ચીન ભુતાનમાં ઇમારત બાંધે તો ભારતે ચિંતિત થવું જોઈએ?

    • લેેખક, અમૃતા શર્મા
    • પદ, દક્ષિણ એશિયા નિષ્ણાત, બીબીસી મૉનિટરિંગ

વર્ષ 2017થી ભારત અને ચીન વચ્ચે ડોકલામ પઠાર (દૂર સુધી ફેલાયેલી ચોરસ અને ઊંચી જમીન)ને લઈને સૈન્યતણાવ ચાલી રહ્યો છે.

ડોકલામ પઠારની ભુતાનની સરહદમાં ચીને નવી ઇમારતો બનાવવાના પુરાવા સામે આવતા ભારત અસહજ સ્થિતિમાં છે. ભારત ચીનના આ બાંધકામને આ વિસ્તાર પર ચીનના મજબૂત દાવાના રૂપમાં જોઈ રહ્યું છે.

ચીનની સેનાની ગતિવિધિઓ પર નજર રાખતા એક વૈશ્વિક શોધકર્તાએ 17 નવેમ્બરે ટ્વિટર પર ડોકલામની નજીક ભુતાન અને ચીન વચ્ચેના વિવાદિત ક્ષેત્રમાં ચીનના નિર્માણની તસવીરો રજૂ કરી હતી.

દાવો કરવામાં આવ્યો હતો કે ચીન દ્વારા વિવાદિત ક્ષેત્રમાં આ નિર્માણકાર્ય વર્ષ 2020-21માં કરવામાં આવ્યું છે.

ચીનની 2245 કિલોમીટર લાંબી સરહદ 14 દેશો સાથે જોડાયેલી છે. જોકે તેમાં માત્ર ભારત અને ભુતાન સાથે જ સીમાને લઈને વિવાદ છે.

આ નવી ગતિવિધિથી ભારતને પરેશાની થઈ રહી છે, કારણ કે આ વિસ્તાર ડોકલામમાં ભારતીય ક્ષેત્રને અડીને આવેલો છે. આ વિવાદિત ક્ષેત્રમાં ચીનના નિર્માણકાર્યને લઈને વર્ષ 2017માં ભારત અને ચીનની સેના સામસામે આવી ગઈ હતી અને પછીથી બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો છે.

ભારતના ભૌગોલિક રાજકીય હિતોને અસર થશે

ભારત અને ચીન વચ્ચેના સંબંધ જૂન 2020માં ગલવાન ખીણમાં ઝપાઝપી પછી વધુ ખરાબ થઈ ગયા હતા. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ હિંસક ઝપાઝપીમાં ઓછામાં ઓછા 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ચીને પણ પાછળથી તેમના ચાર સૈનિકોનાં મૃત્યુનો સ્વીકાર કર્યો હતો.

ભારત અને ચીન વચ્ચે ભુતાન એક બફર ક્ષેત્રનું કામ કરે છે. હવે અહીં ચીનની ગતિવિધિઓને કારણે ફરી એક વાર ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે.

ભુતાન અને ચીન વચ્ચે 477 કિલોમીટર લાંબી સરહદ જોડાયેલી છે. ભારતનો સિલિગુડી કૉરિડૉર (તેને ચીકન નેક પણ કહે છે) ચીન સામે એક કવચ તરીકે કામ કરતો હોવાથી ભુતાન ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો દેશ છે.

ભારત સિલિગુડી કૉરિડૉરના માધ્યમથી જ ઉત્તર-ભારતીય રાજ્યો સાથે સડક માર્ગથી જોડાયેલો છે. તેથી તેની સુરક્ષા ભારત માટે અતિ મહત્ત્વની છે.

આઉટલૂક જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખમાં વિશ્લેષકો જજાતી પટનાયક અને ચંદન કે. પાંડાએ ચિંતા વ્યક્ત કરી છે કે ડોકલામ પઠારમાં ચીનની ગતિવિધિઓથી ભારતના ભૌગોલિક રાજકીય હિતો માટે ગંભીર પરિણામો આવી શકે છે.

ભારતની વિપક્ષી કૉંગ્રેસ પાર્ટીએ પણ ભુતાનમાં ચીનની ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પક્ષના પ્રવક્તા ગૌરવ વલ્લભ કહે છે, "ભુતાનની ધરતી પર ચીનનું નિર્માણ ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે આપણે ભુતાનને વિદેશનીતિ અંગે સલાહ આપીએ છીએ અને તેનાં સૈન્યદળોને તાલીમ પણ આપીએ છીએ."

સરહદી વિવાદ પર ચીન-ભુતાનની મંત્રણાને લઈને ચિંતા

ચીન અને ભુતાને 14 ઑક્ટોબરે સરહદવિવાદ અંગે સમજૂતીપત્ર પર પણ હસ્તાક્ષર કર્યા છે. ભુતાન અને ચીન 1984થી સરહદવિવાદ પર વાટાઘાટ કરી રહ્યા છે.

ભારતે આ અંગે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તે આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

ભુતાન અને ચીન વચ્ચે સીધા રાજદ્વારી સંબંધો નથી અને બંને દિલ્હીમાં તેમના દૂતાવાસ દ્વારા વાતચીત કરે છે, પરંતુ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સાર્વજનિક કરવામાં આવ્યું નથી.

આના પર પ્રતિક્રિયા આપતા સંરક્ષણ વિશ્લેષક કર્નલ દાનવીરસિંહે ટ્વીટ કર્યું, "શું આ ભુતાન અને ચીન વચ્ચેના સરહદવિવાદના ઉકેલનો ભાગ છે? આપણને આની ચિંતા થવી જોઈએ."

ચાર વર્ષ પહેલાં ડોકલામમાં ભારત અને ચીનના સૈનિકો 73 દિવસ સુધી સામ-સામે રહ્યા હતા. આ સૈન્યતણાવ હજુ સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં આ નવો ઘટનાક્રમ ભારતની ચિંતામાં વધારો કરશે.

ભારતના હિન્દી ભાષી દૈનિક દૈનિક જાગરણના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત કરાર પર નજર રાખી રહ્યું હતું, કારણ કે ચીને 2017માં ભુતાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ડોકલામ ક્ષેત્રને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો."

જોકે, ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે 15 ઑક્ટોબરના એક લેખમાં ભારતના 'સંકુચિત ભૌગોલિક રાજકીય દૃષ્ટિકોણ'ની ટીકા કરી હતી અને લખ્યું હતું કે, "સમજૂતી પર હસ્તાક્ષર એ બે સ્વતંત્ર દેશો વચ્ચેનો મામલો છે. જો ભારત આ અંગે સવાલ ઉઠાવશે તો દુનિયા એ જોશે કે ભારત તેના નાના અને નબળા પાડોશી દેશના સાર્વભૌમત્વનું હનન કરી રહ્યું છે."

પરંતુ ભુતાન ભારત માટે એટલું મહત્ત્વનું છે કે ભારતે ચીન અને ભૂતાન વચ્ચેના સંબંધો પર ચાંપતી નજર રાખવી પડશે.

ભારતના અગ્રણી અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે, "ભુતાન ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ દેશ સિલિગુડી કૉરિડૉરને અડીને આવેલો છે. જો ભુતાન તેની જમીનને લઈને કોઈ બાંધછોડ કરશે તો તેનાથી આ ક્ષેત્રમાં ભારતની સુરક્ષાને અસર થશે."

ચીનનો સરહદી જમીન કાયદો એક વિચારપૂર્વકનું પગલું

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદવિવાદ વચ્ચે ચીને સરહદી જમીનને લઈને જમીન સરહદ કાયદો પસાર કર્યો છે. ભારત આ માટે પણ બહુ તૈયાર નહોતું.

23 ઑક્ટોબરે પસાર થયેલો આ કાયદો 14 દેશો સાથેની ચીનની 22 હજાર કિલોમીટરથી વધુ લાંબી સરહદની સુરક્ષાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો છે. આ કાયદો આવતા વર્ષે જાન્યુઆરીમાં અમલમાં આવશે.

ભારતે 'ચીનના આ એકપક્ષીય નિર્ણય' પર નારાજગી વ્યક્ત કરતા કડક નિવેદન આપીને કહ્યું હતું કે ભારત અપેક્ષા રાખે છે કે ચીન કાયદાની આડમાં એવું કંઈ નહીં કરે જેનાથી ભારત-ચીન સરહદ પરની પરિસ્થિતિને અસર થાય.

વિશ્લેષક અનિર્બાન ભૌમિક કહે છે કે ચીનનો નવો સરહદી જમીન કાયદો દર્શાવે છે કે ચીન 14 દેશો સાથેની તેની સરહદોના સંચાલનને લઈને ગંભીર છે અને તે ભારત અને ભુતાન સાથેના સરહદ વિવાદોને પોતાની શરતે ઉકેલવા માંગે છે.

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવને ખતમ કરવા માટે બંને દેશોના અધિકારીઓ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ નવો કાયદો પસાર થવાને કારણે આ વાટાઘાટને પણ અસર થઈ શકે છે.

અંગ્રેજી અખબારમાં એક સૈન્ય અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "ચાલી રહેલા તણાવ વચ્ચે તમે નવો કાયદો કેમ પસાર કર્યો? તમે સ્પષ્ટપણે એક સંદેશ મોકલી રહ્યા છો... હવે જ્યારે તેમણે કાયદો બનાવી લીધો છે તો આ વાટાઘાટથી કેવી રીતે ઉકેલ મળશે?"

દરમિયાન, ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે ભારત આ નવા કાયદા પર વધુ પડતી પ્રતિક્રિયા આપી રહ્યું છે.

ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતા વિશ્લેષક ક્વાન શાઓલિયાને કહ્યું, "આ નવા કાયદાઓથી ભારતનો ડર અને તેને વધુ પડતું સામાન્ય સ્વરૂપ આપી દેવાથી સરહદવિવાદ પર બંને દેશો વચ્ચેની વાટાઘાટને ઝટકો લાગી શકે છે."

ભારતની સુરક્ષા સાથે બાંધછોડ?

ચીનના નિર્માણની ગતિવિધિઓ અને ભારતના અરુણાચલ (જેનો ચીન દાવો કરી રહ્યું છે)માં ચીનની ઘૂસણખોરીના અહેવાલોને ભારત તેની સુરક્ષા સામેના જોખમ તરીકે જુએ છે.

વિશ્લેષક જજાતિ કે. પટનાયક લખે છે, "ભુતાનની મદદથી ચીન ડોકલામની આસપાસના વ્યૂહાત્મક વિસ્તારોને નિયંત્રિત કરવા માગે છે અને તેના દ્વારા ચીન સિલિગુડી કૉરિડૉર (જે 60 કિમી લાંબો અને 22 કિમી પહોળો છે) તરફ તેની સૈન્યશક્તિ વધારી શકે છે, જેનાથી ભારત માટે સુરક્ષાની ચિંતાઓ ઊભી થશે.

એ સ્પષ્ટ નથી કે ચીન ભુતાન તરફ હાથ લંબાવી રહ્યું છે જેથી તે ભારત-ભુતાન સંબંધોને અસર કરી શકે.

ભુતાન અને ચીન વચ્ચેના કરાર પર હસ્તાક્ષર બાદ, ગ્લોબલ ટાઈમ્સે વિશ્લેષકોને ટાંકીને કહ્યું હતું કે "આ દર્શાવે છે કે ભુતાન તેની સરહદી સમસ્યાઓને સ્વતંત્ર રીતે સંભાળવા માગે છે અને ભારતના 'ચીન તરફથી ખતરા'ના દાવાઓને નકારીને ભારત-ચીન સરહદ પર જોખમમાં ઘટાડો કર્યો છે."

ચીન ભુતાન તરફ આગળ વધવા પર કામ કરી રહ્યું છે, ત્યારે ભારતે તેની સૈન્ય તૈયારીઓની સાથે વ્યૂહાત્મક રીતે મહત્ત્વના સાથી દેશોનું સમર્થન પણ વધારવું પડશે.

વિશ્લેષક ચારુ સુદન કસ્તૂરી કહે છે, "ભારત મજબૂત સ્થિતિમાં હશે તો જ ભુતાનને ચીન સાથે વાટાઘાટ કરવામાં મદદ કરી શકે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો