You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્યપ્રદેશઃ સાત વર્ષની બાળકી પર બળાત્કાર, પીડિતાની હાલત ગંભીર
- લેેખક, શુરૈહ નિયાઝી
- પદ, ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે
મધ્ય પ્રદેશના મંદસૌરમાં સાત વર્ષીય બાળકી સાથે થયેલા બળાત્કારના મામલે આખું શહેર રસ્તા પર ઊતરી આવ્યું છે અને પીડિતા માટે જેમ બને તેમ જલદી ન્યાયની માગણી કરવામાં આવી રહી છે.
પીડિતાને ન્યાય અપાવવા માટે ગુરુવાર (28 જૂન 2018)ના રોજ શહેર અને ગામની દરેક દુકાન વિરોધસ્વરૂપે બંધ રાખવામાં આવી હતી.
આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, સ્થાનિક લોકોના આક્રોશને જોતાં પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી ન શકી.
ત્યારબાદ મજિસ્ટ્રેટે પોલીસ કન્ટ્રોલ રૂમ જઈને આરોપીને બે જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર આપી દીધો છે.
ત્રીજા ધોરણમાં ભણતી આ બાળકી બુધવારે સ્કૂલ પાસે લોહીથી લથપથ હાલતમાં મળી હતી. બાળકી મંગળવારે સ્કૂલ છૂટ્યા બાદ ગુમ થઈ ગઈ હતી.
તે જ સાંજે પરિવારજનોએ બાળકીના ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેને ગંભીર પરિસ્થિતિમાં ઇન્દોર લઈ જવામાં આવી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
પોલીસે સીસીટીવીના માધ્યમથી ફૂટેજ જોઈ જેમાં બાળકી એક યુવક સાથે જતી જોવા મળી હતી અને તે જ આધારે ધરપકડ કરવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસની માહિતી અનુસાર બાળકીને આરોપીએ ટૉફી અને મીઠાઈની લાલચ આપી હતી, જેના કારણે તે યુવકની સાથે જતી રહી હતી. જ્યાંથી બાળકી મળી હતી, ત્યાંથી પોલીસે દારૂની બોટલ પણ જપ્ત કરી છે.
ઇલાજ કરી રહેલા તબીબોએ બાળકીને બચાવવા માટે ઑપરેશન કર્યું છે, પરંતુ પીડિતાની સ્થિતિ ગંભીર છે.
બાળકીના શરીર પર ઘણી જગ્યાએ ઊંડા ઘા જોવા મળ્યા છે. બાળકીનું રેક્ટમ ફાટી ગયું છે અને બાળકીનાં આંતરડાં કાપવાં પડ્યાં છે.
આ તરફ ગળું કાપવાના પ્રયાસમાં બાળકીના ગળામાં ત્રણ ઇંચ ઊંડો ઘા આરોપીએ આપ્યો છે. એ કારણોસર પીડિતાની બોલવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.
પોલીસ એમ પણ માની રહી છે કે આ ઘટનામાં મુખ્ય આરોપીની સાથે અન્ય કોઈ સાથી પણ સામેલ હોઈ શકે છે.
મંદસૌર પોલીસના પ્રધાન અધિકારી મનોજ સિંહ જણાવે છે, "અમે દરેક રીતે કેસની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે બાળકી કંઈ પણ જણાવવાની સ્થિતિમાં નથી. અમારો પ્રયાસ આરોપીને કડકમાં કડક સજા અપાવવાનો રહેશે."
પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે સાત દિવસમાં ડીએનએ ટેસ્ટ કરાવીને 20 દિવસમાં ચલણ રજૂ કરાવીને આરોપીને ફાંસીની સજા અપાવી શકાશે.
ગત દિવસોમાં કેન્દ્ર સરકારે પૉસ્કો કાયદામાં ફેરફાર કર્યા છે જેના આધારે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કાર મામલે આરોપીઓને ફાંસીની સજા આપવાને મંજૂરી આપવામાં આવી છે.
આ મામલે શહેરમાં સાંપ્રદાયિક તણાવની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે કેમ કે બળાત્કારનો આરોપ અન્ય સમાજની વ્યક્તિ પર લાગ્યો છે.
આરોપી માટે તેમના જ સમાજના સ્થાનિક લોકો પણ ફાંસીની સજાની માગ કરી રહ્યા છે.
તે લોકોએ જેમ બને તેમ જલદી નિર્ણય આપવાની માગ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો