પશ્ચિમ બંગાળ : નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી જેમના માટે સામસામે આવ્યાં એ ચીફ સેક્રેટરી કોણ છે?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી વચ્ચે સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત તો ટાટાના નેનો પ્લાન્ટની ઘટનાના સમયથી જ ગઈ હતી.

એક તરફ જ્યાં મમતા બેનરજીએ બંગાળના સિંગુરમાં ટાટાને પ્લાન્ટ ન નાખવા દીધો તો બીજી તરફ મોદીએ ટાટાને ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ નાખવા માટે આમંત્રિત કર્યા અને વ્યવસ્થા કરી આપી હતી.

આ જૂનો વિવાદ છે. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી મોદી-મમતા બેનરજી વચ્ચેના સંબંધોમાં સતત ઘર્ષણ જોવા મળ્યું છે.

મોદી પીએમ પદ માટે ઊભા હતા ત્યારે અને તાજેતરમાં મમતા બેનરજી જ્યારે ત્રીજી વખત મુખ્ય મંત્રીના પદની રેસમાં ઊભા હતા ત્યારે, બંને વખતે એકબીજા સામે ટીકા અને શાબ્દિક પ્રહારના કોરડા વીંઝવામાં બેમાંથી એકેય નેતાએ કોઈ કસર નહોતી બાકી રાખી.

દેશભરમાં બંગાળની ચૂંટણી જાણે મોદી વિરુદ્ધ મમતા અને ભાજપ વિરુદ્ધ મમતા હોય એવું લાગતું હતું.

એક સમયે તો એવું પણ લાગવા લાગ્યું કે મમતા બેનરજી સામે આખોય ભાજપ પક્ષ મેદાને પડ્યો હોય અને સામે છેડે મમતા બેનરજીએ એકલા હાથે મોરચો સંભાળ્યો હતો.

કેમ કે મમતા બેનરજીના મોટાભાગના સાથીઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. પરંતુ આખરે મમતા બેનરજીએ હૅટ્રિક લગાવી અને ફરી સીએમ બન્યાં.

પણ રાજનીતિના દાવપેચની સાથે-સાથે સત્તાની ખેંચતાણ બંને વચ્ચે સતત ચાલતી આવી છે.

જેમાં નવો વિવાદ હવે મમતા બેનરજીના પૂર્વ મુખ્ય સચિવ આલાપન બંદોપાધ્યાય મામલે થયો છે.

આ વિવાદ એટલો વકર્યો છે કે મમતા બેનરજીએ ત્યાં સુધી કહી દીધું કે, “મોદીજી હવે તમે બંગાળની હારને પચાવી લો અને પ્લીઝ અમારા સેક્રેટરીને કામ કરવા દો."

"જો તમને પગે લાગવાથી મારા રાજ્યના લોકોનું ભલું થાય તો હું એ પણ કરવા તૈયાર છું. પણ મહેરબાની કરીને બદલાની ભાવના સાથેની રાજનીતિ ન કરો.”

આલાપન બંદોપાધ્યાય રિટાયર, મમતાએ બનાવ્યા મુખ્ય સલાહકાર

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ આલાપન બંદોપાધ્યાયે રિટાયરમૅન્ટ લઈ લીધું છે અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તેમને પોતાના મુખ્ય સલાહકાર નિયુક્ત કર્યા છે.

આલાપન બંદોપાધ્યાયની જગ્યાએ મમતા બેરજીએ હરે કૃષ્ણ દ્વિવેદીને રાજ્યના મુખ્ય સચિવ નિયુક્ત કર્યા છે.

આની પહેલાં આલાપન બંદોપાધ્યાયને ડેપ્યુટેશ પર દિલ્હી બોલાવવાના નિર્ણયને લઈને એક વખત ફરી કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી સામસામે આવી ગયાં હતાં.

કેન્દ્ર સરકારે તારીખ 28 મેના એક પત્ર લખીને મુખ્ય સચિવને 31 મેના દિવસથી દિલ્હીમાં કાર્યભાર સંભાળી લેવાનું કહ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે તેમને રિલીઝ કરવાની ના પાડી હતી.

મામલો એ છે કે પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ આલાપન બંદોપાધ્યાય નિવૃત્ત થઈ રહ્યા હતા. પણ તેમને મમતા બેનરજીએ ત્રણ મહિનાનું ઍક્સ્ટેન્શન આપવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.

જેને પગલે તેમને ત્રણ મહિનાનું ઍક્સ્ટેન્શન મળી પણ ગયું હતું. આ ઍક્સ્ટેન્શન મમતા બેનરજીની સરકારે એટલે માગ્યું હતું કેમ કે બંદોપાધ્યાય રાજ્યમાં કોવિડ મામલેની કામગીરી અને પછી યાસ ચક્રવાતે સર્જેલી તારાજી પછીની રાહતની કામગીરીઓમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

જોકે આ દરમિયાન બન્યું એવું કે શુક્રવારે વડા પ્રધાન મોદી અને મમતા બેનરજી વચ્ચે યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા મામલે બેઠક થવાની હતી.

પરંતુ સમાચાર વહેતા થયા કે મમતા બેનરજી અને તેમના મુખ્ય સચિવે આ બેઠકમાં હાજરી ન આપી.

આ ઘટના પછી તરત જ કેન્દ્ર સરકારે એક આદેશ આપ્યો અને મુખ્ય સચિવ બંદોપાધ્યાયને દિલ્હી તેડું મોકલ્યું અને તેમને કેન્દ્ર સરકારમાં ડૅપ્યુટેશન આપી દીધું.

વળી કેન્દ્ર સરકારના વિભાગે બંદોપાધ્યાય સામે શિસ્ત મામલેની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.

આ સમગ્ર બાબતે મમતા બેનરજી રોષે ભરાઈ ગયાં હતાં. તેમણે કેન્દ્ર સરકારના આદેશને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવ્યો હતો.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કેન્દ્ર સરકારને જણાવી દીધું કે તેઓ મુખ્ય સચિવને દિલ્હી નહીં મોકલે.

દરમિયાન સોમવારે બંદોપાધ્યાયને દિલ્હી કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવા કહેવાયું હતું પણ તેઓ કોલકાતામાં જ છે અને મમતા બેનરજીને મળવા ગયા હતા.

મમતા બેનરજીએ સરકારને સવાલ કર્યો છે કે જો મોદી સરકારે બંદોપાધ્યાયને કેન્દ્રમાં પાછા બોલાવવા હતા તો પછી ઍક્સ્ટેન્શન શું કામ મંજૂર કર્યું હતું?

કોણ છે આલાપન બંદોપાધ્યાય?

આલાપન બંદોપાધ્યાય 1961માં કોલકાતામાં જન્મ્યા હતા અને તેઓ 1987ની બૅચના કોલકાતા કૅડરના આઈએએસ અધિકારી છે.

તેમણે બંગાળના કેટલાક જિલ્લાઓમાં જિલ્લા મૅજિસ્ટ્રેટ-કલેક્ટર તરીકે સેવાઓ આપી છે અને તેઓ કોલકાતાના મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે.

બંગાળના મુખ્ય સચિવ બનતા પહેલાં તેઓ બંગાળના ગૃહ વિભાગના અતિરિક્ત સચિવ રહ્યા હતા.

તેઓ ભૂતકાળમાં ટ્રાન્સ્પૉર્ટ અને કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના વિભાગોના પ્રધાન સચિવ પણ રહી ચૂક્યા છે.

તેમણે અત્યાર સુધી કેન્દ્રના કોઈ પણ સૅન્ટ્રલ ડૅપ્યુટેશનમાં કામ નથી કર્યું અને તેઓ ડૅપ્યુટેશનની યાદીમાં સામેલ પણ નહોતા. છતાં તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

બંદોપાધ્યાયનાં પત્ની સોનાલી ચક્રવર્તી બેનરજી કોલકાતા યુનિવર્સિટીના ઉપ-કુલપતિ છે.

ગત વર્ષે ગૃહ વિભાગમાં એક મહિલા અધિકારીના પુત્ર જ્યારે કોરોના પૉઝિટિવ આવ્યા, ત્યારે બંદોપાધ્યાય તેમનાં પત્ની અને ગૃહ વિભાગના 10 જેટલા અધિકારીઓને ક્વોરૅન્ટીનમાં મોકલી દેવાયા હતા.

વડા પ્રધાન મોદી અને મમતા બેનરજીની બેઠકોનો વિવાદ શું છે?

મમતા બેનરજીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે તેઓ વાવાઝોડાને લીધે અસરગ્રસ્ત બનેલા દીઘામાં મુલાકાતે જવાનાં હતાં. પરંતુ બંધારણીય પ્રોટોકૉલ અને વડા પ્રધાનનું માન રાખીને તેઓ કલાઇકુન્ડા ઍરબેઝ પર મોદીને મળવાં ગયાં હતાં.

તેમણે કહ્યું, “પહેલી બેઠક માત્ર વડા પ્રધાન-મુખ્ય મંત્રી વચ્ચે હતી. પછી તેમાં રાજ્યપાલ, અન્ય કેન્દ્રના મંત્રીઓ, ધારાસભ્યો પણ સામેલ થવાની વાત આવી. એટલે ત્યાં ભાજપના તમામ લોકો અને હું એકલી હતી."

"છતાં અમે ગયા અને વડા પ્રધાનને અમે તૈયાર કરેલું પ્રેઝન્ટેશન સુપરત કર્યું હતું.”

“વડા પ્રધાન મોદીએ ખુદ તેને સ્વીકાર્યું હતું. પછી અમે તેમની રજા લઈને જ્યાં જવા રવાના થવાનું હતું ત્યાં ગયાં. પણ વડા પ્રધાન કાર્યાલયે મને બદનામ કરવા માટે એવા સમાચાર વહેતા કર્યાં કે મેં બેઠકમાં હાજરી ન આપી.”

“હું તેમને કહેવા માગુ છું કે બંગાળની હાર પચાવી લો. આવી રીતે વેરઝેર ન રાખો. બંગાળનું અપમાન ન કરો.”

દરમિયાન તેમણે કહ્યું,“બંદોપાધ્યાયને કેન્દ્રમાં બોલાવાવનો આદેશ એકતરફી છે. હું તેમને રિલીઝ નહીં કરું."

"અમારે તેમની જરૂર છે. કેન્દ્ર સરકારે ગેરબંધારણીય આદેશ આપ્યો છે. હું તેનો વિરોધ કરું છું અને તેને પરત ખેંચવા કેન્દ્ર સરકારને વિનંતી કરું છું.”

...જ્યારે મમતા-મોદી સરકાર અધિકારીઓ મામલે સામસામે આવી ગયા

તાજેતરમાં જ્યારે બંગાળની ચૂંટણીપ્રચાર સમયે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાના કાફલા પર બંગાળમાં કથિત હુમલો થયો હતો ત્યારે તેમાં તૃણમૂલના કાર્યકર્તાઓની કથિત સંડોવણીના આરોપ પણ લાગ્યા હતા.

એ સમયે નડ્ડાની સુરક્ષામાં રહેલા બંગાળના ત્રણ આઈપીએસ અધિકારીને પણ દિલ્હીનું તેડું આવ્યું હતું. જોકે એ સમયે પણ મમતા બેનરજીએ તેમને દિલ્હી નહોતા મોકલ્યા અને કહ્યું હતું કે તેઓ અધિકારીઓને રિલીઝ નહીં કરે.

બાદમાં તેઓ મુખ્ય મંત્રી બન્યાં તેના થોડા જ દિવસોમાં આ ત્રણમાંથી બે અધિકારીને પ્રમોશન મળ્યું હતું. જોકે મમતા બેનરજીની સરકારનું કહેવું હતું કે તેમના પ્રમોશન પૅન્ડિંગ હતા એટલે તેને નડ્ડા સંબંધિત ઘટના સાથે કોઈ સંબંધ નથી. કેમકે સરકારે કુલ 13 આઈપીએસને પ્રમોશન આપ્યું હતું. માત્ર આ 2 અધિકારીને નહીં.

આ ઉપરાંત નડ્ડા પર કથિત હુમલાની ઘટનાને લીધે ચૂંટણી પંચે બંગાળના ડીજીપી અને એડિશનલ ડીજીપીની બદલી કરી નાખી હતી અને તેની જગ્યાએ નવા અધિકારીઓની નિમણૂક કરી હતી.

પરંતુ મમતા બેનરજીએ મુખ્ય મંત્રીના શપથ લીધા બાદ ફરીથી જૂના ડીજીપી અને એડીજીપીની નિમણૂક કરી હતી અને ચૂંટણી પંચે નીમેલા અધિકારીઓની બદલી કરી નાખી હતી.

આમ અધિકારીઓ મુદ્દે કેન્દ્ર સરકાર અને મમતા બેનરજીની સરકાર વચ્ચે ટસલ ચાલતી જ આવી છે.

જ્યારે મમતા બેનરજી રાજ્યના અધિકારીના સમર્થનમાં ધરણાં પર બેસી ગયાં....

વર્ષ 2019માં પૉન્ઝિ સ્કીમ મામલે સીબીઆઈ દ્વારા કોલકાતામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારને ત્યાં દરોડા પાડી તેમની ધરપકડ કરવા પ્રયાસ કરાયો હતો.

જેને પગલે મમતા બેનરજી ધરણા પર બેસી ગયા હતા. તેમનો આરોપ હતો કે ભાજપની સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરીને ડરાવી-ધમકાવી બદલાવની રાજનીતિ કરી રહી છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં પણ કેટલીક વાર આવી સ્થિતિ પેદા થઈ હતી. જેમાં કેન્દ્ર સરકારે અધિકારીને દિલ્હી બોલાવ્યા હોય પણ રાજ્ય સરકારે તેમને રિલીઝ ન કર્યા.

કઈ રીતે અધિકારીને કેન્દ્ર સરકાર ડૅપ્યુટેશન પર પાછા બોલાવી શકે?

આઈએએસ કૅડર રૂલ્સ 6(1) અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પરસ્પર સમંતિથી અધિકારીને કેન્દ્રમાં ડૅપ્યુટેશન માટે મોકલી શકે છે.

વળી દર વર્ષે રાજ્ય કેન્દ્રમાં ડૅપ્યુટેશન મામલે અધિકારીઓની એક યાદી તૈયાર કરી કેન્દ્રને સુપરત કરતું હોય છે. તેમાંથી પણ તેમની પંસદગી થતી હોય છે.

જોકે બંદોપાધ્યાયના કેસમાં એવું છે કે તેઓ આ યાદીમાં સામેલ જ નથી.

તદુપરાંત સુપ્રીમ કોર્ટમાં આ નિયમને હઠાવવા એક જાહેર હિતની અરજી પણ થઈ હતી. જેમાં કહેવાયું હતું કે રૂલ 6(1) રાજ્ય સરકાર સામે પક્ષપાત કરતો છે અન કેન્દ્રની નારાજગીનો રાજ્યએ ભોગ બનવું પડે છે અને સામે કેન્દ્રની વાતને રાજ્ય ઘણી વાર માનતું પણ નથી.

આથી તેને રદ કરવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

ગુજરાતમાંથી કેટલા ઑફિસર્સને ડૅપ્યુટેશન મળ્યું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી ગુજરાતમાંથી 30 જેટલા એધિકારીઓને કેન્દ્રમાં ડૅપ્યુટેશન મળ્યું છે.

જોકે એક અહેવાલ અનુસાર કુલ આઈએએસ અધિકારીઓમાંથી કેન્દ્રમાં માત્ર 4 ટકા ગુજરાત કૅડરના રહ્યા છે. પરંતુ જે 18 અધિકારીઓ ડૅપ્યુટ છે તેમાંથી 4 ખૂબ જ શક્તિશાળી પદો પર ડૅપ્યૂટ રહ્યા છે.

તેઓ મોદીના પીએમઓ વિભાગમાં અથવા તેમના અંગત સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. તો કેટલાક નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલય સહિતના વિભાગોમાં કાર્યરત રહ્યા છે.

પી. કે. મિશ્રા, રાકેશ અસ્થાના, અનિલ મૂકિમ, હસમુખ અઢિયા, એસ. અપર્ણા, ગીરીશ ચન્દ્ર મુર્મૂ, અરવિંદ કુમાર શર્મા, રાજેન્દ્ર કુમાર તેમાંના જ કેટલાક નામો છે.

રાજકારણીઓ તેમની પસંદગીના અને વિશ્વાસુ અધિકારીઓ નિયુક્ત કરવા ઇચ્છતા હોય છે આ બાબત ઘણી ચર્ચિત રહી છે. આમ આઈએએસ-આઈપીએસ અધિકારીઓ મામલે કોઈ વખત સત્તાની ખેંચતાણ થતી જોવા મળે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો