You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેક ન્યૂઝનો ભોગ બનેલો મદારી સમુદાય ગુજરાત આવતા કેમ ડરે છે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી (પાલી રાજસ્થાનથી)
26 જૂન 2018ના રોજ 45 વર્ષના ચુનનાથ કાલબેલીયાની દુનિયા જાણે ખતમ થઈ ગઈ, જ્યારે તેમનાં પત્ની શાંતા દેવીને ટોળાએ અમાદાવાદમાં મારી નાખ્યાં.
બાળકોને ઉપાડી જતી ગૅંગ વિશેનાં વૉટ્સઍપ મૅસેજથી પ્રોત્સાહિત થઈને ભરબજારે ટોળાએ શાંતાદેવીને મારી નાંખ્યા હતાં.
આ ઘટનાએ ચુનનાથ અને તેમના સમાજના અનેક લોકોને એટલા ડરાવી દીધા કે તેઓ ત્યારબાદ પોતાના ગામથી બહાર નીકળીને અમદાવાદ સુધી આવતા પણ ડરે છે.
પોતાના નાનાકડા પ્લાસ્ટિકના શેડવાળા ઘરમાં બેઠા-બેઠા ચુનનાથ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "મદારી સમાજ ભીખ માગીને જ પોતાનું ગુજરાન ચલાવતો હોચ છે, પરંતુ આ ઘટના બાદ ખૂબ જ ઓછા લોકો અમદાવાદમાં ભીખ માગવા આવે છે."
"અમને બીક છે કે ફરીથી આવી કોઈ ઘટના બનશે અને અમને કે અમારા સમાજની મહિલાઓ પર ફરીથી હુમલો થશે."
મદારી સમાજના આશરે 50 લોકો રાજસ્થાનના પાલી જીલ્લાના કોરટા ગામે રહે છે. આ સમાજના લોકો શાંતાદેવીની હત્યાની ઘટના બાદ હજી સુધી પોતાના જિલ્લાથી બહાર નીકળીને ભીખ માગવા ગયા નથી.
ચુનનાથે કહ્યું કે તેઓ આસપાસનાં ગામમાં જ જઈને ભિક્ષાવૃત્તી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
એક ખોટો મૅસેજ અને મહિલાની હત્યા
બાળક પકડતી ગૅંગ વિશેના ખોટા મૅસેજ સોશિયલ મીડીયા પર વાઇરલ થયા બાદ કોરટા ગામના મદારી સમાજના લોકોએ પોતાને પોતાના જ ગામમાં બંધ કરીને રાખ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નાનકડું સેટલમૅન્ટ પોતાની સુરક્ષા માટે સરકાર તરફથી બાંહેદરીની રાહ જોઈ રહ્યું છે. આ સમાજ દાયકાઓથી માત્ર ભિક્ષાવૃત્તી દ્વારા જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે.
આસુદેવી અને બાલકીદેવી નામની બે મહિલાઓ સાથે શાંતાદેવી કાલબેલીયા 26 જૂન 2018ના રોજ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ભીખ માગવા ગયાં હતાં.
આ ત્રણેય મહિલાઓ બાળક ચોર ગૅંગનાં સભ્ય છે તેમ માનીને ટોળાએ તેમની ઉપર હુમલો કર્યો, જેમાં શાંતાદેવીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
(ભારત, કેનિયા તથા નાઇજીરિયામાં બીબીસી દ્વારા હાથ ધરવામાં આવેલા રિસર્ચના તારણ વાંચવા માટે અહીં ક્લિક કરો.)
તમે આ વાંચ્યું કે નહીં?
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આસુદેવી જેમની ઉપર પણ હુમલો થયો હતો તેઓ કહે છે, "બચવા માટે અમે જ્યારે એક રિક્ષામાં બેસ્યા તો તેમણે રિક્ષાને રોકી અને અમને મારવા લાગ્યા."
"શાંતાદેવીને વધારે માર પડતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયાં હતાં"
આ ઘટના બાદ અમદાવાદ પોલીસે ૨૫ લોકોની ધરપકડ કરી હતી અને તે બધાય અત્યારે સાબરમતી જેલમાં છે.
શાંતાદેવી પોતાનાં ત્રણ બાળકો સાથે કોરટા ગામમાં રહેતાં હતાં. આ પરિવાર ભિક્ષા માગવા અમદાવાદમાં આવતો હતો અને અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં એક ઝૂપડું બનાવીને રહેતો હતો.
તેમના પતિ ચુનનાથ પણ ભીખ માગવાનું જ કામ કરે છે. તેમની બે દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યાં છે.
ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા
જોકે, આ ઘટનાને 5 મહિના થઈ ચૂક્યા છે અને મદારી સમાજના લોકો શહેરોમાં ફરીને નાચ-ગાન કે સંગીત વગાડીને ભીખ માગવાનું કામ કરતા હતા, તે બિલકુલ બંધ કરી દીધું છે.
મુખ્યત્વે તો પાલી અને સિરોહી જિલ્લાના મદારી સમાજના લોકો હજી સુધી આ બીકમાંથી બહાર આવી શક્યા નથી.
ચુનનાથે કહ્યું, "તેઓ એ જ વિસ્તારનાં ગામોમાં ફરીને ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે."
જોકે, બીજી બાજુ ગુજરાત સરકારે મદારી સમાજ અને તેમનાં જેવી બીજી અનેક વિચરતી-ભટકતી જનજાતિઓ માટે વાતચીત કરવાની શરુઆત કરી દીધી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વર પરમારે કહ્યું, "આ સમાજના અનેક લોકો અને આગેવાનો સાથે મુલાકાત થઈ છે અને હવે આ લોકો બીકને લીધે બહાર ન આવતા હોય તેવી કોઈ વાત મારા ધ્યાન પર આવી નથી."
પરમારે વધુમાં જણાવ્યું, "વિચરતી-ભટકતી જનજાતિઓ સાથે અમે હજી બીજા કાર્યક્રમો કરીશું અને તેમને આ રાજ્યમાં પૂરતી સુરક્ષાનો અનુભવ થાય તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ."
અમદાવાદ જીલ્લાના કલેક્ટર વિક્રાંત પાંડેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે શાંતાદેવીની હત્યાની ઘટના બાદ સાઇબર ક્રાઇમ સેલ હરકતમાં આવી ગઈ હતી અને આ પ્રકારના મૅસેજ ન ફેલાય તે દિશામાં કામ કરી રહી છે.
પાંડેએ વધુમાં જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં ફેક ન્યૂઝ પર કાયદો ઘડવાની પણ તૈયારી કરી રહી છે, જેથી સોશિયલ મીડીયા અને ખાસ તો વૉટ્સઍપ જેવી ઍપ પર અફવાઓ અને ખોટા મૅસેજ ફેલાતા રોકી શકાય.
કપડાંને કારણ હુમલો
જોકે, ગુજરાત સરકારે 9 ઑક્ટોબર 2018ના રોજ ચુનનાથને સહાય પેટે રુપિયા ૮ લાખનો ચેક આપ્યો હતો.
મદારી સમાજના લોકો સાપ બતાવીને ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
જોકે, વાઇલ્ડલાઇફ પ્રૉટેક્શન ઍક્ટમાં બદલાવ થયા બાદ તેમનો આ વ્યવસાય ગેરકાયદેસર થઈ ગયો અને ત્યારબાદ પરિવારની મહિલાઓ પણ ભીખ માગવા ઘરથી બહાર નીકળવા લાગી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કર્મશીલ અને ફિલ્મમેકર દક્ષિણ બજરંગે કહે છે કે આ સમાજના લોકો પોતાના પરંપરાગત પરિધાનમાં જ જોવા મળે છે.
તેઓ ભીખ માગવા માટે વિચરતું જીવન જીવતા હોય છે. તેઓ જ્યાં જાય ત્યાં તેઓ એક અજાણી વ્યક્તિ જ હોય છે અને તેમનાં કપડાંને કારણે તેમના પર શંકા થતી હોય છે. માટે ફેક ન્યૂઝના તેઓ સૌથી પહેલા શિકાર થાય છે."
ફેક ન્યૂઝ અને તેનાથી થયેલાં મૃત્યુ
indiaspend.com નામની એક વેબસાઇટે 2017 અને 2018 દરમિયાન બાળક ચોર ગેંગના મૅસેજના કારણે દેશભરમાં બનેલી ઘટનાઓના આંકડાને એકત્રિત કર્યાં છે.
આ આંકડા પ્રમાણે આ બે વર્ષોમાં આ 69 ઘટનાઓ બની છે, જેમાં 33 લોકોનાં મૃત્યું થયાં છે.
મૉબ લિન્ચિંગની આડમાં સૌથી વધુ 15 ઘટનાઓ બની હતી જ્યારે તામિલનાડુમાં 12 ઘટનાઓ બની હતી.
જોકે, સૌથી વધુ 5 લોકો મહારાષ્ટ્રમાં મર્યા છે, જ્યારે ગુજરાતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
સરકાર અને વૉટ્સઍપ
3 જુલાઈ, 2018ના રોજ ભારત સરકારના ઇલેક્ટ્રૉનિક્સ અને આઈટી ખાતાએ જણાવ્યું હતું કે વૉટ્સઍપના માધ્યમથી ખોટા સમાચારોનો ફેલાવની સરકારે નોંધ લીધી છે.
સરકારે આ પ્રાકરના મૅસેજનો ફેલાવ રોકાય તે માટે વૉટ્સઍપને જાણ કરવામાં આવ્યું હતું.
જોકે, ત્યારબાદ વૉટ્સઍપ એ ફોરવર્ડ ટેગવાળા મૅસેજ શરુ કર્યા હતા અને તેની સાથે-સાથે એક સાથે 5થી વધુ ફોન નંબર ઉપર મૅસેજ ન મોકલી શકાય તેવું આયોજન ઍપ પર કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો