You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સામ પિત્રોડાના નિવેદન બાદ મોદીએ કહ્યું 'દેશ વિપક્ષને માફ નહીં કરે'
કૉંગ્રેસના નેતા અને ભારતમાં ટેલિકોમ ક્રાંતિના જનક ગણાતા સામ પિત્રોડાએ પુલવામાં હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેનાએ કરેલી ઍરસ્ટ્રાઇક મુદ્દે સવાલ ઉઠાવતા વિવાદ સર્જાયો છે.
સામ પિત્રોડાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ ભાજપ નેતાઓ સહિત અન્ય લોકોએ ટ્વીટ કર્યાં છે.
સમાચાર એજન્સી એએનઆઈ (એશિયા ન્યૂઝ ઇન્ટરનેશનલ)ને આપેલા ઇન્ટરવ્યૂમાં પિત્રોડાએ પુલવામા હુમલા અંગે કહ્યું હતું, "મને હુમલા અંગે વધુ જાણ નથી પરંતુ આવા હુમલાઓ થતા જ રહે છે. જ્યારે મુંબઈમાં હુમલો થયો હતો ત્યારે અમે માત્ર પ્રતિક્રિયા આપી વિમાન મોકલ્યાં હતાં પરંતુ તે યોગ્ય પગલું નથી."
પિત્રોડાએ એવું પણ કહ્યું હતું, "મેં ન્યુયૉર્ક ટાઇમ્સ અને અન્ય સમાચારપત્રોમાં ઍરસ્ટ્રાઇક અંગે વાચ્યું હતું એટલે મારે આ મુદ્દે વધુ જાણવું છે. શું આપણ ખરેખર હુમલો કર્યો હતો અને 300 લોકોને માર્યાં?"
પિત્રોડાના આ નિવેદન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે વિપક્ષ ફરીથી દેશની સેનાના સમયનું અપમાન કરે છે. હું દેશને અપીલ કરું છું કે વિપક્ષના નેતાએ આપેલા નિવેદન પર સવાલ કરો.
મોદીએ આગળ લખ્યું કે ભારતના 130 કરોડ લોકો વિપક્ષને માફ નહીં કરે. ભારત દેશની સેના સાથે ઊભો છે.
બીજી તરફ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પિત્રોડાના નિવેદન બાદ પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું, "સામ પિત્રોડાનું નિવેદન એવું સૂચવે છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ પર હુમલાઓ થઈ રહ્યા છે તેનાથી કૉંગ્રેસને દુખ થાય છે."
ચોકીદાર સ્મિતા નામના ટ્વિટર યુઝરે લખ્યું છે, "સામ તમે કન્ફ્યૂઝ છો...પરત લેપ્પી જઈને ડેટામેસ્ટિક નોકરી કરો અને રિટાયર્ડ જીવન માણો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિત્રોડાએ મુંબઈ હુમલાને લઈને કહ્યું હતું કે આઠ લોકો આવીને કંઈક કરી જાય છે. તેને કારણે તમે આખા દેશ પર નિશાન ના સાધી શકો.
પિત્રોડાએ એવું પણ કહ્યું હતું કે ભાજપ કહે છે કે મોદી સરકાર ખૂબ જ મજબૂત સરકાર તરીકે રજૂ કરે છે. પરંતુ ભારતે સમજવું પડશે કે લોકશાહી માટે માત્ર મજબૂતી સારી બાબત નથી. હિટલર સહિત દરેક તાનાશાહો મજબૂત હતા. તો શું ભારત પણ આવું ઇચ્છે છે?
આ મુદ્દે 'ચોકીદાર ઈશા દવે' નામના ટ્વિટર યુઝરે ટ્વીટ કર્યું હતું કે વિપક્ષને યોગ્ય નેતાગીરી આપવા માટેની જરૂરિયાત છે પરંતુ હાલમાં લાગી રહ્યું છે કે તેના જૂના નેતાઓને છોડી નવા નેતાઓની જરૂર છે.
સોશિયલ મીડિયામાં પિત્રોડાના નિવેદન બાદ થયેલા વિવાદ બાદ પિત્રોડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમનું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
પિત્રોડાએ એવું પણ કહ્યું હતું કે આ તેમનું વ્યક્તિકગત નિવેદન છે અને કૉંગ્રેસ પક્ષ સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
પિત્રોડાએ સવાલ કરતા કહ્યું હતું, "હું દેશના એક નાગરિક તરીકે સવાલ કરી રહ્યો છું કે મારે ઍરસ્ટ્રાઇક મુદ્દે જાણવું છે. આ અંગે સવાલ કરવામાં ખોટું શું છે?"
આ અંગે એક ટ્વીટર યુઝરે કહ્યું, "આ સવાલ કરવામાં કંઈ ખોટું નથી હું તમારી સાથે છું. આ સવાલ ચૂંટણીના એક દિવસ પહેલાં પણ પૂછજો."
આર્ય રવિન્દર ગોહલ નામાના ટ્વિટર યુઝરે લખ્યું, "તેમણે આ સવાલ ભારતીય નાગરિક તરીકે નહીં પરંતુ કૉંગ્રેસના પ્રવક્તા તરીકે પૂછ્યો હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો