સાબરમતી એક્સ.માં 2019ની ચૂંટણી કોણ જીતે અને બુલેટ ટ્રેન જોઈએ કે નહીં એના પર નિર્ણયો લેવાયા...

    • લેેખક, મેહુલ મકવાણા
    • પદ, સંવાદદાતા, બીબીસી ગુજરાતી

સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચના એક પ્રવાસીને મેં પૂછ્યું કે આજના દિવસે જ ૧૭ વર્ષ પહેલાં આ ડબ્બા સાથે એક મોટી દુર્ઘટના બની હતી એ શું તમને યાદ છે? તમને ખબર છે ?

એ ભાઈનો જવાબ હતો 'હા, એવું કંઇક થયું હતું ખરું પણ...હવે શું?'

પરશુરામ યાદવ નામના એ મુસાફરના ચહેરા પર મારી સાથે વાત કરવાનો કંટાળો સ્પષ્ટ દેખાતો હતો પણ મને એમની આંખો હજુ કંઇક વધુ બોલવા માંગે છે એવું લાગતું હતું.

સાબરમતી એક્સપ્રેસ : અયોધ્યાથી ગોધરા

પણ એમની વાત આગળ કરતાં અગાઉ હું આપને એ જણાવવા માગીશ કે ૧૭ વર્ષ અગાઉ જે મુસાફરી દરમિયાન બનેલી ઘટનાએ ગુજરાતની રાજનૈતિક દિશા બદલી નાખી, તેમાં મેં અને મારા સાથી પિયુષ નાગપાલે મુસાફરી કરી.

હું અને પિયુષ નાગપાલ 25 ફેબ્રુઆરીની સાંજે અયોધ્યાથી લઈને ૨૭ ફેબ્રુઆરીની વહેલી સવારે ગોધરા સુધી સાબરમતી એક્સપ્રેસમાં મુસાફર હતા.

૨૭ ફેબ્રુઆરી, 2002ની વહેલી સવારે મુસાફરોથી ખીચોખીચ એવી સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-૬ પર ગોધરામાં હુમલો થયો હતો.

જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા ૫૯ કારસેવકો જીવતા ભુંજાયા હતા. આને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મોટાપાયે તોફાન થયા હતા.

આ તોફાનો અંગે કેન્દ્ર સરકારે ૨૦૦૫માં ગૃહમાં રજુ કરેલી વિગત મુજબ સત્તાવાર રીતે 790 મુસ્લિમ સમુદાયના લોકો અને 254 હિંદુ સમુદાયના લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૨૩૩ લોકો લાપતા બન્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

'પેહલાં બેરોજગારી, પછી આતંકવાદ'

હવે હું પાછો એસ-૬ ડબ્બામાં પરશુરામ યાદવે કરેલી વાતચીત પર આવું છું.

શરૂઆતમાં હવે શું કહીને અટકી જનારા પરશુરામ યાદવ માને છે કે ૨૦૦૨માં ગોધરામાં બનેલી ઘટના થકી નરેન્દ્ર મોદીની છબી લોકોમાં ઊંચકાઈ.

તેઓ કહે છે, "સાચું ખોટું તો ભગવાન જાણે પણ ગુજરાતમાં લોકો કહે છે કે નરેન્દ્ર મોદીએ ૨૪ કલાક આપ્યા અને એને લીધે બદલો લેવાનો મોકો મળ્યો."

ગોધરા અને ગુજરાતની વાત કરતાં તેઓ પુલવામા હુમલો અને આતંકવાદ પર પહોંચી જાય છે અને મને કહે છે. "આ બધું જ છળ છે, જ્યાં સુધી બેરોજગારી અને ગરીબી ખતમ ન થાય ત્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય."

મૂળ યુપીના બલિયાના પરશુરામ યાદવ પોતે સમાજવાદી પાર્ટીના સમર્થક છે પણ નરેન્દ્ર મોદી ૨૦૧૯ની ચૂંટણી જીતી જશે એમ માને છે.

મેં અનેક લોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો મને લાગ્યું કે લોકો સાબરમતી એક્સપ્રેસ અને ગોધરાને ભૂલી ગયા છે.

અમુકે તો મારી વાત કરવાની વિનંતીનો સીધો ઇનકાર કરી દીધો.

જોકે, જેમ જેમ વાત થતી ગઈ તેમ મને ખ્યાલ આવ્યો કે લોકો ગોધરાને ભૂલી નથી ગયાં.

'જીત મોદીની જ થાય છે?'

એક કમ્પાર્ટમેન્ટમાં મને યંગ અને હૅન્ડસમ વિશાલ દુબે મળ્યા.

૨૮ વર્ષના વિશાલ નરેન્દ્ર મોદીના ફેન છે પણ કહે છે, "સાબરમતી એક્સપ્રેસના અચ્છે દિન કદી ન આવ્યા."

હજી તો વિશાલના મોઢામાંથી શબ્દ નીકળ્યો જ છે કે "ગોધરા હોય કે પુલવામાં જીત મોદીની જ થાય છે અને એમની જ થશે."

બરોબર ત્યારે જ અમારી ચર્ચામાં અચાનક એક મહિલાનો અવાજ આવ્યો...'નહીં જીતે. નહીં જીતવા દઈએ. '

અત્યાર સુધી ચેહરા પર દુપટ્ટો નાખી સુઈ રહેલા એ બહેને અચાનક બોલી મને ચોંકાવી દીધો. હું એમની તરફ વળ્યો.

યુપીના હઝરતગંજના વતની ફરઝાના કહે છે, "પહેલાં લાઈનમાં ઊભા રાખીને હાલત ખરાબ કરી દીધી અને પછી તો દેશ આખો રોજ લાઈનમાં ઊભેલો જ લાગે છે."

"મોદીજીએ કંઈ સારું નથી કર્યું લોકો એમને નહીં જીતાડે."

હું ફરઝાના સાથે વધારે વાત કરવા માગું છું પણ એમણે તો એક ડાયલોગ મારીને ફરી દુપટ્ટો ઓઢી લીધો અને હું બાજુમાં વાતો કરતો હોવા છતાં જાણે હયાત જ નથી એમ ધારી લીધું.

ખૂબ આગ્રહ પછી તેઓ ફક્ત એટલું બોલ્યાં, "મારે જે કહેવું હતું એ મેં કહી દીધું મને આમાં કંઈ બહુ ખબર ના પડે."

2019ની ચૂંટણીમાં કોણ જીતશે ?

આ દરમિયાન મેં સામે બેઠેલી એક વ્યક્તિને પ્રધાન મંત્રી મોદી વિશે પૂછ્યું.

પોતાનું નામ અંકિત સેંગર જણાવી તેઓએ કહ્યું કે, "મોદી કરે છે ઓછું, બોલે છે બહુ અને રજુ તો એથી પણ વધુ કરે છે."

અંકિત સેંગરની વાતો પરથી તેઓ નરેન્દ્ર મોદીના ફેન હોય એવું લાગતું નથી પરંતુ તેઓ ૨૦૧૯માં મોદી ફરી જીતી જશે એવો દાવો કરે છે.

મેં પૂછ્યું કે કેમ જીતી જશે? તો એમનો ખૂબ ટૂંકો અને સ્પષ્ટ જવાબ હતો. "પાંચ વર્ષ પૂરતા નથી હોતા, મનમોહન સિંહને પણ લોકોએ ૧૦ વર્ષ આપેલાં."

સાબરમતી એક્સપ્રેસમાં મને મળેલા ૬૪ વર્ષના સુરેશચંદ્ર ઝા ૨૦૦૨ વખતે ગુજરાતમાં જ હતા.

તેઓ કહે છે "૨૦૦૨ના તોફાનો ખૂબ મોટી ઘટના હતી. હું વડોદરામાં હતો અને મારી પોતાની સાંકળ ખેંચાઈ હતી તોફાનમાં. આજે પણ એનું નિશાન છે."

તેઓ કહે છે, "૨૦૦૨થી દસ વર્ષ તો મોદી અને ભાજપને ૨૦૦૨નો જ ફાયદો મળ્યો અને પછી વિકાસનો."

તમે આ વાંચ્યું કે નહીં?

નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેની કામગીરી અને આવનારી લોકસભા ચૂંટણી વિશે તેઓ કહે છે, "જે-જે બોલ્યા એ મુજબ કર્યું નથી અને એટલે છેતરામણીની લાગણી ઉભી થઈ છે. ૨૦૧૯ મોદી માટે સહેલું નથી."

દેશની હાલતને તેઓ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની હાલત સાથે સરખાવે છે અને કહે છે, "મોદીજી સ્વચ્છ ભારત અભિયાન કરે છે પણ આ ટ્રેનની હાલત જુવે તો ખબર પડે કે એની હકીકત શું છે. બાથરૂમમાં પાણી નથી, સ્વીચો ચાલતી નથી અને ગંદકીના થર છે."

ટ્રેન વિશેની એમની ફરિયાદ બેશક સાચી છે કારણકે વૅઇટિંગ સ્લીપર ક્લાસમાં બાથરૂમમાં પાણી વગર, ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પાંચ કલાક મોડી ચાલી રહેલી આ ટ્રેનનો હું પણ એક મુસાફર છું.

આ કેવળ સંજોગ છે કે ૨૦૦૨માં પણ સાબરમતી એક્સપ્રેસ એના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી હતી.

'લોકોની સમસ્યા એ ચૂંટણી મુદ્દો નથી બનતી'

ટ્રેનમાં મળેલા યુવાન પુષ્પગૌતમને મારી સાથે ૨૦૦૨ના ગોધરાકાંડ વિષે વાત કરવામાં સહેજ પણ રસ નથી. તેઓ બેરોજગારીથી પરેશાન છે.

મેં એમને દેશની વર્તમાન રાજનીતિ વિશે પૂછ્યું તો એમણે કહ્યું, "બેઝિક મુદ્દાઓ પર રાજનીતિ કોઈને નથી કરવી દેશમાં. રાજનીતિ મોટા મુદ્દાઓ ઊભા કરી મૂળ મુદ્દાઓને ચાતરીને આગળ વધતી રહે છે."

જરા વિગતે સમજાવવા કહ્યું તો તેઓ કહે છે "લોકોની સમસ્યાઓ ચૂંટણીમાં મુદ્દો નથી બનતી. મને લાગતું હતું કે બેરોજગારી સમસ્યા છે એ મુદ્દો બનશે પણ ત્યાં સુધી તો સબરીમાલા વિવાદ ચાલતો હતો, પછી લાગ્યું કે કદાચ આ મુદ્દો છે પણ પછી રફાલ સોદાની વાત આવી, પછી રામમંદિર ચાલતું હતું અને હવે પાકિસ્તાન અને પુલવામા મુદ્દો છે."

મેં પૂછ્યું તો પછી તમારા મતે દેશની સમસ્યા શું છે? તો એમણે કહ્યું "શિક્ષણ અને બેરોજગારી એ મુખ્ય સમસ્યા છે."

ટ્રેનમાં મારી મુલાકાત રાજસ્થાનના શિક્ષક અશરફ સાથે થઈ.

૨૦૦૨માં ગોધરામાં જે ઘટના બની તેનું એમને દુખ છે. તેઓ કહે છે, "મુઠ્ઠીભર લોકોએ જે કર્યું એની સજા અનેક નિર્દોષ લોકોએ ભોગવી."

આપને આ પણ વાંચવું ગમશે

'બીજાને કામ આવવું એ કુરાન અને ગીતાનો સાર'

અશરફ માને છે, "બીજાને કામ આવવું એ કુરાન અને ગીતાનો સાર છે અને ૨૦૦૨ જેવી ઘટનાઓ રાજકીય ફાયદાઓ માટે ઉપયોગમાં લેવાય છે."

અશરફ કહે છે, "મારા નાનાજીના હિંદુ દોસ્તો એમની મીઠાઈ વગર દિવાળી નહોતા ઊજવતા અને એ જ રીતે ઈદ હોય ત્યારે નાનાજીના હિંદુ દોસ્તો આવે નહીં ત્યાં સુધી સેવઇ સુની ગણાતી. આવો પ્રેમ હતો તો આ ૫-૧૫ વર્ષમાં શું થઇ ગયું ?"

અશરફ મીડિયાથી ખૂબ નારાજ છે.

તેઓ કહે છે, "મીડિયા એક ટીપું પાણી હોય ત્યાં શોર કરીને દરિયો દેખાડે છે."

મેં અશરફને પૂછ્યું મોબ લીન્ચિંગ અને કોમવાદ જેવી ઘટનાઓથી તમે પરેશાન થાવ છો?

તો એમણે કહ્યું "દિલમાં દુઃખ તો થાય છે પણ હું જાણું છું કે નફરતનું જીવન ટૂંકું હોય છે, માણસ મહોબત માટે જ બન્યો છે."

'લોકો બુલેટ ટ્રેન વાપરી શકે એ માટે લાયક તો બનાવો'

અશરફની સામે બેઠેલી વ્યક્તિ અમારી વાતચીતથી ક્યારના ઊભા થઇ ગયા છે અને હું એમની તરફ વાતે વળગું છું.

ગુજરાતમાં જ એમનું શિક્ષણ થયું છે અને ભરૂચમાં નોકરી કરે છે. એમનું નામ નાગેશ તિવારી છે.

૪૮ વર્ષીય નાગેશ કહે છે "૨૦૦૨માં થયેલાં ગોધરાકાંડ અને એ પછીના તોફાનો મોદીની ઈમેજ ઉભી કરવામાં નિર્ણાયક બન્યાં એ વાત સાચી પણ આટલી મોટી ઘટના પાછળ શું ચૂક રહી ગઈ હતી એ મને આટલા વર્ષે પણ સમજાતું નથી."

જોકે, નાગેશને વધારે રસ સાબરમતી એક્સપ્રેસ વિશે વાત કરવામાં છે.

૩ મહિના અગાઉથી બુકિંગ કરવા છતાં તેઓ માંડ સીટ મેળવી શકે છે અને પેન્ટ્રી વગરની, કાયમ મોડી ચાલતી ટ્રેન એમને પરેશાન કરી મૂકે છે.

ટ્રેનની વાતો કરી રહેલા નાગેશને મેં ગુજરાતના વિકાસ અને આવી રહેલી બુલેટ ટ્રેન વિશે પૂછ્યું તો તેઓ રીતસર અકળાઈ ઉઠ્યા અને બોલ્યા,

"અહીં આ સાબરમતી એક્સપ્રેસના ઠેકાણા નથી અને તમારે બુલેટ ટ્રેન લાવવી છે? પહેલાં લોકોને બુલેટ ટ્રેનને વાપરી શકે એ માટે લાયક તો બનાવો, પછી જુવો લોકો પોતે બુલેટ ટ્રેનનો વિરોધ કરવા માટે નહીં પણ એને શરુ કરવા માટે આંદોલન કરશે."

અયોધ્યાથી નીકળ્યા પછી કન્ફર્મ સીટ વગરની મારી આ ટ્રેનમાં બીજી રાત છે. એસ-૬થી એસ-૮ સુધી લગભગ દરેક વ્યક્તિ મને કદાચ ઓળખી ગયા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

પુરતી ઊંઘ અને આરામ વગર મને જે થાક વર્તાય છે એ હું જ્યાં નીચે ફર્શ પર બેઠો છું ત્યાં કન્ફર્મ સીટ ધરાવનાર એક બહેનને કહ્યાં વગર સમજાય છે.

એ બેન મને કહે છે, "અમે લોકો પરવારી લઈએ ત્યાં સુધી તમે સીટ પર સુઈ જાવ."

૫-૬ કલાક મોડી ચાલી રહેલી ટ્રેન સવારે ૫-૬ વાગે પહોંચશે એટલે સામાનની સલામતી અને સમયસર ઊતરવા માટે પણ હવે ઊંઘવું જોખમી છે એની મને ખબર છે.

અલબત્ત, જાણે મારી મૂંઝવણ સમજતાં હોય એમ એ મને ફરી આગ્રહ કરે છે.

હું જરાક આડો પડ્યો છું અને નીચેની વાતો સાંભળું છું.

નીચેથી એક ધીમો અવાજ આવે છે, "આ ગાડીમાં આવું ના થયું હોત તો આ લોકોને તો આમ આવવું જ ના પડતને!"

ટુકડો ઊંઘ પછી હું જાગી ગયો છું અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ની સવારે ગોધરા ઊતર્યો છું.

દૂર ગોદીમાં પેલો બળેલો ડબ્બો હજી પડ્યો છે. હું સ્ટેશન પરથી નીકળ્યો છું અને મારો થાક અને ઊંઘ બધું ગાયબ છે.

મને ફક્ત બે શબ્દો સંભળાય છે...

'આ ગાડીમાં આવું ના થયું હોત તો...'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો