You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને શુક્રવારે મુક્ત કરાશે, ઇમરાન ખાનની પાકિસ્તાન સંસદમાં જાહેરાત
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે સંસદમાં જાહેરાત કરી હતી કે શુક્રવારે બંધક બનાવાયેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને છોડી દેવાશે.
ઇમરાન ખાને કહ્યું હતું કે શાંતિ સ્થાપવા માટે આ મુક્તિ કરાશે.
ભારતના વિદેશ મંત્રાલયે તેના સૈનિક સાથે હિંસા અને નિર્લ્લજ પ્રદર્શન સામે વિરોધ નોંધાવ્યો હતો અને માગ કરી હતી કે તત્કાળ ભારતીય પાઇલટને છોડી દેવામાં આવે.
ત્યારે જાણો કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન
કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન?
વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનો જન્મ તા. 21મી જૂન 1983ના રોજ થયો હતો, તેમના પિતા નિવૃત્ત ઍરમાર્શલ છે.
35 વર્ષીય અભિનંદન તામિલનાડુની રાજધાની ચેન્નાઈ નજીક સેલાયુરના નિવાસી છે.
પરિવારના કહેવા પ્રમાણે, સોશિયલ મીડિયા ઉપર વહેતી થયેલી તસવીરોને આધારે અમને જાણ થઈ હતી કે અભિનંદનને પકડી લેવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી IANSએ તેમના પિતા ઍરમાર્શલ (નિવૃત્ત) એસ. વર્તમાનનો સંપર્ક સાધીને પ્રતિક્રિયા માગી હતી, પરંતુ તેમણે વાત કરવાનો ઇન્કાર કરી દીધો છે. તેઓ વાયુદળમાં ઉચ્ચ અધિકારી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોગાનુજોગ છે કે પાકિસ્તાનના તાબામાં રહેલા ભારતીય પાઇલટને લગતી એક તામિલ ફિલ્મમાં પરામર્શક તરીકે પણ તેમના પિતાએ કામ કર્યું હતું.
આ ફિલ્મનું નિર્દેશન મણિરત્નમે કર્યું હતું અને તેમાં એ. આર. રહેમાને સંગીત આપ્યું હતું. આ ફિલ્મ 2017માં રજૂ થઈ હતી.
વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન મિગ-21 બિશન લઈને ઉડ્યા હતા, પરંતુ વળતી કાર્યવાહીમાં તેમનું વિમાન ક્ષતિગ્રસ્ત થયું હતું.
વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને સલામત ઉતરાણ કર્યું હતું, પરંતુ તેઓ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઉતર્યા હતા.
જ્યાં તેમની ઉપર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એક સૈન્ય ટૂકડીએ તેમને છોડાવ્યા હતા.
જીનિવા સંધિ
આ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદૂતને બોલાવીને પાકિસ્તાનના કબજામાં રહેલા સૈનિકને પરત મોકલવાની માગ કરી હતી.
મંત્રાલયે કહ્યું છે કે ભારત દ્વારા અ-સૈન્ય અને બિનનાગરિક વિસ્તારોની ઉપર હુમલા કરવામાં આવ્યો હતો, જ્યારે પાકિસ્તાન દ્વારા ભારતના સૈન્ય મથકો પાસે હુમલા કરવાનો પ્રયાસ થયો હતો.
ઇજાગ્રસ્ત સૈનિકના પ્રદર્શનને ભારતે નિર્લ્લજ ગણાવ્યું હતું અને તેના આંતરરાષ્ટ્રીય માનવહિત કાયદા તથા જીનેવા કરારના ભંગ સમાન ગણાવ્યું હતું.
વર્ષ 1929માં જીનિવા સંધિ લાગુ થઈ હતી, જેને વર્ષ 1949માં બીજા વિશ્વયુદ્ધ બાદ તેની માર્ગદર્શિકાને બૃહદ બનાવવામાં આવી હતી.
જો યુદ્ધબંદી સાથે દુર્વ્યવહાર થાય અને તેને કંઈ થાય તો સ્થિતિ વકરી જાય, આથી આ સંધિ લાગુ કરવામાં આવી હતી.
'પાકિસ્તાની મહેમાનગતિ'
વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની પૂછપરછનો વીડિયો પાકિસ્તાની સેનાના માહિતી અને પ્રસાર પ્રધાને પોસ્ટ કર્યો છે, જેમાં અભિનંદનને ચા પીતા દેખાડવામાં આવ્યા છે.
વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાની સેનાની મહેમાનગતિ માટે આભાર માને છે.
વીડિયોમાં પાકિસ્તાની સેનાના મેજરને સંબોધિત કરતા તેઓ કહે છે, "ભારત જઈને પણ હું આ વાત જ કહીશ."
વિંગ કમાન્ડર અભિનંદને હિંસક ભીડથી બચાવવા બદલ પાકિસ્તાની સેનાના કૅપ્ટનનો પણ આભાર માનતા જણાય છે અને કહે છે કે તેઓ મૂળતઃ દક્ષિણ ભારતના છે.
પાકિસ્તાની મેજર દ્વારા 'ટાર્ગેટ્સ', 'તેઓ ક્યાંના છે?', 'કયું વિમાન ઉડાવી રહ્યા હતા?', 'તમારું ઍરબેઝ કયું હતું?' વગેરે જેવા સવાલોનો જવાબ આપ્યો ન હતો.
અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના કબજામાં બે ભારતીય પાઇલટ છે, જેમાં એકની સૈન્ય હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
જોકે, બાદમાં તેમણે એક જ પાઇલટ હોવાની વાત કરી હતી અને વિંગ કમાન્ડર અભિનંદનનો વીડિયો રિલીઝ કર્યો હતો.
પાકિસ્તાનનું કહેવું છે કે સૈન્ય શિષ્ટાચાર પ્રમાણે તેમની સાથે વ્યવહાર થઈ રહ્યો છે.
બંધક અવસ્થામાં અધિકારી
વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની ઉંમર 35 વર્ષની છે.
આ પહેલાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો અન્ય એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેમની આંખ ઉપર પટ્ટી બાંધેલી હતી અને તેમના હાથ બાંધેલા હતા. તેમના ચહેરા ઉપર લોહી નીકળી રહ્યું હતું.
વીડિયોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન જણાવે છે કે તેમનો ધર્મ હિંદુ છે અને તેમનો સર્વિસ નંબર 27981 છે.
એક સ્થાનિકના કહેવા પ્રમાણે, વિંગ કમાન્ડર અભિનંદનના પગમાં ગોળી મારવામાં આવી હતી.
પાકિસ્તાની સેનાના માહિતી અને પ્રસાર વિભાગ દ્વારા વિંગ કમાન્ડર અભિનંદન પાસે રહેલી પિસ્તોલ, મેપ તથા તેમના ચશ્માની તસવીરો મૂકી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો