#Balakot : પાકિસ્તાનમાંથી 'સમજોતા એક્સપ્રેસ' ભારત ના આવી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલાં તણાવની અસર બંને દેશો વચ્ચે ચાલતી ટ્રેન પર પણ પડી છે.

અઠવાડિયામાં બે વખત લાહોરથી દિલ્હી આવતી 'સમજોતા એક્સ્પ્રેસ' ટ્રેનને હાલ અટકાવી દેવામાં આવી છે.

બીબીસી સંવાદદાતા સાજિદ ઇકબાલ કહે છે કે ટ્રેન સેવા અમર્યાદિત સમય માટે અટકાવી દેવામાં આવી છે અને 'દોસ્તી બસ સેવા'નું ભવિષ્ય પણ સ્પષ્ટ નથી.

બીબીસીના સહયોગી રવિનદ્રસિંઘ રૉબિને જણાવ્યું કે લાહોર સ્ટેશન માસ્ટરે કહ્યું છે કે હવે પછીનો આદેશ ના આવે ત્યાં સુધી લાહોરથી 'સમજોતા એક્સપ્રેસ' નહીં ઊપડે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમનું કહેવું છે કે ટ્રેન રદ થવાને કારણે લાહોરથી ભારત આવતા ઘણા મુસાફરો લાહોર સ્ટેશન પર ફસાઈ ગયા છે. સાથે જ ભારતના અટારીમાં કેટલાય મુસાફરો ફસાયા છે.

રૉબિનનું કહેવું છે કે લાહોરમાં ફસાયેલાં મુસાફરોને આશા છે કે ભારત એમની વાપસી માટે જલદીથી કોઈ વ્યવસ્થા કરશે.

જોકે, ટ્રેનને અટકાવવાનો આદેશ કઈ તરફથી આવ્યો અને કેમ એ અંગે કોઈ આધારભૂત માહિતી મળી નથી.

રૉબિને ભારત અને પાકિસ્તાન બંને તરફના અધિકારીઓ સાથે વાત કરી છે.

તેઓ જણાવે છે કે બંને તરફના આધિકારી આ બાબતે સરહદ પરના અધિકારીઓને દોશી ગણે છે.

ભારતે ટ્રેન અટકાવાથી કર્યો ઇનકાર

અટારી રેલવે સ્ટેશન માસ્ટર એ.કે. ગુપ્તા જણાવે કે સ્થિતી સામાન્ય છે.

તેઓ કહે છે, "દિલ્હીથી અટારી જતી સમજોતા એક્સ્પ્રેસ પોતાના નિશ્ચિત સમયે અટારી પહોંચી હતી. પણ સવારે અમને વાઘા બૉર્ડરથી જાણકારી મળી કે બીજી તરફથી સમજોતા એક્સપ્રેસ કોઈ કારણસર અટકાવી દેવાઈ હતી."

"આ ટ્રેનમાં પાકિસ્તાનના લગભગ 40 મુસાફરો છે. હવે અહીંથી ધોરીમાર્ગે તેમને પાકિસ્તાન મોકલવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આદેશ મળતા જ તેનું પાલન કરવામાં આવશે."

બુધવારે આ મુદ્દે રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે 'સમજોતા એક્સ્પ્રેસ' અટારી સુધી રાબેતા મુજબ ચાલશે.

બુધવારે આંધ્ર પ્રદેશ માટે નવા રેલવે ઝોનની જાહેરાત દરમિયાન પૂછાયેલાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું,

"સમજોતા એક્સ્પ્રેસનું સંચાલન રોકવા બાબતે કોઈ પ્રકારની કાયદેસર સૂચના મળી નથી."

'સમજોતા એક્સપ્રેસ' ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર બાદ જૂન 1976માં શરૂ થઈ હતી.

વર્ષ 2001માં સંસદ પર હુમલા પછી આ ટ્રેનની સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. જોકે, 2004માં તેને ફરી શરૂ કરવામાં આવી હતી.

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલી તણાવભરી સ્થિતી બાદ ફરી આ ટ્રેન અટકાવી દેવાઈ હોવાની અહેવાલ મળી રહ્યા છે.

પાકિસ્તાનના લાહોરથી મળી રહેલી તસવીરો

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો