BBC TOP NEWS : ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે વિયેતનામમાં બેઠક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન સાથે બેઠક કરવા માટે વિયેતનામ પહોંચી ગયા છે.

ગત વર્ષે સિંગાપોર સંમેલન બાદ બન્ને નેતાઓની આ બીજી બેઠક છે. ટ્રમ્પ પહેલાં જ કિમ ટ્રેન અને કાર મારફતે હનોઈ પહોંચી ગયા છે.

બે દિવસ સુધી ચાલનારી આ બેઠક બુધવારે બન્ને નેતાઓના કોરિયન પ્રાયદ્વીપમાં પરમાણુ જોખમને ઘટાડવા મામલે થયેલી પ્રગતી પર ચર્ચા કરશે.

એલઓસી પર ગોળીબાર, ચાર પાકિસ્તાનીનાં મૃત્યુ

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એક ઉગ્રવાદી સંગઠનના કૅમ્પ પર હુમલો કર્યા બાદ કાશ્મીરી નિયંત્રણ રેખા પર તણાવ વધી ગયો છે. નિયંત્રણ રેખા પર ઘણાં સ્થળોએ બંને દેશોના સુરક્ષાબળોએ ગોળીબાર કર્યો હોવાના અહેવાલો છે.

મંગળવારની રાત્રે કોટલી સૅક્ટરમાં ભારતીય સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો, જેમાં ચાર લોકોનાં મૃત્યુના સમાચાર છે.

મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે અને કેટલાય લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય સુરક્ષાબળોએ નિયંત્રણ રેખા પર રવાકોટ, ભાંબર, ચાકોત અને કોટલીમાં મશીનગનોથી ગોળીઓ ચલાવી છે અને ઘણા મૉર્ટાર ફેંક્યા છે.

ભારતના મતે પાકિસ્તાની સુરક્ષા દળોએ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. સેનાનો દાવો છે કે પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરના અખનૂર, નૌશેરા અને કૃષ્ણા ઘાટી સૅક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે.

#Balakot : પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી બાદ શું બોલ્યા પીએમ મોદી અને અમિત શાહ?

વડા પ્રધાન મોદીએ મંગળવારે રાજસ્થાનના ચુરુમાં એક જાહેર સભામાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વાયુસેનાએ કરેલા હુમલા અંગે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.

આ સંબોધનમાં તેમણે કહ્યું કે, "ચુરુની ધરતી પરથી હું એ કહેવા માગુ છું કે, દેશ સુરક્ષિત હાથમાં છે."

તેમણે ઉમેર્યું, "મને આ માટીના સોગંદ, હું દેશને નહીં મીટવા દઉં, હું દેશને અટકવા નહીં દઉં, દેશને ઝૂંકવા નહીં દઉં. મારું વચન છે ભારત માને, તારું શિષ ઝૂંકવા નહીં દઉં."

બીજી બાજુ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતા શાહે ટ્વીટ કરીને સૈન્યને અભિનંદન પાઠવ્યા.

તેમણે કહ્યું, "આજની કાર્યવાહીએ ફરી સાબિત કર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વમાં ભારત સુરક્ષિત છે."

નાઇજેરિયામાં મુહમ્મદુ બુહારી ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા

નાઇજેરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી ફરીથી ચાર વર્ષ માટે ચૂંટાયા છે. શનિવારે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા.

76 વર્ષના બુહારીએ પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અતિકુ અબુબકરને 40 લાખ મતથી હરાવ્યા છે.

જોકે, અબુબકરના પક્ષ(પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી)એ આ પરિણામોનો અસ્વીકાર કર્યો છે.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર બુરહાનીએ 'ઑલ પ્રોગ્રેસિવ્ઝ કૉંગ્રેસ'ની 36માંથી 19 બેઠકો જીતી છે.

જ્યારે 17 બેઠકો પર પીડીપીનું પ્રદર્શન સારું રહ્યું છે.

કુલ બેઠકોમાંથી 35% મતદારોએ જ મતદાન કર્યુ હતું. જે 20 વર્ષમાં સૌથી ઓછું છે. ચૂંટણીપંચ દ્વારા બુધવારે સત્તાવાર વિજેતાની જાહેરાત થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો