સ્ટેચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણનો મહિનો પણ સ્થાનિકોને પૂરતી નોકરી ન મળી

    • લેેખક, ગૌતમ ડોડીયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ આવેલા ગામના સ્થાનિકોએ બુધવારે 28મી નવેમ્બરે સ્ટેચ્યૂની સાઇટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિકોએ નોકરી નહીં મળતા નર્મદા જિલ્લાના નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.

સ્થાનિકોની માગ છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સાઇટ પર તેમને નોકરી મળે.

તમે આ વાંચ્યું કે નહીં?

સ્થાનિકોની માગના પગલે પ્રશાસન દ્વારા તેમને આગામી સમયમાં નોકરી આપવાની બાહેધરી આપવામાં આવી છે.

સ્ટેચ્યૂની સાઇટ પર 150 વ્યક્તિઓ હાલમાં કાર્યરત છે અને વધુ સ્થાનિકોને નોકરી આપવામાં આવશે તેમ પણ જિલ્લા નાયબ કલેક્ટરે જણાવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ આઈ.કે.પટેલના જણાવ્યા પ્રમાણે અત્યારસુધીમાં કુલ 2 લાખ 42 હજાર પ્રવાસીઓએ સાઇટની મુલાકાત લીધી છે.

જેના થકી 5 કરોડ 92 લાખ રૂપિયાની આવક થઈ છે.

પ્રતિમાના લોકાર્પણ સમયે પ્રાસંગિક ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રતિમાને કારણે સ્થાનિકો માટે રોજગારીની તકો ઊભી થશે.

તા. 31મી ઑક્ટોબરે 143મી જયંતી પ્રસંગે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પરંતુ લોકાપર્ણનાં 29 દિવસ પછી સ્થાનિક લોકોની શું સ્થિતિ છે? તે જાણવાનો પ્રયાસ બીબીસીએ કર્યો.

હાલની સ્થિતિ

સરદાર સરોવર ડેમ માટે સરકારે 19 ગામોના ખેડૂતોની જમીન મેળવી હતી.

નર્મદા અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિના પ્રમુખ મહેશભાઈ તડવીએ જણાવ્યું, ''પહેલાં 1961-62માં છ ગામો લીમડી, ગોરા, કેવડિયા, નવાગામ, વાગડિયા અને કોઠીની જમીનોનું સંપાદન કરાયું હતું.''

''ત્યારબાદ જેમ-જેમ ડૅમનું બાંધકામ થતું ગયું તેમ તબક્કાવાર 19 ગામની જમીનનું સંપાદન કરાયું.''

''જે તે વખતે નિગમ દ્વારા અસરગ્રસ્તોને નોકરી આપવામાં આવી હતી.''

''પરંતુ 4,500 અસરગ્રસ્ત પરિવારોમાંથી માત્ર 300-400 લોકોને જ રોજગારી આપવામાં આવી હતી.''

ગોરા ગામના રહીશ વિજયભાઈ તડવીએ યાદી બતાવતાં કહ્યું, "અમને 25 લોકોને નોકરી આપી છે. ઇન્ટરવ્યૂ લેવા સરકારી કચેરીમાં બોલાવે છે, પણ ઇન્ટરવ્યૂ ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવે છે."

"આ એજન્સી તો આજે છે અને કાલે નથી તો અમારી નોકરીની સલામતી કેટલી? "

તડવી ઉમેરે છે કે 'અમારી જમીન નર્મદા નિગમે લીધી છે તો અમને નોકરી પણ નિગમે જ આપવી જોઈએ.'

પ્રતિમાના લોકાર્પણ સમયે રોજગારી આપવાની માગ સાથે સ્થાનિકો ઉપવાસ પર બેઠા હતા પરંતુ બાદમાં આ આંદોલન સમેટી લીધું હતું.

હાઉસકિપિંગ એટલે શું ?

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના સ્થાનિકોને 'હાઉસકિપિંગ'ની નોકરી આપવામાં આવી હતી.

જોકે, આ સ્થાનિકોને 'હાઉસકિપિંગ' એટલે શું અને આ નોકરીમાં શું કરવાનું તેની જાણ જ નથી.

ગોરા ગામના કનુભાઈ આ અંગે વાત કરતા જણાવે છે, "મને હાઉસકિપિંગની નોકરી મળી છે. હાઉસકિપિંગ એટલે શું એ જ મને તો ખબર નથી."

"કોઈકને પૂછ્યું તો કહ્યું કે જાજરૂ સહિતની સફાઈનાં કામને હાઉસકિપિંગ કહેવાય."

"વધુમાં અમને અહીં નોકરી પર રાખે તો એનો કોઈ પણ પત્ર પણ આપવાની ના પાડે છે."

કનુભાઈએ વધુમાં જણાવ્યું હતું "અમને 11 મહિનાના કૉન્ટ્રેક્ટ પર લેવામાં આવશે."

"આ સરકાર તો અમને જમીનના માલિકમાંથી મજૂર બનાવી રહી છે."

કનુભાઈ ઉમેરે છે કે ઍપૉઇન્ટમૅન્ટ લેટર નહીં મળે તો તેઓ નોકરી પણ નહીં સ્વીકારે.

ઘર-ઘરની કહાણી

જમીનવિહોણા બનેલા ગોરા ગામના બંસીલાલ તડવીએ કહ્યું, "હાલમાં જ્યાં શુળપાણેશ્વરનો મેળો ભરાય છે એ જમીન મારા બાપ-દાદાની હતી."

"1961-62માં સરકારે 13 એકર જમીનનું સંપાદન કરાયું હતું."

"મેળામાં છાશ અને પાણીનો સ્ટોલ ચાલુ કરવા માટે 350 રૂપિયા ભરવા પડે છે."

"એની સામે મને વાંધો નથી પણ મારી જ જમીન પર સ્ટોલ માટે મારે લડવું પડે છે."

"જો સરકાર સન્માનજનક નોકરી ન આપી શકે તો અમારી ખાલી પડેલી જમીન પરત આપે."

"અમે ખેતી કરીને જીવી લઈશું કારણ કે એક પરિવારમાંથી એક જ વ્યકિતને નોકરી આપવામાં છે."

"અમે બે ભાઈઓ છે. બંન્નેના પરિવારો છે. ભાઈને નોકરી મળી છે પણ મને નહીં. માત્ર એક સભ્યની આજીવિકામાંથી બે-બે પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલી શકે? "

લીમડી ગામના રહીશ અને નોકરી ઇચ્છુક રસુલાબહેન કહે છે, "હું 12 પાસ છું અને નર્સિંગનો કોર્ષ કરી કામનો દોઢ વર્ષનો અનુભવ ધરાવું છું."

"મારા પતિ પોસ્ટમાસ્ટર છે. અમારી જમીન સંપાદિત કર્યાં પછી ઘરના કમસેકમ એક સભ્યને નોકરી આપવી જોઈએ."

"હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ પણ મારા પતિ નોકરી કરતા હોવાથી મને નોકરી આપવાની ના પાડી."

રસુલાબહેન કહે છે, ''શું એક ઘરમાંથી એક જ વ્યકિત કમાઈ શકે? પતિ કમાતો હોઈ તો પત્નીને કામ કરવાનો અધિકાર નથી?''

નોકરી કે રોજગારી પણ નહીં

ગોરા ગામના રહેવાસી રામકૃષ્ણભાઈએ કહ્યું, "વડા પ્રધાને તેમના ભાષણમાં એમ કહ્યું હતું કે અહીંના લોકો પ્રવાસીઓને ભીંડીની ભાજી અને રોટલી ખવડાવીને રોજી મેળવી શકશે"

"પરંતુ અમારી પાસે જમીન જ નહીં હોય તો ભીંડીની ભાજી ક્યાં ઉગાડીશું?"

"જે-તે વખતે જમીન સંપાદિત કર્યાં પછી મારા પિતાને નોકરી મળી હતી પણ વર્ષ 1999માં તેમનું મૃત્યુ થયા પછી અમારા પરિવારના કોઈ સભ્યને નોકરી નથી મળી."

લીમડી ગામના મુકેશભાઈએ હપ્તેથી 'મૅજિક' ગાડી લીધી હતી અને ડૅમની મુલાકાત લેવા આવનારા પ્રવાસીઓને લાવવા-મૂકવાનું કામ કરતા હતા.

પ્રતિમા ખુલ્લી મુકાઈ છે, ત્યારથી આ કામ કૉન્ટ્રેક્ટ ઉપર પ્રાઇવેટ બસને આપવામાં આવ્યો છે.

મુકેશભાઈ કહે છે 'એક મહિનાથી ડીઝલના પૈસા પણ નથી નીકળતા.'

જો યોગ્ય નોકરી આપવાની માગ ન સ્વીકારાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર લડત આપવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે.

શું કહે છે જિલ્લા પ્રશાસન?

આ મુદ્દે જિલ્લા કલેક્ટરનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ સુલભ બન્યા ન હતા.

આ બાબતે નાયબ કલેક્ટર જે. ડી. ઠાકોરને પૂછતાં તેમણે કહ્યું, "તાજેતરમાં જમીન ગુમાવનાર 1200 શિક્ષિત બેરોજગારના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યાં હતાં."

"દરેક ગામના 25 એમ કુલ 150 લોકોને રોજગારી આપવામાં આવી છે. સફાઇકામની કામગીરી રૉટેશનથી બદલાતી રહેશે."

સ્ટેચ્યૂ પરિસરની બહાર લારી ખોલવા તંત્ર દ્વારા વિનામૂલ્યે અથવા તો સામાન્ય ટોકનથી ગામદીઠ પાંચ વ્યકિતઓને લારીની સહાય કરવામાં આવશે.

ઠાકોરનું કહેવું છે કે સરકાર પાંચમૂલી તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે.

તળાવનાં મગરોને એક જગ્યાએ રાખી 'ક્રૉકોડાઇલ પાર્ક' બનશે અને તળાવમાં નૌકા વિહાર શરૂ કરવાની પણ યોજના છે.

તેમના જણાવ્યા અનુસાર પાર્કિંગમાં 'પાણીના પાઉચ' વેચવા 18 કિલોમિટરના પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તેમજ તમામ જગ્યાઓ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો