છત્તીસગઢના ખેડૂતો કેમ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે?

    • લેેખક, આલોક પ્રકાશ ગુપ્ત
    • પદ, રાયપુરથી, બીબીસી ગુજરાતી માટે

પાકિસ્તાનમાં ટમેટાંની કિંમત ભલે આકાશે આંબતી હોય પણ છત્તીસગઢમાં ટમેટાંની ખરાબ સ્થિતી છે અને ટમેટાં વાવનારા ખેડૂતો મૂશ્કેલીમાં છે.

છત્તીસગઢમાં શાકભાજીના વેપારીઓએ કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનના ટમેટાં અને અન્ય શાકભાજી નિકાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ જ કારણે લગભગ અઠવાડિયાથી નિકાસ બંધ છે.

દુર્ગ જિલ્લાના સાજા વિસ્તારના ખેડૂત સુરેશ વર્મા પાકિસ્તાન પર કોઈ નિવેદન કરવા નથી માગતા. કારણ કે પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાનના તણાવભર્યા સંબંધોને કારણે તેઓ ચિંતિત છે.

સુરેશ વર્મા કહે છે, "એક તો ટામેટાં વાવનાર ખેડૂતોની હાલત રાજ્યમા પહેલાંથી જ ખરાબ હતી. ઉપરથી પાકિસ્તાનમાં નિકાસ બંધ થવાથી બચેલી કસર પણ પૂરી થઈ ગઈ."

"હવે તો ટમેટાં ખેતરમાં ખરાબ થઈ રહ્યાં છે, સડી રહ્યાં છે. તેની ગુણવત્તા પર કોઈ ધ્યાન નથી આપતું. એ જ કારણે કોઈ એક રૂપિયે કિલોના ભાવે પણ ટામેટાં ખરીદવા તૈયાર નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

ધમધા વિસ્તારના જાતાધર્રાના ખેડૂત જાલમ પટેલનું કહેવું છે કે ડિસેમ્બરમાં તોફાનને કારણે તેમના વિસ્તારના ખેડૂતોનો અડધો પાક તો ખરાબ થઈ ગયો હતો.

હવે જ્યારે ટમેટાંનો પાક લણવનો સમય થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાનમાં નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતોનું દુઃખ વધી ગયું છે.

જાલમ પટેલ કહે છે , "ખેડૂત કરે તો શું કરે. દર વર્ષે વિચારું છું કે સ્થિતી સુધરશે પણ મુશ્કેલીઓ છે તે પીછો જ નથી મુકતી. હવે તો વિચારુ છું કે ટમેટાંની ખેતી જ બંધ કરી દઉં."

પરંતુ ધમધાના પરશુરામ પટેલ ટમેટાં કે અન્ય શાકભાજીઓને પાકિસ્તાન નિકાસ પર પ્રતિબંધના નિર્ણયના સમર્થનમાં નથી.

તેઓ કહે છે, "જો અદાણી પાકિસ્તાનમાં વીજળીનો વેપાર કરે તો ઠીક અને અમે ખેડૂતો શાકભાજીઓ મોકલીએ તો દેશભક્તિ પર સવાલ ઊઠાવવામાં આવે છે. આ બેવડું વલણ યોગ્ય નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

છત્તીસગઢમાં લગભગ સાત લાખ હૅક્ટર જમીનમાં બાગાયતી ખેતી થાય છે. માત્ર દુર્ગના ધમધા વિસ્તારમાં જ 10 હજાર એકરમાં ટમેટાંની ખેતી થાય છે. આ જ કારણે પાકિસ્તાનમાં નિકાસથી અહીંના ખેડૂતો વધુ તકલીફમાં છે.

પરંતુ રાયપુરની થોક શાક માર્કેટના અધ્યક્ષ ટી શ્રીનિવાસ રેડ્ડીનું કહેવું છે કે મુશ્કેલી છતાં ખેડૂતોએ દેશભક્તિ દર્શાવવી જોઈએ. રેડ્ડી કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનના ટમેટાં કે અન્ય કોઈ શાકભાજી વેચવાના પક્ષમાં નથી.

તેઓ કહે છે, "દરરોજ 300થી 400 ટન ટમેટાં સહિતના શાકભાજી દિલ્હીથી વાઘા બોર્ડરના રસ્તે પાકિસ્તાન મોકલતા આવે છે."

"પણ હવે એવું કરીને અમે પાકિસ્તાનના લોકોની મદદ ન કરી શકીએ. દેશભક્તિની ભાવનાથી અમે એ નિર્ણય લીધો છે કે અમને વેપારીઓ કે ખેડૂત ભાઈઓને ગમે તેટલું નુકસાન થાય તો પણ અમે પાકિસ્તાનમાં શાકભાજીની નિકાસ નહીં કરીએ."

તરબૂચ માટે તરસશે પાકિસ્તાની

થોક શાક માર્કેટના વધુ એક પદાધિકારી અમિત ગુપ્તાનો દાવો છે કે પાકિસ્તાને શાકભાજી નહીં વેંચવાનો નિર્ણય આવનારા ઘણા સમય સુધી યથાવત રહી શકે છે.

અમિત કહે છે, "ગરમીની શરૂઆતથી જ પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં છત્તીસગઢ તરબૂચ વેંચતું હતું. પણ હવે તો શું શિમલા મિર્ચ અને શું તરબૂચ, પાકિસ્તાનના લોકો આ વખતે તરસશે."

ઉદ્યોગ મંત્રી કવાસી લખમાનો દાવો છે કે નવી સરકાર ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ સમસ્યાનો ઉકેલ લાવશે. તેના માટે સરકાર નવી યોજનાઓ પર કામ કરી રહી છે.

મંત્રી કવાસી લખમાનું કહેવું છે કે એવું કર્યા પછી ખેડૂતોને પોતાનો પાક પાકિસ્તાન કે હીજો કોઈ દેશમાં મોકલવાની જરૂર પડશે નહીં.

કવાસી લખમા કહે છે, "આંબલી, મહુડો અને ટમેટાં જેવા ફળો અને શાકભાજીની પૉસેસિંગની વ્યવસ્થા માટે રાજ્યભરમાં 200 ફૂડ પાર્ક શરૂ કરવાની જોગવાહી અમે નવા બજેટમાં કરી છે. એટલે ખેડૂતોને તેમનો પાક ખરાબ થવાની ચિંતા નહીં રહે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો