કપડાં અને કૅમેરાની મદદથી નરભક્ષી દીપડાને પકડવાની 'જાળ' પથરાઈ

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત વન વિભાગ એક દીપડાને ઠાર મારવાનું વિચારી રહ્યું છે, પરંતુ તે માટે સરકાર તરફી મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકો જંગલથી ઘેરાયેલો છે. આ જંગલ અહીં વસતા આદિવાસી લોકોના જીવનનો જ એક ભાગ છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.

ગીરના જંગલોમાં સિંહોનું પગેરું દાબવાનું કામ કરતા ત્રણ અનુભવી ટ્રૅકર અહીં પહોંચ્યા છે.

સાસણગીર, ભાવનગર, લગભગ 150 થી 200 કર્મચારીઓ 25 વર્ગ કિલોમીટરનો જંગલ વિસ્તાર ખૂંદી રહ્યા છે.

એક જ દીપડાએ છેલ્લા સાત દિવસમાં ત્રણ લોકોનો જીવ લીધો હોવાનું માનવામાં આવે છે.

સમગ્ર ઘટનાક્રમે મહારાષ્ટ્રમાં નરભક્ષી બનેલી અવનીનું પ્રકરણ યાદ અપાવ્યું છે. આ વાઘણે તેર લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતાં.

ગીરનાં જંગલના ટ્રૅકર

વડોદરા જિલ્લાના સીસીએફ (ચીફ કન્ઝર્વેટિવ ઓફિસર) એસ. કે. શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતી સાથેની વાચતીતમાં જણાવ્યું કે દીપડાને પકડવા માટે સાસણથી ત્રણ ટ્રૅકર (પંજાના નિશાન શોધી શકનાર)ને બોલાવવામાં આવ્યા છે.

શ્રીવાસ્તવ જણાવે છે, "તાજેતરમાં જે વિસ્તારમાં દીપડા દ્વારા હુમલો થયો, ત્યાં આજે સવારે જ તાજા પગલાના નિશાન મળી આવ્યા છે."

"દીપડાઓ હંમેશાં શિકાર કર્યાં બાદ ફરીથી તેના શિકારને ખાવા માટે પરત ફરતા હોય છે. એટલા માટે અમે અહીં પાંજરું ગોઠવ્યું છે."

આ માટે જ્યાં દીપડાએ મહિલાનો શિકાર કર્યો હતો, ત્યાં મહિલાનાં લોહીવાળા કપડાંને એક પિંજરામાં રાખી બકરી બાંધવામાં આવી છે, જેથી તેને પકડી શકાય.

શ્રીવાસ્તવ ઉમેરે છે કે હુમલાખોર દીપડાઓને પકડવાનો વિશેષ અનુભવ ધરાવતા હોવાથી સાસણગીરથી આ ટ્રૅકર્સને બોલાવવામાં આવ્યા છે.

એક જ દીપડો જવાબદર?

શ્રીવાસ્તવે જણાવ્યું કે આ ત્રણેય બનાવના સ્થળોની વચ્ચે લગભગ ત્રણ કિલોમીટરનું અતંર છે.

પેટર્નને જોતાં એવું કહી શકાય છે આ ત્રણેય હત્યા પાછળ એક જ દીપડાનો હાથ છે.

ભોગ બનેલી ત્રણેય વ્યક્તિનો ગળાના ભાગે હુમલો કરીને શિકાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેમને ગાઢ જંગલમાં ઢસડી જવાનો પ્રયાસ થયો હતો.

જોકે, હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યા કે આ હુમલા પાછળ એક જ દીપડો જવાબદાર છે.

આથી જ વન વિભાગે 25 વર્ગ કિલોમીટરના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં ટ્રૅક કૅમેરા મૂકવામાં આવયા છે, જે વન્ય પ્રાણીની અવરજવરથી ઍક્ટિવેટ થાય છે અને તસવીર લે છે.

શા માટે બને છે નરભક્ષી?

દીપડાનો ભોગ બનેલાંઓની આજુબાજુમાં પ્રાણીઓ પણ હતા, તેમ છતાંય તેમની ઉપર કેમ હુમલો ન કર્યો?

તેના જવાબમાં ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર જનકસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું:

"જ્યારે કોઈ દીપડો ઘરડો થઈ જાય ત્યારે તેમાં કોઈ પ્રાણી પાછળ ભાગવાની શક્તિ હોતી નથી."

"આ સાથે જ તેમના દાંત પણ નબળા પડી ગયા હોવાથી કોઈ વન્ય પ્રાણીની ચામડી ફાડવામાં પણ તેમને તકલીફ પડતી હોય છે. એટલા માટે તેઓ સહેલાઈથી મળતા શિકાર પર નિર્ભર રહે છે."

"આ પરિસ્થિતિમાં માણસ અને તેમાં પણ બળકો કે વૃદ્ધો સૌથી સહેલો શિકાર સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ ઝડપથી ભાગી પણ નથી શકતા અને તેમની ચામડી પણ નાજૂક હોવાથી તેને સહેલાઈથી ખાઈ પણ શકાય છે."

દીપડાને મારવા રજૂઆત

દીપડા દ્વારા છેલ્લા સાત દિવસમાં ત્રણ હત્યા કરવામાં આવતા મામલો ખૂબ જ ગંભીર બન્યો છે.

અહીંના સ્થાનિક લોકોએ અને વિસ્તારના ધારાસભ્ય બચુભાઈ ખાબડે વન વિભાગને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

શ્રીવાસ્તવ કહે છે, "દીપડો માનવજીવન માટે ખતરા રૂપ છે અને આગળ કોઈ જાનહાનિ ના થાય તે માટે તેને ગોળી મારવામાં આવે તેવી રજૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે."

પરંતુ કોઈ વન્ય પ્રાણીને ખતરા રૂપ સમજી મારવું હોય તો કઈ જોગવાઈ હેઠળ આ કાર્યવાહી કરી શકાય?

આ અંગે શ્રીવાસ્તવ કહે છે, "વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શ ઍક્ટના સેક્શન 11 હેઠળ નરભભક્ષી બનેલાં કોઈ વન્યજીવને મારવાની છૂટ આપે છે."

પરંતુ તેમનું કહેવું છે કે હાલમાં આ મુદ્દે સરકારે નિર્ણય લેવાનો છે.

વૃદ્ધ મહિલાનો શિકાર

સોમવારે સવારે સાત વાગ્યાની આસપાસ 64 વર્ષનાં મથુરીબહેન ગણાવા જંગલમાં અન્ય મહિલાઓ સાથે લાકડાં કાપવા માટે ગયાં હતાં.

સૂકાયેલાં લાકડાં મેળવવાની આશાએ મથુરીબહેન જંગલમાં વધુ અંદર જતાં રહ્યાં હતાં. આ સમયે જ દીપડાએ તેમની પર હુમલો કર્યો હતો.

ધાનપુર વન્ય વિસ્તારના ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર જનકસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું:

"દીપડાએ આ મહિલા પર હુમલો કર્યો તે વિસ્તાર નજીક એક પાણીનો ધોધ આવેલો છે. અહીં આ દીપડો અવારનવાર પાણી પીવા આવે છે અને નજીક જ રહેતો હોવાનું માનવામાં આવે છે."

"અહીંથી તેના પગલાંના નિશાન પણ મળી આવ્યા છે, જેના પરથી લાગે છે કે તે નજીકમાં જ રહે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

બાળકીઓનો શિકાર

21 નવેમ્બર 2018ના રોજ ધાનપુર તાલુકાના ખટલા ગામની 9 વર્ષની બાળકી અસ્મિતા તેના કાકાની સાથે જંગલમાં બળતણ એકઠાં કરવા ગઈ હતી.

આ સમયે અચાનક દીપડાએ તેની પર હુમલો કર્યો હતો અને તેને ઢસડીને જંગલમાં ખેંચી ગયો હતો.

આ સમયે અસ્મિતાના કાકાએ બૂમાબૂમ કરતા દીપડો અસ્મિતાના મૃતદેહને છોડીને જતો રહ્યો હતો. આ ઘટનામાં અસ્મિતાનું મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત 22 નવેમ્બરના રોજ ઉપરની ઘટનાના લગભગ 3 કિમી દૂર 11 વર્ષની કિશોરી જ્યોત્સના પરમાર જંગલમાં ઢોર ચરાવવા ગઈ હતી.

આ સમયે દીપડાએ જ્યોત્સના પર હુમલો કર્યો હતો અને તેનો જીવ લઈ લીધો હતો. આ વિસ્તાર રતનમહલ વન્ય રૅન્જ હેઠળ આવે છે.

આ વિસ્તારમાં લગભગ 2 હજાર લોકો વસવાટ કરે છે જેમનો મુખ્ય વ્યવસાય ખેતીકામ છે.

ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે ધાનપુર જંગલનો આ વિસ્તાર 15 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે.

તેમના અનુસાર, "વર્ષ 2014ની વસતિ ગણતરી પ્રમાણે સમગ્ર દાહોદ જિલ્લામાં 62 દીપડા હોવાનું જાણવા મળ્યું હતું."

"આ બનાવો બન્યા તે ધાનપુર વિસ્તારમાં 28 દીપડા હોવાનું સામે આવ્યું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો