You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિનોદ ભટ્ટ : ઘરના ઠાકોરજી તે કદી મૃત્યુ પામતા હશે?
- લેેખક, ઉર્વિશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
અંજલિ ત્રણ પ્રકારની હોય : એકમાં દિવંગતનું મૂલ્યાંકન હોય, બીજામાં દિવંગત વિશેનાં અંગત સંભારણાંમાં હોય. તેમાં સંભારણાં લખનારનો 'હું' એટલો મોટો ને કેન્દ્રસ્થાને હોય કે, એક વાર વિનોદભાઈએ કહ્યું હતું તેમ, એવી અંજલિ વાંચ્યા પછી ખરેખર ગુજરી કોણ ગયું એ વિશે વાચકોને મુંઝવણ થઈ શકે.
ત્રીજો પ્રકાર એવો, જેમાં સંભારણાં અંગત હોય, પણ તેમાં કેન્દ્રસ્થાને દિવંગત હોય. આ ત્રીજા પ્રકારની અંજલિ માટેનો દિલી પ્રયાસ છે.
વિનોદભાઈ - વિનોદ ભટ્ટ માટે 'દિવંગત' શબ્દ (કલમને બદલે કી-બોર્ડના યુગમાં) હજુ આંગળીએ ચડતો નથી.
આ લખતાં પણ એવું લાગે છે, જાણે વિનોદભાઈ હમણાં કહેશે, "કંઈ નહીં, વહાલા. ધીમે ધીમે ટેવ પડી જશે."
વિનોદભાઈનો વાતચીતનો એક અંદાજ હતો. પહેલી વાર મળનારને તે અતિવિવેકી કે નાટ્યાત્મક લાગી શકે.
શહેરી સંસ્કૃતિના અભ્યાસીઓને તે 'અમદાવાદી' પણ લાગી શકે.
"આવ ને વહાલા..." "અરે...વાટ જોઉં છું…" "ઝંખું છું તને…" "હેલો...આવી જ જા."
આવા સંવાદ ચોક્કસ લહેકાના ચઢાવઉતાર સાથે સાંભળવા મળે તો બીજું શું લાગે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિનોદની નજરે
પણ વિનોદભાઈને મળ્યા પછી, મળતા રહ્યા પછી સમજાય કે આ કેવળ તેમના તકિયાકલામ જેવાં શબ્દો કે વાક્યો નથી. તેને અંતરમાંથી ઉગતા ભાવનો મજબૂત ટેકો પણ છે.
તેમના ઘરે જઈએ, વાતચીતનો રંગ જામે ત્યાં વિનોદભાઈ તેમના પરિચિત આરોહઅવરોહ સાથે પ્રેમથી બૂમ પાડે:
"બેટા વૈદેહી..." એટલે તેમનાં પુત્રવધુ વૈદેહીબહેન પ્રગટ થાય અને યથોચિત મહેમાનગતિ કરે. વિનોદભાઈ મહેફિલના માણસ.
તેમની સાથે બેસીએ એટલે જૂની-નવી, સાહિત્યજગતની- પત્રકારત્વના જગતની અને બીજી કંઈક વાતો થાય.
સાહિત્યજગતમાં વાડાનો અને વાડાબંધીનો પણ ભારે મહિમા, પરંતુ વિનોદભાઈનો ઘણાખરા વાડામાં પ્રવેશ હતો ને ઘણાબધાને, સાહિત્યકારો-પત્રકારો ઉપરાંત બીજાઓને પણ, વિનોદભાઈ પોતીકા લાગતા હતા.
એ જ તો તેમના ચિરંજીવ પુસ્તક 'વિનોદની નજરે'ની સફળતાનું એક રહસ્ય હતું.
વિનોદભાઈનો અંદાજ
વિનોદભાઈ એટલે મારા જેવા તેમનાથી બે પેઢી નાના જણ માટે તો સાહિત્ય-લેખનક્ષેત્રનું ગુગલ. કોઈ પણ જૂના અને ક્યારેક તો નવા લેખક વિશે પણ તેમની પાસે મુદ્દાની અને માર્કાની માહિતી હોય.
જેમનો યુગ સદંતર આથમી ગયો હોય અને અત્યારે તેમની સ્મૃતિનું નામોનિશાન રહ્યું ન હોય એવાં કંઈક નામ વિનોદભાઈ આગળ મુકાતાં જ તેમના સ્મરણદાબડામાંથી એક પછી એક પ્રસંગો નીકળવા માંડે.
તેમાં નાના માણસની મોટી ને મોટા માણસની નાની, એમ બધા પ્રકારની વાતો હોય. એ 'વિનોદની નજરે'ના અંદાજમાં લખવી મુશ્કેલ, તેમ વિનોદભાઈના અંદાજમાં કહેવી પણ એટલી જ અઘરી.
હમણાં અમર ગુજરાતી પાત્ર બકોર પટેલના સર્જક હરિપ્રસાદ વ્યાસ વિશે પુરા કદનો લેખ લખ્યો ત્યારે વધુ એક વાર આ વાત સ્પષ્ટ થઈ.
૧૯૩૦ના દાયકાથી ૧૯૭૦ના દાયકા સુધી અમદાવાદમાં જ રહીને, બાળસાહિત્ય ઉપરાંત હાસ્યસાહિત્યનું માતબર લેખન કરનાર હરિપ્રસાદ વ્યાસ મુખ્ય ધારાના કે લોકપ્રિય કહી શકાય એવા એક જ સાહિત્યકારના પરિચયમાં હતા, વિનોદ ભટ્ટ.ખરેખર એમ કહેવું જોઈએ કે વિનોદભાઈ બહુ આદર સાથે હરિપ્રસાદભાઈ સાથે સંપર્ક રાખતા હતા.
પોતાના વિશેનો અભિપ્રાય
પોતાના લખાણ અને કક્ષા વિશે વિનોદભાઈનો અભિપ્રાય મારા જેવા તેમના અનેક ચાહકો ન માન્ય ન રાખે એટલો નીચો હતો.
તેમાં તેમની આત્મકથા 'એવા રે અમે એવા'માં આબાદ ઉતરેલી બાળપણની પરિસ્થિતિ અને તેની ગ્રંથિઓથી માંડીને જ્યોતીન્દ્ર દવે જેવા પંડિત હાસ્યકારના અનુગામી હોવાનો ભાર, એવાં ઘણાં પરિબળ કારણભૂત હોઈ શકે.
એટલે એ પોતાના માટે 'મિડીયોકર' જેવાં વિશેષણ વાપરે ત્યારે તેમના પક્ષે કશો દંભ ન હોવા છતાં, સામેવાળા માટે એ સ્વીકારવાનું અઘરું હતું અને યોગ્ય પણ ન હતું.
પાણીપતના યુદ્ધની જેમ ચંદ્રકાંત બક્ષી-વિનોદભાઈ વચ્ચેનાં શબ્દયુદ્ધોને એક, બે એવા ક્રમ આપી શકાય.
પણ એ જ બક્ષીબાબુની 'સંદેશ'માં કોલમ શરૂ થઈ ત્યારે વિનોદભાઈ પર આફરિન હતા.
છેલ્લાં વર્ષોમાં પણ જૂનાં યુદ્ધનું સ્થાન ગરિમાપૂર્ણ વ્યવહારે લીધું હતું.
આમ, વિનોદભાઈ અમેરિકાની માફક ધડબડાટી બોલાવી શકતા, તો 'યુનો'ની જેમ (અને 'યુનો' કરતાં અનેક ગણી વધારે અસરકારકતાથી) સુલેહસમાધાનો પણ કરાવી શકતા.
વિનોદ ભટ્ટનો સ્વભાવ
તેમને મોટા ભાગના લોકો સાથે પ્રેમના સંબંધ હોય એ તો ખરું, પણ કોઈનું સારું કરવાથી એ ખચકાતા કે ગભરાતા ન હતા.
સમાધાન કરાવ્યાનો આનંદ લેવો તેમને ગમતો, ઉપરાંત બંને પક્ષો માટેનો તેમનો પ્રેમ પણ ઘણી હદે કારણભૂત રહેતો. તેમના સ્વભાવના મૂળ બાંધામાં સારપ અને હકારાત્મકતા હતી.
મોટા ભા કે મઠાધીશ બનવાની લાહ્ય વિના તે પ્રેમથી અને ઉમળકાથી નવોદિતોને પ્રોત્સાહન આપતા હતા - અને તે પણ મોટા ભા કે 'મઠાધીશ' બન્યા વિના. સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા પછી કે રણજીતરામ ચંદ્રક મેળવ્યા પછી પણ તેમની એ વૃત્તિ જરાય ઓછી થઈ ન હતી.
કોઈ બારણે ટકોરો મારે તો એક વાર દરવાજો ખોલવો જોઈએ, એવી એમની સમજ તેમણે છેવટ સુધી પાળી. મૃત્યુ તેમાં અપવાદ હતું. અગાઉ એકથી વધુ પ્રસંગે મૃત્યુ ટકોરા મારી ગયું, પણ જીવનરસથી ધબકતા વિનોદભાઈએ દરવાજો ન ખુલવા દીધો ને તેમના કુટુંબ ઉપરાંત બહોળા ચાહક પરિવારને લાંબા સહવાસનો લાભ આપ્યો.
'ચાલો નહીં, ચલાવો'
ચાહકો માટે વિનોદભાઈ કાયમ હાસ્યકારની મુદ્રામાં હોય.
સતત રમૂજ કરતા, કટ મારતા, ચોગ્ગાછગ્ગા લગાવતા અને કોઈ પણ મહાન બૅટ્સમૅનની જેમ, મોટે ભાગે સહજતાથી ફટકા મારી લેતા.
તેમની હાસ્યવૃત્તિ જન્મજાત હતી. એટલે તે મૃત્યુપર્યંત રહી. બે-એક મહિના પહેલાં તેમની સ્થિતિ ઘણી ખરાબ હતી.
ત્રણ દિવસ હોસ્પિટલમાં રહીને આવ્યા હતા. તેમના ઘરે ગયો ત્યારે એ બંગલાના કમ્પાઉન્ડમાં તેમના 'તખ્ત' પર કે છેક બહારના ઓસરી જેવા રૂમમાં તેમના કાયમી 'સિંહાસન' પર નહીં, અંદર બિછાનામાં સુતેલા હતા.
માંડ ઊભા થયા. તેમના પૌત્રે કહ્યું, 'દાદા, ચાલો.' વિનોદભાઈમાં ડગ માંડવાના હોશ ન હતા, બોલવાનાં ફાંફાં પડતાં હતાં, પણ શક્તિ એકઠી કરીને અસલ વિનોદી શૈલીમાં કહે, "ચાલો નહીં, ચલાવો."
બિછાનામાં તકિયાના ટેકે બેઠા પછી તોફાની અંદાજમાં કહે, "કંટાળો આવે એટલે જતો રહેજે."
તેમનાં પત્ની નલિનીબહેનનું અવસાન થયું, એ જ બપોરે તેમને ત્યાં ગયો ત્યારે રતિલાલ બોરીસાગર, નિરંજન ત્રિવેદી અને ગિરીશ ભગત જેવા મિત્રો સાથે તે હળવાશથી વાતોચીતો કરતા હતા.
પછી પણ મંડળી ચાલી અને અમે ઊભા થયા ત્યારે બહાર ચોંટેલો રહ્યોસહ્યો શોક પણ ખંખેરાઈ ગયો હતો.
દુઃખ તો હોય, પણ એને બહાર દેખાય તેમ લટકતું રાખવું જરૂરી છે?
ઠાકોરજી તે કદી મૃત્યુ પામે?
અમારો (મોટા ભાઈ બીરેન કોઠારીનો અને મારો) વિનોદભાઈ સાથેનો પરિચય ૨૭ વર્ષનો. પ્રિય લેખકને લખેલા પત્રમાંથી તેની શરૂઆત થઈ હતી.
બિનીત મોદી જેવા મિત્ર અને સલીલ દલાલ અને રજનીકુમાર પંડ્યા જેવા સહિયારા સ્નેહીજનોને કારણે એ સંબંધ સ્વતંત્ર ગતિ અને ઘટ્ટતા ધરાવતો બન્યો.
તેમાં તેમની પ્રોત્સાહક વૃત્તિ અને પ્રેમાળ ઉદારતાનો મોટો ફાળો. અમારી વચ્ચે રાજકીય સહિતની કેટલીક બાબતોમાં મતભેદ પણ ખરા. પણ તેનાથી બંને પક્ષે લાગણીમાં કશો ફરક ન પડ્યો.
અમારા અંગત અને સાર્થક પ્રકાશનના તમામ કાર્યક્રમોમાં વિનોદભાઈની હાજરી અનિવાર્ય.
તેમના આ સ્થાન અંગે પ્રકાશભાઈએ (પ્રકાશ ન. શાહે) સરસ શબ્દપ્રયોગ કર્યો હતો, 'ઇનહાઉસ ડેઇટી'--ઘરના ઠાકોરજી.
તેમના માટે ઊંડો આદરભાવ હોય. સાથોસાથ, બંને પક્ષે મોકળાશભરી અનૌપચારિકતા પણ હોય.
ઘરના ઠાકોરજી તે કદી મૃત્યુ પામતા હશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો