ઇઝરાયલ: નેતન્યાહૂની ખુરશી જોખમમાં, ઈરાન અને ગાઝાને નામે સરકાર બચાવવા કોશિશ

ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની મુસીબતો વધી ગઈ છે અને એક નવી ગઠબંધન સરકારની સંભાવના વધારે મજબૂત થઈ રહી છે. આને લઈને નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે આવું થશે તો તે 'દેશની સુરક્ષા માટે ખતરનાક' હશે.

ઉલ્લેખનીય છે કે નેતન્યાહૂની આ ચેતવણી દક્ષિણપંથી નેતા નેફ્ટાલી બેનેટે સૂચિત ગઠબંધન સરકારમાં સામેલ થવાની જાહેરાત કરી એ પછી આવી છે.

ઇઝરાયલના રાજકારણમાં બેનેટને કિંગમૅકરમ માનવામાં આવે છે. એમની યામિના પાર્ટી જો ગઠબંધનમાં સામેલ થાય તો નેતન્યાહૂની 12 વર્ષની સત્તા છીનવાઈ શકે છે.

71 વર્ષીય નેતન્યાહૂ ઇઝરાયલમાં સૌથી લાંબો સમય સત્તામાં રહેનાર નેતા છે અને ઇઝરાયલની રાજનીતિમાં લાંબા સમય માટે તેમનો દબદબો રહ્યો છે.

ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહેલી નેતન્યાહૂની લિકુડ પાર્ટી માર્ચમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં બહુમત ન મેળવી શકી અને ચૂંટણી પછી તે સહયોગીઓનું સમર્થન પણ નથી મેળવી શકી.

બે વર્ષમાં ચાર ચૂંટણી છતાં સ્થિર સરકાર નહીં

ઇઝરાયલમાં પાછલા બે વર્ષથી સતત રાજકીય અનિશ્ચિતતા ચાલી રહી છે અને બે વર્ષમાં ચાર વખથ ચૂંટણી યોજાઈ ચૂકી છે. જોકે, ન તો કોઈ સ્થિર સરકાર બની છે કે ન તો નેતન્યાહૂ બહુમત સાબિત કરી શક્યા છે.

હવે આ સંજોગોમાં ત્યાં એક ગઠબંધન સરકાર રચવાની કવાયત ચાલી રહી છે. નેતન્યાહૂ બહુમત સાબિત ન કરી શકતા બીજા ક્રમાંકની પાર્ટી યેશ એતિડને સરકાર બનાવવાનો મોકો આપવામાં આવ્યો છે.

આ મધ્યમમાર્ગી પાર્ટીના નેતા અને પૂર્વ નાણામંત્રી યેર લેપિડે બુધવાર, 2 જૂન સુઘી બહુમત સાબિત કરવાનો છે.

નેતન્યાહૂની ચેતવણી વામપંથી સરકાર ન બનાવો

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ બેનેટે વિપક્ષી ગઠબંધનમાં સામેલ થવાની જાહેરાત કરી એ પછી એક ચેતવણી આપતા કહ્યું કે આનાથી ઇઝરાયલની સુરક્ષા જોખમાઈ શકે છે.

નેતન્યાહૂએ કહ્યું, "વામપંથી સરકાર ન બનાવો. આવી કોઈ પણ સરકાર ઇઝરાયલની સુરક્ષા અને ભવિષ્ય માટે ખતરો હશે."

એમણે કહ્યું, "તે ઇઝરાયલની સુરક્ષા માટે શું કરશે આપણે આપણા દુશ્મનો સામે આંખ કેવી રીતે મેળવીશું? તેઓ ઈરાનમાં શું કરશે? ગાઝામાં શું કરશે? વૉશિંગ્ટનમાં શું કહેશે?"

એમણે દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નેફટાલી બેનેટ પર "લોકોને ગુમરાહ કરવાનો" આરોપ લગાવી કહ્યું કે "આ સદીનું સૌથી મોટું છળ" છે.

નેતન્યાહૂનો ઇશારો બેનેટના ગત વર્ષના નિવેદનો પર હતો જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ લેપિડ સાથે જોડાયેલી તાકાતો સાથે હાથ નહીં મિલાવે.

નેતન્યાહૂની પાર્ટીએ શનિવારે બેનેટ અને અન્ય એક પાર્ટી સામે એક બાદ એક વડા પ્રધાનપદનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તે નામંજૂર થઈ ગયો. એ પછી એમણે રવિવારે ફરી એ પ્રસ્તાવ મૂક્યો.

ઇઝરાયલી મીડિયામાં સમાચાર આવ્યા કે આ પ્રસ્તાવ અનુસાર પહેલા નેતન્યાહૂને બદલે બેનેટને અને એ બાદ લેપિડને વડા પ્રધાન બનાવવાની ઑફર કરવામાં આવી હતી.

વિપક્ષોની સરકાર બનાવવાની કવાયત

નેતન્યાહૂ બહુમત સાબિત ન કરી શકતા લેપિડને સરકાર બનાવવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો હતો પંરતુ ગાઝા-ઇઝરાયલ સંઘર્ષને કારણે તેના પર અસર થઈ. એમની એક સંભવિત સહયોગી અરબ ઇસ્લામિસ્ટ રામ પાર્ટી ગઠબંધન માટે ચાલી રહેલી વાતચીતમાંથી નીકળી ગઈ.

ઉલ્લેખનીય છે કે પેલેસ્ટાઇની ચરમપંથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે 11 દિવસ સુધી લડાઈ થઈ અને એ દરમિયાન ઇઝરાયલની અંદર યહૂદીઓ અને આરબો વચ્ચે સંઘર્ષ થયો હતો.

ઇઝરાયલમાં સંખ્યાને આધારે પ્રતિનિધિત્વની ચૂંટણી પ્રક્રિયાને લીધે કોઈ એક પાર્ટી માટે ચૂંટણીમાં બહુમત મેળવવો મુશ્કેલ હોય છે. આવામાં નાની પાર્ટીઓનું મહત્ત્વ વધી જાય છે અને તેમના સહયોગથી જ મોટી પાર્ટીઓ સરકાર રચી શકે છે.

હાલ 120 બેઠકોવાળી ઇઝરાયલની સંસદમાં નેફ્ટાલી બેનેટની પાર્ટીના ફક્ત છ સાંસદો છે પરંતુ વિપક્ષને સ્પષ્ટ બહુમત આપવામાં તે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

બેનેટે પોતાની પાર્ટીની એક બેઠક બાદ કહ્યું, "નેતન્યાહૂ એક દક્ષિણપંથી સરકાર રચવાની કોશિશ નથી કરી રહ્યા કેમ કે એમને ખબર છે કે આમ થઈ નહીં શકે."

એમણે કહ્યું, "હું ઇચ્છુ છું કે મારા દોસ્ત યેર લેપિડ સાથે મળીને એક રાષ્ટ્રીય સરકાર બનાવવાની કોશિશ કરું જેથી અમે બેઉ મળીને દેશને પાછો યોગ્ય રસ્તે વાળી શકીએ. "

બેનેટે કહ્યું કે આ નિર્ણય જરૂરી છે જેથી દેશમાં બે વર્ષની અંદર પાંચમી ચૂંટણી કરાવવાની નોબત ન આવે.

ઇઝરાયલમાં નવા ગઠબંધનમાં દક્ષિણપંથી, વામપંથી અને મધ્યમમાર્ગી પાર્ટીઓએ એક સાથે જોડાશે. આ તમામ દળોમાં રાજકીય સમાનતાઓ ખૂબ ઓછી છે. જોકે, આ તમામનો હેતુ નેતન્યાહૂનું શાસન ખતમ કરવાનો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો