You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપે શિવસેનાની બળતી આગને કેવી રીતે હવા આપી સમજો પાંચ સંકેતોમાં
- લેેખક, આશિષ દીક્ષિત
- પદ, સંપાદક, બીબીસી મરાઠી
- એકનાથ શિંદેએ બગાવત કરતા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે.
- ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દેવાની વાત કરી એ પછી આજે સંજય રાઉતે કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન તોડવાની પણ તૈયારી બતાવી છે.
- શિવેસેનાના ધારાસભ્યોની બળવાખોરીમાં હાથ ન હોવાનું ભાજપ કહે છે પણ આને ખરેખર ઑપરેશન લોટસ ગણાવવામાં આવી રહ્યું છે.
- બળવાખોર એકનાથ શિંદે કૉંગ્રેસ-એનસીપી સાથેનું ગઠબંધન તોડવા અને ભાજપ સાથે સરકાર બનાવવા માટેની માગણી કરે છે.
- ફક્ત મહારાષ્ટ્રની સરકાર જ નહીં શિવસેના પાર્ટી પણ જોખમમાં આવી ગઈ છે.
મહારાષ્ટ્રમાં ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ ખુલીને બોલવા માટે જાણીતા છે.
જ્યારે મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટીના ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે પણ તે દર અઠવાડિયે ભવિષ્યવાણી કરતા હતા કે સરકાર જલદી પડી જશે. પરંતુ હવે જ્યારે સરકાર લગભગ પડવાની અણિ પર છે ત્યારે ચંદ્રકાંત પાટીલ ચૂપ છે.
જ્યારે પત્રકારોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી આ હલચલ વિશે પુછ્યું તો તેમણે કહ્યું, ‘એકનાથ શિંદેની બગાવત શિવસેનાનો આંતરિક મામલો છે.’
પરંતુ શું તે ખરેખર ‘શિવસેનાનો આંતરિક મામલો છે?’ કે આ બગાવતનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે?
અને આ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનું ‘ઑપરેશન લોટસ’ છે તો ભાજપ આની પર ખુલીને સામે કેમ આવતું નથી? એવો સવાલ થવો યોગ્ય છે.
ગત અઢી વર્ષથી શિવસેનાની અંદરની તિરાડો ઊંડી થઈ રહી હતી. એ દરમિયાના પાર્ટીના અનેક મોટા નેતા નારાજ થયા છે.
એવું કહેવામાં આવતું હતું કે ઉદ્ધવ ઠાકરે સુધી પહોંચવું તેમની પાર્ટીના ધારાસભ્યો માટે મુશ્કેલ હતું. પોતાના વિસ્તારના નાનાં-મોટાં કામ ન થવાના કારણે શિવસેનાના કેટલાંક નેતાઓ નારાજ હતા.
કદાચ સૌથી મહત્વની વાત એ છે કે કૉંગ્રેસની સાથે ‘ધર્મનિરપેક્ષ’ સરકારમાં હોવાથી કટ્ટર ભગવા શિવસૈનિકોમાં અસંતોષ અને કડવાશ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિવસેનામાં વધી રહેલા અસંતોષનો જો સીધો ફાયદો વિપક્ષ ન ઉઠાવત તો વધારે પરેશાની થાત. ગત વિધાનસભાની ચૂંટણી પછી ભાજપના મહાત્વાકાંક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉતાવળમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના મોટા નેતા અજિત પવાર સાથે મળીને સવાર-સવારમાં શપથ લીધાં હતાં, જોકે તે સરકાર 60 કલાકમાં જ પડી ગઈ.
તેનાથી ફડણવીસ ખૂબ જ આઘાતમાં હતાં. તે સત્તાના મોહમાં આવીને એવું કરી બેઠા, એવી છબિ તેમની બની ગઈ હતી. હવે કદાચ તે એવી છબિ બનાવવા માગતા નથી કે તેમને સત્તામાં પરત ફરવા માટે ઉતાવળ છે.
કદાચ આજ કારણ છે કે જો એક બીજું ઑપરેશન લોટસ કરવાની યોજના ભાજપની છે, તો પણ આ વખતે આકરી સાવધાની રાખી રહ્યા છે કે ઑપરેશન દરમિયાન સર્જનના હાથમાં ચપ્પું અથવા કાતર ના જોવા મળે.
દેવેન્દ્ર ફડણવીસ લગભગ દોઢ વર્ષથી એવું કહેતા આવ્યા છે કે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની આ ગઠબંધન સરકાર આંતરિક વિરોધના કારણે પડી જશે. અને હવે જ્યારે સરકાર પડી જવાની તૈયારીમાં છે ત્યારે ભાજપના નેતા કહી રહ્યા છે કે આ શિવસેનાનો આંતરિક મામલો છે.
પરંતુ ધ્યાનથી જોવામાં આવે તો એ વાતના સ્પષ્ટ સંકેત છે કે એકનાથ શિંદેના હાથમાં બગાવતનો આ ઝંડો ભાજપે જ પકડાવ્યો છે.
આ વિદ્રોહના ઑપરેશન લોટસ હોવાના પાંચ સ્પષ્ટ સંકેત જોઈ શકાય છે....
1. ઍરપૉર્ટ પર મોહિત કંબોજની હાજરી
મોહિત કંબોજ મુંબઈમાં ભાજપનો જાણીતો ચહેરો છે. મોહિત કંબોજ સુરત ઍરપૉર્ટ પર શિવસેનાના ધારાસભ્યોની સાથે વિમાનમાં બેસતા જોવા મળ્યા હતા. જો આ શિવસેનાની આંતરિક બાબત છે તો કંબોજ, શિવસેનાના બાગી ધારાસભ્યોની મદદ માટે ત્યાં કેવી રીતે અને કેમ પહોંચ્યા? અને એક સવાલ એ પણ છે કે ફાઇવ સ્ટાર હોટલ અને ફ્લાઇટની ટિકિટ કોણે બૂક કરાવી?
મોહિત કંબોજ મૂળે ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તે એક અમીર ઝવેરી છે. વર્ષ 2014માં ભાજપે તેમને ડિંડોશી સીટ પરથી ટિકિટ આપી હતી. તે સમયે તેમણે પોતાની ઍફિડેવિટમાં કહ્યું હતું કે તેમની પાસે દોઢસો કરોડથી વધારેની સંપત્તિ છે. અનેક જૂનાં જોગીઓને હરાવીને કંબોજની ટિકિટ તેમને કેવી રીતે મળી, તેની ઘણી ચર્ચા થઈ.
ચૂંટણી હાર્યા છતા પાર્ટીમાં તેમનું માન ઓછું નથી થયું. મુંબઈ પોલીસની આર્થિક ગુનાઓની શાખાએ તેમની સામે કેસ પણ કર્યો છે પરંતુ કંબોજનું કહેવું છે કે તેમણે કોઈ આર્થિક ગોટાળો કર્યો નથી.
2. શિંદેની સાથે સંજય કુટે
ડૉ. સંજય કુટે ભાજપના યુવાન નેતા છે. તેમની ઓળખ હાલમાં જ દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ વ્યક્તિ તરીકે કરવામાં આવે છે.
શિવસેનાના બાગી ધારાસભ્યો જ્યારે સુરત ગયા તો ત્યાં સૌથી પહેલાં સંજય કુટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના પ્રતિનિધિ મિલિંદ નાર્વેકર સુરતની હોટલમાં પહોંચ્યા તે પહેલાં સંજય કુટેએ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી, તે માત્ર ધારાસભ્યોને મળ્યા નહીં પરંતુ ત્યાં જ રહ્યાં.
અને જ્યારે શિવસેનાના વિદ્રોહી ધારાસભ્યો ગૌહાટી પહોંચ્યા તો કુટે પણ ત્યાં હાજર હતા. વિધાનસભામાં ફડણવીસની પાછળની બૅન્ચ પર બેસનારા ડૉ. સંજય કુટે મહારાષ્ટ્રના રાજકારણમાં જાણીતા છે. હાલમાં જ રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન ડૉ. સંજય કુટેએ પોલિંગ એજન્ટ તરીકે કામ કર્યું હતું.
3. ભાજપ શાસિત રાજ્યમાં ધારાસભ્યો
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય જો પોતાના નેતાથી નારાજ હોત તો ફોન બંદ કરીને મહારાષ્ટ્રમાં જ ક્યાંક બેસીને પોતાની નારાજગી વ્યક્ત કરી શકતા હતા. મહારાષ્ટ્રની અંદર સંતાવા માટે હજારો હોટલ છે. આ પહેલાં પણ અજિત પવાર અથવા અન્ય કોઈ નેતાને ગુસ્સો આવ્યો હતો તો તેમણે મહારાષ્ટ્રમાં જ ક્યાંક જઈને પોતાનો ફોન બંધ કરી દીધો હતો.
પરંતુ એકનાથ શિંદેએ આવું ન કર્યું. તે લોનાવાલા અથવા મુલશી ન ગયા. તેઓ મહારાષ્ટ્રની સરહદ પાર કરીને ગુજરાત ગયા.
ગુજરાત માત્ર ભાજપશાસિત રાજ્ય નથી, તે મોદી-શાહનો ગઢ છે. આનાથી સ્પષ્ટ જોવા મળે છે કે તે ગુજરાત પોલીસના સંરક્ષણમાં ત્યાં રોકાયા હતા.
તે પછી તમામ ધારાસભ્યો એક અન્ય ભાજપશાસિત રાજ્ય, આસામમાં ચાલ્યા ગયા. ત્યાં પણ તેમને સ્થાનિક પોલીસનું સંરક્ષણ મળ્યું છે.
જો આ શિવસેનાની આંતરિક બાબત છે તો ધારાસભ્યો હજારો કિલોમિટર દૂર ગૌહાટી કેમ જાય? ભાજપની મદદ વિના આ બધુ સંભવ નહોતું.
4. એકનાથ શિંદેની માગ
એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે સામે જે માગ મૂકી, તે પોતાની નારાજગી વિશે ન હતી. તે ભાજપની સાથે ગઠબંધન કરવા માગે છે. જો શિંદે હકીકતમાં ઉદ્ધવ ઠાકરેથી નારાજ હોત તો તેમની સામે પોતાની ફરિયાદ કરત, ભાજપની સાથે જવાની વાત ન કરત.
ભાજપની સાથે સંબંધ તોડીને ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડી સાથે ગઠબંધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે પોતે મુખ્ય મંત્રી બન્યા હતા.
ગત અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરે અને ભાજપે એકબીજાની ખૂબ ટીકા કરી છે. એકનાથ શિંદેને ખબર હતી કે આ પછી ઉદ્ધવ ઠાકરે બીજી વખત ભાજપની સાથે નહીં જઈ શકે.
પરંતુ આવી માગ કેમ કરી રહ્યા છે? જો ઉદ્ધવ ઠાકરે તેમની વાત માની લે છે તો આનો સીધો ફાયદો ભાજપ અને ફડણવીસને થશે. ઉદ્ધવ ઠાકરેનું મુખ્ય મંત્રીપદ જતું રહેશે અને આ ભાર ફડણવીસના ખભા પર આવતો.
જો શિંદે શિવસેના છોડવા માગતા નથી, તો તેમણે બીજી પાર્ટીના નેતાને મુખ્ય મંત્રીપદ આપવાની અજબ માગ કરી ન હોત.
5. એકનાથ શિંદેની ભાષા
આ સંકટ દરમિયાન એકનાથ શિંદે જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેને નજીકથી જોઈએ તો તે ભાજપની ભાષામાં વાત કરી રહ્યા છે, “સત્તા માટે બાલાસાહેબ ઠાકરેના હિંદુત્વને છોડવું યોગ્ય નથી.” આ વાક્ય ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ અને ભાજપના અનેક પ્રવક્તા પહેલાં પણ અનેક વાર બોલી ચૂક્યા છે.
ભાજપે શિવસેના સાથેનો સંબંધ તોડી નાખ્યો પરંતુ બાલાસાહેબના ઉત્તરાધિકારી હોવાનો દાવો કર્યો. જ્યારે શિવસેના કૉંગ્રેસ-એનસીપીની સાથે ગઈ હતી, ફડણવીસ વારંવાર કહી રહ્યા હતા કે ઉદ્ધવ ઠાકરેએ સત્તા માટે બાલાસાહેબના હિંદુત્વ સાથે દગો કર્યો છે.
એકનાથ શિંદે હવે એમ જ કહી રહ્યા છે. શિંદે ઉદ્ધવ ઠાકરેનું નામ નથી લઈ રહ્યા પરંતુ તે પરોક્ષ રીતે કહી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે એ સત્તા માટે ‘બાલાસાહેબ ઠાકરેના હિંદુત્વ’નો ત્યાગ કર્યો છે.
એટલા માટે ભાજપ શિંદેના જૂથથી ગમે તેટલું અંતર બનાવવાની વાત કરે અને કહે કે સેના પોતાની હરકતોના કારણે સંકટમાં છે, પરંતુ સત્ય છે કે ભાજપે શિવસેનાના ઘરમાં લોગેલી આગને હવા આપવાનું કામ કર્યું છે.
હવે એવું લાગી રહ્યું છે કે શિંદે સમૂહમાં શિવસેનાના અંદાજે 40 ધારાસભ્યો સામેલ થઈ ગયા છે. અમને જાણકારી મળી છે કે ભાજપે શિંદેને નાયબ મુખ્ય મંત્રીનું પદ આપ્યું છે. જલ્દી જ શિંદે અને ફડણવીસ સાર્વજનિક રીતે એક બીજાને ગળે લગાવતા નજર આવશે તો આમાં કોઈ આશ્વર્યની વાત નથી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો