You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોટાદ લઠ્ઠાકાંડ : એક દીકરાની અંતિમવિધિ કરી ત્યાં બીજાએ દમ તોડી દીધો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં થયેલા 'લઠ્ઠાકાંડ'માં અમદાવાદના ધંધૂકા તાલુકાના આકરુ ગામમાં એક વૃદ્ધ મા-બાપની સામે જ એક પછી એક તેમની વૃદ્ધાવસ્થાનો સહારો છિનવાઈ ગયો. ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડમાં અનેક પરિવારોએ તેમના વહાલસોયા ગુમાવ્યા છે. અનેક ગામમાં શોકનો માહોલ છે અને લોકો એકબીજાના દુખને હળવું કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
ધંધૂકાના આકરુ ગામમાં બનેલી ઘટનામાં એક આખા પરિવારને હચમચાવી નાખ્યો છે.
ગામના ચાવડા પરિવારે એક નહીં પણ બે દીકરા ગુમાવ્યા છે. એક પુત્રની સ્મશાનમાં જ્યારે અંતિમવિધિ ચાલતી હતી ત્યારે બીજો એક પુત્ર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો.
માતાપિતાને એમ પણ એની તબિયત સારી નથી એટલે ઊંઘી ગયો છે, પણ પરિવારને ખબર નહોતી કે એમના માથે આભ તૂટી પડવાનું હતું.
માવજીભાઈ ચાવડાએ તેમના બે પુત્ર ગુમાવ્યા છે. એક પુત્રને હૉસ્પિટલ પણ પહોંચાડી ન શક્યા, જ્યારે બીજા પુત્રે હૉસ્પિટલની પથારીમાં દમ તોડી દીધો.
'એક પુત્રની અંતિમવિધિ ચાલતી હતી અને બીજો ઘરે સૂતો હતો'
આકરુ ગામમાં રહેતા માવજીભાઈ ચાવડા કહે છે કે તેમના 40 વર્ષીય દીકરા કિશન અને 23 વર્ષના ભાવશે ઝેરી દારૂ પીધો હતો.
ઝેરી દારૂની અસરને લીધે એક દીકરાની તબિયત બગડતા તેમને દવાખાને લઈ ગયા પરંતુ રસ્તામાં તેમણે દમ તોડી દીધો. જ્યારે તેના અંતિમસંસ્કાર કરીને પરત આવ્યા તો બીજા દીકરાનો પણ શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.
એ દિવસે તેમના પર શી વીતી એ અંગે વાત કરતા આકરુ ગામના માવજીભાઈ ચાવડા કહે છે કે મારો નાનો છોકરો શનિવારે તરફડિયાં મારતો ચાલ્યો આવતો હતો. અમે પૂછ્યું કે શું થયું છે તો કહ્યું કે ઠંડી લાગી રહી છે. પછી એ સૂઈ ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમને એમ કે એને ઠંડી લાગે છે એટલે સૂઈ ગયો છે. સાંજે પછી ખાવાના સમયે તેને જગાડવા ગયા ત્યારે એને કોઈ ભાનસાન નહોતું. પછી મેં 108 એમ્બ્યુલન્સ બોલાવી. પણ હૉસ્પિટલ પહોંચતા પહેલાં જ રેલવે ફાટક તગડી પાસે મારો છોકરો મરણ પામ્યો."
"બીજો કિશન. હું એને સવારે જગાડવા ગયો. નાના છોકરાના મૃતદેહને સ્મશાન લઈ જવાનો હતો. અમે એને જગાડ્યો પણ એણે કહ્યું કે મને મજા નથી, મને સૂવા દો. પછી અમે સ્મશાનથી ઘરે આવ્યા ત્યારે એના મમ્મીને કહ્યું કે મને બહાર લઈ જા... હું તને જોઈ શકતો નથી. પછી એને પણ હૉસ્પિટલ લઈ ગયા. હૉસ્પિટલમાં થોડી વાર કરી, જોકે એ પણ મૃત્યુ પામ્યો."
બબ્બે દીકરા ગુમાવનાર માવજીભાઈ આટલું કહીને રોકાઈ જાય છે અને એમનાં પત્નીની આંખો ભરાઈ આવે છે.
ચાર છોકરાં નોધારાં બન્યાં
આ સિવાય અહીં નજીકના દેવગણા ગામમાં પણ ચાર સંતાનના પિતાનું મૃત્યુ થતાં આ બાળકો અનાથ બની ગયાં છે.
પરિવારના ગટરુભાઈ કહે છે કે "મારો નાનો ભાઈ હતો. લઠ્ઠાકાંડને લીધે એની તબિયત બગડતા ભાવનગર હૉસ્પિટલમાં લઈ ગયા હતા. પણ હવે એના ગયા પછી ચાર છોકરાં અનાથ થઈ ગયાં છે. ત્રણ છોકરા છે અને એક છોકરી છે."
તો પરિવારનાં એક મહિલા કહે છે કે ચાર-ચાર છોકરાં મૂકીને એના પપ્પા ગુજરી ગયા છે. છોકરાં નિરાધાર થઈ ગયાં છે. હું સરકારને એટલી વિનંતી કરું છું કે કંઈક સહાય કરે, જેથી છોકરાનું જીવન ચાલી જાય.
લઠ્ઠાકાંડની તપાસ માટે સરકારે ખાસ ટીમનું ગઠન પણ કર્યું છે. સરકારનું કહેવું છે કે તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.
બીજી તરફ લઠ્ઠાકાંડમાં બધા જ એવાં લોકોનાં મૃત્યુ થયાં છે જેમના પર ઘરનું ગુજરાન ચાલતું હતું. હવે આ બધા પરિવારોને ખાવા-પીવાનાં ફાંફાં પડી રહ્યાં છે.
આ બધા લોકોની એક જ માગ છે કે સરકાર તેમની મદદ કરે જેથી તેમનું જીવન અટકી ના પડે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. બોટાદના રોજિદ ગામમાં સૌથી વધુ અગિયાર લોકોનાં મોત થયાં છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો