You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1857નો એ દિવસ જ્યારે ભારતમાં ખેલાયું મોતનું તાંડવ
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
મે 1857ની વાત, રમઝાનનો 16મો દિવસ હતો.
સવારે સાત વાગ્યે બાદશાહ બહાદુરશાહ ઝફરે લાલ કિલ્લાના નદી તરફના ઝરૂખે આવીને સવારની નમાઝ પઢી. તે પછી તેમણે જોયું કે યમુના પુલની પાસેના ટોલ હાઉસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.
તેમણે ઝડપથી માણસને દોડાવ્યો અને પ્રધાન હકીમ અહસાનુલ્લા ખાન અને કિલ્લાની સુરક્ષાની જવાબદારી સંભાળતા કૅપ્ટન ડગ્લસને બોલાવ્યા.
માણસે આવીને જવાબ આપ્યો કે અંગ્રેજી સેનાની વરદી પહેરીને કેટલાક ભારતીય ઘોડેસવાર ખુલ્લી તલવારો સાથે યમુના પુલ પાર કરીને આ તરફ આવી રહ્યા છે. તેમણે પૂર્વ તરફના કિનારે આવેલા ટોલ હાઉસમાં લૂંટફાટ કરીને આગ લગાવી દીધી હતી.
બાદશાહને સંદેશ
આ સાંભળીને બાદશાહે શહેરના અને કિલ્લા બધા દરવાજા બંધ કરી દેવાનો હુકમ કર્યો.
જોકે ક્રાંતિકારીઓના નેતાએ કોઈક રીતે સાંજે ચાર વાગ્યે બાદશાહ પાસે સંદેશ મોકલ્યો કે તેઓ મળવા માગે છે.
તે બધા આવ્યા અને દીવાનેખાસમાં જમા થયા અને હવામાં બંદૂક અને પિસ્તોલના ધડાકા કર્યા.
તે વખતે દિલ્હીમાં રહેતા અબ્દુલ લતીફે 11 મે, 1857ના રોજ પોતાની રોજનીશીમાં લખ્યું હતું કે, "બાદશાહીની હાલત શતરંજના શહ અપાઈ ગયેલા બાદશાહ જેવી હતી. લાંબો સમય ચૂપ રહ્યા પછી બહાદુરશાહે કહ્યું કે મારા જેવા વૃદ્ધ માણસનું શા માટે અપમાન કરો છો? આટલો બધો શોરબકોર શાનો? અમારી જિંદગીનો સૂરજ હવે ઢળતી સાંજ તરફ છે. અમારી જિંદગીના આખરી દિવસો છે. હવે અમે એકલા જ રહેવા માગીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રાંતિકારીઓએ વારાફરતી બાદશાહને કર્યાં નમન
આ ઘટનાક્રમ વિશે ચાર્લ્સ મેટકાફે પોતાના પુસ્તક ટૂ નેશન્સ નૅરેટિવમાં લખ્યું છે.
મેટકાફે લખ્યું છે, "અહસાનુલ્લાહ ખાને સિપાહીઓને કહ્યું, તમે અંગ્રેજો માટે કામ કરો છો અને મહિને બાંધેલો પગાર મળે છે. બાદશાહ પાસે કોઈ ખજાનો નથી તે તમને કેવી રીતે પગાર આપશે?"
"સિપાહીઓએ જવાબ આપ્યો કે, 'અમે આખા દેશનો ખજાનો તમારી તિજોરીમાં લઈ આવીશું.' ઝફરે કહ્યું, 'અમારી પાસે સૈનિકો નથી, હથિયાર નથી કે નથી પૈસા.' તેઓએ કહ્યું કે 'અમને ફક્ત તમારી રહમત જોઈએ, અમે બધું આપના માટે લઈ આવીશું."
"ઝફર થોડી વાર ચૂપ રહ્યા. તાત્કાલિક નિર્ણય ના કરી શકવો એ તેમના સ્વભાવની નબળાઈ હતી. પરંતુ તે દિવસે તેમણે ફેંસલો કરવામાં વાર ના કરી અને હા પાડી દીધી. તેઓ ગાદી પર બેઠા અને બધા સિપાહીઓ વારાફરતી તેમની આગળ આવીને શીશ નમાવવા લાગ્યા અને તેમણે બધાના માથે હાથ મૂક્યો."
"કેટલાક સિપાહીઓએ કિલ્લાના કેટલા રૂમમાં જ આશરો લઈ લીધો અને કેટલાક દીવાનેઆમની સામે જ પથારી કરી દીધી."
ચાંદીનું સિંહાસન અને નવા સિક્કા
બાદશાહ આટલા મોટા લશ્કરને કાબૂમાં રાખી શકે તેમ નહોતા કે તેમની વ્યવસ્થા પણ કરી શકે તેમ નહોતા.
એટલે તેઓ પોતે જ લશ્કરના કાબૂમાં આવી ગયા હતા. બીજા દિવસે બાદશાહે પોતાની શાનદાર વેશભૂષા ધારણ કરી. એક જૂના ચાંદીના સિંહાસનને સાફ કરીને બહાર કાઢવામાં આવ્યું.
બાદશાહે પોતાની તરફથી કેટલાક સૈનિકો અને દરબારીઓને ખિતાબો આપ્યા.
બાદશાહના નામના નવા સિક્કા ઢાળવાનું શરૂ થયું અને પછી એક મોટી તોપ ફોડવાનો અવાજ પણ આવ્યો.
કારતૂસોમાં ગાય અને ડુક્કરની ચરબીને કારણે બગાવત
વિરોધની શરૂઆત 10 મે, 1857ના રોજ મેરઠમાં બંગાલ લાન્સરના કેટલાક સૈનિકો તરફથી શરૂ થઈ હતી અને તેમણે દિલ્હી તરફ કૂચ કરી હતી.
1857ની ઘટનાઓ વિશે સંશોધન કરનારાં જાણીતા ઇતિહાસકાર રાના સફવી કહે છે, "તે વખતે એનફિલ્ડ રાઇફલો નવી આવી હતી. તેમાં કારતૂસોને દાંતથી તોડીને લગાવવા પડતા હતા. તે વખતે એવી અફવા ફેલાણી કે કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબી લગાવવામાં આવી છે."
"તેથી મુસ્લિમો તેને અડવા માટે અચકાવા લાગ્યા અને હિંદુઓ પણ. તે સિવાયનાં કારણોથી પણ સૈનિકોમાં અસંતોષ હતો. તેમને લડવા માટે વિદેશ એટલે કે સમુદ્ર પાર મોકલવામાં આવી રહ્યા હતા. બ્રાહ્મણોની માન્યતા હતી કે સમુદ્ર પાર કરવાથી તેમનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે."
"તેમને પ્રમોશન પણ મળતા નહોતાં અને ભારતીય સૈનિકને સુબેદારથી ઉપરનું પદ આપવામાં આવતું નહોતું. આ સૈનિકોએ તેમના બ્રિટિશ ઉપરીઓને ઠાર કરી દીધા અને 44 માઈલ દૂર આવેલા દિલ્હી તરફ આગળ વધવા લાગ્યા."
દિલ્હીમાં ઠંડો આવકાર
પ્રારંભમાં દિલ્હીના રહેવાસીઓએ આ સૈનિકોનું ઉમળકાથી સ્વાગત કર્યું નહોતું. એટલું જ નહીં કેટલા વર્ગોએ અને બાદશાહની નજીકનાં વર્તુળોએ પણ તેમનો વિરોધ કર્યો હતો.
આ સૈનિકોએ બાદશાહ સામે પણ આમન્યા રાખીને વર્તાવ કરતા નહોતા અને વાત વાતમાં દરબારી નિયમોનો ભંગ કરતા હતા. તે લોકો દરબારમાં આવે ત્યારે જૂતાં ઉતારીને આવતા નહોતા અને બાદશાહ સામે પણ હથિયાર લઈને આવી જતા હતા.
જાણીતા ઇતિહાસકાર અને 'બિસીઝ્ડ 1857, વૉઇસીઝ ફ્રૉમ દિલ્હી'ના લેખક મહમૂદ ફારૂકી કહે છે, "દિલ્હીમાં લોકો બહુ નારાજ હતા. તેનો અર્થ એવો પણ નહોતો કે તેઓ અંગ્રેજો સામે લડવા માગતા નહોતા, પરંતુ અંગ્રેજો સામે દરેક લોકો પોતાની રીતે લડવા માગતા હતા."
"તેઓ એવું નહોતા ઇચ્છતા કે અંગ્રેજો સામેની લડાઈ માટે 40 સિપાહીઓ તમારા ઘરે આવીને બેસી જાય. મહાત્મા ગાંધી અને ભગત સિંહ અંગ્રેજો સામે લડતા હતા ત્યારે પણ લોકો નહોતા ઇચ્છતા કે તેમના ઘરમાં કોઈ આવી જાય. આ વાત 1857માં પણ લાગુ પડતી હતી."
અરાજકતા વચ્ચે ચાલતી રહી વ્યવસ્થા
એવું કહેવાય છે કે આ ઘટનાઓને કારણે દિલ્હીવાસીઓના જીવનમાં ભારે ઊથલપાથલ મચી ગઈ હતી. જોકે ફારૂકીનું માનવું છે કે આ બધાની વચ્ચે પણ કેટલીક વ્યવસ્થા કાયમની જેમ ચાલતી રહી હતી.
ફારૂકી કહે છે, "1857 માટે એવું કહેવાય છે કે ત્યારે ભારતીય સમાજમાં એકતા નહોતી. બધે અરાજકતા ફેલાઈ ગઈ હતી. સૈનિકોમાં શિસ્ત નહોતી. પણ મેં મારા પુસ્તકમાં દર્શાવવાની કોશિશ કરી છે કે એવું ખરેખર નહોતું થયું."
"દેખીતી રીતે જ દોઢ લાખની વસતીના શહેરમાં 30 હજાર સૈનિકો આવી જાય તો થોડી અવ્યવસ્થા થવાની જ. આમ છતાં નવાઈની વાત છે કે મુખ્ય કોટવાલે હુકમ કર્યો કે મોરચા પર નહીં ગયેલા ચાર પહેરેદારોને પકડી લાવો તો ચારેયને પકડીને લવાયા. ચારેયને લવાયા અને ચારેયે માફી પણ માગી. મોરચા પર 500 ખાટલાની જરૂર પડે તો 400 જેટલા પહોંચાડી દેવાતા. એટલે કે ખાટલા પહોંચાડવાની વ્યવસ્થા કરી શકાય તેવું તંત્ર હતું."
"આ બધું કંઈ હવામાંથી નથી આવતું. કોઈએ હુકમ આપ્યો, કોઈ લઈને આવ્યું અને કોઈએ તેને નિશ્ચિત જગ્યાએ પહોંચાડ્યા. તેના માટેનું ચૂકવણું પણ કરી દેવાયું. માત્ર સૈનિકો જ લડાઈ નથી લડતા. તે જમાનામાં અને આજે પણ તમારે ગૂણીઓ જોઈએ, માટી, પાણી, ગારો જોઈએ, મજૂરો જોઈએ. એક સૈનિકની પાછળ ચાર મજૂરની જરૂર પડતી હોય છે. વ્યવસ્થા નહોતી તો આ બધું ક્યાથી આવતું હતું?"
56 અંગ્રેજ સ્ત્રીઓ અને બાળકોની કતલ
12 મે સુધીમાં દિલ્હીમાંથી અંગ્રેજો જતા રહ્યા હતા. જોકે કેટલીક અંગ્રેજ મહિલાઓ અને બાળકો કિલ્લાના રસોડાની આસપાસના કેટલાક રૂમમાં આશરો લઈને બેઠાં હતાં. બાદશાહના વિરોધ છતાં સૈનિકોએ તે બધાંની કતલ કરી નાખી.
રાના સફવી લખે છે, "હુમલો થયો તે પછી અંગ્રેજો શહેર છોડીને ભાગ્યા હતા, પણ પાછળ કેટલાક અંગ્રેજો કિલ્લાના ભવનમાં છુપાઈ ગયા હતા. આ 56માં મોટા ભાગે સ્ત્રીઓ અને બાળકો જ હતાં. સિપાહીઓએ બેરહેમીથી તેમની કતલ કરી નાખી."
"બહાદુરશાહ ઝફર સામે મુકદ્દમો ચાલ્યો ત્યારે સૌથી મોટો આરોપ એ જ હતો કે તેમણે સ્ત્રીઓની હત્યા કરાવી, પરંતુ જો ઝહીર દેહલવીનું પુસ્તક વાંચશો અને સાક્ષીઓનાં નિવેદનો જોશો તો ખ્યાલ આવશે કે બાદશાહે સિપાહીઓને અટકાવવા માટેની બહુ કોશિશ કરી હતી. તેમણે કહેલું કે કોઈ મઝહબ એવું નથી શીખવતો કે માસૂમને મારો."
પછી અંગ્રેજોએ કરી કત્લેઆમ
થોડા જ દિવસોમાં ક્રાંતિ કરનારા સિપાહીઓની સ્થિતિ નબળી પડવા લાગી અને દિલ્હીમાંથી ભાગી ગયેલા અંગ્રેજો પરત આવી ગયા.
અંબાલા પાસે બ્રિટિશરોના સૈનિકોએ બાજી પલટી અને અંગ્રેજો ફરી એક વાર દિલ્હીમાં દાખલ થયા.
અંગ્રેજોએ હવે દિલ્હીમાં કત્લેઆમ ચલાવી અને એક જ કચ્ચા ચલાં મહોલ્લામાં 1400 લોકોને મારી નાખ્યા હતા.
તે વખતના 19 વર્ષના બ્રિટિશ સૈનિક એડવર્ડ વિબાર્ડે પોતાના કાકા ગૉડર્નને પત્ર લખ્યો હતો કે, "મેં ગઈ કાલે જોયાં એવાં ભયાનક દૃશ્યો ક્યારેય જોયાં નહોતાં. ઇશ્વરને પ્રાર્થના કરું છું કે મને ફરી ક્યારેય આવાં દૃશ્યો ના દેખાડે."
"સ્ત્રીઓને જતાં કરાયાં, પરંતુ તેમના પતિ અને પુત્રોને મારી નખાયા તેની ચીસો આજેય મારા કાનમાં ગુંજે છે. પ્રભુ જાણે છે કે તે લોકો પ્રતિ મારા દિલમાં કોઈ દયા નહોતી, પરંતુ વૃદ્ધોને એકઠા કરીને મારી સામે તેમને ગોળીએ દઈ દેવાયા ત્યારે મારા પર પણ તેની અસર થઈ હતી."
મિર્ઝા ગાલિબ પણ મૌન
મહમૂદ ફારૂકી કહે છે, "1857 દરમિયાન સમગ્ર દિલ્હીમાં અફરાતફરીનો માહોલ હતો. દુનિયાની સૌથી તાકાતવાન સેના સામે લડાઈ હોય ત્યારે આવું જ થાય. શહેરમાં બહુ ભયનો માહોલ હતો. પણ 1857 પછી દિલ્હીમાં બીજી વાર ઘૂસીને અંગ્રેજોએ બેરહેમીથી શહેરવાસીઓ પર અત્યાચાર કર્યો હતો તેના દાખલો ક્યાંય મળે તેમ નથી."
"શહેરના લોકોને દિલ્હીની બહાર ધકેલી દેવામાં આવ્યા અને છ મહિના સુધી ખુલ્લામાં, વરસતાં વરસાદમાં અને ઠંડીમાં રખાયા. લગભગ દરેક ઘરને લૂંટી લેવાયું હતું."
"તે વખતે દિલ્હીમાં રહેલા મિર્ઝા ગાલિબ આનાથી એટલા ભયભીત થયા હતા કે તેમણે 1857 પછી પોતાની જિંદગીનાં 12 વર્ષમાં 11 જ ગઝલો લખી હતી. એટલે કે વર્ષની એક ગઝલ માંડ લખી શક્યા. એવું કહેવું ખોટું નહીં ગણાય કે મિર્ઝા ગાલિબ અને તેમની સાથેના બીજા શાયરો પણ 1857ના ગદરમાં ખતમ થઈ ગયા"
બહાદુરશાહ ઝફરનું આત્મસમર્પણ
અંગ્રેજો દિલ્હીમાં દાખલ થયા તે પછી બહાદુરશાહ ઝફર લાલ કિલ્લાની પાછળથી પાલખીમાં બેસીને નિઝામુદ્દીનની મઝાર પર ગયા. ત્યાંથી હુમાયુના મકબરા પર ગયા. ત્યાં જ 18 સપ્ટેમ્બર, 1857માં કૅપ્ટન વિલિયમ હૉડસને તેમને પકડી લીધા.
બાદમાં સીબી સાઉન્ડર્સને લખેલા પત્રમાં તેનો ઉલ્લેખ કરતાં હૉડસને લખ્યું હતું કે, "બાદશાહ ઝફર મિર્ઝા ઇલાહી બક્ષ અને એક મૌલવી પાલખીમાં બેસીને આવ્યા. તેમની પાછળ બેગમ તેમના પુત્ર મિર્ઝા જવાન બક્ષ અને પિતા મિર્ઝા કુલી ખાન સાથે આવ્યા હતા."
"બાદમાં તે બંનેની પાલખીઓ રોકી દેવામાં આવી અને બાદશાહે સંદેશ મોકલ્યો કે તેઓ મારી પોતાની જબાનથી સાંભળવા માગે છે કે તેમને જીવતદાન આપવામાં આવશે. હું ઘોડેથી નીચે ઊતર્યો અને બાદશાહ અને તેમની બેગને આશ્વાસન આપ્યું કે તમારી જિંદગીની હું ગૅરંટી લઉં છું, પણ શરત એ કે તમને બચાવવા માટે કોઈ કોશિશ ના કરવામાં આવે."
"મેં તેમને એમ પણ કહ્યું કે તમારું અપમાન નહીં કરવામાં આવે અને સન્માન સાથે રાખવામાં આવશે."
બહાદુરશાહના ત્રણ પુત્રોની કતલ
બહાદુરશાહ ઝફરને જીવતા રાખવામાં આવ્યા, પણ તેમના ત્રણેય પુત્રો મિર્ઝા મુગલ, ખિજ્ર સુલતાન અને અબુ બક્રને પૉઇન્ટ બ્લૅન્કથી ગોળી મારીને ખતમ કરી દેવાયા. તે લોકોએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં હતાં તો પણ.
વિલિયમ હૉડસને પોતાનાં બહેનને લખેલા પત્રમાં કહ્યું હતું, "હું સ્વભાવથી નિર્દયી નથી, પણ માનું છું કે કમબખ્ત લોકોનો ધરતી પરથી છુટકારો કરાવવામાં મને બહુ આનંદની અનભૂતિ થઈ."
બાદશાહને લાલ કિલ્લાની એક કોટડીમાં સામાન્ય કેદીની જેમ જ રાખવામાં આવ્યા.
સર જ્યૉર્જ કૅમ્પબેલે તેમના પુસ્તક 'મેમ્વાર્સ ઑફ માય ઇન્ડિયન કરિયર'માં લખ્યું છે, "પશુને પીંજરામાં પૂરીને રાખવામાં આવે તેવી રીતે બાદશાહને રાખવામાં આવ્યા હતા."
બહાદુરશાહ ઝફરના આખરી દિવસો
તે વખતના લેફ્ટનન્ટ ચાર્લ્સ ગ્રિફિથ્સે પોતાના પુસ્તક 'સીઝ ઑફ દિલ્હી'માં લખ્યું છે, "મુગલ સામ્રાજ્યનો છેલ્લો વારસદાર એક સામાન્ય ખાટલા પર બેઠો હતો. તેની લાંબી સફેદ દાઢી કમર સુધી આવતી હતી. સફેદ રંગનાં વસ્ત્રો અને એવો જ સાફો પહેર્યો હતો."
"તેમની પાછળ બે ઓર્ડરલી ઊભા હતા અને મોરપીંછના બનેલા પંખાથી હવા નાખતા હતા. તેઓ બિલકુલ ચૂપ બેસી રહેતા અને આંખો નીચે જમીન પર જ. બાદશાહથી ત્રણ ફૂટ દૂર એક બ્રિટિશ અફસર બેઠો હતો."
"તેની બંને બાજુ બે અંગ્રેજ સૈનિકો બંદૂક લઈને ઊભા હતા. તેમને હુકમ અપાયેલો હતો કે બાદશાહને બચાવવા માટેની કોશિશ થાય તો તરત જ તેમણે જાતે જ તેમને ઠાર કરી દેવા."
પશુની જેમ કોટડીમાં રખાયા
બહાદુરશાહની અપકીર્તિ થતી જ રહી હતી. લાલ કિલ્લામાં તેમને જોવા માટે અંગ્રેજોનાં ટોળાંને ટોળાં આવતાં હતાં.
મહમૂદ ફારૂકી કહે છે, "અંગ્રેજ પર્યટક લાલ કિલ્લાને જોવા આવે તે રીતે કોટડીમાં રખાયેલા બહાદુરશાહ ઝફર કેવા લાગે છે તે જોવા માટે પણ આવતા હતા. હિંદુસ્તાનના બાદશાહના દિલ્હીમાં શું હાલ છે તે જોવા આવતા હતા. આ રીતે તેમણે જિંદગીનાં છેલ્લાં વર્ષો મોતની રાહમાં જ ગાળ્યા."
"દિલ્હીથી તેમને રંગૂન મોકલી દેવાયા હતા અને તે સમયગાળામાં બર્માના બાદશાહને ભારતમાં રત્નાગીરીમાં મોકલી દેવાયા હતા. બહાદુરશાહ ઝફરે સાચું જ લખ્યું હતું કે, કિતના બદનસીબ હૈ ઝફર દફ્ન કે લિએ, દો ગજ જમીન ભી ન મિલી કૂએયાર મેં."
બાદશાહનું મૃત્યુ
7 નવેમ્બર, 1862ના રોજ રંગૂનના જેલ જેવા ઘરમાં જ 87 વર્ષના વૃદ્ધની લાશને લઈને બ્રિટિશ સૈનિકો ફળિયામાં ખોદીને રાખેલી કબર પાસે લઈ આવ્યા. લાશની સાથેસાથે મરનારાના બે પુત્ર અને લાંબી દાઢીવાળા એક મૌલવી ચાલી રહ્યા હતા.
કોઈ સ્ત્રીને જનાજામાં સામેલ થવાની મંજૂરી અપાઈ નહોતી. બજારમાં કેટલાક લોકોને ખ્યાલ આવી ગયો એટલે જનાજા સાથે ચાલવા લાગ્યા, પણ હથિયારબદ્ધ સૈનિકોએ કોઈને નજીક ફરકવા દીધા નહીં. અંગ્રેજોએ લાશને કબરમાં નાખતા પહેલાં તેના પર ચૂનાનો છંટકાવ કર્યો જેથી ઝડપથી દેહ વિસર્જિત થઈ જાય.
એક અઠવાડિયા પછી બ્રિટિશ કમિશનર એચ. એન. ડેવીસે લંડન અહેવાલ મોકલ્યો હતો કે, "ત્યારબાદ વધેલા રાજકીય કેદીઓની ખબર પૂછવા હું તેમના નિવાસસ્થાને ગયો હતો. બધા સામાન્ય સ્થિતિમાં છે. વૃદ્ધના મૃત્યુની તેમના પર કોઈ અસર પડી નથી."
"દફન કરાયા તે સવારે પાંચ વાગ્યે તેમનું દેહાવસાન થયું હતું. તેમની કબરની ચારે બાજુ વાંસથી વાડ બનાવી દેવામાં આવી છે. વાડ નાશ પામશે ત્યાં સુધીમાં કબર અને આસપાસની બધી જગ્યા પર ઘાસ ઊગી ગયું હશે. તેથી કોઈને ખબર પણ નહીં પડે કે મુગલોના છેલ્લા બાદશાહને કઈ જગ્યાએ દફન કરાયા છે."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો