકાર પર વધારે કંઈક કરવાનું દબાણ છે.
2016ની સર્જિકલ સ્ટ્રાઇકનાં સમય અને લક્ષ્ય બંને દૃષ્ટિએ બહુ સીમિત હતી. જેના કારણે પાકિસ્તાને આવું કંઈ જ થયું હોવાનો જ ઇનકાર કરી દીધો.
જોકે, ભારતીય સેના સ્વીકારી ચૂકી છે કે નુકસાન પહોંચાડનારા ઉગ્રવાદી હુમલા પર તેમને પાકિસ્તાન વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી પડે તો પણ તેઓ સક્ષમ છે.
પરંતુ આવું કઈ પણ પગલું એવા પડાવ પર પણ પહોંચાડી શકે છે, જેનો એક માત્ર હલ યુદ્ધ હોય.
જ્યારે બંને દેશો પાસે પરમાણુ શસ્ત્ર હોય ત્યારે આ ડર વધી જતો હોય છે. પાકિસ્તાને આ શસ્ત્રોના પ્રયોગના સંકેત પણ ઘણી વખત આપ્યા છે.
આથી પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પુલવામાના હુમલા બાદ 'ગંભીર ચિંતા' દર્શાવતુ ટ્વીટ કરીને આ આરોપોને ફગાવી દીધા છે, "જેમા કોઈ જ તપાસ વિના ભારત સરકાર અને ભારતીય મીડિયા આ હુમલાને પાકિસ્તાન સાથે જોડે છે."
જોકે જે રીતે જૈશ-એ-મહોમ્મદે આ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે અને જે રીતે તેનો સ્થાપક મસૂદ અઝહર પાકિસ્તાનમાં આઝાદ ફરી રહ્યો છે, તે જોઈને ભારતને કોઈ પુરાવાની જરૂર નથી.
જોકે, પાકિસ્તાની સેનાના તાબા હેઠળની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને પણ જૈશ-એ-મહોમ્મદ સાથે તકલીફ રહી છે.
હકીકતમ જૈશ, લશ્કર-એ-તોયબા જેવું ઉગ્રવાદી સંગઠન નથી જે પાકિસ્તાની સૈન્યના હુકમનું પાલન કરે.
જૈશ પાકિસ્તાની સૈન્યનાં થાણાંઓ પર હુમલો કરતાં પણ ખચકાતું નથી. 2003માં જૈશ પાકિસ્તાની સૈન્યના શાસક પરવેઝ મુશર્રફ પર બે વખત ખતરનાક હુમલો કરી ચૂક્યું છે.
તેમ છતાં પાકિસ્તાની સેનાએ પોતાની આંખો બંધ રાખી છે, તેનું કારણ કાશ્મીરમાં અજંપાભરી સ્થિતિ જાળવી રાખવામાં તેની મદદ છે.
હવે જોવાનું એ રહ્યું કે જૈશ-એ-મહોમ્મદ પર શું કાર્યવાહી થાય છે. તેને લઈને ભારત તરફથી ખૂબ દબાણ આવશે અને શક્ય છે કે ચીન તરફથી પણ આવે.
કારણ કે માનવામાં આવે છે કે ચીન હવે અઝહરનો પક્ષ લેવાથી ઘણું આગળ નીકળી ચૂક્યું છે.
તેથી શક્ય છે કે આ જૂથ પર પાકિસ્તાનમાં પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવે. ભૌગોલિક રાજનીતિથી અલગ આ આત્મઘાતી હુમલાને સ્થાનિક દૃષ્ટિએ પણ જોવો પડશે. ગયા એક વર્ષ દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ લગભગ 300 કાશ્મીરી ઉગ્રવાદીઓને માર્યા છે.
તેમાંથી મોટા ભાગના દક્ષિણ કાશ્મીરના છે, જ્યાં આ હુમલો થયો છે.
ત્યારે ઉગ્રવાદી જૂથો સામે પોતાની હાજરી નોંધાવવા માટે મોટા હુમલા કરવા જરૂરી બની ગયા છે.
આ વિસ્તારમાં જે ઉગ્રવાદી સંગઠનોનો દબદબો છે તેમાં હિઝ્બ-ઉલ-મુઝાહિદ્દીન આત્મઘાતી હુમલાઓને ગેરઇસ્લામી માને છે. તેથી જૈશ-એ-મહોમ્મદ અને લશકર-એ-તોયબા પર જ આવા હુમલા કરવાની જવાબદારી આવે છે.
ભારતીય સુરક્ષા તંત્ર માટે આ ગંભીર પણ ગુપ્ત નિષ્ફળતા છે. પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓએ આ સવાલનો સામનો તો કરવો જ પડશે કે જૈશ-એ-મહોમ્મદ, ભારતીય સેનાના આટલા મોટા કાફલામાં પર હુમલો કરવામાં સફળ કઈ રીતે થયું.
જેમાં વિસ્ફોટકોનો આટલો માટો જથ્થો લદાયેલો હતો. વિસ્ફોટકો સાથેની ગાડીની વ્યવસ્થાથી લઈને તેની દેખભાળ, હુમલાનો પૂર્વ અભ્યાસ અને ઘણાં આવરણો વાળી સુરક્ષા વ્યવસ્થામાં છીંડાં પાડવાં સહિતના પ્રશ્નો ઊઠશે.
હાલ, ભારત સરકાર વિકલ્પો પર વિચાર કરે છે. આર્થિક ક્ષેત્રે પગલાં લેતાં પાકિસ્તાનનો મોસ્ટ ફૅવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. જેનાથી પાકિસ્તાનને વ્યાપાર ક્ષેત્રે લાભ મળી શકશે નહીં.
તે ઉપરાંત ભારત સરકાર પાકિસ્તાનને રાજકીય રીતે પણ એકલું પાડી દેવાની વાત કરે છે. પરંતુ જ્યાં સુધી જૈશ-એ-મોહમ્મદ પર પાકિસ્તાન કોઈ કાર્યવાહી ન કરે ત્યાં સુધી આવા હુમલાની શંકાઓને નકારી ન શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો