You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
KBC 9ની પહેલી કરોડપતિને શું તમે જાણો છો?
કૌન બનેગા કરોડપતિની નવમી સીઝન ચાલી રહી છે. ટીઆરપીના મામલે આ ટોચના કાર્યક્રમોમાંનો એક છે.
જેના કારણોમાં સૂત્રધાર અમિતાભ બચ્ચનની સાથે સાથે આ કાર્યક્રમમાં આવતા રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા સ્પર્ધકો પણ છે.
આ સીઝનના પ્રથમ કરોડપતિ મળી ગયા છે. આ કરોડપતિ એક મહિલા છે. આ ઍપિસોડનો પ્રોમો પણ ચેનલ પર પહેલા પ્રસારિત કરાયો.
આ કરોડપતિનું નામ છે અનામિકા મજૂમદાર. તેઓ ઝારખંડના જમશેદપુરના રહેવાસી છે.
અનામિકાએ તમામ લાઇફ લાઇનના ઉપયોગ કર્યા બાદ પણ એક કરોડનો સવાલનો જવાબ આપવાનું નક્કી કર્યું અને જવાબ પણ આપ્યો. 7 કરોડના સવાલ માટે તેઓ મક્કમ નહોતા.
'ફેથ ઇન ઇન્ડિયા' નામનું એનજીઓ ચલાવનાર અનામિકાએ બીબીસી સાથે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ નથી આવતો કે આટલી મોટી રકમ જીતવામાં તેઓ સફળ રહ્યા છે.
સંગીતનો તેમને શોખ છે. અનામિકાને પુસ્તકો વાંચવાનો પણ એટલો જ શોખ છે.
અનામિકાને જ્યારે પૂછાયું કે તેઓ શું કરે છે તો તેમણે કહ્યું "હું ગરીબ બાળકો માટે કામ કરું છું. મારા પોતાના બાળકો મોટા થઈ ગયા છે. એવામાં બીજા બાળકો માટે કંઇક કરવા માંગુ છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્યારથી શરૂ કરી સમાજસેવા?
અનામિકાએ બાળકો માટે કામ કરવાનું 7-8 વર્ષ પહેલા શરૂ કર્યું. પહેલા તેમના શિક્ષણ માટે કામ કર્યું. પરંતુ બાળકોનું તેમાં મન ન લાગ્યું.
તેમણે કહ્યું "પરંતુ જે હું શીખવાડવા માંગતી હતી તે તેમને ગમતું નહોતું. એટલે તેમનામાં પૉઝિટિવ એનર્જી ભરવા વિશે વિચાર્યું. મેં તેમના માટે ગીતો અને નાટકો બનાવવાના ચાલુ કર્યા."
અનામિકાએ કહ્યું કે તેમણે એક ગ્રૂપ બનાવ્યું જે નાટકો પર્ફૉર્મ કરે છે. મંચ મળવા લાગતા બાળકોમાં બદલાવ જોવા મળ્યો. ફાટેલાં કપડાં પણ સિવાઈ ગયા. બાળકો સ્કુલ પણ જવા લાગ્યા.
અનામિકા આ દિવસોમાં એકલી કામ કરી રહી હતી. એટલે લોકોએ તેમને કહ્યું કે આવી કોશિશોથી કંઈ ખાસ નહીં થાય. લગભગ ત્રણ વર્ષ પહેલા તેમણે એનજીઓની નોંધણી કરાવી.
અનામિકા તેમના એનજીઓ 'ફેથ ઇન ઇન્ડિયા' માં ફેથના અંગ્રેજી મૂળાક્ષરોને અનામિકા આ રીતે વર્ણવે છે. FAITH - Female Aura Initiative Towards Hope.
તેમણે કહ્યું કે કામ કરતા કરતા ઝારખંડના સીએમની નજર પડી તો તેમને બે લાખ રૂપિયા આપ્યા, એ પણ જલદી ખતમ થઈ જશે.
અનામિકાના પતિ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં છે. તેઓ ઘરના પૈસા ઘણી વખત એનજીઓમાં લગાવે છે. જેથી તેમના પતિ નારાજ પણ થાય છે.
KBCમાં કઈ રીતે પહોંચ્યા?
તેઓ કહે છે તેમણે ઑડિશન આપ્યું પણ તેમને કોઈ ફોન ન આવ્યો. થયું કે કંઈ નહીં થાય. પછી અચાનક ફોન આવ્યો.
15-20 દિવસનો સમય હતો એટલે મેં પૂરી મહેનતથી તૈયારી કરી. તેમનો ઍપિસોડ 27-28 સપ્ટેમ્બરે ફિલ્માવાયો હતો.
અનામિકાનું કૉમર્સ બૅક ગ્રાઉન્ડ છે અને કમ્પયૂટર્સમાં ડિપ્લોમા કરેલું છે.
તેમનો દીકરો નવમા અને દીકરી સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે.
તેમણે કહ્યું કે તેમનો અનુભવ ઘણો અદભુત રહ્યો. અમિતાભ બચ્ચન સાથેના અનુભવ પર તેમણે કહ્યું કે તેમની આસપાસ કેટલાય લોકો ઘેરાયેલા રહે છે.
જીતેલી રકમનું તેઓ શું કરશે ત્યારે તેમને પૂછ્યું. તેમણે કહ્યું, "આ પૈસાને વ્યર્થ નથી જવા દેવા. વધુમાં વધુ લોકો સુધી તે પહોંચે તેવી કોશિશ રહેશે."
તેમણે પ્રધાનમંત્રી મોદીને ઝારખંડની મહિલાઓની સમસ્યાઓને લઇને પત્ર લખ્યો છે પણ જવાબ નથી મળ્યો. તેમને આશા છે કે હવે તેમને જવાબ મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો