ભારતનું એ ગામ જ્યાં પગમાં ચંપલ પહેરવાં પર પ્રતિબંધ છે

    • લેેખક, કમલા ત્યાગરાજન
    • પદ, બીબીસી ટ્રાવેલ

ભારત દેશમાં સામાન્ય રીતે લોકો ઘરમાં ખુલ્લા પગે ફરતા હોય છે. જેને સન્માન અને સ્વચ્છતાનું પ્રતિક માનવામાં આવે છે.

જ્યારે દક્ષિણ ભારતના ગામે આ પરંપરાને એક નવા સ્તરે પહોંચાડી છે.

એક ભારતીય તરીકે મને ખુલ્લા પગે ફરવામાં ક્યારેય કી સંકોચ અનુભવાયો નથી.

વર્ષો જતાં ઘરમાં પ્રવેશતાં પહેલાં મને ચંપલ ઊતારવાની આદત પડી ગઈ(જેથી કીટાણૂ કે કચરો ઘરમાં ન પ્રવેશે).

કોઈ મિત્રો કે સંબધીઓનાં ઘરે જતાં કે મંદિરમાં પ્રવેશતાં પણ ચંપલ ઉતારવામાં આવે છે.

આ રીતે ઉછેર થયો હોવા છતાં હું અંદમાનની પ્રથાથી નવાઈ પામી.

ભારતના દક્ષિણમાં આવેલા રાજ્ય તામિલનાડુની રાજધાની ચેન્નાઈથી450 કિલોમિટર દૂર અંદમાન આવેલું છે.

ત્યાં લગભગ 130 પરિવારો રહે છે, તેમાંથી ઘણા ખેતમજૂરો છે, જે આસપાસનાં ગામોમાં કામ કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગામમાં પ્રવેશતાં જ એક મોટાં લીમડાંના વૃક્ષ નીચે પોતાની રોજિંદી પ્રાર્થના કરતાં 70 વર્ષના મુખન અરુમુગમને હું મળી.

સારોંગ નામથી ઓળખાતી ચોકડીવાળી લૂંગી અને સફેદ શર્ટ પહેરેલા મુખનનો ચહેરો આકાશ તરફ હતો, જાન્યુઆરીના અંતમાં પણ સૂર્ય ચમકતો હતો.

પાણીના સંગ્રહ માટે ઝાડની આસપાસ બનેલા કૂવાની બાજુની પથરાળ સડક અને લીલાછમ ઘાંસ તરફ ઇશારો કરીને તેમણે પોતાની વાત શરૂ કરી.

તેમણે કહ્યું કે આ એ જ જગ્યા છે, જ્યાંથી લોકો ગામમાં પ્રવેશે છે અને પોતાનાં ચંપલ કે જૂતાં હાથમાં લઈને જાય છે.

અરુમુગમે જણાવ્યું કે આ ગામમાં સૌથી વૃદ્ધ કે બાળક કોઈ પણ વ્યક્તિ ચંપલ પહેરતું નથી. તેમના કહેવા મુજબ આગામી ગરમીની મોસમમાં તેમને ચંપલ પહેરવાં પડશે, આ વાત કરતી વખતે તેઓ પોતે ખુલ્લા પગે હતા.

જેમ હું મારાં જાડાં કાળાં મોજાં પહેરીને ગામમાં ચાલતી થઈ તેમ હું શાળાએ જવાં માટે ઉતાવળાં થયેલાં બાળકો અને કામે જવાં નીકળેલાં દંપતિઓને પોતાના હાથમાં ચંપલ લઈને ચાલતાં જોઈને આશ્ચર્યમાં હતી.

જાણે બૅગ કે પર્સની જેમ જ તેમના માટે ચંપલ પણ કોઈ એક સાધન હતું.

મારી બાજુમાંથી પોતાની સાઇકલ પર ખૂલ્લા પગે ઝડપથી પસાર થઈ રહેલા દસ વર્ષના અન્બુ નિથિને ઊભો રાખ્યો.

નિથિ તેના ગામથી 5 કિલોમિટર દૂર આવેલા ગામની શાળામાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ક્યારેય ગામમાં ચંપલ નહીં પહેરવાનો નિયમ તોડ્યો છે કે નહીં એ અંગે તેને પૂંછ્યું.

તેણે ચિડાઈને જવાબ આપ્યો, "મારી મમ્મીએ મને કહ્યું છે કે શક્તિશાળી દેવી મુથ્યલમ્મા અમારા ગામની રક્ષા કરે છે, તેથી તેમનાં સન્માનમાં અમારા ગામમાં કોઈ ચંપલ પહેરતું નથી."

તેણે કહ્યું "જો મારે પહેરવાં હોત તો હું પહેરી શકત પણ એ વ્હાલા મિત્રનું અપમાન કરવા જેવું છે."

મને આ વાતથી અંદાજ આવી ગયો કે આ જુસ્સો જ અંદમાનને અલગ બનાવે છે.

કોઈ જ પરંપરા તમારા પર થોપવામાં નથી આવતી. આ કોઈ ધાર્મિક અંધશ્રદ્ધા નથી, આ એક પરંપરા છે, જે પ્રેમ અને સન્માનપૂર્વક આજે પણ જળવાઈ રહી છે.

53 વર્ષના ચિત્રકાર કરુપ્પિઆ પાંડેએ કહ્યું, "આ પરંપરાને અનુસરનારી અમે ચોથી પેઢી છીએ."

તેમણે પોતાનાં ચંપલ હાથમાં પકડેલાં હતાં. પણ બાજુના ગામમાં ચોખાના ખેતરમાં કામ કરતાં તેમનાં 40 વર્ષનાં પત્ની પેચિઅમ્માને ચંપલથી કોઈ જ ફેર નથી પડતો.

તેઓ ગામની બહાર જાય ત્યારે પહેરે છે.

તેમણે કહ્યું, "અમારા ગામમાં જ્યારે કોઈ મહેમાન ચંપલ પહેરીને આવે છે, ત્યારે અમે તેમને ગામનો નિયમ સમજાવીએ છીએ. પરંતુ તેમને ક્યારેય ફરજ પાડવામાં આવતી નથી."

તેમણે કહ્યું, "આ બિલકુલ વ્યક્તિગત બાબત છે, જેને અહીં રહેતા દરેક લોકો અનુસરે છે."

તેમણે કહ્યું કે તેમણે તેમનાં ચાર બાળકો પર ક્યારેય આ નિયમનું દબાણ કર્યું નથી. તેઓ હવે પુખ્ત થઈ ગયાં છે અને બાજુના ગામમાં કામ કરે છે. તેઓ જ્યારે ગામમાં આવે ત્યારે પરંપરા નિભાવે છે.

પરંતુ એક સમય હતો જ્યારે આ પરંપરા ખતરામાં હતી.

અંદમાનમાં રહેતા અને ઘર રંગવાનું કામ કરતા વર્ષના કારીગર સુબ્રમનિયમ પિરાંબને કહ્યું, "એક એવી દંતકથા પણ છે કે તમે જો આ પરંપરાનું પાલન નહીં કરો તો રહસ્યમય તાવ આવશે."

"અમે આ દંતકથાના ડરમાં નથી જીવતા, પરંતુ અમે અમારા ગામને એક પવિત્ર જગ્યા તરીકે માન આપીને મોટાં થયા છીએ. મારા માટે આ એક મંદિરનો જ ભાગ છે."

આ દંતકથા કઈ રીતે અસ્તિત્વમાં આવી એ જાણવાં હું ગામના કહેવાતા ઇતિહાસકાર પાસે ગઈ, તેમની પણ સફળતાની કહાણી છે. 62 વર્ષના લક્ષ્મણ વીરબદ્ર વિદેશોમાં એક કડીયા કામદાર તરીકે ચાર દાયકા સુધી ફર્યા બાદ દુબઈમાં એક કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે.

તેઓ ઘણી વખત પોતાના ગામમાંથી લોકોની ભરતી કરવા અને હકીકતમાં તો પોતાના વતનની મુલાકાત લેવા માટે સમયાંતરે ગામમાં આવતા રહે છે.

તેમણે કહ્યું કે લગભગ 70 વર્ષ પહેલાં ગામની બહાર લીમડાનાં ઝાડ નીચે મુથ્યાલમ્માની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.

જ્યારે પૂજારી તેની પૂજા કરતા હતા અને લોકો પ્રાર્થનામાં વ્યસ્ત હતા. એ જ વખતે એક માણસ ચંપલ પહેરીને મૂર્તિ પાસેથી પસાર થયો.

તેણે આ પૂજા-વિધિની અવગણના કરી કે ધ્યાન ન આપ્યું એ ખબર નથી પણ આગળ જઈને તે લપસી ગયો અને પછી રહસ્યમય તાવમાં સપડાયો. તેમાંથી બહાર આવતાં તેને ઘણો સમય લાગ્યો.

વીરાબદ્રએ કહ્યું, "ત્યારથી ગામમાં કોઈ વ્યક્તિ ચંપલ પહેરતું નથી. તે હવે જીવનશૈલી બની ગઈ છે."

દર વર્ષે માર્ચ અથવા એપ્રિલમાં ગામના લોકો એક ઉજવણીનું આયોજન કરે છે, જેમાં દેવી મુથ્યલમ્માની મૂર્તિની લીમડાના ઝાડ નીચે સ્થાપના કરવામાં આવે છે.

આ ઉજવણી દરમિયાન સમગ્ર ગામ, પૂજા-વિધી, ભોજન, ઉત્સવ, નૃત્ય અને નાટકના માહોલમાં હોય છે.

પરંતુ તેમાં બહુ ખર્ચ થાય તેથી તે દર વર્ષે નથી કરી શકાતું. છેલ્લે 2011માં આવી ઉજવણી કરવામાં આવી હતી, હવે આગામી ઉજવણી ક્યારે થશે તે નક્કી નથી.

તે સ્થાનિકોના દાન પર આધાર રાખે છે.

40 વર્ષના ડ્રાઇવર રમેશ સેવાગન કહે છે, બહારથી આવતા ઘણા લોકો આ પરંપરાને અંધશ્રદ્ધા કહીને તેની અવગણના પણ કરે છે. તેઓ કહે છે કે આ દંતકથાએ સમાજમાં એક મજબૂત ઓળખ જાળવી રાખવાનું કામ કર્યું છે.

"તેણે અમને એક રાખ્યા છે, તેનાથી સમગ્ર ગામના લોકો એક પરિવાર જેવી લાગણી અનુભવે છે."

આ જ પ્રકારની ઉત્સુકતાએ અન્ય પરંપરાઓ પણ જાળવી રાખી છે.

જેમ કે, ગામમાં જ્યારે પણ કોઈ વ્યક્તિનું અવસાન થાય છે, ત્યારે નાત-જાત કે ગરીબ-અમીરના ભેદભાવ વિના ગામનો દરેક પરિવાર તેના પરિવારને 20 રૂપિયા દાનમાં આપે છે.

સેવાગન કહે છે,"અમારા પડોષીઓ સાથે સારા-ખરાબ વખતમાં સાથ આપવાને બદલે સમાનતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે."

મને ચિંતા થાય છે કે સમય, પ્રવાસ અને વૈશ્વિક પ્રવાહોએ આ પરંપરાઓને કેવી અસર કરશે.

મેં દુબઈના વીરબદ્રને પૂછ્યું કે તેઓ આ પરંપરા વિશે આજે પણ બાળપણ જેવી જ સહજતા અનુભવે છે, તેઓ અનુભવે છે.

આજે પણ તેઓ ગામમાં ખુલ્લા પગે જ ચાલે છે. વર્ષો સુધી વિદેશમાં રહેવા છતાં તેઓ અંદમાનના દિલમાં પડેલી પરંપરાને ઉત્સાહપૂર્વક નીભાવે છે.

તેમણે કહ્યું, "અમે કોણ છીએ અને ક્યાં રહીએ છીએ એ ભૂલીને દરેક સવારે એ માનીને ઊઠીએ છીએ કે બધું જ સારું થશે."

"કોઈ જ ખાતરી નથી છતાં આપણે દરરોજ ઊઠીએ છીએ, ભવિષ્યની યોજનાઓ કરીએ છીએ અને આગળનું વિચારીએ છીએ."

"જીવન આવી સરળ માન્યતાઓની આસપાસ જ વણાયેલું છે. અમારા ગામમાં બસ તમે તેનું અલગ સ્વરૂપ જુઓ છો."

'ધ કસ્ટમ્સ ઘેટ બાઇન્ડ અસ' એ બીબીસી ટ્રાવેલની એવી શ્રેણી છે જે દુનિયાભરની વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓને તમારા સુધી પહોંચાડે છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો