You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસ રેલી : કૉંગ્રેસની સરકાર બની તો સીધા જ ગરીબોનાં ખાતામાં પૈસા જશે-રાહુલ
1961 બાદ ગુજરાતમાં યોજાયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જે બાદ કૉંગ્રેસની જનસંકલ્પ રેલીની શરૂઆત થઈ હતી. અહીં કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાટીદાર નેતા હાર્દિક પટેલને કૉંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. હવે સત્તાવાર રીતે હાર્દિક પટેલની કૉંગ્રેસમાં ઍન્ટ્રી થઈ ગઈ છે.
કૉંગ્રેસે ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. CWCની બેઠક પૂર્ણ થયા બાદ કૉંગ્રેસની જનસંકલ્પ રેલી યોજાઈ હતી.
આ રેલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં.
કૉંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું, "અમે ગુજરાતમાં મિટીંગ એટલા માટે કરી કારણ કે દેશમાં બે વિચારધારા છે. આ બંને વિચારધારા ગુજરાતમાં તમને જોવા મળશે. એક તરફ મહાત્મા ગાંધીએ દેશને બનાવવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું. આ દેશને ગુજરાત અને મહાત્મા ગાંધીએ બનાવ્યો છે.
"આજે બીજી શક્તિઓ દેશને નબળો કરવામાં લાગી છે. સામાન્ય રીતે જનતા સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે જાય છે પરંતુ આજના સમયમાં સુપ્રીમ કોર્ટના જજ જનતા પાસે ન્યાય માગે છે."
"દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. મોદીજી મેક ઈન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આજનો યુવાન અલગઅલગ પ્રદેશમાં રોજગારી માટે ભટકી રહ્યો છે."
"મોદી દેશના ધનવાન લોકોની કરજમાફી કરી શકે છે પરંતુ ખેડૂતોનું કરજ માફ નથી કરી શકતા."
"અમે કહ્યું હતું કે 10 દિવસની અંદર અમે જીતેલા ત્રણ રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કરીશું અને અને તે કરી બતાવ્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મોદીજીએ કોઈને કહ્યા વિના નોટબંધી કરી જેનાથી કરોડો લોકોને બેરોજગાર કર્યા."
"જ્યારે 2019માં અમારી સરકાર બનશે, ત્યારે અમે માત્ર GSTમાં પરિવર્તન કરી માત્ર એક ટૅક્સ વાળું GST આપીશું."
રફાલ મુદ્દે વાત કરતા રાહુલે કહ્યું, "મોદી વાયુસેનાના વખાણ કરે છે, પરંતુ એ જ વાયુસેનાના 30 હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા છે."
"સીબીઆઈના ડિરેક્ટર રફાલની તપાસ કરવા માગે છે, ત્યારે મોદીજીએ રાત્રે 1.30 વાગ્યે તેમને હટાવી દે છે. સુપ્રીમ કોર્ટ ફરી તેમને પદ પર આરૂઢ કરે છે. મોદીજીએ ફરી તેમને કલાકોમાં હટાવી દીધા."
પુલવામા મુદ્દે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, "પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરની ધરપકડ કૉંગ્રેસની સરકારે કરી હતી પરંતુ ભાજપની સરકાર અઝહરને પૈસા આપીને પાકિસ્તાન છોડી આવ્યા."
"જો મોદી અમીરોને પૈસા આપી શકે છે તો કૉંગ્રેસ પક્ષ ગરીબોને પૈસા આપી શકે છે."
"2019માં સરકાર બનશે તો કૉંગ્રેસ પક્ષ ગેરંટી મિનિમમ ઇન્કમ સ્કિમ અમલી કરી દેશે. આ ઐતિહાસિક કામ છે. સીધા જ ગરીબોના ખાતામાં પૈસા જશે."
"છેલ્લા પાંચ વર્ષથી મોદી વાયદા કરે છે. પરંતુ તેમણે ખેડૂતો માટે કરેલો એકપણ વાયદો પૂરો નથી કર્યો. 15 લાખ રૂપિયાનો વાયદો પૂરો નથી કર્યો."
દેશની સ્થિતિ જોઈને દુખ થાય છે : પ્રિયંકા ગાંધી
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસની રેલીમાં ભાષણ કરતા કહ્યું કે દેશમાં આજ જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી દુખ થાય છે.
તેમણે કહ્યું, "જનતા જાગૃત બને તેનાથી મોટી કોઈ દેશભક્તિ નથી. જે લોકોએ બે કરોડ રોજગારનું વચન આપ્યું હતું તે ક્યાં છે?"
"આ ચૂંટણીમાં સાચા સવાલો કરો, જે લોકોએ 15 લાખ ખાતામાં આપવાનું કહ્યું હતું તે ક્યાં ગયા? મહિલાઓની સુરક્ષાઓની વાતો કરતા હતા તેમણે શું કર્યું પાંચ વર્ષમાં?"
"તમારે સમજવું પડશે કે આ ચૂંટણીમાં તમે કોને ચૂંટવા જઈ રહ્યા છો. આ ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ ઊઠાવો. આ ચૂંટણી આઝાદીથી ઓછી નથી. કારણ કે જ્યાં જુઓ ત્યાં નફરત ફેલાવવામાં આવી રહી છે."
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની જાહેરસભાની ગણતરીની કલાકોમાં જ ભાજપ વતી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોરચો સંભાળ્યો હતો. તેમણે કહ્યું :
"ગાંધી પરિવારના દીકરી પ્રથમ વખત ગુજરાત આવ્યા, તે તેમનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ દેખાડે છે, જે દેખાડે છે કે ગાંધીજીનો વોટબૅન્ક તરીકે ઉપયોગ કર્યો. આ સભામાં ગાંધી પરિવાર પ્રત્યેની ભક્તિ દેખાઈ આવી."
જન સંકલ્પ રેલીને સંબોધતા કૉંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું, "આઝાદીનાં 70 વર્ષ બાદ આજે પણ મોદીના નેતૃત્વમાં બોલવાની આઝાદી નથી. સરકાર વિરુદ્ધ બોલવાની આઝાદી નથી."
"આજે જે પણ સરકાર વિરુદ્ધ બોલે, તો તેઓ જેલમાં જાય છે."
"આજે આપણા દેશમાં આઝાદી નથી તેનો મને અફસોસ છે. ગાંધીજી અને સરદાર પટેલે દેશને આઝાદ કરાવવામાં જેલવાસ કર્યો હતો. પરંતુ આજે તેનાથી વિરુધ એક નેતા ગાંધીજી અને સરદાર પટેલના કાર્યની વિરુદ્ધ કામ કરે છે."
"આજે ભાજપની સરકાર વિપક્ષના નેતાઓને ડરાવી, ધમકાવી, પૈસા આપી પોતાની સાથે ભેળવી લે છે. આ એક તાનાશાહી છે."
કૉંગ્રેસને જોડાવવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં? : હાર્દિક પટેલ
હાલ કૉંગ્રેસની રેલી શરૂ થઈ ગઈ છે, જેમાં કૉંગ્રેસમાં જોડાવા જઈ રહેલા હાર્દિક પટેલે પણ ભાષણ કર્યું હતું.
હાર્દિકે પોતાના ભાષણની શરૂઆત લોકોને સવાલ કરતા કહ્યું, "કૉંગ્રેસને જોડાવવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં?"
"મોદીએ દેશના જવાનો પર રાજનીતિ કરવાની શરૂઆત કરી હતી. આ નેતાઓ દેશને ગેરમાર્ગે દોરે છે તેટલા માટે હું કૉંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યો છું."
"હાલમાં મીડિયામાં સમાચાર હતા કે નોટબંધી વખતે આરબીઆઈને અસહમતીને ધ્યાને લીધી નહોતી. મોદીએ પોતાની તાનાશાહીથી ગુજરાત અને દેશ પર રાજ કરવા માગે છે."
"ગુજરાતના ખેડૂતો, લોકો માટે લડીશું અને ભારતને ફરીથી 'સોને કી ચીડિયા' બનાવીશું."
હાર્દિક પટેલે પોતાના ભાષણના અંતે 'જય જવાન જય કિસાન'નો નારો લગાવી કહ્યું હતું કે લોકોને જાણ થવી જોઈએ કે હવે ખેડૂતોના હિતો માટે લડનારા આવી ગયા છે.
મોદી જેવા નિર્ણયો મોહમ્મદ તુઘલખ પણ નહોતા લેતા : મલ્લિકાર્જુન ખડગે
જનસંકલ્પ રેલીને સંબોધતા કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "મોદી લોકશાહી ખતમ કરીને એકહથ્થું શાસન લાવવા માગે છે."
"લોકતંત્રને બચાવવાનું કાર્ય લોકોનું છે. જો લોકતંત્ર નહીં બચે તો બોલવાની આઝાદી નહીં મળે, મત આપવાની આઝાદી નહીં મળે."
"નોટબંધી પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું હતું કે મોદી જેવા નિર્ણયો લે છે તેવા નિર્ણય મોહમ્મદ તુઘલખ પણ નહોતા લેતા."
"મોદીએ નોટબંધી કરીને યુવાનો, મહિલાઓ, વેપારીઓને બરબાદ કરી નાખ્યા છે."
"2 કરોડ રોજગારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તેનાથી ઊલટું 2.75 લાખ નોકરી ઘટી ગઈ છે."
બેઠક માટે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમદાવાદમાં
બેઠકના ઉપલક્ષે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ ચૅરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંઘ, પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપરાંત ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, અહેમદ પટેલ, રાજીવ સાતવ જેવા નેતાઓ આવી પહોંચ્યાં હતા.
કૉંગ્રેસે CWCની મિટિંગ બાદ પત્રકાર પરિષદ યોજી હતી.
કૉંગ્રેસ નેતા આનંદ શર્માએ પોતાની વાતની શરૂઆત ભારતના ઇતિહાસ અને દેશના જવાનોને યાદ કરીને કરી હતી.
આનંદ શર્માએ CWCની પૃષ્ઠભૂમિ મુદ્દે કહ્યું હતું, "દેશમાં જે કડવાશ આવી ગઈ છે તેની પાછળ વડા પ્રધાન મોદી જવાબદાર છે. તેઓ રાજનીતિક ફાયદા માટે લોકોમાં ભાગલા પડાવવાનું કામ કરે છે. મોદી લોકોની ભાવના સાથે ખિલવાડ કરે છે."
કૉંગ્રેસની CWCની મિટિંગ બાદ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે હાર્દિક પટેલે પાટીદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
રૂપાણીએ કહ્યું, "હાર્દિકે અગાઉ કહ્યું હતું કે તે કૉંગ્રેસમાં નથી જોડાવવાનો અને અનામત આંદોલન જ તેના માટે મહત્ત્વપૂર્ણ છે."
રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે હાર્દિકે જણાવવું જોઈએ કે તેને કૉંગ્રેસની કઈ લોલીપોપ પસંદ આવી છે?
રાહુલ ગાંધીએ આરએસએસ/ભાજપની વિચારધારાને પરાસ્ત કરવા અંગેનું ટ્વીટ કર્યું પણ કર્યું હતું.
પોતાના આજના કાર્યક્રમની શરૂઆત કૉંગ્રેસે સાબરમતી આશ્રમ ખાતેથી કરી હતી. સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીને અંજલિ અપાઈ હતી અને સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું.
આ દરમિયાન અમાદવાદમાં કૉંગ્રેસના કાર્યકરોની રેલી નીકળી હતી. અડાલજ ખાતેના સભાસ્થળે જવા માટે કાર્યકરોએ આ રેલીનું આયોજન કર્યું હતું. આ પહેલાં પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંઘ, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શહીદ સ્મારક, ગાંધી આશ્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ સરદાર સ્મૃતિ સ્મારક ખાતે પહોંચ્યા હતા. હાર્દિક આજે કૉંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે.
પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈને લોકોમાં ઉત્સાહ હોવાની વાત કરી છે.
કૉંગ્રેસ સાથે મળીને દેશને મજબૂત કરવાનું કામ કરવાની પણ હાર્દિકે વાત કરી હતી.
જોકે, હાર્દિક ચૂંટણી ક્યાંથી લડશે એ વાત હાર્દિક પાર્ટીની પ્રાથમિક્તા આગળ કરી હતી.
વર્કિંગ કમિટીની બેઠક શરૂ થાય એ પહેલાં સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.
અર્જૂન મોઢવાડિયાએ પ્રાર્થના સભાની શરૂઆત કરી હતી. જે બાદ સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી.
કૉંગ્રેસ દ્વારા દાંડીમાર્ચને યાદ કરાઈ
આ પહેલાં દાંડીમાર્ચની યાદમાં કૉંગ્રેસના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વિટ કરાયું હતું.
આ દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ કૉંગ્રેસમાં જોડાશે. હાર્દિક કૉંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડશે.
આ બેઠક દરમિયાન વર્તમાન મોદી સરકારના શાસન, કૃષિ આધારીત અને આર્થિક નિતિઓ, રોજગારીની સમસ્યા, રાષ્ટ્રીય સુરક્ષા જેવી બાબતો પર ચર્ચા કરાશે.
કૉંગ્રેસનો કાર્યક્રમ
કૉંગ્રેસના આજના કાર્યક્રમ અનુસાર અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સૌ પહેલાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.
જે બાદ શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મૃતિ સ્મારક ખાતે વર્કિંગ કમિટીની બેઠક શરૂ થશે.
આ દરમિયાન બપોરે અડાલજના ત્રિમંદિર ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજ કરાયું છે.
અગાઉ તા. 28મી ફેબ્રુઆરીના બેઠક નિર્ધારવામાં આવી હતી, પરંતુ બાલાકોટ ઍરસ્ટ્રાઇકને પગલે તેને મોકૂફ કરી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે આ અગાઉ વર્ષ 1961માં ગુજરાતના ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી. એ વખતે નીલમ સંજીવ રેડ્ડી કૉંગ્રેસ પ્રમુખ હતા.
કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું, ભાજપમાં જોડાયા
ગુજરાતના રાજકારણમાં હાલ ઊથલપાથલ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસોમાં કૉંગ્રેસના ચોથા ધારાસભ્યે પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
આશાબહેન પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને હવે વલ્લભભાઈ ધારવિયાએ રાજીનામું આપી દીધું છે.
આ મામલે બોલતા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે 'ભાજપ સામ, દામ, દંડનો ઉપયોગ કરીને કૉંગ્રેસના ધારાસભ્યોને પક્ષમાં લઈ જઈ રહ્યો છે.'
તો વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, "વલ્લભભાઈએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, તેમણે કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપ્યું નથી. તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે, જેથી હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી."
ભાજપમાં જોડાયા બાદ વલ્લભભાઈએ કહ્યું કે મને સત્તાની લાલચ નથી અને આગામી ચૂંટણી લડવાનો નથી.
તેમણે કહ્યું, "ભાજપની સંગઠન શક્તિ છે તે કૉંગ્રેસમાં જોવા મળતી નથી. કૉંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. મેં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના હાથ નીચે પણ કામ કર્યું હતું."
"કૉંગ્રેસમાં ગયા બાદ જ મને ખબર પડી કે પાર્ટીમાં કંઈ નથી. મારો જન્મ જ ભાજપમાં થયો એમ કહેવાય. એટલે હું ઘરે પરત ફર્યો છું."
જવાહર ચાવડાને મત્સ્યોદ્યોગ ખાતું સોપાયું
કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે.
ભાજપમાં જોડાયા પછી તેમને સીધા જ કૅબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
પદભાર સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'રાજ્યના વિકાસ માટે હું પ્રયત્ન કરીશ.'
હાર્દિક મામલે બોલતા ચાવડાએ કહ્યું કે ખૂબ સારું કે જો તેઓ મારા મતવિસ્તારમાંથી ચૂંટણી લડે. આ લોકશાહી ધરાવતો દેશ છે.
હાર્દિકનો અસલી ચહેરો સામે આવ્યો : ભાજપ
હાર્દિક પટેલે કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે, ત્યારે ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું : "કૉંગ્રેસમાં સામેલ થવાથી હાર્દિકનો અસલી ચહેરો જનતા અને સમાજની સામે આવી ગયો છે."
"ભાજપ પોતાના બળ ઉપર છે અને હાર્દિકના કૉંગ્રેસમાં જોડાવાથી કોઈ ફેર નહીં પડે."
આ પહેલાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આ મામલે હાર્દિક અને કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
પંડ્યાએ કહ્યું, "અત્યાર સુધી હાર્દિક પટેલ ગુજરાતમાં વેરઝેર અને વર્ગ-વિગ્રહ ફેલાવવાનું કામ કૉંગ્રેસના ઈશારે જ કરતો હતો, જે હવે કૉંગ્રેસમાં રહીને કરશે."
"હાર્દિક સમાજના જે મુદ્દા લઈને ચાલ્યો હતો તેનું શું થયું? ભાજપને હાર્દિકથી કોઈ ફરક નહીં પડે."
મેં જૂનમાં જ જાણ કરી હતી કે હું લોકસભા નહીં લડું : વિક્રમ માડમ
પાટીદાર નેતા હાર્દિક પટેલ 12મી માર્ચે કૉંગ્રેસમાં જોડાવાના છે. સાથે જ તેમણે જામનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ મામલે બોલતા કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું કે 'હું લોકસભા ચૂંટણી નથી લડવાનો એવી જાહેરાત મેં જૂનમાં જ કરી હતી, જેથી હું નારાજ છું એવી કોઈ વાત નથી.'
હાર્દિક મામલે બોલતા વિક્રમ માડમે કહ્યું, "હાર્દિક પટેલ લડે તો મને કોઈ વાંધો નથી. એ સર્વમાન્ય નેતા હશે."
હું ભાજપમાં જોડાવાનો નથી : જામજોધપુરના ધારાસભ્ય
જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ પત્રકારો સાથે વાત કરતાં ભાજપમાં જોડાવાની અટકળોને રદિયો આપી દીધો છે.
કાલરિયાએ કહ્યું, "12મી માર્ચે મળનારી કૉંગ્રેસની CWCની બેઠક માટે હું પ્રદેશના નેતાઓને મળી રહ્યો છું."
"હું ભાજપમાં જોડાવાનો નથી, આ અંગે ચાલી રહેલી તમામ વાતો ખોટી છે અને હું કૉંગ્રેસમાં જ રહેવાનો છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો