લૉટરીથી કરોડપતિ બનેલા લોકો કેવી રીતે બને છે કંગાળ?

    • લેેખક, જે.એલ. જાગોર્સ્કી
    • પદ, બીબીસી ગુજરાતી

એક વ્યક્તિ, એક અબજ 53 કરોડ 70 લાખ અમેરિકન ડૉલરનો મેગા મિલિયન જેકપૉટ જીતી ગઈ છે.

જોકે, રિસર્ચથી એ જાણવા મળ્યું છે કે આ વાતની સંભાવના ઘણી વધારે છે કે તે વ્યક્તિ એટલી ભાગ્યશાળી ના હોય.

આ જેકપૉટ માટે જુલાઈમાં 25 ડ્રૉ કાઢવામાં આવ્યા હતા, જેમાં કોઈ પણ ડ્રૉમાં એક પણ વ્યક્તિ વિજેતા બની નહોતી.

જેના લીધે લૉટરીની રકમ વધતી ગઈ અને આ દુનિયાનું સૌથી મોટું ઇનામ ધરાવતી લૉટરી બની ગઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સૌથી મોટી લૉટરીનો રેકર્ડ વર્ષ 2016નો છે, જ્યારે પાવરબૉલ ગેમ 1.6 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી.

મેગા મિલિયન જેકપૉટ જીતવાની સંભાવના ઘણી ઓછી હોય છે.

એક અનુમાન પ્રમાણે 30.3 કરોડ લોકોમાંથી માત્ર એક વ્યક્તિ જીતી શકે છે.

આનાથી 400 ગણી વધુ સંભાવના તમારી હાર થાય તેની હોય છે.

જો અમેરિકાનો દરેક પુખ્ત નાગરિક માત્ર એક જ ટિકિટ ખરીદે અને એનો નંબર અલગ હોય તો પણ એ વાતની સંભાવના વધારે રહેલી હોય છે કે ડ્રૉમાં કોઈ વિજેતા ના મળે અને રકમ વધતી જાય.

હવે વિજેતાની જાહેરાત અને ઇનામના દાવા પછી એક રોમાંચક સવાલ એ પેદા થાય છે કે ઇનામના પૈસા અને 'ભાગ્યશાળી' ટિકિટધારકનું શું થાય છે?

રિસર્ચ મુજબ મોટાભાગે તમે અપેક્ષા રાખી ન હોય તેવું થાય છે.

આશા કરતાં નાનું ઇનામ

જેકપૉટ દેખાવે જેટલો મોટો જણાય છે તેટલું ઇનામ મળતું હોતું નથી.

જો કોઈ વિજેતા ઇનામ પર દાવો કરે તો તેના આગલા દિવસે જ 1 અબજ 53 કરોડ 70 લાખ ડૉલરનો ચેક મળતો નથી.

વિજેતાને 87.8 કરોડ ડૉલરની એકસામટી રકમ કે આવનારાં 30 વર્ષોમાં 1 અબજ 53 કરોડ 70 લાખ ડૉલરની સંપૂર્ણ રકમની ચૂકવણી, આ બન્નેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે.

આ રકમની વાર્ષિક ચૂકવણી શરૂઆતમાં ઓછી હોય છે અને ધીરે ધીરે વધે છે. આ પૈસાનો એક મોટો ભાગ ટૅક્સમાં જશે.

જો ફ્લોરિડા કે ટેક્સાસ જેવા ટૅક્સ મુક્ત રાજ્યની લૉટરીનો વિજેતા છે અને તે એકસામટી રકમની પસંદગી કરે તો ફેડરલ સરકાર લગભગ 21.1 કરોડ ડૉલરનો ટેક્સ વસૂલશે. આ રીતે વિજેતા પાસે 66.7 કરોડ જ બાકી રહેશે.

એક રિપોર્ટ અનુસાર, આ વખતે ભાગ્યશાળી ટિકિટ સાઉથ કેરોલિનામાંથી ખરીદવામાં આવી હતી.

આ રાજ્ય 7 ટકા લૉટરી ટૅક્સ વસૂલે છે અને આ રીતે વિજેતા પાસે 60.6 કરોડ ડૉલર જ બચશે.

જેકપૉટ હવે નાનો દેખાવવા માંડ્યો છે. જોકે, હજુ આમાં બીજા ફેરફાર થવાના બાકી છે.

આવેલાં નાણાં ક્યાં ગયાં?

સામાન્ય સમજણ પ્રમાણે કહેવાય છે કે લૉટરી જીતવાથી તમારી જિંદગી બદલાઈ જશે.

આવું હકીકત બનવાની સંભાવના હંમેશા રહેતી હોય છે પણ એક શોધને આધારે જાણવા મળ્યું છે કે તમે જેવી આશા રાખો છો તેવું બનતું હોતું નથી.

અર્થશાસ્ત્રી ગિડો ઇમ્બેન્સ અને બ્રૂસ સૈકડોર્ટ અને આંકડાકીય નિષ્ણાત ડોનલ્ડ રૂબિને વર્ષ 2001ના પેપરમાં એ જણાવ્યું હતું કે અચાનક પ્રાપ્ત થયેલા પૈસાને લોકો આડેધડ ખર્ચતા હોય છે.

લૉટરી જીત્યાનાં 10 વર્ષ બાદ એમની પાસે દરેક ડૉલરના માત્ર 16 સેન્ટ જ બચી શકે છે.

મારા પોતાના રિસર્ચમાં મને જાણવા મળ્યું કે 20,30 કે 40 વર્ષના સરેરાશ વ્યક્તિને વારસામાં કે ભેટ સ્વરૂપે જ્યારે કોઈ મોટી રકમ મળી ત્યારે એમણે ખર્ચ કે મનફાવે તેમ રોકાણ કરી તરત જ પોતાના અડધા પૈસા વેડફી નાખ્યા.

બીજા સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે લૉટરીથી આર્થિક રીતે નબળા લોકોને પોતાની સ્થિતિ સુધારવામાં કોઈ મદદ મળી નહીં.

બસ થોડાક દિવસો માટે એમનું દેવાળું ફૂંકાતું અટકી ગયું.

એક અન્ય સંશોધનથી જાણવા મળ્યું છે કે એક તૃત્યાંશ લૉટરી વિજેતાઓનું દેવાળું ફૂંકાઈ જતું હોય છે.

સમગ્ર પૈસા વેડફી નાખવા સરળ નથી

કોઈ લૉટરી વિજેતા કેટલી જલદી લાખો ડૉલર વેડફી શકે છે? એ કહેવું સરળ નથી.

લૉટરી રમનારાઓના ડેમોગ્રાફિક રિસર્ચ અનુસાર, લોકો જ્યારે 30 થી 39 વર્ષની ઉંમર ધરાવતા હોય છે ત્યારે વધારે લૉટરી રમતા હોય છે.

ઉંમર વધવાની સાથે આમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે. અમેરિકામાં એક માણસની સરેરાશ ઉંમર 79 વર્ષ છે.

એનો અર્થ એ થયો કે જો કોઈ લૉટરી વિજેતા મહિલા ઉંમરના ચોથા પડાવ પર છે તો એમની પાસે લગભગ 90 કરોડ ડૉલર ખર્ચ કરવા માટે 45 વર્ષ હશે.

એટલે કે ખર્ચ કરવા માટે એમની પાસે દર વર્ષના લગભગ 2 કરોડ ડૉલર એટલે કે દરરોજના 55 હજાર ડૉલર હશે.

બૅન્કમાં મૂકેલા પૈસાને ઉમેરી દો તો આ રકમ હજી વધી જશે.

તમામ નાણાં વાપરી નાખવાનો અર્થ છે કે વિજેતા પાસે કોઈ સંપત્તિ નથી.

જો તે આલીશાન ઘર, મોંઘાં પેઇન્ટિગ્સ, ફેરારી અને એસ્ટન માર્ટિન જેવી ગાડીઓ ખરીદવા માટે પૈસાનો ઉપયોગ કરે છે તો એમની સમગ્ર સંપત્તિ વાસ્તવમાં બદલાશે નહીં અને તે પોતાની મિલકત યથાવત્ રાખી રિટાયર થઈ શકશે.

કંઈ પણ બચત કર્યા વગર તમામ પૈસા વેડફી દઈ, દેવાળું ફૂંકી દેવાનો અર્થ છે કે વિજેતાએ માત્ર મોજમજા પાછળ જ પૈસા વેડફી નાખ્યા છે.

અબજપતિમાંથી કંગાળ

હન્ટિગ્ટન હર્ટફોર્ડ નામના એક માણસે બરાબર આવું જ કર્યું હતું.

હર્ટફોર્ડ વર્ષ 1911થી માંડીને વર્ષ 2008 સુધી જીવતા રહ્યા હતા. તેઓ 'ધ ગ્રેટ એટલાન્ટિક એન્ડ પેસેફિક ટી' કંપનીના વારસદાર હતા.

આ કંપનીની શરૂઆત અમેરિકન સિવિલ વૉરની પહેલાં જ કરવામાં આવી હતી. જે એ એન્ડ પી (A&P) સુપરમાર્કેટ ચેન માટે જાણીતી હતી.

એ એન્ડ પી (A&P) અમેરિકાનો પહેલો કોસ્ટ-ટૂ-કોસ્ટ ફૂડ સ્ટોર હતો.

પહેલા વિશ્વયુદ્ધથી માંડી 1960ના દાયકા સુધી અમેરિકન ખરીદદારો માટે આજના વૉલમાર્ટ જેવો હતો.

હર્ટફોર્ડ જ્યારે 12 વર્ષના હતા ત્યારે એમને લગભગ 9 કરોડ ડૉલર વારસામાં મળ્યા હતા.

મુદ્રાસ્ફીતિને ઉમેરી દેવામાં આવે તો આજે આ રકમ 1.3 અબજ ડૉલર કરતાં વધારે છે.

આટલો મોટો વારસો મળ્યાના લગભગ 70 વર્ષ બાદ વર્ષ 1992માં હર્ટફોર્ડને ન્યૂ યૉર્કમાં નાદાર જાહેર કરી દેવામાં આવ્યા હતા.

હર્ટફોર્ડે જ્યાં પણ નાણાં રોક્યાં તે ડૂબી ગયાં. રિયલ ઍસ્ટેટ ખરીદવામાં તેમણે લાખો ડૉલર વેડફી નાખ્યા.

આર્ટ મ્યૂઝિયમ બનાવ્યાં, થિયેટર અને શોઝ સ્પોન્સર કરવામાં પણ એમના ઘણાં નાણાં ડૂબી ગયાં.

એમની વેપાર અંગેની આવડત પણ ઊતરતી કક્ષાની હતી છતાં પણ તેઓ ઠાઠમાઠનું ભરેલું જીવન જીવતા હતા.

નાદાર જાહેર થયા બાદ તેમણે બહામાસમાં પોતાની દીકરી સાથે એકલવાયું જીવન વ્યતિત કર્યું હતું.

નસીબ સાથ આપે

હર્ટફોર્ડની વાત સાથે એક એકૅડેમિક શોધ એ પણ દર્શાવે છે કે અચાનક આવતું ધન હંમેશાં આનંદ આપે જ તેવું નથી હોતું. એ વેડફાઈ જવાની સંભાવના વધારે હોય છે.

જો તમે લૉટરી રમો છો અને જીતતા નથી તો હું ઇચ્છીશ કે ફરી વખતે તમારું નસીબ જોર કરે.

જો તમે રમ્યા છો અને જીત્યા છો તો હું ઇચ્છીશ કે તમારું નસીબ હજી વધારે જોર કરે.

એક મહત્ત્વપૂર્ણ બોધપાઠ, તમે લૉટરી રમો કે ના રમો જો તમને અચાનક પૈસા મળે છે કે તમે લૉટરી જીતો છો તો આગળની યોજના ઘડો અને બધા જ નાણાં ખર્ચી નાખવાની જન્મજાત લાલચથી બચો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો