'જે દીકરીને જન્મતાવેંત મારી નાખવાનો વિચાર હતો તેના પર આજે ગર્વ છે'

    • લેેખક, હેમીંગ્ટન જેમ્સ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જ્યારે મિત્તલનો જન્મ થયો ત્યારે સંબંધીઓએ તેને ઇન્જેકશન આપી મારી નાખવાની સલાહ આપી હતી, જેથી કરીને તેને કોઈ ધિક્કારે નહીં.

પરંતુ આજે મિત્તલ માત્ર ભણવાનું જ નહીં પણ પોતાનું બધું જ કામ જાતે કરે છે. રસોઈ સાથે ઘરનાં તમામ કામ કરે છે.

16 વર્ષનાં મિત્તલ પંડિત બાળપણથી બંને પગમાં ક્ષતિ ધરાવે છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ અન્ય મહિલાઓ માટે શું મૅસેજ આપવા માગે છે?

તેમણે બીબીસીને જણાવ્યું, "સમય અને સંજોગો ક્યારેય અનુકૂળ હોતા નથી પણ આપણે તેને અનુકૂળ થવું પડે છે."

એક યોદ્ધા જેવા પોતાના સ્વભાવનો પરિચય આપતાં મિત્તલ કહે, "હું ક્યારેય હાર નહીં માનું અને એ જ કારણથી મેં ક્યારેક કોઈની પણ ઉપર આધાર રાખ્યો નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

લાખોમાં એકને થતી બીમારી

મિત્તલ જે અવસ્થામાં છે તેને મેડિકલ ભાષામાં 'ઍક્ટેરૉડેક્ટિલી' તરીકે ઓળખવામાં આવે છે, જે લાખ લોકોએ કોઈ એક વ્યક્તિને થાય છે.

મણિનગરમાં આવેલી રુબ્સ સ્કૂલમાં બારમા ધોરણની પરીક્ષા આપતા પહેલાં બીબીસી ગુજરાતીએ મિત્તલ સાથે વાત કરી હતી. વાતચીત વખતે તેમના ચહેરા પર આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો.

તેમણે કહ્યું, "હું અપંગ છું તેવો અહેસાસ કરતી નથી કે નથી અન્ય કોઈને અહેસાસ થવા દેતી. હું મારા કોઈ પણ કામ માટે કોઈને કહેતી નથી."

આ સ્થિતિમાં પરિવાર તરફથી મળેલા સહકાર અંગે તેમણે કહ્યું, "મારાં માતાપિતા મને કોઈ વાતની ખોટ પડવા દેતા નથી. મને કોઈને હેરાન કરવાનું પસંદ નથી અને હવે આ તો આખી જિંદગીનું છે, તો શા માટે તેની સાથે લડતા ના શીખું?"

દરેક વ્યક્તિના પોતનાં સપનાં અને આશાઓ હોય છે. આ સપનાંઓ પૂરાં કરવામાં કોઈ પ્રકારની વિકલાંગતા પણ આડે નથી આવી શકતી.

સામાન્ય લોકો કરતાં પોતાના જીવનની નાની-નાની ખામીઓ સ્વીકારીને જીવતા લોકોનો જુસ્સો વધુ હોય છે.

જ્યારે મિત્તલને પૂછ્યું કે તેઓ આગળ જઈને શું બનવા માગે છે ત્યારે તેમણે જણાવ્યું કે તે આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસિસ) માટે અથવા પીસીએસ (પ્રોવિન્સિયલ સિવિલ સર્વિસીસ) માટે પ્રયત્ન કરવા છે.

મજબૂત મનોબળ

મિત્તલનાં માતા અનિતા પંડિતે જણાવ્યું, "જ્યારે તે જન્મી ત્યારે એને જોઈને અમને ખૂબ દુઃખ થતું હતું. લોકો કહેતા કે તેને મારી નાખો, ઇન્જેકશન આપી દો. નહીંતર તે માટી થઈને બોજ બની જશે."

આ સ્થિતિમાં પણ મિત્તલનાં દાદી સમાજ સામે અડગ રહ્યાં. મિત્તલનાં માતાએ જણાવ્યું, "મારાં સાસુ શારદાબહેન કે જેઓ અત્યારે આ જગતમાં નથી તેમણે અમને ખૂબ સાથ આપ્યો."

"મિત્તલને મોટી કરવા માટે અમારી પડખે સતત ઊભાં રહ્યાં. આજે મને તેના પર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તે ભવિષ્યમાં ખૂબ આગળ વધશે. અત્યારે તે પોતાની રીતે સાઇકલ ચલાવી શકે છે. જ્યારે જરૂર જણાશે ત્યારે તેને વાહન પણ લાવી આપીશું."

મિત્તલના પિતા રામકુમારે જણાવ્યું કે એક મહેનતુ અને હિંમતવાન પુત્રીના પિતા હોવાનો મને ગર્વ છે. તેની મહેનત જોઈને અમને ખરેખર આનંદ થાય છે. તે જ્યાં સુધી ઇચ્છે છે ત્યાં સુધી અમે તેને ભણાવીશું અને મદદ કરીશું. તેની હિંમત અમારા માટે પણ પ્રોત્સાહક છે.

પોતાની આ મહેનતુ વિદ્યાર્થિની અંગે વાત કરતાં રૂબ્સ સ્કૂલનાં આચાર્ય એલોન રૂબેને કહ્યું કે મિત્તલની સ્થિતિ જોતા તેના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમમાં વ્યવસ્થા કરી આપી છે.

"અમે પણ તેના માટે પ્રાર્થના કરીએ કે તે આગળ વધે અને અન્ય માતાપિતા અને બાળકો માટે આદર્શ બની રહે."

અમદાવાદના ઑર્થોપૅડિક સર્જન ડૉ. જગત ભટ્ટ આ અંગે જણાવે છે કે આ બીમારીને ઍક્ટેરૉડેક્ટિલી તરીકે ઓળખવામાં આવે છે જે એક લાખ લોકોએ કોઈ એક વ્યક્તિને થાય છે.

આ સમસ્યા અંગે વધુ વાત કરતા ડૉ. ભટ્ટ જણાવે છે, "આમ તો તે જિનેટિકલ પ્રૉબ્લેમ છે પણ અન્ય કારણોથી પણ થયો હોઈ શકે."

"આવી વ્યક્તિઓ તેમની મર્યાદામાં રહીને સામાન્ય માણસો જેવું કામ કરી શકે છે. જોકે કેટલીક વાર તેઓ વધારે કુશળ પણ હોઈ શકે."

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો