સુપ્રીમ કોર્ટે મોદી સરકારને પૂછ્યું 'દેશમાં કોવિડની રસીની કિંમત અલગ-અલગ કેમ?'

સુપ્રીમ કોર્ટે કોવિડ વૅક્સિનની ખરીદી પર કેન્દ્ર સરકારની બેવડી નીતિને લઈને સોમવારે પ્રશ્નો કર્યા.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખા દેશ માટે વૅક્સિનની એક કિંમત કરવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે દેશમાં રસીની અલગ-અલગ કિંમતને લઈને કહ્યું હતું કે દેશમાં તમામ જગ્યાએ રસીની કિંમત એક સરખી હોવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “કેન્દ્ર સરકાર કહે છે તે જ્યારથી રસી ખરીદે છે ત્યારથી બલ્કમાં ખરીદે છે તેથી તેને સસ્તી કિંમતે રસી મળે છે, જો આ તર્કસંગત છે તો રાજ્ય સરકારોને ઊંચી કિંમતને રસી કેમ મળે છે?"

"આખા દેશમાં રસીની એક જ કિંમત હોવી જરૂરી છે. મહામારીનો ફેલાવો છેલ્લાં બે મહિનામાં વધ્યો છે.”

કોર્ટે વધુમાં કહ્યું, “આ કેસમાં જોઈએ તો કેમ કેન્દ્ર સરકાર માત્ર 45 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે જ રસી મેળવે છે અને 45થી નીચેની ઉંમરના લોકો માટે રાજ્યને વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. આપણે આર્થિક રીતે નબળાં અને છેવાડાના માનવી સામે કેવી રીતે જોઈ રહ્યા છીએ?”

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એલ નાગેસવર રાવ અને શ્રીપથી રવિન્દ્ર ભાટની ખંડપીઠ કોરોના વાઇરસ અંગેની સુઓ મોટોની સુનાવણી કરી રહી હતી.

સુપ્રીમ કોર્ટે સરકારને કોરોના વાઇરસના રસીકરણ માટેની બધાને અસર કરતી પૉલિસી બનાવવા માટે કહ્યું હતું.

કોવિન ઍપને લઈને કોર્ટે પૂછ્યા પ્રશ્ન?

સુપ્રીમ કોર્ટે કોવિન ઍપમાં રસી માટે ફરજિયાત રજિસ્ટ્રેશનને લઈને સૉલિસિટર જનરલ તુષાર મહેતાને પ્રશ્નો કર્યા હતા.

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું હતું કે જો ગામડાનાં વ્યક્તિ પાસે મોબાઇલ નથી તો તે સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

કોર્ટે સૉલિસિટર જનરલ તુષાર મેહતાને પૂછ્યું, “તમે ડિજિટલ ડિવાઇડનો શું જવાબ આપશો? તમે કેવી રીતે ખાતરી કરી છે કે આનાથી પ્રવાસી મજૂરોને રસી આપી શકાશે?”

કોર્ટે વધુમાં પૂછ્યું હતું કે ઝારખંડનો અભણ મજૂર રાજસ્થાનમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે?

સુપ્રીમ કોર્ટના પ્રશ્નનો જવાબ આપતા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, “ડિજિટલ સિવાયની પણ પદ્ધતિ આપવાની વાત છે, કોવિન ડિજિટલ પોર્ટલ દ્વારા ચાર લોકોના રજિસ્ટ્રેશન કરી શકાય છે અને પંચાયતની પાસે સેન્ટર છે જેમની પાસે ઇન્ટરનેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે."

"જે લોકો પાસે ઇન્ટરનેટ નથી તે તેમના મિત્રો અથવા સંબંધીઓની મદદ લઈ શકે છે."

"ઑનલાઇન રજિસ્ટ્રેશનનો નિર્ણય એટલે લેવામાં આવ્યો છે કારણ કે રસીની ઉપલબ્ઘતા અમર્યાદિત નથી અને જો સ્થળ પર જઈ રજિસ્ટ્રેશન થાય તો ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય અને હવે ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને રસીની સ્થળ પર જઈને રજિસ્ટ્રેશન કર્યું છે.”

'ચિંતાજનક પરિસ્થિતિ'

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે દેશના ગામડામાં હાલ પણ ડિજિટલ લિટરસી નથી.

તેમણે વધુમાં કહ્યું, “હું ઈ-કમિટીનો ચેરપર્સન છું અને અમે જોઈએ છીએ કે શું થઈ રહ્યું છે.”

અમાઇકસ ક્યૂરી (કોર્ટના મિત્ર) જયદીપ ગુપ્તાએ કેસ અંગે કોર્ટને આસિસ્ટ કરતા કહ્યું, “પૉલિસીમાં કોઈ ફેરફાર નથી. સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાની સુવિધા 45થી વધુની ઉપરના લોકો માટે છે જ્યારે 18થી ઉપરના લોકો માટે કોવિન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.”

જસ્ટિસ ભાટે કહ્યું કે તેમને આખા દેશમાંથી અનેક લોકોના ફોન આવી રહ્યા છે કે સ્લૉટ માત્ર બે મિનિટમાં બુક થઈ જાય છે, જે ચિંતાજનક વાત છે.

જસ્ટિસ રાવે કહ્યું કે ગ્રાઉન્ડ રિયાલિટી સ્પષ્ટ છે.

75 ટકા રસી શહેરી વિસ્તારમાં અપાય છે આ મુદ્દા પર ધ્યાન આપવાની જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “હાલ રસીકરણને લઈને જે નીતિ છે તે ગ્રામીણ વિસ્તારોને સંપૂર્ણપણે બાકાત રાખે છે. ગાઇડલાઈનની ગેરહાજરીમાં, કામચલાઉ નિર્ણયો લેવામાં આવશે."

"નીતિમાં સુધારો થવા દો. તમારી પાસે નીતિ હોવી જોઈએ જે નવી સમસ્યાઓનું ધ્યાન રાખે જેથી રાજ્યો માર્ગદર્શન આપે.”

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, “જો આપણે કંઈક ખોટું થઈ રહ્યું છે તેમાં સહમત થઈએ તો તે નબળાઈ નહીં પણ તાકાતનો સંકેત છે."

"સુનાવણી સંવાદના ઉદ્દેશથી થઈ રહી છે, અમે નીતિને પડતી મૂકવા માગતા નથી કે સ્ટેક હૉલ્ડર સાથેના સંવાદમાં જોડાઈશું નહીં. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે રાષ્ટ્રના હથિયાર મજબૂત થાય.

જસ્ટિસ ચંદ્રચૂડે સરકાર કેટલી ચિંતિત છે તેના પર વાત કરતા કહ્યું, “વિદેશમંત્રીએ અમેરિકાની યાત્રા કરીને તમામ સ્ટેકહૉલ્ડર સાથે ચર્ચા કરી એ તમે કેટલાં ચિંતિત છો તે દેખાડે છે.”

સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસની મહમારીને કારણે ઓક્સિજન, દવાના સપ્લાય અને રસીકરણની પૉલિસીને ધ્યાનમાં રાખીને સુઓમોટો દાખલ કરી હતી તેની સુનાવણી આજે થઈ હતી. કોર્ટે આજે કહ્યું હતું કે તે આજે જ ટૂંકો ઑર્ડર પાસ કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો