You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રથમ ચૂંટણી ભાષણમાં ભૂલ કરી - લોકસભા ચૂંટણી 2019
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે જનસંકલ્પ રેલીમાં પ્રથમ વખત જાહેરમંચ ઉપરથી સંબોધન કર્યું, જેમાં તેમણે ગાંધીજી સંબંધે કરેલા નિવેદનમાં ભૂલ કરી હતી.
તેમણે મતદારોને સતર્ક રહેવા તથા મૂળ મુદ્દાઓ ઉપરથી ધ્યાન ન હટવા દેવા અને કાળજીપૂર્વક મતનો પ્રયોગ કરવા આહ્વાન કર્યું હતું.
ભાષણ દરમિયાન પ્રિયકા ગાંધીએ હાથમાં પહેરેલાં ત્રિરંગી બૅન્ડે ધ્યાન ખેંચ્યું હતું.
આ પહેલાં પ્રિયંકા ગાંધીએ 58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો.
પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની 41 બેઠકની જવાબદારી આપવામાં આવી છે.
'પ્રિયંકા ગાંધીજી, દૂસરી ઇંદિરા ગાંધીજી' અને 'ઇંદિરા ગાંધી જિંદાબાદ'ના નારા લાગ્યા.
પ્રિયંકા ગાંધીના પ્રથમ ભાષણમાં ભૂલ
પ્રિયંકા ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું, "પહેલી વખત ગુજરાત આવી છું અને પહેલી વખત અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ગઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મહાત્મા ગાંધીએ ગુજરાતમાંથી આઝાદી માટે અવાજ ઉઠાવ્યો હતો. અહીંથી તેમણે દેશની આઝાદીનો સંઘર્ષ શરૂ કર્યો હતો."
ગાંધીજી તા. 9મી જાન્યુઆરી 1915ના દિવસે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા.
તેમણે 25 લોકો સાથે મળીને તા. 25મી મે 1915ના દિવસે અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી.
બાદમાં વર્ષ 1917માં આ આશ્રમને સાબરમતી નદીના કિનારે ખસેડવામાં આવ્યો,જેથી તેને સાબરમતી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે.
કોલકતાથી બાંકીપુર (પટના)ની રેલયાત્રા દરમિયાન રાજકુમાર શુક્લ મહાત્મા ગાંધીની સાથે હતા. તેમણે મુજ્જફરપુર રેલવે સ્ટેશન ખાતે રાત્રે એક વાગ્યે આચાર્જ જે. બી. કૃપલાની સાથે મુલાકાત કરાવી હતી.
આ વિશે વધુ વાંચો
ગળીની ખેતી કરી રહેલા વેઠિયા મજૂરો અને ખેડૂતોની દુર્દશા દેખાડવા માટે જ શુક્લ તેમને ચંપારણ લઈ ગયા હતા.
પોતાની આત્મકથામાં ગાંધીજીએ નોંધ્યું, 'ભલાભોળાં ખેડૂતોએ મારું હૃદય જીતી લીધું.'
એપ્રિલ 1917માં ચંપારણના ખેડૂતોની દુર્દશના જોયા બાદ ગાંધીએ તેમનો મુદ્દો ઉઠાવવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2017માં એ આંદોલનની 100મી વર્ષગાંઠ ઊજવાઈ હતી.
ગાંધીજીએ ચંપારણમાં જ તેમના અહિંસારૂપી શસ્ત્રનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો, ત્યારથી જ ગાંધીવાદી આઝાદીની ચળવળની શરૂઆત થઈ.
પ્રિયંકાના ભાષણના મુખ્ય મુદ્દા
- સાબરમતીના વૃક્ષ નીચે ભજન સાંભળતી વખતે આંખમાં આંસુ આવી જાય તેમ હતા.
- જ્યાંથી ગાંધીજીએ દેશની આઝાદીની લડાઈ શરૂ કરી, પ્રેમ અને સદ્દભાવની આવાજ ઉઠી હતી, ત્યાંથી જ આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે, તેનાથી દુખ થાય છે.
- તમે જાગૃત થાવ, તે દેશભક્તિથી કમ નથી. આપની જાગૃતિ અને વોટએ આપના હથિયાર છે.
- આગામી બે મહિના દરમિયાન નકામા મુદ્દા ન ઉઠવા જોઈએ અને તમારું ધ્યાન ખસવા ન દેશો.
- યુવાનો માટે રોજગાર, મહિલાઓ માટે સુરક્ષા અને વિકાસ જેવા અને ખેડૂતો માટે શું કરવામાં આવશે, તે અંગે વિચાર કરીને મત આપવાનો નિર્ણય લેજો.
- જે લોકો મોટા-મોટા વચન આપે છે, તેમને પૂછજો કે બે કરોડ લોકોના રોજગાર ક્યાં છે? 15 લાખ ખાતામાં આવ્યા? મહિલાઓની ખબર લીધી છે કે કેમ?
- આ લડાઈ આઝાદીની લડાઈ સમાન છે. વર્તમાન સરકાર પરંપરાગત સંસ્થાઓનો નાશ કરી રહી છે અને નફરત ફેલાવી રહી છે.
'હાર્દિક કૉંગ્રેસ સાથે જ હતો'
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની જાહેરસભાની ગણતરીની કલાકોમાં જ ભાજપ વતી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોરચો સંભાળ્યો હતો. તેમણે કહ્યું :
"ગાંધી પરિવારના દીકરી પ્રથમ વખત ગુજરાત આવ્યા, તે તેમનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ દેખાડે છે, જે દેખાડે છે કે ગાંધીજીનો વોટબૅન્ક તરીકે ઉપયોગ કર્યો. આ સભામાં ગાંધી પરિવાર પ્રત્યેની ભક્તિ દેખાઈ આવી."
મંગળવારે કૉંગ્રેસ પાર્ટીમાં જોડાનારા હાર્દિક પટેલ અંગે ટિપ્પણી કરતા નીતિન પટેલે કહ્યું,"આજે હાર્દિક પટેલના છૂપા ઇરાદા સ્પષ્ટ થઈ ગયા છે. તેમણે
લાંબા સમયથી ભાજપ સાથે રહેલાં પાટીદાર સમાજને અન્ય સમાજોથી અલગ પાડીને, સમાજમાં ભાગલા પાડવાનું કામ હાર્દિકે કૉંગ્રેસના ઇશારે કર્યું છે."
"ગુજરાતની સુરક્ષાને જોખમમાં મૂકનારા હાર્દિક પટેલને કૉંગ્રેસે પડદા પાછળ રહીને મદદ કરી હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો