You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છ દિવસમાં પાંચમી વખત વધારો, કેટલી થઈ કિંમત? - પ્રેસ રિવ્યુ
રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ અનુક્રમે 50 અને 55 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જે છ દિવસમાં પાંચમી વખત થયેલો વધારો છે. તેલકંપનીઓએ કાચા માલની કિંમતમાં વધારાનું ભારણ ગ્રાહકોને માથે નાખ્યું હતું. ઈંધણ રિટેલર્સની કિંમતની સૂચના અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત અગાઉ રૂપિયા 98.61 સામે પ્રતિ લિટર રૂપિયા 99.11 થઈ ગઈ છે.
જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા 89.87 પ્રતિ લિટરથી વધીને રૂપિયા 90.42 થયો છે. મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લિટર 113.88 રુપિયા અને ડીઝલ 98.13 રૂપિયા પ્રતિ લિટરની સપાટીએ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, વધતી જતી મોંઘવારી અને ઈંધણના ભાવવધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કૉંગ્રેસે શનિવારે 'મહેંગાઈ મુક્ત ભારત અભિયાન' શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ અભિયાન અંતર્ગત કૉંગ્રેસ 31 માર્ચથી 7 એપ્રિલ સુધી દેશભરમાં રેલી અને કૂચનું આયોજન કરશે.
કૉંગ્રેસના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, “ભારતની પ્રજા સાથે મોદી સરકારે દગો અને છેતરપિંડી આચર્યાં છે. મત માટે પેટ્રોલ, ડીઝલ, ગૅસ-સિલિન્ડર, પાઇપ્ડ નેચરલ ગૅસ (પીએનજી) અને સીએનજીની કિંમતોને 137 દિવસ સુધી નહીં વધારી, અને હવે છેલ્લું એક અઠવાડિયું દરેક ઘરનાં બજેટ માટે દુઃસ્વપ્ન સમાન રહ્યું છે."
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વધતી કિંમતોને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એક ટ્વીટમાં ગાંધીએ કહ્યું: "રાજા મહેલની તૈયારી કરી રહ્યા છે, જ્યારે પ્રજા મોંઘવારી હેઠળ પિસાઈ રહી છે."
આયોજન અનુસાર, કૉંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકો 31 માર્ચે સવારે 11 વાગ્યે પોતપોતાનાં ઘરોની બહાર અને જાહેરસ્થળોએ ગૅસના સિલિન્ડરોના હાર સાથે વિરોધ કરશે.
કૉંગ્રેસે કહ્યું છે કે ઈંધણના ભાવમાં થયેલા ભારે વધારા તરફ #બધિર ભાજપ સરકાર'નું ધ્યાન દોરવા ઢોલ, નગારા વગાડશે.
કેન્દ્ર સરકારની આગામી 6 મહિના સુધી મફત રાશનની જાહેરાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કૅબિનેટે 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)'ને સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે, જેની શનિવારે જાહેરાત કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર પ્રદેશમાં ભાજપની સત્તામાં વાપસી પાછળ આ યોજનાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.
સરકારના નિવેદન પ્રમાણે આ નિર્ણય “સમાજના ગરીબ અને નબળા વર્ગો઼ને ધ્યાને રાખીને” લેવાયો છે.
શનિવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “ભારતની તાકાત દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ મજબૂત કરવા માટે, સરકારે સપ્ટેમ્બર 2022 સુધી વધુ છ મહિના માટે પીએમજીકેએવાય ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે."
યોજના હેઠળ, દરેક લાભાર્થીને દર મહિને 5 કિલો અનાજ મફત આપવામાં આવે છે. આશરે 80 કરોડ લાભાર્થીઓને યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં દેશનો પ્રથમ 'સ્ટીલ રોડ'
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, સંશોધનના ભાગરૂપે સુરત શહેરમાં હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં સ્ટીલના ભંગારમાંથી બનેલો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આમ, ગુજરાતને ભારતનો પ્રથમ 'સ્ટીલ રોડ' મળ્યો છે, જે ગેમચૅન્જર બની શકે છે.
દર વર્ષે દેશમાં 190 લાખ ટન સ્ટીલનો ભંગાર સામાન્ય રીતે લૅન્ડફિલ સાઇટમાં ફેંકી દેવામાં આવે છે, પરંતુ ટૂંકસમયમાં આ સ્ટીલ ભંગારનો ઉપયોગ દેશના ટકાઉ રસ્તા બાંધવા માટે થઈ શકે છે.
પાયલટ પ્રોજેક્ટ રોડ 1 કિલોમીટર લાંબો છે અને તેમાં છ લેન છે. તે પ્રોસેસ્ડ સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. રસ્તાની જાડાઈ 30 ટકા ઘટાડાઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નવી પદ્ધતિથી ચોમાસાની ઋતુમાં રસ્તાઓને થતાં નુકસાન અટકી શકે છે.
મુખ્ય વૈજ્ઞાનિક સતીશ પાંડેએ અખબારને જણાવ્યા અનુસાર, "ગુજરાતના હજીરા બંદર પરનો આ 1-કિલોમીટર લાંબો રસ્તો ભારે ટ્રકોની અવરજવરને કારણે ખરાબ હાલતમાં હતો, પરંતુ પ્રયોગ હેઠળ આ રોડ સંપૂર્ણપણે સ્ટીલના કચરામાંથી બનાવવામાં આવ્યો, આજે 18થી 30 ટન વજન ભરેલી 1,000થી વધુ ટ્રકો દરરોજ પસાર થાય છે, પરંતુ રસ્તો એવો ને એવો જ રહે છે."
આ પ્રયોગથી હાઈવે અને અન્ય રસ્તાઓ વધુ મજબૂત બની શકે છે અને ખર્ચમાં પણ લગભગ 30 ટકાનો ઘટાડો થાય છે, એમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો