13 લોકોનો ભોગ લેનાર 'અવની'ના શિકારીને મન ખતરો જ નશો છે

    • લેેખક, પદ્મા મીનાક્ષી
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં જ માનવભક્ષી વાઘણ અવનીને જે શાર્પ શૂટર અસગર અલીએ મારી તે હૈદરાબાદ સ્થિત તેલંગણાના નવાબ પરિવારની ચોથી પેઢીના શિકારી છે.

તે હૈદરાબાદના અધિકૃત શિકારી શફત અલી ખાનના પુત્ર છે. શફત અલી ખાનનો દાવો છે કે તેઓ દેશના એક માત્ર અધિકૃત શિકારી છે.

મહારાષ્ટ્રના જંગલ વિભાગ દ્વારા આ માનવભક્ષી વાઘણને મારવા માટે અવની હાથ ધરવામાં આવ્યું હતું, જે સબબ શુક્રવારે રાત્રે યવતમાલ જિલ્લામાં વાઘણની હત્યા કરવામાં આવી.

આંકડાઓ મુજબ એવું કહેવાય છેકે છ વર્ષની આ વાઘણ અવનીએ જૂન 2016થી ઠાર મરાઈ ત્યાં સુધી રાલેગાંવનાં જંગલોમાં 13 લોકોનો ભોગ લીધો હતો.

દેશના એકમાત્ર માન્યતા પ્રાપ્ત શિકારી

આ આદમખોર વાઘણનો શિકાર કરવાની જવાબદારી વન્યવિભાગ દ્વારા શફત અલીને સોંપવામાં આવી હતી, પરંતુ વાઘણનો શિકાર શફત અલીને બદલે તેમની ટીમમાં જોડાયેલા તેમના દીકરા અસગર અલીએ કર્યો હતો.

અવનીને ઠાર મરાયા બાદ એકતરફ યવતમાલ જંગલમાં લોકોએ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો ત્યારે બીજી તરફ આ હત્યાની ટીકા પણ થઈ રહી છે.

મહિલા અને બાળવિકાસ વિભાગનાં કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને વન્યજીવ અધિકારો માટે કામ કરનારા લોકો આની ટીકા કરી રહ્યાં છે અને સમગ્ર ઓપરેશન પર સવાલ ઉઠાવી રહ્યા છે.

અનેક નિષ્ફળ પ્રયાસો

બીબીસી સાથે વાત કરતા અસગર અલીના પિતા શફત અલી ખાને પોતાના શિકારના શોખ અને અવની અવની તેમજ કારકિર્દીની પોતાની સિદ્ધિઓ વિશે જણાવ્યું.

વાઘણની હત્યાને તર્કસંગત ગણાવતા તેમણે કહ્યું કે છેલ્લા દોઢ મહિનાથી પશુ ચિકિત્સકોની ટીમ સાથે વાઘણને પકડી લેવાનો પ્રયાસ થતો હતો. તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા બાદ અમારે તેને મારવી પડી.

તે ઓ કહે છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેણે જે સ્થળે બે લોકોને મારેલા એ જ સ્થળે તે પહોંચી ગઈ હતી. એ વન અધિકારીની 8 મીટર નજીક પહોંચી ગયેલી, તેથી માનવજિંદગી બચાવવા માટે તેને મારવી જ પડી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી પશુ નિષ્ણાતોની ટીમ તેને શોધી રહી હતી પણ તમામ શોધ નિષ્ફળ નીવડી હતી.

શફત અલી ખાન હૈદરાબાદના નવાબ પરિવારમાંથી આવે છે અને શિકાર કરવાની કળા તેમને પોતાના પિતા અને દાદા તરફથી વારસામાં મળી છે, તેમની સાથે ફરીને તેઓ આ કૌશલ્ય શીખ્યા છે.

તેઓ જણાવે છે કે, માનવજીવન જોખમમાં મુકાય ત્યારે આ રીતે એ પ્રાણીઓને શોધી કાઢી શિકાર કરવાનાં અનેક ઑપરેશન તેમણે કરેલાં છે.

માત્ર શોખ માટે શિકાર નથી કરતા

શિકારની પરંપરા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે શાહી પરિવારોમાં શિકાર માત્ર શોખ માટે નહીં પણ લોકો અને જંગલોની સુરક્ષા માટે પણ કરવામાં આવતો.

તેઓ કહે છે કે આઝાદી પહેલાં વન્યજીવ સંરક્ષણ કાયદાઓનું કોઈ અસ્તિત્વ નહોતું.

આઝાદી અગાઉની સમૃદ્ધ વન્યસંપત્તિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું, "પહેલાંના વખતમાં રાજકારણીઓ અને દાણચોરો વચ્ચે જંગલ સંપત્તિને નુકસાન કરે એવી સાંઠગાંઠ પણ નહોતી."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે બંદીપોર રાષ્ટ્રિય અભ્યારણ્યનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આજે જે અભ્યારણ્યો છે, તે અગાઉના વખતમાં રાજવી પરિવારોની શિકારની સીમામાં આવતા હતા.

તેમણે એમ પણ કહ્યું કે, આઝાદી પહેલાં ભારતમાં લગભગ 20,000 વાઘ હતા, જ્યારે 1972 સુધીમાં માત્ર 1800 બચ્યા હતા.

આ મુદ્દે પોતાનો મત મૂકતા તેમણે કહયું કે, 1972માં જ્યાં સુધી દેશમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શનનો કાયદો આવ્યો ત્યાં સુધી માણસો અને પ્રાણીઓની સંખ્યાનો રેશિયો નોંધપાત્ર રીતે વધી ચૂકયો હતો અને વર્તમાન સમયમાં માનવ અને પ્રાણીઓ વચ્ચેનાં સંઘર્ષનું મુખ્ય કારણ એ જ છે.

ગ્રામજનોએ ટ્રેક્ટરથી કચડીને વાઘને માર્યો

અવની અવની અંગે તે કહે છે, "અવનીનું મોત એક ગોળીથી થયું. તે લાંબો સમય તડપી પણ નહોતી તે છતાં એના મોત પર લોકો સવાલ ઉઠાવે છે."

"ગત રવિવારે જે રીતે એક વાઘને દૂધવા અભ્યારણ્યમાં ગ્રામલોકોએ ટ્રેક્ટરથી કચડીને મારી નાંખ્યો તેનાં પર કોઈ સવાલ નથી ઉઠાવી રહ્યું."

મહારાષ્ટ્રમાં 2017માં જ ઝેર અથવા ઇલેક્ટ્રિક શૉકની મદદથી 18 વાઘની હત્યા અંગે શોક વ્યકત કરતા શફત ખાન કહે છે કે આ મુદ્દા પર કોઈએ કોઈ સવાલ નથી ઉઠાવ્યો.

તેમણે આગળ જણાવ્યું કે, બ્રિટિશ શાસન વખતે તેમના દાદા સુલતાન અલી ખાને વીસ વર્ષ સુધી માનવ અને પશુઓ વચ્ચેના સંઘર્ષ વિશે માર્ગદર્શન કર્યું હતું, તેમાંથી તેમણે આ જ્ઞાન મેળવ્યું છે.

શફત અલી ખાને 19 વર્ષની ઉંમરે પોતાના પ્રથમ પ્રોજેક્ટ પર કામ કરેલું, જેમાં તેમને 12 લોકોની હત્યા કરનાર તોફાની હાથીને મારવાનો હતો.

1976માં મૈસૂરના વહિવટી તંત્ર સાથે કરેલા આ કામના કારણે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી હતી.

ઑગસ્ટ 2017માં ઝારખંડમાં 15 લોકોને મારનાર હાથીને તેમણે કઈ રીતે એક જ બૂલેટથી મારી નાખેલો, એ કિસ્સો પણ તેમણે જણાવ્યો.

પોતાની નિશાનેબાજીની સિદ્ધિ વર્ણવતા તેમણે કહ્યું કે, 1968માં 12 વર્ષની ઉંમરે તેમને ભારત સરકાર દ્વારા ટાર્ગેટ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.

ખાને 2014માં 'માનવભક્ષીઓ અને વનજીવન' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે વાઘની માનસિકતાની વાત કરી છે.

તેમણે કહ્યું કે, સામાન્ય લોકો વાઘની માનસિકતા અને વર્તન નથી સમજી શકતા. જ્યારે લોકોનો જીવ જોખમમાં હોય ત્યારે વ્યવસાયિક કૌશલ્ય સાથે કામ થવુ જોઈએ.

ખાન હાલ જે લોકો પશુઓને શોધવામાં કૌશલ્ય મેળવવા માગતા હોય તેમને તાલીમ આપે છે, તેમજ તેલંગણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને આંધ્રપ્રદેશ સહિત 6 રાજ્યની સરકાર સાથે રિસોર્સ પર્સન તરીકે સેવાઓ આપે છે. આ દરેક સેવાઓ તેઓ વિનામૂલ્યે આપે છે, કારણ કે, પોતાના કૌશલ્યને તેઓ લોકોના જીવ બચાવવા માટેની સેવાનું સાધન ગણે છે.

તેમના રસના અન્ય વિષયો અંગે શફત અલી ખાને જણાવ્યું કે, તેમને ગરીબો અને વૃદ્ધો માટે કામ કરવુ ગમે છે. કોઇ વૃદ્ધને રસ્તો પાર કરાવવા પોતાની કારમાંથી નીચે ઊતરતા તેમને સંકોચ નથી થતો.

આ સાથે જ તેઓ હૈદ્રાબાદમાં વનજીવનને લગતી એક બિનસરકારી સંસ્થા પણ ચલાવે છે તેમજ પટનાના બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફમાં પણ સેવાઓ આપે છે.

તેઓ ટાર્ગેટ શૂટીંગના 100થી પણ વધુ મેડલ ધરાવે છે, તેમજ નેશલન રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સભ્ય છે.

મહારાષ્ટ્રના ઓપરેશન અવનીમાં તેમની પસંદગી પર પણ ઘણા પ્રશ્નો ઉઠ્યા છે, એ પ્રક્રિયા અંગે તેમણે જણાવ્યું કે, મુખ્ય જંગલ સંરક્ષક અધિકારી આ પ્રકારના ઓપરેશનને મંજુરી આપતા હોય છે.

આ વાઘને શોધવાની જવાબદારી તેમને સોંપવામાં આવેલી, તેના બદલે તેમના પુત્ર અસગર અલીએ વાઘણને શૂટ કરી, જેની અનેક લોકોએ ટીકા કરી છે. આ અંગે બચાવ કરતાં તેઓ જણાવે છે કે, અસગર અલી પણ તેમની ટીમનો એક ભાગ છે અને તે એક અધિકૃત વ્યક્તિ છે.

અસગર અલી ખાને યુકેની લિડ્ઝ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યુ છે અને તે રાષ્ટ્રિય કક્ષાનાં શૂટર છે.

હાલ તેઓ તેમના પિતા દ્વારા હાથ ધરાતા ઓપરેશનમાં તેઓ મદદ કરે છે.

શફત અલી ખાને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારના શૂટ એટ સાઇટના આદેશને સમર્થન આપવામાં આવ્યુ પછી જ અવનીને મારવાનો નિર્ણય લેવાયો હતો.

મેનકા ગાંધીએ તેમની વિરુદ્ધ કરેલા આક્ષેપોને રદિયો આપતાં શફત અલી ખાને કહ્યું કે, મેનકા ગાંધીના આરોપ પાયા વિહોણા છે અને હું તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ કરવાનો છુ. તેમણે એમ પણ કહ્યું કે, તેમની વિરુદ્ધમાં કોઈ જ ગુનો નોંધાયો નથી અને ક્યારેય કોઈ કોર્ટે તેમને ગુનેગાર જાહેર નથી કર્યા.

પોતાની કારકિર્દીનાં પડકારો અંગે શફત અલી ખાન કહે છે કે, હિંસક પશુઓનો સામનો કરતાં તેમણે અનેક વખત મોતને નજર સામે આવી ગયેલુ અનુભવ્યુ છે પરંતુ મને ખતરાનો નશો છે અને તેને હું પડકાર તરીકે જોઉ છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો