લોકસભા ચૂંટણી 2019: NCPના શરદ પવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કેમ કરી?

    • લેેખક, તુષાર કુલકર્ણી
    • પદ, બીબીસી મરાઠી

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે જાહેર કર્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે, જોકે પરિવારની આગામી પેઢી તેમનો રાજકીય વારસો આગળ ધપાવશે, તેવા અણસાર પણ આપ્યા છે.

78 વર્ષીય શરદ પવારે 2012માં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, તેઓ 14 વખત (લોકસભા અને વિધાનસભા)ની ચૂંટણી લડી ચૂક્યા છે.

છતાં મહારાષ્ટ્રમાં અને ત્રિશંકુ સંસદની સ્થિતિમાં 'કિંગ-મેકર' તરીકે પવારના નામનો સમાવેશ થાય છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં આખરે શરદ પવારની ભૂમિકા શું હશે એ અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે.

તો સાથે-સાથે રાજકીય વિશ્લેષકો પણ શરદ પવારની ભૂમિકા અંગે અંદાજ લગાવી રહ્યા છે.

શરદ પવારની કારકિર્દી

શરદ પવાર છેલ્લા પાંચ દાયકાથી રાજકારણમાં સક્રિય છે. હાલમાં તેઓ 78 વર્ષના છે. 1967માં તેઓ પહેલી વાર વિધાનસભામાં ચૂંટાયા હતા.

ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં વિવિધ પદ સંભાળી ચૂક્યાં છે. તેઓ ત્રણ વખત મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા હતા. તેમજ સંરક્ષણમંત્રી, કૃષિમંત્રી તથા લોકસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

1999માં તેમણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની સ્થાપના કરી, ત્યારથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં એક પ્રભાવશાળી પક્ષ તરીકે ઓળખાય છે.

કૉંગ્રેસ સાથે ગઠબંધનથી ત્રણ વખત મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી છે. 2004 અને 2009માં રાષ્ટ્રવાદીએ કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.

કેન્દ્રમાં બંને વખત કૉંગ્રેસને બહુમતી મળતા શરદ પવાર કૃષિમંત્રી બન્યા હતા.

હાલમાં લોકસભામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચાર સાંસદ છે, જ્યારે શરદ પવાર રાજ્યસભામાં સાંસદ છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મહારાષ્ટ્રમાં કુલ 41 ધારાસભ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રાષ્ટ્રવાદી કૉંગ્રેસની સ્થાપના

રાજ્યમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન થયું નથી, પણ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે મળીને ચૂંટણી લડશે એવી ઘોષણા પહેલાં જ થઈ ગઈ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.

કેન્દ્રમાં કોની સરકાર રચાશે એ નક્કી કરવામાં મહારાષ્ટ્રની ભૂમિકા મહત્ત્વની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વરિષ્ઠ પત્રકાર સંજય મિસ્કિનનું કહેવું છે કે 'શરદ પવારનો અનુભવ એ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના ગઠબંધનનું જમા પાસું છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોલકાત્તામાં મમતા બેનરજીએ ભાજપ વિરોધી પક્ષોની મહાસભા બોલાવી હતી, જેમાં શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

શરદ પવારને તમામ પક્ષના લોકો સાથે સારા સબંધો છે. મુંબઈમાં યોજાયેલી સંવિધાન રેલીમાં પણ તેઓ આકર્ષણનું કેન્દ્ર હતા. આ રેલીમાં શરદ યાદવ, ઓમર અબ્દુલ્લાહ જેવા નેતાઓ સામેલ થયા હતા.

જો કોઈને જ સ્પષ્ટ બહુમત નહીં મળે તો વિવિધ પક્ષના નેતાઓને ભેગા કરી કેન્દ્રમાં સરકાર રચવા શરદ પવાર મહત્ત્વનું પગલું ભરી શકે છે. આ વાત વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગળેએ બીબીસી મરાઠી માટે લખેલા લેખમાં કરી હતી.

કૉંગ્રેસનો સાથ અને મહાગઠબંધન

વરિષ્ઠ પત્રકાર સંજય મિસ્કિનું કહેવું છે, "ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને માયાવતી રાજકીય રીતે સાથે છે. 2014માં ઉત્તર પ્રદેશમાંથી ભાજપના કુલ 72 સાંસદ છે. જોકે નવાં સમીકરણોને ધ્યાનમાં લેતાં હવે આ સંખ્યા ઘણી દૂર લાગી રહી છે."

"શરદ પવાર તમામ પક્ષના નેતાઓને ભેગા કરી શકે છે. ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને ગુરુ સમાન ગણે છે. આથી જો કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો તેમનો વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થશે."

"જો દેશમાં એચ. ડી. દેવાગૌડા વડા પ્રધાન બની શકે તો શરદ પવાર કેમ નહીં? જોકે દેવાગૌડાની સરકાર અસ્થિર સરકાર મનાતી હતી, પરંતુ શરદ પવાર માત્ર સ્થિર સરકાર આપી શકે છે."

શરદ પવાર સામેના પડકારો

મિસ્કિન ઉમેરે છે, "શરદ પવાર ભલે દિગ્ગજ નેતા ગણાતા હોય છતાં તેમની સામે પડકારો તો છે જ."

"સંખ્યાબળ ઓછું છે એ તો દેખીતું છે. મહારાષ્ટ્રમાં 1990 પછી સ્વબળે એક પણ સરકાર રચાઈ નથી."

વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગળે જણાવે છે, "પવારના માર્ગમાં અનેક અવરોધો છે. સૌથી મોટો અવરોધ એટલે તેમની ઘટી રહેલી વિશ્વસનીયતા."

"પવાર ઉપર વિશ્વાસ ન હોવાથી પ્રકાશ આંબેડકરે તેમની સાથે સંવિધાન રેલીમાં સામેલ થવાનું ટાળ્યું હતું."

"માત્ર રાજ્યસ્તરે નહીં પણ રાષ્ટ્રીયસ્તરે પણ આ 'ક્રૅડિબિલિટી ક્રાઇસિસ' ચિંતાનો વિષય છે."

વાગળેએ ઉમેર્યુ હતું, "પવાર ક્યારે દગો દેશે એ કહી ન શકાય એમ એમની આસપાસ ભેગા થયેલા વિરોધી નેતાઓ પણ માને છે."

"મહારાષ્ટ્રની 2014ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ફડણવીસ સરકારને પહેલો ટેકો પવારના પક્ષે અપ્રત્યક્ષરૂપે આપ્યો હતો એ યાદ હજી તાજી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો