You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં પકડાયેલી એક માછલી સાત લાખ 80 હજાર રૂપિયામાં કેમ વેચાઈ?
- લેેખક, મોહમ્મદ કાઝિમ
- પદ, બીબીસી ઉર્દૂ
બલૂચિસ્તાનના સમુદ્ર કિનારે હાજર ગ્વાદર જિલ્લાના માછીમાર અબ્દુલ હક અને તેમની સાથે કામ કરનારા બીજા લોકોની ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેમને પોતાની જાળમાં એક ક્રોકર માછલી દેખાઈ.
જોકે, વજન અને લંબાઈને જોતા આ કોઈ બહુ વિશાળ માછલી નહોતી પરંતુ આ ખૂબ મોંઘી માછલી હતી એટલે તેને માર્કેટ પહોંચાડવામાં સમય ન લગાવ્યો.
અબ્દુલ હકના ભાઈ રાશિદ કરીમ બલોચે જણાવ્યું કે 26 કિલો વજનની માછલી સાત લાખ 80 હજાર રૂપિયામાં વેચાઈ ગઈ.
રાશિદ કરીમે જણાવ્યું કે આ માછલીને પકડવા માટે બે મહિનાની મહેનત કરવી પડે છે અને આટલા પ્રયત્નો બાદ આ માછલી તમારા હાથમાં આવી જાય તો ખુશી થાય જ.
ક્યાંથી પકડાઈ આ માછલી?
આ મોંઘા ભાવની માછલીને અંગ્રેજીમાં 'ક્રોકર' માછલી કહેવાય છે, ઉર્દૂમાં સવા અને બલૂચીમાં કૂર કહેવાય છે.
તેમનું કહેવું છે કે માછલી જીવાનીના સમુદ્ર વિસ્તારમાં પકડાઈ હતી.
આ વિસ્તાર ગ્વાદર જિલ્લામાં ઈરાનની સીમાથી 17 કિલોમિટર દૂર આવેલો છે.
રાશિદ કરીમ કહે છે કે આ માછલીનો શિકાર માત્ર બે મહિનામાં જ થાય છે એટલે માછીમારોએ તેના માટે ઘણી મહેનત કરવી પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે અબ્દુલ હક અને તેમના સાથી મામૂલી માછલીઓનો શિકાર કરવામાં વ્યસ્ત હતા પરંતુ જ્યારે તેમણે જાળ ફેંકીને પાછી ખેંચી તો તેમને ક્રોકર માછલી ફસાયેલી દેખાઈ.
માછલીની બોલી 30 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે લગાવવામાં આવી.
રાશિદ કરીમ કહે છે કે આ માછલીનું વજન વધારે હોય છે અને મોટી હોય છે.
તેમણે કહ્યું કે આ વર્ષ પહેલાં એક વ્યક્તિએ એક વધુ વજનની ક્રોકર માછલી પકડી હતી, જે 17 લાખ રૂપિયામાં વેચાઈ હતી, પરંતુ અબ્દુલ હક અને તેમના સાથીઓએ જે માછલી પકડી તેનું વજન માત્ર 26 કિલો હતું.
તેમનું કહેવું હતું કે જ્યારે માર્કેટમાં આ માછલીની બોલી લગાવવાની શરૂ થઈ તો તેની છેલ્લી બોલી 30 હજાર રૂપિયા પ્રતિ કિલો હતી અને આ રીતે આ માછલી સાત લાખ 80 હજાર રૂપિયામાં વેચાઈ.
કેમ આટલી મોંઘી છે માછલી?
ગ્લાદર ડેવલપમૅન્ટ ઑથૉરિટીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એન્વાયરમેન્ટ) અને વરિષ્ઠ જીવ વિજ્ઞાની અબ્દુલ રહીમ બલોચે જણાવ્યું કે કોઈ માછલી પોતાના માંસને કારણે વધારે કિંમત ધરાવે છે પણ ક્રોકર અલગ છે.
તેમણે કહ્યું કે આ ક્રોકર માછલીની કિંમત આના એયર બ્લેડરને કારણે છે, જેમાં હવા ભરવાને કારણે તે તરે છે.
તેમનું કહેવું છે કે આ માછલીનું એયર બ્લેડર ચિકિત્સાના ઉપયોગમાં આવે છે અને ચીન, જાપાન અને યુરોપમાં આની માગ છે.
તેમણે જણાવ્યું કે ક્રોકર માછલીના એયર બ્લેડરથી મનુષ્યની સર્જરીમાં વપરાતા ટાંકા બનાવવામાં આવે છે જે તેના શરીરની અંદર લગાવવામાં આવે છે અને ખાસ કરીને તેના હૃદયના ઑપરેશનના સમયે ટાંકા લગાવવામાં વપરાય છે.
કેવી રીતે પકડાય છે માછલી?
એવું લાગે છે કે બલૂચીમાં આ માછલીનું નામ તેના અવાજને કારણે કૂર રાખવામાં આવ્યું છે.
અબ્દુલ રહીમ બલોચ કહે છે કે આ માછલી કૂર, કૂરનો અવાજ કાઢે છે. આ મેંગ્રોવ્સની વચ્ચે આવેલી જગ્યાઓમાં ઈંડાં મૂકે છે.
તેઓ કહે છે કે અનુભવી માછીમારો તેનો અવાજ ઓળખીને ત્યાં જાળ ફેંકવાનો પ્રયાસ કરે છે. જ્યારે એક-દોઢ કલાકમાં અવાજ બંધ થઈ જાય છે ત્યારે જાળી પાછી ખેંચી લે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો