નવેમ્બરના એ 15 દિવસ, જ્યારે હચમચી ગયો હતો ઇસ્લામ

40 વર્ષ પહેલાં નવેમ્બરના મહિનામાં સાઉદી અરેબિયાના ઇતિહાસમાં એક એવી ઘટના બની, જેણે 15 દિવસ સુધી ઇસ્લામને હલબલાવી મૂક્યો હતો.

આ એ ઘટના હતી, જેમાં સલાફી જૂથે ઇસ્લામની સૌથી પવિત્ર જગ્યા મક્કાની મસ્જિદને પોતાના કબજામાં લઈ લીધી હતી.

આ ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

20 નવેમ્બર, 1979 ઇસ્લામિક કેલેન્ડર મુજબ વર્ષ 1400ની પહેલી તારીખ હતી.

એ દિવસે મક્કા મસ્જિદમાં દેશ-વિદેશથી આવેલા હજારો હજ યાત્રીઓ સાંજના સમયની નમાઝની રાહ જોતા હતા.

આ મસ્જિદ ઇસ્લામની સૌથી પવિત્ર જગ્યા કાબાની આસપાસ બનેલી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શું થયું હતું એ દિવસે

જ્યારે નમાઝ સમાપ્ત થવા આવી ત્યારે સફેદ રંગના કપડાં પહેરેલાં લગભગ 200 લોકોએ ઑટોમૅટિક હથિયાર કાઢ્યાં.

આમાંથી કેટલાક ઈમામને ઘેરીને ઊભા રહી ગયા.

જેવી નમાઝ સમાપ્ત થઈ, તેમણે મસ્જિદના માઇકને પોતાના કબજામાં લઈ લીધું.

એ પછી માઇક દ્વારા જાહેરાત કરવામાં આવી, "અમે માહદીના આગમનનું એલાન કરીએ છીએ, જે અન્યાય અને અત્યાચારોથી ભરેલી આ ધરતીમાં ન્યાય અને નિષ્પક્ષતા લાવશે."

ઇસ્લામિક માન્યતાઓ અનુસાર માહદી એવા ઉદ્ધારક છે, જે પ્રલય પહેલાં રાજ કરીને બુરાઈનો નાશ કરશે.

આ સાંભળીને લોકોને લાગ્યું કે આ પ્રલયના દિવસની શરૂઆત છે.

એ દરમિયાન ત્યાં હજ કરવા આવેલા એક યુવા મુસ્લિમ વિદ્યાર્થી પણ હતા.

તેમણે પોતાનો અનુભવ આ રીતે જણાવ્યો હતો, "પ્રાર્થના પછી કેટલાક લોકોએ માઇક્રોફોન કાઢ્યા અને બોલવાનું શરૂ કર્યું."

"તેમણે કહ્યું કે માહદી આવી ગયા છે. લોકો ખુશ હતા કે રક્ષક આવી ગયા છે. તેઓ ખુશીથી કહી રહ્યા હતા- અલ્લાહ હુ અકબર."

હુમલાખોરો કોણ હતા?

આ હથિયારબંધ સમૂહ અત્યંત કટ્ટરપંથી સુન્ની મુસ્લિમ સલાફી હતા.

બદૂ મૂળના યુવા સાઉદી પ્રચારક જુહેમાન અલ-ઓતાયબી તેમનું નેતૃત્વ કરી રહ્યા હતા.

આ દરમિયાન મસ્જિદનાં સ્પીકરો ઉપરથી જાહેરાત કરવામાં આવી કે માહદી તેમની વચ્ચે હાજર છે.

આ મધ્યે યોદ્ધાઓના જૂથમાંથી એક વ્યક્તિ ભીડ તરફ આગળ વધી. આ વ્યક્તિ હતી-મોહમ્મદ અબ્દુલ્લા અલ-કહતાની.

મસ્જીદમાંથી કહેવામાં આવ્યું, આ જ છે માહદી જેમના આવવાની સહુ રાહ જોતા હતા.

ત્યારે જ સહુની સામે જુહેમાને પણ મોહમ્મદ અબ્દુલ્લા (કહેવાતા માહદી) તરફ સન્માન અદાયગી કરી જેથી લોકો પણ સન્માન વ્યક્ત કરે.

કબજો અને સંઘર્ષ

આ દરમિયાન અબ્દુલ મુને સુલ્તાન નામના એક અન્ય વિદ્યાર્થી, એ જોવા માટે મસ્જિદની અંદર દાખલ થયા કે આખરે શું થઈ રહ્યું છે.

તેમણેઅંદરની પરીસ્થિતિ કંઈક આવી રીતે જણાવી હતી, "લોકો હતપ્રભ હતા. તેમણે પહેલીવાર કોઈને બંદૂકો સાથે જોયા. આવું પહેલી વાર બન્યું. તેઓ ડરેલાં હતા."

આ દરમિયાન જુહેમાને યોદ્ધાઓને કહ્યું કે મસ્જિદને સંપૂર્ણપણે બંધ કરી દે.

ઘણા હજયાત્રીઓને અંદર જ બંધક બનાવી લેવામાં આવ્યા.

આ પછી મિનારાઓ ઉપર સ્નાઈપર તહેનાત કરી દેવાયા જે 'માહદીના દુશ્મનો' સાથે લડવા માટે તૈયાર હતા.

એ લોકો સાઉદી બળોને ભ્રષ્ટ, અનૈતિક એ પશ્ચિમ સાથે સંલગ્ન માનતા હતા.

એટલે જ્યારે પોલીસ ત્યાં જોવા આવી કે શું થઈ રહ્યું છે, યોદ્ધાઓએ તેમની ઉપર ગોળીઓ ચલાવી દીધી.

આ રીતે મસ્જિદ ઉપર કબજો કરી લેવામાં આવ્યો.

સાઉદી અરેબિયાની રણનીતિ

એ સમયે અમેરિકન ડિપ્લોમૅટ માર્ક ગ્રેગરી હૅમ્બલી અમેરિકાના જેદ્દા સ્થિત દૂતાવાસમાં પૉલિટીકલ અધિકારી તરીકે તહેનાત હતા.

તેમણે જણાવ્યું હતું કે હુમલાખોર યોદ્ધાઓ પાસે બહુ બધાં સારાં અને ઑટોમેટિક હથિયાર હતાં અને આ કારણથી તેમણે ઘણું નુકસાન પહોંચાડ્યું.

આ મધ્યે સાઉદી અરબની મસ્જિદ ઉપર કબજો થઈ ગયાના સમાચારોનું પ્રસારણ અથવા પ્રકાશનને અટકાવી દેવામાં આવ્યું.

થોડાક જ લોકોને જાણકારી હતી કે મસ્જિદ ઉપર કોણે અને શા માટે કબજો કર્યો છે.

બીજી તરફ હૅબલીને એક અમેરિકન હેલિકૉપ્ટર પાયલટ તરફથી જાણકારી મળી રહી હતી, જે સાઉદી સુરક્ષા દળોની સાથે શહેરની ઉપર ઉડાન ભરી રહ્યાં હતાં.

હૅબલીના અનુસાર, સુદી નેશનલ ગાર્ડે નિશંકપણે બહાદુરીથી અભિયાન ચલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓને સફળતા મળી નહીં અને ઘણાં મોત થયાં.

આ પછી સાઉદી વહીવટીતંત્રે મસ્જિદને ફરીથી પોતાના નિયંત્રણમાં લેવા માટે હજારો સૈનિકો અને વિશેષ દળ મક્કા માટે રવાના કર્યાં.

ભારે ભરખમ હથિયારો તહેનાત કરવામાં આવ્યાં અને ઉપરથી સેનાનાં યુદ્ધ વિમાનો ઉડતાં રહ્યાં.

ભારે નુકસાન

આ દરમિયાન સાઉદી અરબના શાહી પરિવારે ધાર્મિક નેતાઓ પાસે મસ્જિદની અંદર બળ પ્રયોગ કરવાની પરવાનગી માંગી.

પરંતુ એ પછીના દિવસોમાં લડાઈએ વધુ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું.

સાઉદી બળોએ સતત ઘણા હુમલા કર્યા અને એનાથી મસ્જિદના મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.

મૃત્યુઆંક સેંકડોમાં હતો. પ્રત્યક્ષ સાક્ષીઓનું કહેવું હતું કે અડધા-અડધા કલાકના અંતરે ગોળીબાર અને વિસ્ફોટોના અવાજ આવતા હતા અને આ સિલસિલો સાંજ સુધી ચાલુ રહ્યો.

સાઉદી હેલિકૉપ્ટર ઘટનાસ્થળની ઉપર ચક્કર મારતાં હતાં અને પછી તોપોની મદદથી મિનારાઓને નિશાન બનાવવામાં આવ્યા.

માન્યતાઓ મુજબ અગર મોહમ્મદ અબ્દુલ્લા અ-કહતાની ખરેખર માહદી હોત તો તેમનું મોત ના થાત.

પરંતુ અબ્દુલ મુને સુલ્તાન જણાવે છે કે તેમણે કહતાનીના મરેલા અથવા ઘાયલ યોદ્ધાઓના હથિયાર ઉઠાવીને એ લોકો સુધી પહોંચાડતા જોયા જેમની પાસે હથિયાર નહોતા અથવા જેમની ગોળીઓ ખલાસ થઈ ગઈ હતી.

"બીજા દિવસે મેં કહતાનીની આંખ નીચે બે ઘા જોયા. કપડાં પણ ફાટેલાં હતાં."

"કદાચ તેમને લાગતું હતું કે તેઓ માહદી છે અને તેમને કંઈ નહીં થાય, એટલે તેઓ ગમે ત્યાં આરામથી ફરતા હતા."

અબ્દુલ મુને સુલ્તાનને જુહેમાનને પણ નજીકથી જોવાની તક મળી હતી.

તેમણે કહ્યું, "અમે કાબાની પાછળ આશ્રય લીધો, એ સુરક્ષિત જગ્યા હતી."

"તે અડધા કલાક સુધી મારા ખોળામાં સુઈ ગયા. તેમની પત્ની તેમની સાથે અંત સુધી રહી."

"જ્યારે લડાઈ ગાઢ થઈ ગઈ ત્યારે તેઓ જાગ્યા અને હથિયાર લઈને પોતાના સાથીઓ પાસે જતા રહ્યા."

આ દરમિયાન સાઉદી સુરક્ષા દળોને મસ્જિદની અંદર આવ્યાં અને બચવા માટે યોદ્ધાઓ પાછા હટ્યા અને ભોંયરામાં જતા રહ્યા.

ત્યાંથી તેઓ અંધારામાંથી દિવસ-રાત લડતા રહ્યા.

અલ-કહતાનીનું મોત

ભીષણ યુદ્ધ અને ભારે ગોળીબાર વચ્ચે પોતાને માહદી તરીકે ઓળખાવનાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગઈ, જ્યારે માન્યતાઓ મુજબ માહદી તો ઘાયલ થઈ નહોતા શકતા.

મોહમ્મદ અબ્દુલ્લા અલ-કહતાની જે સમયે બીજા માળે હતા, તેમને ગોળી વાગી ગઈ.

લોકો ચીસો પાડવા લાગ્યા-માહદી ઘાયલ છે, માહદી ઘાયલ છે.

કેટલાક લોકો તેમની તરફ ગયા જેથી તેમને બચાવી શકે પરંતુ જોરદાર ફાયરીંગને લીધે તેમણે પાછા હટવું પડ્યું.

કેટલાક લોકો નીચે ઊતરીને જુહેમાનની પાસે ગયા અને કહ્યું કે માહદી ઘાયલ છે.

આ સાંભળીને પોતાની સાથે લડી રહેલા યોદ્ધઓને જુહેમાને કહ્યું-આમની વાતો ઉપર ભરોસો ના કરતા, આ ભાગેડુઓ છે.

ફ્રાંસનું અભિયાન

મસ્જિદ ઉપર આ કબજાને પૂરો કરવામાં મદદ માટે પાકિસ્તાને કમાન્ડોની એક ટીમ સાઉદી અરબ મોકલી હતી.

બીજી તરફ કેટલાક ફ્રેંચ કમાન્ડો પણ ગુપ્ત અભિયાન અંતર્ગત સાઉદી અરબ આવ્યા.

જેથી તેઓ સાઉદી સુરક્ષાબળોને સલાહ આપી શકે અને ઉપકરણો વગેરે દ્વારા તેમની મદદ કરી શકે.

યોજના એવી બની કે અન્ડરગ્રાઉન્ડ વિસ્તારમાં સંતાયેલા યોદ્ધાઓને બહાર કાઢવા માટે ગૅસનો ઉપયોગ કરવામાં આવે.

ભોંયરાના એ ભાગમાં હાજર એક વ્યક્તિએ પોતાનો અનુભવ આ રીતે જણાવ્યો હતો, "અંદર બહુ જ ગરમી અને દુર્ગંધ હતી. ટાયરોના બળવાની, ઘાની, સડેલાં મડદાંની."

"એવું લાગતું હતું કે અમારા ઉપર મોત આવી ગયું હતું. મને નથી ખબર કે અમે લોકો કેવી રીતે બચી ગયા."

છેવટે બે અઠવાડિયા પછી અંદર બચેલા યોદ્ધાઓએ આત્મસમર્પણ કરી દીધું.

20 નવેમ્બરથી 4 ડિસેંબર 1979 સુધી આ સંકટ ચાલ્યું.

63 લોકોને સાઉદી અરબે ફાંસી આપી દીધી, જેમાં જુહેમાન પણ સામેલ હતા. બાકીનાઓને જેલમાં મોકલી દેવાયા.

આ પછી સાઉદી વહીવટીતંત્રએ કહેવાતા માહદીના મૃતદેહની તસવીર પ્રકાશિત કરી હતી.

આ લડાઈને કારણે મસ્જિદને ભારે નુકસાન થયું હતું, સૈંકડોનાં મોત થયાં હતાં અને લગભગ એક હજાર લોકો ઘાયલ થયા હતા.

નિઃશંકપણે મસ્જિદ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ પરંતુ મક્કાને નુકસાન ના થયું.

લડાઈ સમાપ્ત થયા બાદ મસ્જિદને જોનારા એક વ્યક્તિએ એ ઘટનાને આવી રીતે વર્ણવી હતી, "મસ્જિદની હાલત જોઈને તો મારું હૃદય જાણે વીંધાઈ ગયું હતું."

"ઇસ્લામની આ પવિત્ર મસ્જિદને કેવી રીતે નુકસાન થઈ શકે? કેવી રીતે આ લોકો આ મસ્જિદને યુદ્ધમેદાનમાં ફેરવી શકે."

આ ઘટના પછી સાઉદી અરબેયિના શાહી પરિવારે વધુ કટ્ટરપંથી ઇસ્લામી છબી ઘડવાનો પ્રયત્ન કર્યો.

મક્કાની મસ્જિદના આ ઘટનાક્રમને કારણે જ વહાબીઓની નવી પેઢીઓને આવનારા વર્ષોમાં પ્રેરણા મળી.

(બીબીસીના કાર્યક્રમ વિટનેસના પૉડકાસ્ટ 'ધ સીઝ ઑફ મક્કા' ઉપર આધારિત)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો