INDvsSA : મહિલા વર્લ્ડકપમાંથી ભારત બહાર, ત્રણ ખેલાડીઓની અર્ધસદી છતાં દક્ષિણ આફ્રિકાએ કઈ રીતે હરાવ્યું?

આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપની મહત્ત્વપૂર્ણ મૅચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 275 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતની બેટિંગ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરવા બદલ મહિલા ખેલાડીઓ ચર્ચામાં રહ્યાં હતાં. જોકે ભારતીય ટીમની હાર થઈ હતી.

અંતિમ બૉલ સુધી રસાકસી બાદ આખરે દક્ષિણ આફ્રિકાની ટીમની જીત થઈ હતી અને આ સાથે જ ભારતીય ટીમ મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને શફાલી વર્માનું ફોર્મ ભારતને મૅચમાં લાભ કરાવી ગયું, સ્મૃતિ મંધાનાએ 84 બૉલમાં 71 રન અને શફાલી વર્માએ 46 બૉલમાં 53 રન નોંધાવ્યા હતા. બંને વચ્ચે 91 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાઈ હતી.

આક્રમક રમતના અભિગમ સાથે મેદાનમાં ઊતરેલાં શફાલીએ 8 બાઉન્ડરી ફટકારી હતી. જોકે અશક્ય રન લેવા જતાં તેઓ રનઆઉટ થઈ ગયાં હતાં.

ત્યારબાદ યસ્તિકા ભાટિયા માત્ર બે રને કરીને આઉટ થઈ ગયાં હતાં. પરંતુ ત્યારબાદ કપ્તાન મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે અનુક્રમે 68 અને 48 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.

આ સાથે મિતાલી રાજ વર્લ્ડકપમાં અર્ધસદી ફટકારનારાં ભારતનાં સૌથી યુવા ખેલાડી અને વર્લ્ડકપમાં અર્ધસદી ફટકારનારાં ભારતના સૌથી અનુભવી ખેલાડીની બેવડી સિદ્ધિ મેળવી છે.

દક્ષિણ આફ્રિકા તરફથી બૉલર શબનીમ ઇસ્માઇલે અને મસાબાતા ક્લાસે 2-2 વિકેટ અને આયાબોંગા ખાકા અને ક્લો ટ્રિઓને 1-1 વિકેટ ઝડપી હતી.

સ્મૃતિ મંધાના

25 વર્ષીય સ્મૃતિ મંધાના માત્ર 16 વર્ષની વયે પહેલી વખત ભારતીય ટીમ માટે વન-ડે રમી હતી અને પ્રારંભથી જ તેમણે સૌને પ્રભાવિત કરી દીધા છે. ડાબોડી ખેલાડીની બૅટિંગ આકર્ષક રહી છે.

ટીમને ઇનિંગ્સનો પ્રારંભ ઝડપી કરવાનો હોય ત્યારે એક એવી ખેલાડી પણ જોઇએ જે ઇનિંગ્સને સ્થિરતા પ્રદાન કરી શકે અને રન પણ કરી શકે. આ કામગીરી મંધાનાએ સુપેરે બજાવી છે.

એક તરફ શેફાલી ઝંઝાવાત સર્જતાં હોય ત્યારે સામે છેડે એવી ખેલાડીની જરૂર પડે જે વિકેટ બચાવી રાખે. મંધાના આ સારી રીતે કરી શકે છે અને ત્યાર બાદ તેઓ આક્રમક વલણ પણ અપનાવી લેતાં હોય છે.

શફાલી વર્મા

માત્ર 18 જ વર્ષનાં શફાલી વર્માને માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં, પરંતુ વિશ્વ મહિલા ક્રિકેટનું ભવિષ્ય મનાઈ રહ્યાં છે. નાની વયે તેમણે પદાર્પણ કર્યું અને તે સાથે જ તેઓ છવાઈ ગયાં છે.

ટી-20માં તો તેઓ આઈસીસી ક્રમાંકમાં મોખરે પહોંચી ગયાં છે. શેફાલી આમ તો ટી-20નાં આક્રમક ખેલાડી છે, પરંતુ તેઓ વન-ડેમાં પણ ભારતને મજબૂત પ્રારંભ અપાવવા માટે જાણીતાં છે.

શફાલી માટે હરીફ ટીમ કોઈ પણ હોય ખાસ ફરક પડતો નથી કેમ કે તેઓ પ્રારંભથી જ આઠ-દસના રેટથી બેટિંગ કરવા માટે જાણીતાં છે.

મિતાલી રાજ

મિતાલીની બીજી ખાસિયત એ છે કે તે ઉતાવળિયો નિર્ણય લેતાં નથી. તેમણે આ વખતે પણ ટીમની તમામ ખેલાડીને ખાતરી આપી છે કે એકાદ બે મૅચની નિષ્ફળતાથી કોઈ ખેલાડીનું સ્થાન જોખમમાં નહીં આવે.

આવી ખાતરી કૅપ્ટન તરફથી મળતી હોય તો દરેક ખેલાડીને ઉત્સાહપૂર્વક પ્રદર્શન કરવાની હિંમત આવતી હોય છે.

38 વર્ષીય મિતાલી રાજ અત્યારે મહિલા ક્રિકેટની સૌથી અનુભવી ખેલાડી છે. 217 વન-ડે, 7332 રન, 60 અડધી સદી આ તમામ વર્લ્ડ રેકોર્ડ છે.

મહિલા ક્રિકેટમાં મિતાલી રાજથી વધુ રન કોઈ કરી શક્યું નથી અને વર્તમાન ક્રિકેટ પર નજર કરીએ તો આગામી ચાર પાંચ વર્ષમાં ત્યાં સુધી કોઈ પહોંચી શકે તેમ પણ નથી.

મિતાલીની ખાસિયત એ છે કે તેઓ હરમનની માફક અત્યંત આક્રમક બેટિંગ કરતા નથી, પણ ઇનિંગ્સને જમાવ્યા બાદ રન ફટકારવાનું પસંદ કરે છે.

મિતાલી સેટ થવામાં સમય લે છે પણ હરીફ ટીમને તેનો અહેસાસ થાય ત્યાં સુધીમાં તે 40થી 50 રન સુધી પહોંચી જતાં હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો