You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દારૂ પીતા લોકોને મચ્છર વધારે કરડે એ વાત કેટલી સાચી?
- લેેખક, સ્ટીફન ડૉલિંગ
- પદ, બીબીસી ફ્યૂચર
થોડાં વર્ષો પહેલાં મેં ડેનમાર્કમાં એક વિન્ટેજ કાર રેલીમાં ભાગ લીધો હતો. આ એક અવિસ્મરણીય અનુભવ હતો.
આમ તો આ વિન્ટેજ કાર રેલી હતી પણ તેમાં કાર કરતાં વધારે ભાર ફેન્સી ડ્રેસ પહેરવા પર આપવામાં આવ્યું હતું. વિન્ટેજ કાર રેલી મૉન નામના એક દ્વીપ પર જઈને પૂર્ણ થઈ.
મોડી રાત સુધી નાચગાન અને ખાનપાન બાદ ઊંઘવાનો સમય આવ્યો. મેં વિચાર્યું કે ઉનાળો છે, તો ચાલો ખુલ્લા આકાશની નીચે ઊંઘી જઈએ.
આ મારા જીવનની ખૂબ મોટી ભૂલ સાબિત થઈ.
એ રાત્રિ દરમિયાન મને ત્રણ નવી વાતો વિશે માહિતી મળી. પહેલી તો એ કે ઉનાળામાં ડેનમાર્કમાં ખૂબ મચ્છર હોય છે.
બીજી વાત એ કે મચ્છર એટલા ભયંકર હોય છે કે તે ચાદર અને કપડાં ઉપરથી પણ કરડી લે છે.
ત્રીજી વાત એ કે જો તમે દારૂ પીધેલો છે, તો તેનો મતલબ છે કે તમે મચ્છરને ભોજનનું નિમંત્રણ આપી દીધું છે.
એ રાત્રિ દરમિયાન મચ્છરોનો શિકાર બન્યા બાદ જ્યારે હું સવારે ઊઠી તો મારી હાલત ખરાબ હતી. મારું શરીર જકડાઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાની જર્નલ ઑફ મૉસ્કિટો કન્ટ્રોલ ઍસોસિએશનનો 2002નો રિપોર્ટ જણાવે છે કે જો તમે દારૂ પીવો છો, તો મચ્છરના શિકાર બનવાની શક્યતા વધી જાય છે.
હજુ એ સ્પષ્ટ નથી કે મચ્છર દારૂ પીતા લોકોની તરફ કેમ આકર્ષાય છે?
મચ્છર દારૂને કેવી રીતે ઓળખે છે?
અત્યારે સુધી એ વાતની ખબર છે કે મચ્છરોને આપણા આસપાસ હોવાનો અનુભવ બે કેમિકલથી થાય છે.
પહેલું કેમિકલ છે કાર્બન ડાયોક્સાઇડ, જે આપણે શ્વાચ્છોશ્વાસ દરમિયાન બહાર છોડીએ છીએ.
બીજું કેમિકલ છે ઑક્ટાનૉલ, તે મશરુમ આલ્કોહોલ તરીકે પણ ઓળખાય છે. કેમ કે મશરુમનો સ્વાદ આ કેમિકલના કારણે જ આવે છે.
આ કેમિકલ આપણા શરીરમાં આલ્કૉહૉલ એટલે કે દારૂ પીધા બાદ બને છે.
હવે સવાલ એ ઊઠે છે કે શું દારૂ પીતા લોકોનું લોહી પીવાવાળા મચ્છર પણ નશામાં આવી જાય છે?
લાખો વર્ષોથી મચ્છર મનુષ્યનું લોહી પી રહ્યાં છે. પણ આ મામલે સંશોધન ખૂબ ઓછું થયું છે કે શું દારૂ પીતી વ્યક્તિનું લોહી પીવાથી મચ્છરોને નશો થાય છે કે નહીં.
મચ્છરો અંગે જાણકાર અમેરિકી તાન્યા ડૈપ્કી ફિલેડેલ્ફિયાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભણાવે છે.
તાન્યા કહે છે, "મને નથી લાગતું કે દારૂ પીતી વ્યક્તિનું લોહી પીવા પર મચ્છરને પણ નશો થાય છે, કારણ એ છે કે લોહીમાં દારૂની માત્રા એટલી હોતી નથી."
પરંતુ તમે એ જાણીને આશ્ચર્ય પામી જશો કે કીડા- મકોડા દારૂ પચાવી લે છે.
દારૂ કેવી રીતે પચાવે છે મચ્છર?
અમેરિકાની નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના કોબી સ્કેલ કહે છે કે કોઈએ 10 પેગ દારૂ પીધો છે તો તેમનાં લોહીમાં દારૂની માત્રા 0.2 ટકા થઈ જાય છે.
પરંતુ જો કોઈ મચ્છર મનુષ્યનું લોહી પીવે છે, તો તેના પર દારૂની સામાન્ય અસર થશે. તેનાથી તેમની ક્ષમતા પર કોઈ અસર પડશે નહીં.
મચ્છરોનું પાચનતંત્ર પણ ખાસ હોય છે. લોહી સિવાય તેમનાં પેટમાં બીજી કોઈ વસ્તુ જાય છે, તો તે અલગ જગ્યાએ જમા થઈ જાય છે.
ત્યાં મચ્છરના એન્ઝાઇમ તેને વધારે તોડી ફોડી નાખે છે. એટલે કે મચ્છરના શરીરમાં દારૂની માત્રા જાય છે, તો તેના એન્ઝાઇમ તેને નવા કેમિકલમાં ફેરવી નાખે છે. તેનાથી તેમના મગજ પર કોઈ અસર થતી નથી.
લંડનના નેચુરલ હિસ્ટ્રી મ્યુઝિયમની દેખરેખ કરતાં એરિકા મૈકએલિસ્ટર કહે છે કે ઘણા જીવજંતુઓમાં આ ખૂબી હોય છે કે તેઓ નુકસાનકારક કેમિકલને પોતાના ભોજનથી અલગ કરી નાખે છે.
પછી તેને ધીરે ધીરે શરીરમાંથી બહાર કાઢી નાખે છે. તે આલ્કોહોલથી માંડીને નુકસાન પહોંચાડતા બૅક્ટેરિયાને એન્ઝાઇમથી પચાવી દે છે.
એરિકાએ જીવજંતુઓ પર પુસ્તક લખ્યું છે, 'ધ સિક્રેટ લાઇફ ઑફ ફ્લાઇઝ'.
તેઓ જણાવે છે કે સામાન્ય માખીઓ અને મધમાખીઓ પાસે પણ આ ખૂબી હોય છે. તે સડી રહેલાં ફૂલોના રસને ચૂસે છે. જ્યારે સડા દરમિયાન ફળોમાં આલ્કોહોલ બની જાય છે.
એરિકા કહે છે, "મને મચ્છરોના નશા અંગે ખબર નથી પણ મધમાખીઓ ઘણી વખત આલ્કોહોલના કારણે નશાની શિકાર બને છે. તે દરમિયાન તેમનું વર્તન બદલી જાય છે. તે મસ્તી કરવાનું શરૂ કરી દે છે."
મચ્છર પણ સડતાં ફળમાંથી રસ ચૂસવાનું પસંદ કરે છે. માત્ર માદા મચ્છર જ લોહી પીવે છે. તેનું કારણ એ છે કે તેમણે ઇંડાં આપવા માટે પ્રોટિનની જરૂર હોય છે. તે તેમને લોહીમાંથી મળે છે.
આમ તો નર અને માદા, બન્ને મચ્છર ફળ અને ફૂલનો રસ પીવે છે. જેથી તેમને શક્તિ મળે.
તાન્યા કહે છે, "દારૂ પીતી વ્યક્તિને મચ્છર પસંદ કરે છે તે એક રસપ્રદ વાત છે."
ખાસ જીનના કારણે પણ આકર્ષાય છે મચ્છર
ઘણા મનુષ્યોના જીનમાં પણ એવું કંઈક હોય છે કે મચ્છર તેમને પોતાનો શિકાર બનાવે છે.
દુનિયાની કુલ વસતીના પાંચમા ભાગના જીનમાં એવી વાત હોય છે કે મચ્છર તેમની તરફ આકર્ષાય છે.
તેમાં એક કારણ છે બ્લડ ગ્રૂપ. બીજા કોઈ બ્લડ ગ્રૂપની સરખામણીએ ઓ ગ્રૂપના મનુષ્યને મચ્છર કરડે તેની આશંકા બે ગણી થઈ જાય છે.
શરીરનું તાપમાન વધારે હોવા પર પણ મચ્છર આકર્ષાય છે.
ગર્ભવતી મહિલાઓને પણ મચ્છર વધારે કરડે છે. જે લોકો સામાન્યપણે ઊંડા શ્વાસ છોડે છે, તેમને પણ વધારે મચ્છર કરડે છે, કેમ કે તેઓ વધારે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે અને તે મચ્છરને મનુષ્ય આસપાસ હોવાનો ઇશારો આપે છે.
મચ્છરોની અલગ અલગ પ્રજાતિઓ શરીરના અલગ અલગ ભાગને નિશાન બનાવે છે.
કેટલાંક મચ્છર પગ અને પંજામાં કરડે છે. તો કેટલાક મચ્છર ગળા અને ચહેરા પર હુમલો કરે છે.
કદાચ તમારા મોઢા અને નાકમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડને સુંઘતા મચ્છર ત્યાં પહોંચી જાય છે.
તાન્યા જણાવે છે, "જ્યારે હું કોસ્ટા રિકા ગઈ, તો મચ્છરો મારા પગમાં કરડ્યા હતા. આ કેવી રીતે શક્ય બન્યું?"
દારૂમાંથી નીકળતો એથેનૉલ પણ આ પ્રકારના મચ્છરોને આપણી તરફ ખેંચે છે. જ્યારે આપણે દારૂ પીએ છીએ, તો આપણા પરસેવા સાથે થોડી માત્રામાં એથેનૉલ નીકળે છે.
મચ્છર તેની ગંધથી મનુષ્ય સુધી પહોંચી જાય છે.
2010માં બુર્કિના ફાસોમાં થયેલું એક સંશોધન પણ આ પરિણામ સુધી પહોંચ્યું હતું કે દારૂ કે બીયર પીધા બાદ મચ્છરોના કરડવાની શક્યતા વધી જાય છે.
તાન્યા કહે છે, "જો તમે ભૂખ્યા છો અને હરી ફરી રહ્યાં છો તો તમારા પગ ઑટોમેટિકલી એ દિશામાં આગળ વધે છે, જ્યાંથી ભોજનની સુગંધ આવે છે."
એ જ રીતે એથેનૉલથી મચ્છરોને ઇશારો મળે છે કે આસપાસ ભોજન ઉપલબ્ધ છે.
પણ મૈકએલિસ્ટર કહે છે કે ઘણી વખત જેનેટિક કારણોથી મચ્છર વધારે કરડે છે.
તેવામાં મચ્છરોના કરડવાના ડરથી એક કે બે બીયર પીવાની ના પાડવી યોગ્ય નથી.
(આ અહેવાલ સૌપ્રથમ 2019માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો