વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યા હોવાનો પાક.નો દાવો, ભારતે MIG 21 તોડી પડાયું હોવાનું સ્વીકાર્યું

પાકિસ્તાની મીડિયા દ્વારા ભારતીય વાયુદળના પાઇલટનો વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જે મુજબ પકડાયેલા પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન છે.

આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું, જે મુજબ ભારતીય વાયુદળ દ્વારા એક વિમાન તોડી પાડવામાં આવ્યું છે.

આ કાર્યવાહીમાં ભારતના એક વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું, જેના પાઇલટ લાપતા છે, પાકિસ્તાનનો દાવો છે કે તે તેમના તાબામાં છે.

અગાઉ બે પાઇલટ તાબામાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ભારતે દિલ્હી ખાતેના પાકિસ્તાની રાજદૂતને બોલાવીને તેના કબજામાં રહેલા ભારતીય વાયુદળના પાઇલટને પરત મોકલવાની માગ કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત દ્વારા અ-સૈન્ય અને બિનનાગરિક વિસ્તારોની ઉપર હુમલા કર્યા હતા, જ્યારે પાકિસ્તાન દ્વારા ભારતના સૈન્ય મથકો પાસે હુમલા કરવાનો પ્રયાસ થયો હતો.

ઇજાગ્રસ્ત સૈનિકના (વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન) પ્રદર્શનને ભારતે નિર્લ્લજ ગણાવ્યું હતું અને તેના આંતરરાષ્ટ્રીય માનવહિત કાયદા તથા જીનેવા કરારના ભંગ સમાન ગણાવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

વ્યક્તિની આંખો પર પાટો બંધાયેલો છે તેણે ભારતીય વાયુસૈન્યનો યુનિફૉર્મ પહેરી રાખ્યો છે. જેના પર અંગ્રેજીમાં તેમનું નામ 'અભિ' લખાયેલું છે.

આ વ્યક્તિ પોતાનો સર્વિસ નંબર પણ બતાવી રહી છે.

તસવીરમાં જોવા મળી રહેલું ટ્વીટ પાકિસ્તાની સૂચના મંત્રાલયના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું હતું.

જોકે, થોડા સમય બાદ તેને હટાવી દેવાયું હતું.

જોકે, પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વીટર એકાઉન્ટ પર બે પાઇલટને પકડવાનો દાવો કરાયો છે અને તેમની તસવીર પણ અપાઈ છે.

પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ બીજા ભારતીય પાઇલટને 'સૅન્ટ્રલ મિલિટરી હૉસ્પિટલ'માં દાખલ કરવાની વાત કરી છે.

જોકે, બીબીસી નિષ્પક્ષ સૂત્રોથી આ દાવાની પુષ્ટિ નથી કરી શક્યું.

બુધવારે બડગામ પાસે હેલિકૉપ્ટર ક્રૅશ થયા બાદ પાંચ ઍરપૉર્ટ ઉપર નાગરિક ઉડ્ડયન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જેમાં શ્રીનગર, જમ્મૂ અને લેહના ઍરપૉર્ટ સામેલ છે.

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં કરેલી સ્ટ્રાઇક અને પછી બંને દેશો વચ્ચે તણાવને કારણે હવાઈ પરિવહન મોકૂફ કરી દેવાયું છે.

ઍરલાઇન્સના અધિકારીઓના જણાવ્યા મુજબ ચંદીગઢ અને અમૃતસર ઍરપૉર્ટને પણ નાગરિક ઉડ્ડયન માટે બંધ કરવામાં આવ્યા છે.

શ્રીનગરમાં ઍરપૉર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીએ પીટીઆઇને જણાવ્યું કે, ચાલી રહેલી કટોકટીને ધ્યાનમાં રાખતાં હાલમાં નાગરિક ઉડ્ડયન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

જો કે અધિકારીએ કેવા પ્રકારની કટોકટી છે તે અંગે કોઇ ખુલસો કર્યો નથી. ધારણા છે કે આ નિર્ણય કશ્મીરના બડજગામમાં ભારતીય વાયુસેનાના જેટના ક્રૅશ થયા બાદ લેવામાં આવ્યો છે.

અધિકારીઓનું કહેવું છે કે તેમને ઍર ટ્રાફિક કન્ટ્રોલર્સ તરફથી આદેશ મળ્યો હતો કે નાગરિક ઉડ્ડયન સેવાઓ બંધ કરવી.

અધિકારીઓએ ઉમેર્યું કે, જમ્મુ, શ્રીનગર અને લેહ તરફ જઇ રહેલી ફ્લાઇટ્સે જ્યાંથી ઉડ્ડાણ ભરી હતી તે એરપોર્ટ પર પાછી મોકલવામાં આવી છે.

બુધવારે વહેલી સવારે પાકિસ્તાન સેના દ્વારા LoC પર શેલિંગ થતાં સુરક્ષા દળો અને અન્ય એજન્સીઓને હાઇ-ઍલર્ટ પર રાખવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો