You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પાકિસ્તાનના અધિકારીઓ પગાર વિના ક્યાં સુધી કામ કરશે' પાકિસ્તાનની કફોડી આર્થિક સ્થિતિ પર એક ટ્વીટથી થયો વિવાદ
સર્બિયામાં પાકિસ્તાનના દૂતાવાસના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેના પર વિવાદ ચાલી રહ્યો છે.
આ ટ્વીટ 11 કલાકે અને 26 મિનિટે કરવામાં આવ્યું છે. જોકે આ ટ્વીટને ડિલીટ કરી દેવામાં આવ્યું છે.
આ ટ્વીટમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને ટૅગ કરીને લખવામાં આવ્યું કે, "મોંઘવારી પહેલાંની સરખારમણીમાં તમામ રેકર્ડ તોડી રહી છે. ઇમરાન ખાન તમે અમારી પાસેથી કયાં સુધી આશા રાખશો કે અમે સરકારી અધિકારીઓ ત્રણ મહિના પગાર વિના કામ કરતા રહીએ? અમારા બાળકો પૈસા વિના સ્કૂલ છોડવા માટે મજબૂર થઈ ગયા છે. શું આજ નવું પાકિસ્તાન છે?"
આ ટ્વિટર હૅન્ડલ પરથી બીજું ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું, "સૉરી, ઇમરાન ખાન પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો." જોકે બંને ટ્વીટને ડિલીટ કરી દેવામાં આવ્યાં છે.
આ ટ્વીટને લઈને ઇમરાન ખાનના પ્રવક્તા ડૉ. અર્સલાન ખાલિદે ટ્વીટ કરીને કહ્યું, "પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અનુસાર, સર્બિયામાં પાકિસ્તાનનું ટ્વિટર એકાઉન્ટ હૅક થઈ ગયું હતું. વિદેશ મંત્રાલય આ કેસની તપાસ કરી રહ્યો છે."
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કરીને કહ્યું કે સર્બિયામાં પાકિસ્તાનના દૂતાવાસના ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ હૅક થઈ ગયા છે. આ એકાઉન્ટ પર જે પણ સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો છે તે સર્બિયા ખાતે પાકિસ્તાનના દૂતાવાસના નથી.
સર્બિયા ખાતે પાકિસ્તાનના દૂતાવાસના ટ્વિટર હૅન્ડલ પરથી જે ટ્વીટ કરવામાં આવ્યું હતું, તેમાં એક વીડિયો પણ હતો. આ વીડિયોમાં ઇમરાન ખાનની જૂની ટિપ્પણી 'તમારે ગભરાવાનું નથી'ની મજાક ઉડાવવામાં આવી હતી. તમારે ગભરાવવાનું નથીની સાથે એક ગીત અને મ્યુઝિક હતું. આ ગીતના શબ્દો છે - "લોટ મોંઘોં થતો જાય છે તો તમારે ખાવાનું નહીં, દવા-સવા છોડો ઇલાજ ના કરો, બાળકોનું ભણતર સાઇડ પર મૂકો ફી ના ભરો, તમારે ગભરાવવાનું નથી. સઘળું ડૂબી જાય, તમારે પસ્તાવાનું નથી."
પાકિસ્તાનની કફોડી આર્થિક હાલત કોઈ છૂપાયેલી વાત નથી. અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેમની પાસે દેશને ચલાવવા માટે પૈસા નથી અને દેશની માથે દેવું વધતું જઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં જ ઇસ્લામાબાદમાં એક સમારોહમાં પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું કે જે રીતે કોઈ ઘરમાં આવક ઓછી હોય અને ખર્ચ વધારે હોય તો તે ઘર મુશ્કેલીમાં રહે છે, પાકિસ્તાનની હાલત પણ એવી જ છે.
ઇમરાન ખાને કહ્યું કે, "આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે પોતાના દેશને ચલાવી શકાય તેટલા પૈસા નથી, જેને કારણે અમારે ઋણ લેવું પડે છે."
તેમણે કહ્યું કે ભવિષ્ય માટે બચત અને રોકાણના મામલામાં પાકિસ્તાન પાછળ ખસી રહ્યું છે.
ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનમાં ટૅક્સ કલ્ચર ક્યારેય બન્યું જ નથી. ટૅક્સ ચોરી કરવી ખરાબ વાત છે, લોકો એ સમજતા નથી. મેં આ વિષય પર ચિંતન કર્યું કે આખરે પાકિસ્તાનમાં ટૅક્સ ભરવાની સંસ્કૃતિ કેમ નથી.
"પરિણામમાં બે-ત્રણ વાતો સામે આવી. પહેલી એ કે જ્યારે આપણે ઉપનિવેશ હતા તે વખતે લોકોને લાગતું કે વિદેશીઓને ટૅક્સ કેમ આપીએ. પારકાના શાસનમાં ટૅક્સચોરી કરવી એ સ્વાભાવિક વાત હતી. જે લોકો એવું સમજે છે કે ટૅક્સથી આપણું જ સારું થશે, એ લોકો અલગ રીતે વિચારે છે."
'ટૅક્સ કલ્ચરને પ્રોત્સાહન ન મળ્યું'
ઇમરાન ખાને કહ્યું કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે પણ શાસકવર્ગે ટૅક્સની સંસ્કૃતિને પ્રોત્સાહન ન આપ્યું. પરંતુ શાસકવર્ગની જે જીવનશૈલી હતી તેનાથી પણ લોકોને લાગ્યું કે તેમના ટૅક્સથી તેમનું નહીં પણ શાસકવર્ગનું ભલું થશે.
"યુરોપમાં આવો શાસકવર્ગ નહોતો. ઇંગ્લૅન્ડની જીડીપી પાકિસ્તાન કરતાં 50 ગણી છે. ત્યાંના મંત્રી કંઈ પણ ખર્ચ કરે તો તેનો હિસાબ હોય. તેમના મંત્રી વિદેશ જાય તો ઓછો ખર્ચ થાય તેનું ધ્યાન રાખે. તેમના મંત્રી અમેરિકા જાય છે તો ત્યાંના પોતાના દૂતાવાસમાં રહે છે જેથી ખર્ચ ઓછો થાય."
"પરંતુ પાકિસ્તાનના શાસકવર્ગે આવું ક્યારેય ન વિચાર્યું. બ્રિટનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ કહેતા કે આ અમારા ટૅક્સના પૈસા છે. ત્યાંની જનતા પણ જાગરૂક છે અને સત્તા પણ જવાબદાર છે."
ઇમરાન ખાને કહ્યું કે, "છ હજાર ટ્રિલિયનથી પાકિસ્તાનનું દેવું વધીને 10 વર્ષમાં 30 ટ્રિલિયન રૂપિયા થઈ ગયું છે. આ કેવી રીતે થયું? કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચર પર મોટું કામ નથી થયું. અહીં કોઈ મોટો બાંધ નથી બન્યો. આ દેશ પર એટલું મોટું દેવું છે કે અમારી સરકાર આજદિન સુધી તેની સામે ઝૂઝી રહી છે."
"હવે અમારી સરકારમાં રેકૉર્ડ ટૅક્સ કલેક્શન થયું છે. આશા છે કે છ હજાર અબજ રૂપિયા સુધીનું ટૅક્સ કલેક્શન થશે. પરંતુ છ હજાર અબજમાં તો ત્રણ હજાર અબજ તો દેવાના હપ્તા ભરવામાં નીકળી જશે. અત્યારે 22 કરોડ લોકો માટે ત્રણ હજાર અબજ વધ્યા છે. આમાં આપણે શાળાઓ, હૉસ્પિટલો અને અન્ય વ્યવસ્થાઓ કરવાની છે. પરંતુ આના માટે પર્યાપ્ત ભંડોળ નથી એટલે ઋણ લેવું પડે છે."
ઇમરાન ખાને કહ્યું કે, "અમે ઘણી વસ્તુઓને પેપરલેસ કરી છે એટલે લોકોને લાભ થયો છે અને વસ્તુઓ પારદર્શી પણ થઈ છે. તકનીકના સહારે અમે ભ્રષ્ટાચાર પર લગામ કસી રહ્યા છીએ. ટૅક્સ કલેક્શન પણ વધશે. પાકિસ્તાન ટૅક્સ સંગ્રહમાં જે ગતિએ વધી રહ્યું છે એ હિસાબથી આપણે આઠ અબજ સુધી પહોંચી જઈશું."
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે, "આ દેશની સુરક્ષાની વાત છે. લગભગ 60 ટકા વસતી 30 વર્ષથી ઓછી ઉંમરની છે. આપણે આની ઉપર રોકાણ કરવાનું છે. આપણ એ વાતને લઈને આશ્વસ્ત કરવાના છે કે તેમના પૈસા તેમની પર જ ખર્ચ થશે."
"લોકોને લાગે છે કે સરકાર તેમના પર ખર્ચ કરવા માટે તેમની પાસેથી પૈસા લઈ રહી છે તો તેઓ પોતે ટૅક્સ આપવામાં પાછળ નહીં રહે. જનતાની ખુશહાલી ટૅક્સ ભરવા પર આધારિત છે."
ઇમરાન ખાને કહ્યું કે, "જૂની સિસ્ટમથી જે ફાયદો ઉઠાવી રહ્યા હતા, તેઓ ક્યારેય બદલાવ આવવા નહીં દે. અમે યુટિલિટી સ્ટોરની અંદર બિલને ઑટોમેટિક કરવાનો પ્રયત્ન કર્યો તો લોકો કોર્ટ ગયા. એફબીઆરની અંદરથી લોકો ઑટોમેશન નથી થવા દેતા."
"સરકારની પાસે પૈસા નહીં આવે પરંતુ લોકો પાસે પૈસા છે. જ્યાં અબજો રૂપિયાનું વેચાણ થાય છે. ત્યાં 15 વર્ષોથી પ્રયત્ન થઈ રહ્યા છે કે વેચાણનો હિસાબ રાખવામાં આવે. ત્યાં હવે જઈને ટ્રૅક ઍન્ડ ટ્રેસ સિસ્ટમ લાગશે."
'માત્ર 10 લાખ લોકો રિટર્ન ભરે છે'
આ કાર્યક્રમની શરૂઆતમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શૌકત તરીને કહ્યું કે, "હવે અમે ટ્રૅક ઍન્ડ ટ્રેસની શરૂઆત ચાર ઉત્પાદોથી કરી રહ્યા છીએ- જે છે તંબાકુ, ખાંડ, સિમેન્ટ અને ઈસ્પાસ. અમારા માટે આ કામ પડકારજનક છે. મહેનતનું પરિણામ છે કે અમે અહીં સુધી પહોંચ્યા છીએ."
"આના માટે 78 શુગર કંપનીઓ તૈયાર થઈ ગઈ છે. પાકિસ્તાનમાં માત્ર 30 લાખ લોકો ટૅક્સ ભરે છે અને આમાં 20 લાખ લોકો એ છે જે માત્ર ફૉર્મ ભરે છે અને ટૅક્સ રિટર્ન આપે છે પરંતુ રકમ કંઈ હોતી નથી."
"એટલે માત્ર 20 લાખ લોકો જ ટૅક્સ ભરે છે. અમે હવે 15 મિલિયન લોકોને ચિહ્નિત કર્યા છે જેમને જણાવીશું કે તેમની આવક કેટલી છે અને તેમણે કેટલો ટૅક્સ ભરવો પડશે. રિટેલ સેક્ટરમાં વાર્ષિક 18 ટ્રિલિયનનું વેચાણ અને અમે ત્રણ ટ્રિલિયનનો જ હિસાબ રાખીએ છીએ. હવે અમે તકનીકનો સહારો લઈ રહ્યા છીએ છે અને બધાને ટ્રેસ કરશું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો