You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિતિન પ્રસાદ : ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના નજીકના ગણાતા કૉંગ્રેસ નેતા ભાજપમાં જોડાયા
બુધવારે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચતા અગાઉ તેમણે અમિત શાહની એમના ઘરે મુલાકાત લીધી.
જિતિન પ્રસાદ ગાંધી પરિવારના ખૂબ નજીકના નેતા ગણાય છે અને ઉત્તર પ્રદેશથી લોકસભામાં સાંસદ રહી ચૂક્યા છે. તેમને ઉત્તર પ્રદેશ કૉંગ્રેસનો મુખ્ય ચહેરો ગણવામાં આવતા હતા અને તેમના પિતા જિતેન્દ્ર પ્રસાદ પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.
જિતિન પ્રસાદ લાંબા સમયથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હતા એમ માનવામાં આવી રહ્યું છે. જે 23 નેતાઓએ કૉંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખી પાર્ટીમાં મોટાં બદલાવોની વાત કરી હતી એમાં તેમનું નામ પણ હતું.
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે જિતિન પ્રસાદનું પાર્ટી છોડવું કૉંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવે છે.
ભાજપમા સામેલ થવા પર એમણે કહ્યું કે, "આ સાથે મારા રાજકીય જીવનમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. મારો કૉંગ્રેસ પાર્ટી સાથે ત્રણ પેઢીનો નાતો રહ્યો છે. આ નિર્ણય મેં ખૂબ સમજી વિચારીને અને મંથન કરીને લીધો છે. સવાલ એ નથી કે હું કઈ પાર્ટી છોડીને જઈ રહ્યો છું. સવાલ એ છે કે હું કઈ પાર્ટીમાં જઈ રહ્યો છું અને કેમ જઈ રહ્યો છું."
"આજે આ દેશમાં કોઈ સંસ્થાકીય પાર્ટી છે તો એ ભારતીય જનતા પાર્ટી છે. બાકીની પાર્ટીઓ વ્યક્તિવિશેષ અને પ્રાદેશિક પાર્ટીઓ છે. પરંતુ ભારતમાં આજે એક જ રાષ્ટ્રીય પાર્ટી છે અને એ ભારતીય જનતા પાર્ટી છે. જે પડકારો અને પરિસ્થિતિઓનો આપણો દેશ સામનો કરી રહ્યો છે એના માટે કોઈ નેતા ઊભા છે તો એ ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી છે."
એમણે કહ્યું કે, "હું કૉંગ્રેસમાં રહીને જનતાના હિતો માટે કામ નહોતો કરી શકતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અગાઉ ભાજપમાં સામેલ થનાર કૉંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, "મને ખૂબ આનંદ છે. મારા નાના ભાઈનું ભાજપમાં સ્વાગત છે. હું એમનું દિલથી સ્વાગત કરું છું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો