જાણો નિક જોનાસ વિશે જેમની સાથે દરેક જગ્યાએ જોવા મળે છે પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા એ અભિનેત્રી છે, કે જેઓ બોલિવૂડથી માંડીને હોલિવૂડ સુધી ચર્ચામાં રહે છે. ક્વૉંટિકો સીરિઝ હોય કે પછી બેવૉચ, અંગ્રેજી મનોરંજન જગતમાં પણ તેમનો દબદબો કંઈ ઓછો નથી.

પ્રિયંકા હાલ તો ભારતમાં જ છે અને ચર્ચાનું કેન્દ્ર પણ છે. પરંતુ આ વખતે ચર્ચાનું કારણ તેમની કોઈ હિંદી કે અંગ્રેજી ફિલ્મ નહીં, પણ એ વ્યક્તિ છે, જેમની સાથે તેઓ સતત જોવા મળી રહ્યા છે.

એ વ્યક્તિનું નામ છે નિક જોનાસ. હાલ જ પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં સમુદ્રની તરફ જોઈ રહેલા બે લોકો ઊભા છે.

આ તસવીર ગોવાની છે. તસવીરમાં તેમણે લખ્યું છે, "મને ગમતી વ્યક્તિ."

પ્રિયંકા- નિક સાથે સાથે

તસવીરમાં એક જોનાસ છે અને બીજી વ્યક્તિ સંભવતઃ તેમના ભાઈ સિદ્ધાર્થ ચોપડા.

થોડા દિવસ પહેલા જોનાસે ઇન્સ્ટાગ્રામ પર જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં પ્રિયંકા નાચતા- હસતા તેમની તરફ આગળ વધી રહ્યાં છે.

આ સિવાય ગુરુવારની સાંજે મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ પહેલા પાર્ટી રાખવામાં આવી અને જ્યારે પ્રિયંકા તેમાં પહોંચ્યાં તો તેમની સાથે નિક જોનાસ પણ હતા.

વીડિયોમાં પ્રિયંકા લોકો સાથે જોનાસની ઓળખાણ કરાવતાં જોવા મળ્યાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

સોશિયલ મીડિયા અને મીડિયામાં સામે આવી રહેલી તસવીરો અને વીડિયો એ વાત તરફ ઇશારો કરી રહ્યાં છે કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યા હોવાની સંભાવના છે.

બન્નેમાંથી કોઈએ પણ એ વાતથી ઇન્કાર કર્યો નથી. ઇન્સ્ટાગ્રામ પર નાખવામાં આવતી તસવીરો અને વીડિયો સાથે લખવામાં આવતા કેપ્શન પણ તેમના વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પુષ્ટિ કરે છે.

કોણ છે નિક જોનાસ?

નિક જોનાસ ગત અઠવાડિયે પણ મુંબઈમાં હતા અને પીપલ મેગેઝીને પુષ્ટિ કરી છે કે જોનાસ પ્રિયંકાનાં મા મધુને મળવા ગયા હતા.

પ્રિયંકા અને જોનાસ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા મે મહિનામાં સાંભળવા મળી હતી, જ્યારે તેઓ એક કરતા વધારે વખત એકસાથે જોવાં મળ્યાં હતાં.

પરંતુ નિક જોનાસ કોણ છે? ક્યાંના રહે છે અને પ્રિયંકા સાથે તેમના સંબંધની શરૂઆત ક્યાંથી થાય છે?

નિકોલસ જેરી જોનાસ અમેરિકન ગાયક, લેખક, ઍક્ટર અને રેકોર્ડ પ્રોડ્યુસર છે. તેઓ સાત વર્ષના હતા, ત્યારે તેમણે ઍક્ટિંગની શરૂઆત કરી હતી.

નિકનો જન્મ અમેરિકાના રાજ્ય ટેક્સાસના ડલાસમાં પૉલ કેવિન જોનાસ સિનિયરના ઘરમાં થયો હતો. જો અને કેવિનની સાથે મળીને નિકે બૅન્ડ બનાવ્યું જેનું નામ હતું 'ધ જોનાસ બ્રધર્સ'.

ભાઈઓ સાથે બૅન્ડ

વર્ષ 2006માં જ્યારે તેમનું પ્રથમ આલ્બમ 'ઇટ્સ અબાઉટ ટાઇમ' આવ્યું ત્યારે નિકની ઉંમર માત્ર 13 વર્ષ હતી. આ બૅન્ડને ડિઝની ચેનલ પર ખૂબ સફળતા મળી હતી.

વર્ષ 2014માં આ બૅન્ડ વિખેરાઈ ગયું, ત્યારબાદ નિકે સોલો આલ્બમ રિલીઝ કર્યું.

વર્ષ 2017માં તેમનું આલ્બમ 'રિમેમ્બર આઈ ટોલ્ડ યૂ' આવ્યું, જેમાં બ્રિટીશ કલાકાર એની મૅરી હતાં.

તેઓ કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. વર્ષ 2015માં 'કેરફુલ વૉટ યૂ વિશ ફૉર' ફિલ્મમાં તેમને એક રોલ મળ્યો હતો. હાલ જ તેઓ ગત વર્ષે 'જુમાનજીઃ વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મમાં પણ એલેક્સની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

હવે વર્ષ 2019માં આવનારી સાઈ-ફાઈ ફિલ્મ 'કેઓસ વૉકિંગ'માં તેઓ ડેવી પ્રેંટિસ જૂનિયરની ભૂમિકા નિભાવશે.

શું બીમારી છે નિકને?

નિકની કુલ સંપતિ 1.8 કરોડ ડૉલર્સ જણાવવામાં આવે છે, જેમાં ધ જોનાસ બ્રધર્સ બૅન્ડ અને તેમની ફિલ્મ-ટીવી કારકિર્દીનો મોટો હાથ છે.

જ્યારે તેઓ 13 વર્ષના હતા ત્યારે તેમને ટાઇપ-1 ડાયાબિટીઝ હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તેમણે ચેન્જ ફૉર ધ ચિલ્ડ્રન ફાઉન્ડેશન બનાવ્યું, જેથી આ બીમારી અંગે જાગૃતિ ફેલાવી શકાય.

નિકના જીવનમાં આ પહેલાં પણ ઘણા મોટાં નામ સામેલ થતાં રહ્યાં છે. વર્ષ 2006-07માં તેમનાં ગર્લફ્રેન્ડ માઇલી સાઇરસ હતાં.

તેમના પ્રેમ સંબંધનો ખુલાસો માઇલીનાં પુસ્તકમાં થયો હતો. વર્ષ 2009માં બન્ને ફરી એક વખત નજીક આવ્યા પણ પછી તેમના રસ્તા અલગ પડી ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો