કેરળનો ‘બ્લેક મની કેસ ’ : ભાજપના નેતાઓની સંડોવણીની હકીકત શું છે અને પિનરાઈ વિજયને કેવાં પગલાં લીધાં?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી માટે

કેરળના 'બ્લૅક મની કેસ'માં ધરપકડ કરાયેલા 21 લોકોમાંથી કેટલાક લોકો ભાજપ નેતાઓના નજીકના માનવામાં આવે છે, જેમની એક વિશેષ તપાસદળે (એસઆઈટી) પૂછપરછ કરી છે. જેમાં ભાજપના એક જિલ્લાસ્તરના પદાધિકારી પણ સામેલ છે.

આ કેસ કથિત રીતે રસ્તાની પરની એક ઘટના પર આધારિત છે, જેમાં એક નકલી કારદુર્ઘટના બાદ 3.5 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ હતી.

આ મામલે ફરિયાદીઓમાંથી એક ભાજપને ચૂંટણીસામગ્રી ઉપલબ્ધ કરાવનારા એકે ધર્મરાજન છે, જે આરએસએસના કાર્યકર પણ છે.

પોલીસ અનુસાર, આ ઘટના કેરળ ચૂંટણીથી ત્રણ દિવસ પહેલાં, એટલે કે ત્રણ એપ્રિલે ઘટી હતી. પણ હવે આ કેસની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં કેરળ ભાજપના અધ્યક્ષ કે. સુરેન્દ્રનના પુત્રની પણ પોલીસ પૂછપરછ કરી શકે છે.

ભારતીય જનતા પાર્ટીએ આને પાર્ટીની છબિ ખરાબ કરવાનું કાવતરું ગણાવ્યું છે.

જોકે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને સોમવારે વિધાનસભામાં જણાવ્યું કે "ઈડીએ કોચ્ચી ઝોન ઑફિસને આ તપાસ સંબંધિત જાણકારી આપવા માટે એક પત્ર લખ્યો છે."

તેમને આ જાણકારી એક જૂને મળી હતી. તો બ્લૅક મની કેસ કે હવાલા કેસ આખરે શું છે, જેની કેરળમાં ચર્ચા થઈ રહી છે.

બ્લૅક મની કેસ- ઘટના શું હતી?

પોલીસના એક અધિકારીએ બીબીસીને નામ ન આપવાની શરતે કહ્યું કે આ પૈસા કદાચ કર્ણાટકથી લવાયા હતા, જેને ત્રિસૂરથી એર્નાકુલમ લઈ જતી વખતે આ કથિત કારદુર્ઘટના થઈ. આ દુર્ઘટના ત્રિસૂર-કોડાકારા જંક્શન પાસે ઘટી હતી.

એકે ધર્મરાજનના ડ્રાઈવર શમજીરે આ ઘટનાની ફરિયાદ લખાવી છે.

તેમણે પોલીસને જણાવ્યું કે જંક્શન પર કારદુર્ઘટના બાદ ગાડીમાંથી 25 લાખ ચોરી થઈ ગયા. જોકે બાદમાં ચોરીની રકમ બદલી નાખી હતી.

પોલીસ અધિકારી કહે છે કે "એ ગાડીમાં સાડા ત્રણ કરોડ રૂપિયા હતા, ધર્મરાજને પોલીસને પોતાના નિવેદનમાં એ જ કહ્યું હતું. અત્યાર સુધી થયેલી ધરપકડો બાદ અમે 1.12 કરોડ રૂપિયા આરોપીઓ પાસેથી જપ્ત કર્યા છે. "

"ધરપકડ કરાયેલા બધા 21 લોકો કારદુર્ઘટનામાં સામેલ નહોતા, પણ કેટલાક લોકો આ કાવતરામાં સામેલ હતા."

તેમણે એ પણ જણાવ્યું કે આ પૈસા અલાપ્પુઝામાં કોઈ 'કરતા' નામના પાર્ટીકાર્યકરને આપવાના હતા.

કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને વિધાનસભાને જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 96 સાક્ષીઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે.

પોલીસ અનુસાર, આરોપીઓે આ 1.12 કરોડ રૂપિયાનો ઉપયોગ 347 ગ્રામ સોનું ખરીદવા માટે કર્યો હતો. તેમણે કેટલાક મોબાઇલ ફોન ખરીદ્યા અને કેટલીક ઘડિયાળો પણ. આ બધી વસ્તુઓને પોલીસે જપ્ત કરી લીધી છે.

આ મામલે પહેલી ફરિયાદમાં કહેવાતું હતું કે દુર્ઘટનામાં 25 લાખ રૂપિયાની લૂંટ થઈ, બાદમાં પોલીસે આઈપીસીની કલમ-395 (લૂંટ) હેઠળ કેસ કર્યો હતો. પણ ધર્મરાજનના નિવેદન બાદ આ કેસમાં કલમ-412, 212 અને 120-બી પણ જોડી દેવાઈ હતી.

અત્યાર સુધી નોંધાયેલાં નિવેદનોને આધારે (જેમાં ફરિયાદીઓ અને આરોપીઓનાં નિવેદન સામેલ છે) એસઆઈટીએ કેરળ ભાજપના અધ્યક્ષ કે. સુરેન્દ્રનના સચિવ દિપિન અને તેમના ડ્રાઇવર લિબીશની પૂછપરછ કરી છે.

જોકે બંનેએ જણાવ્યું કે તેમને પૈસાની આ હેરાફેરી અંગે કોઈ જાણકારી નથી.

એસઆઈટીએ ત્રિસૂર જિલ્લાધ્યક્ષ કેકે અનીશ અને મહાસચિવ કે. ગણેશનની પણ પૂછપરછ કરી છે.

જોકે ભાજપના પ્રવક્તા બી. ગોપાલકૃષ્ણયન પાસે એસઆઈટી દ્વારા ભાજપના નેતાઓની કરાઈ રહેલી આકરી પૂછપરછનું સ્પષ્ટીકરણ છે.

ભાજપનું શું કહેવું છે?

બીબીસી સાથેની વાતચીતમાં ગોપાલકૃષ્ણને કહ્યું, "જે રાતે આ ઘટના થઈ ત્યારે ધર્મરાજને બને એટલા ભાજપના નેતાઓને ફોન કર્યા, તેમણે પાર્ટીના અધ્યક્ષ સુરેન્દ્રનને પણ ફોન કર્યો હતો કે હાઈવે પર તેમની કાર અને પૈસા, બંને લૂંટી લેવાયાં છે. ચોથા-પાંચમા દિવસે તેઓ તેની ફરિયાદ કરવા ભાજપના ત્રિસૂર જિલ્લા કાર્યાલયે પણ આવ્યા હતા અને તેમણે જિલાધ્યક્ષ સાથે મુલાકાત પણ કરી હતી."

"તો, અમારી પાર્ટીના નેતા પણ ચૂંટણીસામગ્રી માટે સતત ધર્મરાજનનો સંપર્ક કરી રહ્યા હતા. હવે પોલીસની તપાસ એ વાત પર ટકી છે કે ઘટનાની રાતે ધર્મરાજન અને તેમના ડ્રાઈવરે કોણ-કોણ સાથે ફોન પર વાત કરી."

"પોલીસ ફોન કૉલના રેકૉર્ડ જોઈ રહી છે. આથી કેટલાક લોકો કહી રહ્યા છે કે ભાજપના નેતાઓનો આ ઘટના સાથે સંબંધ છે, પણ એવું નથી."

ગોપાલકૃષ્ણન બોલ્યા, "ફોન રેકૉર્ડના આધારે જ સુરેન્દ્રનના પુત્ર, હરિકૃષ્ણનનું નામ આ તપાસમાં આવ્યું છે. બની શકે કે એસઆઈટી તેમને સમન મોકલે."

તેમણે કહ્યું, "કેરળના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ સાથે ગઠબંધનવાળી યુડીએફ (યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ) આ તકનો પાર્ટીની છબિ ખરાબ કરવા માટે ઉપયોગ કરી રહી છે."

પણ જેમજેમ પોલીસની તપાસમાં નવા વળાંક આવે છે અને કેટલીક બાબતો સામે આવી છે, તેમ ભાજપના પોતાના સર્કલમાં તૂ-તૂ મૈં-મૈંના સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે.

જેમ કે ભાજપ ઓબીસી મોરચાના પદાધિકારી ઋષિ પલ્પુનું પ્રાથમિક સભ્યપદ રદ કરાયું છે, કેમ કે તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે જિલ્લા સમિતીએ આ મામલો સામે આવ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

બી. ગોપાલકૃષ્ણન અનુસાર, પલ્પુ સામે કાર્યવાહી એટલા માટે કરાઈ કે તેઓ વિપક્ષની ભાષા બોલતા હતા.

તેમણે કહ્યું, "આ સમયે આપણે સામંજસ્ય બનાવી રાખવાની જરૂર છે, ત્યારે તેમનું પાર્ટીની વિરુદ્ધ બોલવું એ યોગ્ય ન ગણી શકાય."

બતાવાઈ રહ્યું છે કે કેરળ પોલીસ વડા દ્વારા આ મામલો એસઆઈટીને સોંપ્યા બાદ ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાં પણ હલચલ જોવા મળી હતી.

બાદમાં ભાજપે આ મામલે તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે, જેમને મામલાની તપાસ કરીને રિપોર્ટ સોંપવા કહ્યું છે.

ભાજપે આ સમિતિમાં 'મેટ્રોમૅન ઑફ ઇન્ડિયા'ના નામે જાણીતા ઈ શ્રીધરન, પૂર્વ ડીજીપી અને ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા જૅકબ થૉમસ અને અન્ય એક સેવાનિવૃત્ત સિવિલ અધિકારી સામેલ છે.

આ કમિટીએ રિપોર્ટ મોકલ્યો કે નહીં એ અંગે ભાજપના પ્રવક્તા બી. ગોપાલકૃષ્ણને કોઈ માહિતી આપી નથી.

તેઓ કહે છે, "કેન્દ્રીય નેતૃત્વને કમિટી પાસેથી શું જાણકારી મળી, તેની અમને ખબર નથી. આથી હું કમિટીની કાર્યશૈલી પર ટિપ્પણી કરવા માગતો નથી."

અમે આ મામલે શ્રીધરનને પણ ફોન કર્યો હતો, તેમણે ન તો ફોન ઉઠાવ્યો કે ન તો મેસેજનો જવાબ આપ્યો.

મામલો કેવી રીતે બહાર આવ્યો?

બન્યું એવું કે ગત સપ્તાહે બે તરફના આરોપોની ચર્ચા તેજ થઈ. એક એ હતો કે ભાજપ પૈસા આપીને કોઈ ઉમેદવારને રસ્તામાંથી દૂર કરવા માગતો હતો. બીજો એ કે પાર્ટી (ભાજપ) પૈસા આપીને કોઈ ઉમેદવારને ચૂંટણીમાં પોતાનો સહયોગી બનાવવા માગતી હતી.

આ બંને આરોપોને કારણે આ મામલો વધુ ઉછળ્યો હતો.

તેમાંથી એક આરોપ આદિવાસી નેતા સીકી જાનુના એક નજીકનાએ લગાવ્યો હતો.

સીકે જાનુ કેરળની જેઆરએસ પાર્ટીના એક સન્માનિત નેતા છે. તેમના એક અંગતે આરોપ લગાવ્યો હતો કે ભાજપે જાનુને એનડીએના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે લાખો રૂપિયા આપ્યા હતા. જોકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રન અને જાનુ, બંને આ આરોપોને નિરાધાર ગણાવે છે.

બીજો આરોપ બીએસપીના ઉમેદવાર કે. સુંદરે લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઉમેદવારીપત્ર પાછું લેવા માટે તેમને ભાજપે બે લાખ રૂપિયા, એક મોબાઇલ ફોન અને તેમની માતાને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા.

સુંદર એ વિધાનસભા ક્ષેત્રના બીએસપીના ઉમેદવાર હતા, જ્યાંથી ભાજપ અધ્યક્ષ સુરેન્દ્રન ચૂંટણી લડતા હતા. જોકે સુરેન્દ્રન ચૂંટણી હારી ગયા હતા.

જોકે ભાજપ બીએસપી નેતાના આરોપને પણ એક 'નકલી કહાણી' બતાવે છે. પણ કસરગોડ પોલીસે જિલ્લા ન્યાયાધીશના આદેશ પર ભાજપના ચીફ કે. સુરેન્દ્રન સામે આઈપીસીની કલમ 171-બી અને 171-ઈ હેઠળ ફરિયાદ નોંધી છે અને પોલીસે આ મામલે કે. સુંદરનું એક નિવેદન પણ નોંધ્યું છે.

ભાજપ આ વખતે કેરળમાં પોતાની એકમાત્ર સીટ બચાવવામાં પણ નિષ્ફળ રહી, જે તેણે 2016માં જીતી હતી. સાથે જ 2019ની લોકસભા ચૂંટણીની તુલનામાં પાર્ટીનો વોટશૅર પણ પહેલાં કરતાં ઓછો રહ્યો હતો.

બ્લૅક મની કેસનો અંદાજ શું હશે એ અત્યારે કહી ન શકાય, પણ મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનનું કહેવું છે કે "આ મામલાની તપાસ પૂરઝડપે ચાલી રહી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો