You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામાથી અભિનંદન : બોલ બચ્ચનો, વિશ્રામ...દેશપ્રેમીઓ, સાવધાન
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
સોશિયલ અને પરંપરાગત મીડિયામાં તાપમાનનો પારો થરમોમિટર તોડીને બહાર નીકળી જાય, એવી રીતે ઉછાળા મારી રહ્યો છે. ટીવી ચેનલો અને કેટલાંક અખબારો--આ લેખ પૂરતી વાત કરીએ તો, કેટલાંક ગુજરાતી અખબારો--જોઈને એવું લાગે.
જાણે સામાન્ય લોકોને ઉશ્કેરવાની અને તેમનામાં દેશપ્રેમના નામે યુદ્ધનો ઉન્માદ પ્રગટાવવાની વ્યાપારી હરીફાઈ ચાલી રહી છે, જેને દેશપ્રેમના રુપાળા આવરણ સાથે રોજેરોજ વાચકોના માથે મારવામાં આવે છે.
સરહદ પરની વાસ્તવિકતા તેમ જ યુદ્ધની ગંભીરતા વિશે વિચારવા-સમજવાને બદલે, જાણે કોઈ ઍક્શન ફિલ્મ ચાલતી હોય, એવો ઉત્તેજનાપૂર્ણ માહોલ ઊભો કરવામાં આવ્યો છે.
મેળામાં બેઠેલા ખુમચાવાળાના ઉત્સાહથી, ગળાં ફાડીને દેશપ્રેમની કોથળીમાં ભડકાઉ ઉશ્કેરાટ વેચતાં માધ્યમો માટે આ ધંધાનો ટાઇમ છે.
તેમની સફળતાનો મોટો આધાર 'ગ્રાહકો' (વાચકો-દર્શકો)ની દેશભક્તિ પર નહીં, તેમની નાદાનિયત પર હોય છે.
રાજનેતાઓ તો આપણા જવાનોની બહાદુરીને ચૂંટણીટાણે વટાવતાં વટાવશે, પણ ઘણાં પ્રસાર માધ્યમો માટે તો આ રોકડીયો ને તત્કાળ ધંધો થઈ ગયો છે.
આવા મુદ્દે પ્રસાર માધ્યમોની ટીકા થાય, ત્યારે તેમનો એક કાયમી બચાવ હોય છે : જુઓ, અમે કંઈ સેવા-બેવા કરતાં નથી.
અમે મીડિયાના બિઝનેસમાં છીએ અને જે વેચાય તે વેચીએ છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાચકોને-દર્શકોને સાચા દેશપ્રેમને બદલે કે જવાનોની સાચી ચિંતાને બદલે, આવી મસાલેદાર અને ભડકામણી સામગ્રી ગમે, તો અમે એ આપીએ છીએ.
તેમાં અમારો શો વાંક? અને હા, મહેરબાની કરીને અમને પત્રકારત્વના મિશનના પાઠ ન ભણાવશો.
એવા વેદિયાવેડા હવે ચાલે નહીં. અમારેય છાપાં વેચવાનાં છે-ચેનલો ચલાવવાની છે.
માધ્યમોનો આ બચાવ આદર્શ ભલે નહીં, પણ વ્યવહારુ લાગે એવો તો છે જ. હશે,
ભાઈ. લોકોને આવું જ ગમે છે, તો માધ્યમો બાપડાં શું કરે? પણ સહેજ ઊંડા ઉતરતાં તેમના આ બચાવ સામે અનેક સવાલો પેદા થાય છે.
સૌથી પહેલી વાત તો એ કે વાચકો આવું બધું અવાસ્તવિક અને ઉશ્કેરણીજનક ચપોચપ ચાટી જાય છે એ સાચું છે.
પરંતુ ઘણાંખરાં અંગ્રેજી અખબારોની જેમ વાચકોને ધોરણસરના સમાચાર, છાપરે ચડીને બૂમબરાડા પાડ્યા વિના કે પોતે કેવા મહાન દેશભક્ત માધ્યમવીર છે તેના દેખાડા કર્યા વિના આપવામાં આવે તો શું થાય?
તમે આ વાંચ્યું કે નહીં?
જરા કલ્પના કરી જુઓ. ગુજરાતવ્યાપી પ્રભાવ ધરાવતાં ત્રણે મુખ્ય અખબાર નક્કી કરે કે આપણે સમાચારને સમાચારની જેમ આપીશું અને દેશભક્તિના નામે આપણો ફેલાવો ટકાવવાની કે વધારવાની હલકી હરીફાઈમાં નહીં પડી જઈએ—તો શું થાય?
ઉશ્કેરણી અને ધંધાદારી લાગણીવેડાનો ડ્રામો કર્યા વિના, 'નાક રગડ્યું'-'ધૂળ ચટાડી'ને બદલે, થોડી વધારે જવાબદારી અને સંવેદનશીલતાથી કામ લેવામાં આવે તો શું થાય?
તમને શું લાગે છે? વાચકો આવા નક્કર અને વિગતસમૃદ્ધ, છતાં ઉશ્કેરણી વગરના સમાચારવાળું છાપું ફેંકી દે? ના.
ફેંકી તો ન દે, કારણ કે ઘણાં અંગ્રેજી અખબારો વિગતવાર, ઊંડાણપૂર્વક છતાં શાંતિથી સમાચાર આપી રહ્યાં છે.
આ થયો એક પક્ષ. 'લોકોને આવું બધું ગમે છે'—એવો પ્રસાર માધ્યમોની દલીલમાં રહેલો બીજો પક્ષ પણ છેક કાઢી નાખવા જેવો નથી.
કેમ કે, છાપું તો બિચારું છેક બીજા દિવસે આવે. ત્યાં સુધી સોશિયલ મીડિયા પર અને ટીવી ચેનલો પર ફેલાવાયેલો ઉશ્કેરાટ પીને ઘણા લોકો 'આઉટ' થઈ ચૂક્યા હોય છે.
છાપાંને ધંધો કરવો હોય તો લોકોનો એ નશો ઉતરી ન જાય અને તેમાં કંઈક ઉમેરો થાય, એવું કરવું પડે છે.
છાપાં ઇચ્છે તો એ પોતાની સ્વસ્થતા જાળવીને, સોશિયલ મીડિયાના છીછરાપણાં અને પોતાની બચીખૂચી વિશ્વસનિયતા વચ્ચેની દીવાલ અડીખમ રાખી શકે છે.
પણ ધંધાકીય હરીફાઈ અને અસલામતીથી પીડાતાં ઘણાં છાપાં સામે ચાલીને, હોંશે હોંશે, સોશિયલ મીડિયાની (નીચલી) કક્ષાએ ઊતરી ગયાં છે.
એટલું જ નહીં, પત્રકારત્વનાં મૂળભૂત મૂલ્યો અંગેની આવી નાદારીને 'સમય સાથે તાલ મિલાવવા' જેવું રૂપાળું નામ પણ આપવામાં આવે છે.
મુદ્દો યુદ્ધખોરી ફેલાવવાનો હોય કે કોમવાદી માનસિકતા પુષ્ટ કરવાનો કે પછી દેશપ્રેમની સડકછાપ દુકાન બની ગયેલાં માધ્યમોને નભાવી લેવાનો, હરીફરીને જવાબદારી આપણા માથે આવીને ઊભી રહે છે. તેમાંથી આપણે છટકી શકીએ નહીં.
નાગરિક તરીકે આપણે કયાં મૂલ્યોમાં માનીએ છીએ? ત્રાસવાદનો અસરકારક મુકાબલો કરવાના મામલે કયો નાગરિક સંમત નહીં થાય?
પણ જે જવાનોના નામની માળા જપતાં આપણે થાકતા નથી, તેમના શૌર્ય અને તેમનાં બલિદાનનો રાજકીય લાભ ખાટી લેવાની વાત આવે, ત્યારે નાગરિક તરીકે આપણે શું કરીએ છીએ?
આક્રમક પ્રચારની ચાલતી ગાડીમાં બેસી જઈએ છીએ? કે પછી આપણું મગજ ઠેકાણે રાખીને વિચારીએ છીએ?
ત્રાસવાદને આશરો આપતા પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ અને તેને કડક સંદેશો મળવો જ જોઈએ, એ વાત સૌથી શાંતિપ્રિય ભારતીય પણ સ્વીકારશે.
પણ એના માટે આર્થિક-રાજદ્વારી-લશ્કરી એમ બધાં પ્રકારનાં પગલાંનો ઠંડા કલેજે, ખાનગી રાહે થતો અકસીર અમલ વધારે જરૂરી છે? કે પછી 'છપ્પનની છાતી'ના ઉલ્લેખો?
પુલવામામાં થયેલો હુમલો કોઈની વ્યક્તિગત કાયરતાનું પરિણામ ન હતો ને ત્યાર પછીની કાર્યવાહી વ્યક્તિગત રીતે કોઈની 'છપ્પનની છાતી'નો પુરાવો નથી.
એટલી સાદીસીધી વાત નાગરિકો તરીકે આપણે કેમ સમજાતી નથી?
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બાબતો એ કંઈ અખાડામાં થતી લડાઈ નથી કે તેમાં જાહેરમાં સાથળો થપથપાવવાની હોય ને છપ્પનની છાતીના હવાલા આપવાના હોય. એ તો કૂટનીતિના સ્તરે, શતરંજની જેમ રમવાની ચાલ હોય છે.
તેમાં લશ્કરનો ઉપયોગ થાય તો પણ એ શતરંજની ચાલ તરીકે—નહીં કે વ્યક્તિગત બહાદુરી-છપ્પનની છાતી બતાવવા માટે.
લશ્કરી કાર્યવાહીને જે વીડિયો ગેમ કે ક્રિકેટમેચની સમકક્ષ ગણતા હોય અને દેશપ્રેમના-સૈન્યપ્રેમના નામે કંઈક ભળતી જ ભાંગ પીને, દેશને અને જવાનોને નુકસાન થાય એવી હરકતો કરતા હોય, તેમને ટાઢા પાડવાની જરૂર છે.
તેમનો શાંત પ્રતિકાર કરવાનું કામ સૈનિકોનું હિત સમજતા- સૈનિકોને પોતાનો અહમ્ સંતોષવાનાં રમકડાં ન ગણતા જાગ્રત નાગરિકોએ કરવાનું છે.
આ કામ કરવાની અને નાગરિકો તરીકે આપણી પુખ્તતા દર્શાવવાની સૌથી સહેલી રીત છે :
ઉન્માદી-ઉશ્કેરાટભરી સામગ્રીથી દોરવાવું નહીં, એવી સામગ્રી ફૉરવર્ડ કરવી નહીં અને શક્ય હોય તો (દેશના સાચા હિતમાં ગાળો ખાવાની તૈયારી હોય તો) આવા ઉશ્કેરણીબાજોનો સોશિયલ મીડિયા પર પ્રતિકાર કરવો, બીજા સામાન્ય લોકોને સાચી પરિસ્થિતિ સમજાવવાની કોશિશ કરીને અને દેશપ્રેમના નામે રાજકીય કે અન્ય ઉન્માદનો ભોગ બનતાં રોકવા.
કામ સહેલું નથી. પણ દેશનું દાઝતું હોય ને કંઈક કરવાની ઇચ્છા થતી હોય, તો પ્રયત્ન કરી જોવા ખરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો