રાજસ્થાન ચૂંટણી: બીબીસીના નામે ફરતો થયો ખોટો ઓપિનિયન પોલ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને સોશિયલ મીડિયા પર બીબીસીના નામે નકલી ઓપિનિયન પોલ ફરતો થયો છે.

અમુક લોકોએ એવી પોસ્ટ મૂકી છે, જેમાં બીબીસીનું હોમ પેજ છે અને કોંગ્રેસ અને ભાજપની સંભવિત બેઠકોની સંખ્યા લખવામાં આવી છે.

અમુક યૂઝર્સે ફેસબુક અને ટ્વિટર પર આ ઓપિનિયન પોલને શેર કર્યો છે.

આ નકલી પોસ્ટમાં જૂનથી લઈને આજ સુધીના માસિક સરવેના આધારે ભાજપ અને કોંગ્રેસની બેઠકોની અંદાજિત સંખ્યા રજૂ કરવામાં આવી છે.

જૂન માસમાં કોંગ્રેસની બેઠકો 160+ અને ભાજપની 30 બેઠકો બતાવવામાં આવી હતી. ત્યારબાદ દર મહિને કોંગ્રેસની બેઠકોને ઘટાડવામાં આવી અને ભાજપની બેઠકોને વધારવમાં આવી છે.

અંતમાં કહેવામાં આવ્યું, "જો આવી જ પરિસ્થિતિ રહી તો 11મી ડિસેમ્બર સુધી કોંગ્રેસને 85 અને ભાજપને 110 બેઠકો મળી શકે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

નકલી પોસ્ટ

સોશિયલ મીડિયા પર ફરતી થયેલી આ પોસ્ટ નકલી છે. બીબીસી આ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું.

બીબીસી પોતાની નીતિ અંતર્ગત ચૂંટણી પહેલાં આ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું, પરંતુ બીબીસીની વિશ્વસનીયતાને હાનિ પહોંચાડવા આ પ્રકારનો નકલી પ્રચાર કરવામાં આવે છે.

નકલીને અસલી જેવું બતાવવા માટે સોશિયલ મીડિયા પર બીબીસીના હોમ પેજના યુઆરએલ (URL) સાથે પોસ્ટમાં આ આંકડાઓ લખવામાં આવ્યા છે.

આને કારણે સોશિયલ મીડિયા પર બીબીસીનો લોગો અને નકલી જાણકારી એક જ પોસ્ટમાં એકસાથે નજરે પડે છે.

અગાઉ પણ થયો છે નકલી પ્રચાર

સામાન્ય રીતે ચૂંટણી પહેલાં બીબીસીના નામે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર નકલી સરવે ફરતા કરવામાં આવે છે.

વર્ષ 2017માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પણ આ પ્રકારનો ખોટો પ્રચાર ફરતો થયો હતો.

તે સમયે બીબીસીએ સ્પષ્ટ કર્યું હતું કે ના તો બીબીસી ચૂંટણી સરવે કરાવે છે, અને ના તો કોઈ એક પક્ષે કરેલા સરવેને પ્રકાશિત કરે છે.

બીબીસી દ્વારા આ વાતનું ખંડન કરવા છતાં અમુક લોકો બીબીસીની વિશ્વસનીયતાનો ફાયદો ઉઠાવવાની તક શોધતા રહે છે.

વર્ષ 2017ની મુંબઈ કૉર્પોરેશનની ચૂંટણીથી લઈને હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ આવી રીતે અસત્ય ફેલાવવામાં આવ્યું હતું.

ફરી સ્પષ્ટતા કરીએ કે બીબીસીની નીતિ છે કે તેઓ ક્યારેય ચૂંટણી સરવે નથી કરાવતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો