ટ્વિટર પર યૂઝર્સના ફૉલોઅર્સ ઘટતાં લોકોએ નવા સીઈઓ પરાગ અગ્રવાલને શું કહ્યું?

ટ્વિટર પર અનેક લોકોના ફૉલોઅર્સ એકાએક ઘટી જતા કોલાહલ મચી ગયો છે, અનેક લોકો ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે બીજી ડિસેમ્બરથી તેમના ફૉલોઅર્સ ઘટી ગયા છે.

ટ્વિટર પર એવું નથી કે સામાન્ય લોકોના જ ફૉલોઅર્સ આ રીતે ઘટી જાય છે, આ અગાઉ અનેક સેલિબ્રિટીઝના પણ ફૉલોઅર્સ ઘટ્યા હતા.

ગત જૂન માસમાં ટ્વિટર પર અમિતાભ બચ્ચન, અનુપમ ખેર સહિતના બોલીવૂડના કલાકારોના ફૉલોઅર્સ ઘટી ગયા હતા.

એકતરફ લોકો ટ્વિટર પર ફૉલોઅર્સ ઘટવાની ફરિયાદ કરી રહ્યા છે, તો બીજીતરફ કેટલાંક લોકો તેમની મજાક પણ કરી રહ્યા છે.

'કાલે સવારે ટ્વિટર એકાઉન્ટ બચશે કે નહીં'

ન્યૂઝ ક્લિકના પત્રકાર શ્યામ મીરાસિંહે ટ્વીટ કરીને કહ્યું કે સવારમાં મારા 73.8 હજાર ફૉલોઅર્સ હતા, જે ઘટીને હાલ 64.4 હજાર થઈ ગયા છે. ટ્વિટરે મારા 9.7 હજાર ફૉલોઅર્સને કાઢી નાખ્યા છે. કાલે સવારે સુધી એકાઉન્ટ બચશે કે નહીં.

સીએનએન ન્યૂઝ18ના સિનિયર પત્રકાર અમન શર્માએ પણ ટ્વીટ કરીને ફરિયાદ કરી હતી કે ત્રીજી વેવ આવી છે ટ્વિટર પર. 1100 ફૉલોઅર્સ ઘટી ગયા છે. કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા આ લોકો?.

આઈએએસ સોનલ ગોયલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેમના પણ ટ્વિટર ફૉલો ઘટી ગયા છે અને ત્રણ લાખ ચાર હજાર પરથી બે લાખ 99 હજાર થઈ ગયા છે.

સોનલ ગોયલે એક ટ્વીટમાં પૂછ્યું હતું કે આ બધું શું થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે?

તેમણે થોડા કલાકો બાદ ટ્વીટ કર્યું હતું કે, "તેમના ફૉલોઅર્સ પરત આવી ગયા છે. ત્રણ લાખ ચાર હજાર ફૉલોઅર્સ ફરી થઈ ગયા છે. આ કેવી રીતે થયું?"

રાજસ્થાનના કૉંગ્રેસ નેતા રુક્ષમણી કુમારીએ પણ 6000 ફૉલોઅર્સ ઘટી જવાની વાત કરી હતી.

ટ્વિટર પર ફૉલોવર્સ પર હુમલો એ નામનો ટ્રૅન્ડ પણ ચાલ્યો હતો. ટ્વિટર યૂઝર્સે ટ્વિટરના નવા પ્રમુખ બનેલા ભારતીય મૂળના પરાગ અગ્રવાલને પણ ટાંક્યા હતા.

પત્રકાર આદિત્ય કૌલ રાજે પણ પોતાના પરત આવેલા ફૉલોઅર્સ વિશે લખ્યું, 'મારા તમામ ફૉલોઅર્સ પરત આવી ગયા છે અગ્રવાલ સાહેબ શું રડાવશો.'

લોકોએ શું મજાક કરી?

થોડાક દિવસો અગાઉ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ ડાઉન થઈ ગયા હતા ત્યારે લોકોએ આ ત્રણેય પ્લૅટફૉર્મની અને તેના યૂઝર્સની ટ્વિટર પર ખૂબ મજાક ઉડાવી હતી. તેને ધ્યાનમાં રાખીને બીજા લોકો ટ્વિટરના લોકોની મજાક કરી રહ્યા હતા.

અભિનવ કુમારે એક તસવીર શેર કરી લખ્યું હતું કે હવે તમારા પણ ફૉલોઅર્સ ડાઉન થયા ને.

અભિશેક શૉ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે નવા સીઈઓ પરાગભાઈ ગુસ્સે ભરાયા છે.

કૉંગ્રેસના નેતા સૌરભ રાયે ટ્વીટ કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 60 ટકા ટ્વિટર ફૉલોઅર્સ ફેક છે. તેમના ફૉલોઅર્સ પર હુમલો કરો.

મોહિત મિશ્રા નામના યૂઝરે લખ્યું કે નવા સીઈઓ આવ્યા તેની ખુશીમાં ટ્વિટર દ્વારા પોતાની ઑફિસમાં ફૉલોઅર્સ ખાવાની પાર્ટી રાખવામાં આવી છે કે શું?

એસએમ નામના ટ્વીટર યૂઝર્સે એક તસવીર મૂકીને લખ્યું હતું કે પરાગ તેમના ફૉલોઅર્સને કહી રહ્યા છે.

સેલિબ્રીટીઓના પણ જ્યારે ફૉલોર્સ ઘટી ગયા

ટ્ટિવટર પર આવું પહેલી વખત નથી બન્યું કે માત્ર સામાન્ય લોકોના જ ફૉલોઅર્સ ઘટી ગયા હોય.

આ અગાઉ અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરના પણ ફૉલોઅર્સ ઘટાડી દેવામાં આવ્યા હતા.

2021ની 10 જૂને અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ડિયર ટ્વિટર મેં છેલ્લાં 36 કલાકમાં 80 હજાર ફૉલોઅર્સ ગુમાવ્યા છે. શું તમારી ઍપમાં ગ્લિચ છે કે પછી બીજું કંઈ થઈ રહ્યું છે? આ મારું અવલોકન છે મારી ફરિયાદ નથી.

ટ્વિટરે તે સમયે જણાવ્યું હતું કે તમે ફૉલોઅર્સમાં વધારો ઘટાડો જે જોઈ રહ્યા છો સમય-સમયને આધારિત હોય છે.

અમે કેટલાંક એકાઉન્ટ્સને તેમના ફોન નંબર અને પાસવર્ડ કન્ફર્મ કરવા કહીએ છીએ. જ્યાં સુધી તેઓ તેમની માહિતી કન્ફર્મ કરાવી ન દે ત્યાં સુધી અમે ફૉલોઅર્સ કાઉન્ટમાં ગણતા નથી. આ અમે તમામ એકાઉન્ટને સુરક્ષિત અને સ્પૅમથી બચાવવા માટે કરીએ છીએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો